top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-Newsletter - June 2022



__________________________________________________________________________________


Message From Trustee


"એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે."

- સ્વામી વિવેકાનંદ

વિજયના રસ્તે જવામાં એકાગ્રતા એ એક મોટું પગથિયું છે. એકાગ્રતા વગર ગમે તેવા શુભ ઈરાદા કે ઉત્તમ ધ્યેયો નિષ્ફળ નીવડે છે. પણ એકાગ્રતાને કશુંએ મુશ્કેલ નથી. ઘણા શુભાશયી ઉત્તમ પુરુષો જિંદગીમાં વિજય નથી મેળવી શકતા. કારણ કે તેઓ ઘણી બાબતોમાં એકી વખતે રસ લઇ ધ્યાન વેડફી નાખનારા હોય છે. પરંતુ આ લોકો જો પોતાની તમામ શક્તિનો ઉપયોગ એક જ દિશામાં, એક જ પ્રવૃત્તિ પાછળ એકાગ્ર થઇ કરે તો તે પ્રવૃત્તિમાં જરૂર વિજય મેળવે એટલું જ નહિ પણ પછી તેઓ પોતાની શક્તિ તેવી જ રીતે બીજા જે કામમાં લગાડે તે તે કામમાં સંગીન વિજય મેળવી શકે.

વિજયી માણસ બીજો કરતા હંમેશા વધારે ઉત્સાહી ને શક્તિશાળી હોય છે તેવું કઈ નથી. અરે, ઘણા એ નિષ્ફળ થનાર લોકો તેઓના જેટલી જ શક્તિ ને જોશથી તેમનાથી પણ વધારે કામ કરે છે. પણ તેમની કમનશીબી એટલી જ હોય કે તેઓ જે તે વખતે એક જ વસ્તુ પાછળ એકાગ્ર થતા નથી જયારે વિજયી માણસ પોતાના ધ્યેયમાં નિશ્ચિત હોય છે ને તેના ધ્યેયને તે મંકોડા ની માફક વળગી રહે છે. તેનું મગજ ધ્યેય પ્રાપ્ત કરવા આતુર હોય છે. ગમે તે જોખમ આવે તે પણ તે ડગતો નથી. નિષ્ફળ થનારો માણસ ઘડીકમાં એક જ ચીજ પાછળ પડે છે. પછી વાલી તેમાં કઈક મુશ્કેલી જણાતા, બીજી પાછળ દોડે છે ને એ પ્રમાણે તેનું લક્ષ્યબિંદુ ફરતું જાય છે, પરિણામે તે દરેકમાં નાસીપાસ થાય છે.

માટે તમારૂ લક્ષ્યબિંદુ નક્કી કરો. તમારી ઇચ્છાઓનું કેન્દ્ર નિશ્ચિત કરો. બરાબર નિશ્ચિત કરો. શા માટે તમારે અમુક જોઈએ તે પણ વિચારી લ્યો, તમારી ઈચ્છાઓ જેટલી વધુ ચોક્કસ થશે તેટલી વહેલી ને ચોક્કસ રીતે તે પાર પડશે, કારણ કે ઈચ્છાઓ જેટલી ચોક્કસ તેટલા જ ચોક્કસ તેના પરિણામ આવવાના જ. આ પ્રમાણે એક વખત ઈચ્છાઓ નક્કી થયા બાદ જ્યાં સુધી તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેને બિલકુલ છોડતા નહિ.

આ સાથે જ આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ દરેક બ્રાન્ચમાં ખુબ સરસ મળ્યું છે, તો આ નવા વર્ષમાં પણ ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ સારૂ આવે તે માટેની શુભેચ્છાઓ.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ નું નવું વર્ષ આપ સર્વેને શુભદાયી અને મંગલદાયી રહે એવી શુભેચ્છા.

શ્રી ચુનીભાઈ ગજેરા

મેનેજીંગ ટ્રસ્ટીશ્રી,

ગજેરા ટ્રસ્ટ

__________________________________________________________________________________


Message From Principal

બાળક એક સર્જક છે...,

જો યોગ્ય કેળવણી મળે તો.....

