gajeravidyabhavanguj
World Health Day
'પહેલું સુખ તે જાતે નર્યા'

૭ એપ્રિલ દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા આ દિવસની શરૂઆત 1950 માં કરવામાં આવી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક આરોગ્ય અને તેની સાથે સંકળાયેલી સમસ્યાઓ ધ્યાનમાં લેવાનો છે. આરોગ્યના મહત્વ તરફ મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વ હેઠળ દર વર્ષે ૭ એપ્રિલના રોજ 'વિશ્વ આરોગ્ય દિવસ' ઉજવવામાં આવે છે. નોંધનીય છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સૌ પ્રથમ 1948 માં જિનીવામાં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્ષ 1950 માં આખી દુનિયામાં પહેલી વખત વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) નું મુખ્ય મથક સ્વિઝર્લેન્ડના જિનીવા શહેરમાં સ્થિત છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરના લોકોના આરોગ્યનું સ્તર ઉંચું રાખવાનું છે.
"પહેલું સુખ એ શારીરિક શરીર છે, સુખના ઘરમાં સુખ છે"

દરેક વ્યક્તિનું શારીરિક તેમજ માનસિક સ્વાસ્થયની જાળવણી એ ખુબ જ મહત્વની છે. એકવીસમી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી હોવાની સાથે-સાથે સાંપ્રત સમયમાં થઇ રહેલું શહેરીકરણ, આધુનિકીકરણ,
કારણે ખોરાક પણ બદલાયા છે. તેથી તેની સીધી અસર આરોગ્ય પર પડે છે. આ સાથે સાથે આજના યુવાનો દેખાદેખીમાં નાની વયે અનુકરણ કરવામાં ક્યાંક તમાકુ, બીડી, સિગારેટ વગેરે દુષણો તરફ વળે છે અને પરિણામે દેશના નાગરિકોનું આરોગ્ય સુરક્ષિત રહેતું નથી. એક અભ્યાસ પ્રમાણે વિશ્વના જેટલા પણ દેશો છે તેમાં સૌથી વધુ યુવાધન એ ભારત પાસે છે. પરંતુ ભારતની કમનસીબી એ છે કે આજના યુવાનો એ વ્યસન તરફ વળી રહ્યાં છે.
"તન-મનની શુદ્ધતા જ સ્વસ્થતા છે."
આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે, પણ બીજી તરફ લોકોની કથળતી જતી જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે. આવો, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિતે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં અને સમગ્ર જીવન દરમિયાન આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે કેટલાંક સંકલ્પ કરીએ...
"આહાર એ જ ઔષધ છે."

સંતુલિત આહાર - વ્યસ્ત બનતી જતી જીવનશૈલીને કારણે આ નિયમ જાળવવો લોકો માટે દિવસેને દિવસે અઘરો બનતો જઇ રહ્યો છે. પણ થોડો સમય ફાળવીને, ધ્યાન દઇને જો સંતુલિત આહારનું સેવન કરશો તો તમારા શરીરને તમે અનેક બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડશો. કારણ કે તમારો આહાર જ તમારા સ્વાસ્થ્યનું નિર્માણ કરે છે.

વ્યાયામ અપનાવો - આજે તણાવ અને ભાગદોડથી ભરેલું જીવન તો બહુ સામાન્ય બની ગયું છે. આ સમસ્યાઓથી બચવા વ્યાયામ કરો અને તંદુરસ્ત રહો.
"આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે."

સમયસર સ્વાસ્થ્યની તપાસ કરાવો - બીમારીઓથી બચવું હોય તો કોઇપણ બીમારીમાં ચિકિત્સા કરાવવામાં સહેજપણ વિલંબ કે આળસ ન કરશો. તેની સમયસર તપાસ કરાવી યોગ્ય દિશામાં દવા લેવાનું શરૂ કરજો.
તણાવમુક્તિ - તણાવમુક્ત થઇને તમે તમારા તમામ કાર્યો સરળતાથી અને સમયસર કરી શકો છો. માટે તણાવમુક્ત થવાનો પ્રયાસ કરો. પૂરતી ઊંઘ - તણાવમુક્ત રહેવા માટે પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. સમયસર ઊંઘવાની અને સમયસર જાગવાની ટેવ પાડો. જોકે, બીમારી કોઇને પણ, ગમે ત્યારે થઈ શકે છે. માટે તેનાથી બચવાના દરેક સંભંવ પ્રયાસો કરતા રહેવા જોઈએ. તે માટે ઉપરોક્ત સંકલ્પને જીવનમાં અપનાવી આજીવન તમે સ્વસ્થ-તંદુરસ્ત રહી શકશો.
'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'

ગુણવંત શાહે પણ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, 'ભારતમાં લોકો પોતાના આરોગ્ય બાબતે જોઈએ તેટલા ગંભીર નથી. ભારતમાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે.' આનો સુક્ષ્મ અર્થ આરોગ્યની બાબતમાં આજે આપણે ઘણાં પછાત છીએ. આજે સતત થઈ રહેલું હવાનું પ્રદુષણ, અવાજનું પ્રદુષણ, પાણીનું પ્રદુષણ, જમીનનું પ્રદુષણ અને બદલાતા જતાં પર્યાવરણના કારણે વાઈરલ ઈન્ફેકશનનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે જેના કારણે માનવ જીવનનું આરોગ્ય ક્ષતિગ્રસ્ત બન્યું છે.