દરેક બાળકમાં ઈશ્વરે કોઈને કોઈને કોઈ અદ્ભુત ખાસિયત મૂકી છે. તે ખાસિયતને ઓળખી તેના બાળકને પારંગત કરવો એ માતા-પિતાનું કર્તવ્ય છે તેના માટે બાળકમાં વિશ્વાસ અને ધીરજ રાખી બાળકને તેની મંઝીલ સુધી પહોંચાડવાનો છે.

બાળકને ઉછેરવું એ એક કળા છે અને માતા-પિતાએ બાળકના પ્રથમ શિક્ષકો છે. શિક્ષણ એક એવી સર્જનાત્મક પ્રક્રિયા છે કે જેના દ્વારા બાળકોની વિચારશક્તિ, તર્કશક્તિ વગેરે જેવી આંતરિક શક્તિઓનો વિકાસ કરી શકાય છે. સર્જનાત્મકતા એ વ્યક્તિની એવી શક્તિ છે જેના દ્વારા તે કંઈક નવી બાબતની શોધ કરે છે. સંપૂર્ણ રીતે કે આંશિક રીતે નવા પદાર્થો કે વિચારોનું સર્જન કરે છે. ટૂંકમાં સર્જનાત્મકતા એ નવસર્જન સાથે સંકળાયેલી છે. બાળકમાં સર્જનાત્મકતાનું સ્તર ૯૮% હોય છે. દરેક માતા-પિતા, શિક્ષકો અને વાલીઓ પોતાના બાળકો પ્રત્યે સાચી સમજ કેળવે તેમનાં કુદરતી વૃદ્ધિ, વિકાસ અને જરૂરીયાતોને ઓળખે તો બાળકોનો સર્વાગી વિકાસ થઈ શકે છે.

"સર્જનાત્મકતા એટલે મૌલિકતા, અસલપણું, કલ્પનાશક્તિ, જુદું વિચારવાની આવડત, વસ્તુઓ ભેગી કરી નવું સર્જવાની કળા"

બાળકોમાં રચનાત્મક કાર્ય, સર્જનાત્મક કાર્ય, સર્જન પ્રવૃત્તિ કરવાની વૃત્તિ ઘણી પ્રબળ હોય છે. તેઓ આજુબાજુની પરિસ્થિતિમાંથી અનુકરણ કરીને કંઈક નવું ઈચ્છે છે. રમકડાં આમતેમ ગોઠવીને કંઈક નવું સર્જન કરે છે. ઘરમાં પહેલાં ટેબલ કે સ્ટુલ પર કેટલીક વસ્તુઓ જુદી જુદી રીતે ગોઠવશે. કપડાંની ઘડી વાળશે. કાગળ માંથી કશુંક બનાવશે. ચિત્ર દોરશે, બધી વસ્તુઓ ભેગી કરી નવી વાર્તાઓ બનાવશે. આ બધી ક્રિયાઓમાં પ્રબળ સર્જન-શક્તિ દેખાય છે. શરૂઆતમાં બાળક વિસર્જન પણ કરે છે. પણ માતા-પિતા અને શિક્ષક તરીકે તેને બહુ સ્વાભાવિક ગણીને પ્રેરણા આપવી જોઈએ. આમ, કરવાથી બાળકની સર્જનવૃત્તિ સંતોષાય છે અને પરિણામે તેના વ્યક્તિત્વનો વિકાસ થાય છે.

- સર્જનાત્મકતાનું મહત્વ

સર્જનાત્મકતા દ્વારા બાળક પોતાના વિચારો અને જ્ઞાનને રજુ કરી શકે છે. પોતાની લાગણી અને ભાવના વ્યક્ત કરી શકે છે. બાળકના નાના/મોટા સ્નાયુઓનો વિકાસ થાય છે. તેના શબ્દભંડોળ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. રંગો, આકારો અને વિવિધ વસ્તુઓ દ્વારા નવું સર્જન કરતા શીખે છે.

- બાળક સર્જક ક્યારે બની શકે

બાળકોને કોયડા ઉકેલ જેવી રમત કે પઝલ આપીને કોઈપણ સમસ્યાનો ઉકેલ જાતે શોધવા દેવો જોઈએ.

વિકટ કે કપરી પરિસ્થિતિ માંથી કેવી રીતે બહાર આવવું તેનો નિર્ણય જાતે કરવો જોઈએ.

બાળકે જાતે લીધેલ નિર્ણય કે સમસ્યાના ઉકેલને યોગ્ય માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવા જોઈએ.

આમ, એક વાલી તરીકે કે શિક્ષક તરીકે જો બાળકને યોગ્ય વાતાવરણ અને વિવિધ અનુભવો આપવામાં આવે તો બાળક સર્જક બની શકે છે.


Mrs. Sunita Hirpara

Principal

Gajera Vidyabhavan, Katargam

__________________________________________________________________________________


Cover Story

હવે બુક....e-બુક બની

...કેમ કે, મોબાઈલમાં ખોવાઈ ગયાં બાળકોનાં પુસ્તકો

આપણે છેલ્લું પુસ્તક ક્યારે વાંચ્યું હતું? કયું વાંચ્યું હતું? શું બાળકો તમને પુસ્તકો વાંચવા ગમે છે ખરા? કદાચ તમારો જવાબ ના હશે. એનું કારણ કે હવે મોબાઈલ, લેપટોપ અને ટી.વી. જ આપણા પુસ્તકો બની ગયા છે. જો તમારાં મમ્મી-પપ્પા કે દાદા-દાદીને પૂછશો તો તેઓ તેમણે વાંચેલા અઢળક પુસ્તકોનાં તમને નામ આપશે. શું તમારી પાસે આવી કોઈ મનપસંદ પુસ્તકોનાં નામની સૂચી છે?

પુસ્તકો વર્ષોથી વિવિધ માહિતીઓનો ભંડાર પીરસી રહ્યાં છે. ચંપક, ચાંદામામા, નંદન, ટીનટીન, મિયાં ફૂસ્કી, ચાચા ચૌધરી, ટીંકલ, નિરંજન, મેજિક પોટ વગેરે જેવા કેટલા બધા પુસ્તકો-મેગેઝિનનો મનોરંજનની સાથે ઘણી સારી-સારી વાતો પણ શીખતી દેતા હતા, જેમકે અન્યોનું સન્માન કરવું, દોસ્તી નિભાવવી, સારા સંસ્કાર અને આચરણને લગતા પાઠ બાળકો રમત-રમતમાં શીખી જતા હતા. જે રીતે અત્યારે ફક્ત સ્કુલના પુસ્તકો આપણને શીખવી રહ્યાં છે. આજે તમે બધા ટેકનોલોજીથી ખુબ નજીક થઈ ગયા છો. પરંતુ એક સારું પુસ્તક એક નવી દુનિયામાં લઈ જવાનો દરવાજો છે, એ વાત બસ ભૂલશો નહીં બદલાતા સમય સાથે પુસ્તકોનું સ્વરૂપ પણ હવે ટેકનોલોજીએ લીધું છે. મહત્વનું છે વાંચન સાથે જોડાયેલા રહેવું. પછી ભલે એ કાગળ પર છાપેલા શબ્દો રૂપે આપણે વાંચી રહ્યાં હોઈએ કે સ્ક્રીન પર ડીજીટલી વાંચી રહ્યાં હોઈએ.

__________________________________________________________________________________


Classroom News

મહિનાના સુવિચાર
  • સીધ્ધાની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.

  • સૂર્ય જેવા નિયમિત બનો અને ચંદ્ર જેવા શિતળ બનો.

  • પ્રેમ જ જીવનને સપ્તરંગી બનાવે છે.

  • અનુભવ જ્ઞાનનો પિતા છે અને યાદશક્તિ તેની માતા.

  • વિધતાની સ્વીકૃતિ ત્યારે જ શક્ય છે, જયારે એકત્વનું દર્શન હોય.

  • પ્રકૃતિ દરેક પ્રત્યે સમભાવ રાખે છે.

  • શિષ્ટાચારથી દરેક કાર્ય ઝડપી અને સમયસર થાય છે.

  • બીજાને સુખી કરે તે જ સુખી થઈ શકે.

  • જીંદગીતો સસ્તી જ છે દોસ્ત, મોંઘી તો જીવવાની રીત છે.

  • બોલતાં પહેલાં હંમેશા બીજાને સાંભળવા જોઈએ.

  • બાળકને શિક્ષણ રમતની જેમ લાગવું જોઈએ. રમત પણ શિક્ષણનો જરૂરી ભાગ છે.

  • શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહસબંધ એ શિક્ષણનું સર્વોતમ સાધન છે.

  • સફળ શિક્ષણ સફળ જીવનનો આધાર છે.

  • સંકલ્પ એટલે કાર્યશીલ ચારિત્ર્ય.

  • જવાબદારીથી કરેલા કાર્યો હંમેશા સફળ થાય છે.

  • નિયમિતતા થકી જીવનને સોનેરી પંથથી કંડારીએ.

  • સ્વચ્છતા મારી ફરજ, સ્વચ્છતા મારો અધિકાર.

  • જવાબદારી જ મહાન કાર્યોની જનની છે.

  • નિયમિતતા+અધ્યયન+નિરીક્ષણ= સર્જન

  • વિનમ્રતા પરાક્રમનું આભુષણ છે.

__________________________________________________________________________________


શું તમે જાણો છો?

અવકાશનો અજાયબ ધૂમકેતુ : હેલી

બ્રહ્માંડમાં ગ્રહો અને અવકાશી પદાર્થો ઉપરાંત પૂંછડિયા તારા કે ધૂમકેતુ પણ જોવા મળે છે. ધૂમકેતુ અન્ય ગ્રહોની જેમ નિયમિત પ્રદક્ષિણા કરતાં હોય છે. ધૂમકેતુ હજારો વર્ષથી આકાશદર્શન કરનારાઓમાં અજાયબી ગણાય છે. પ્રાચીન કાળમાં ધૂમકેતુઓ સાથે દંતકથાઓ વણાયેલી હતી. ઘણા ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વી પરથી દેખાતા ધૂમકેતુઓ શોધી કાઢ્યા છે. અંગ્રેજ વિજ્ઞાની એડમન્ડ હેલીએ શોધેલો ધૂમકેતુ વિશિષ્ટ છે. તેના નામ ઉપરથી તેને હેલીનો ધૂમકેતુ કહે છે.

હેલીનો ધૂમકેતુ આકાશમાં તેજલિસોટાની જેમ પસાર થાય છે. દર ૭૫ વર્ષ તે પૃથ્વી પરથી જોવા મળે છે. હેલીનો ધૂમકેતુ પ્રદક્ષિણા ૭૪ થી ૭૯ વર્ષે પૂરી કરે છે. હેલીનું માથુ માત્ર આઠ કિલોમીટર વ્યાસનું છે પણ તેની પૂંછડી દસલાખ કિલોમીટર લાંબી છે.

હેલીનો ધૂમકેતુ એક માત્ર ટૂંકી પ્રદક્ષિણા ધરાવતો છે અને પૃથ્વી પરથી નરી આંખે દેખાય છે. છેલ્લે તે ૧૯૮૬ ના ફેબ્રુઆરીમાં જોવા મળ્યો હતો. હવે ૨૦૬૧ના જુલાઈની ૨૮ તારીખે જોવા મળશે.

__________________________________________________________________________________


અગ્નિની ઉત્પત્તિ : ઘર્ષણ


પૃથ્વી પર પ્રકાશ અને ગરમી સૂર્ય તરફથી આવે છે. સામાન્ય રીતે તેનું પ્રમાણ સજીવ સૃષ્ટિને અનુકુળ છે પરંતુ ગરમી એક સ્થળે વધુ પડતી સંગ્રહ થાય તો આગની જ્વાળા પ્રગટ થાય છે. પૃથ્વી પર અગ્નિ પેદા કરતું બીજું પરિબળ ઘર્ષણ છે. બે સખત પદાર્થો પરસ્પર ઘસાય ત્યારે ગરમી છૂટી પડે છે. રેલગાડીના પૈડા અને પાટા વચ્ચે ઘર્ષણથી ઊડતાં તણખા તમે જોયા હશે. તીવ્ર પવનને કારણે વૃક્ષોની ડાળીઓ પરસ્પર સતત ઘસાય ત્યારે પણ ગરમ થઈ સળગી ઉઠે છે અને જંગલમાં આગ લાગે છે.

આદિકાળમાં માણસ ઘર્ષણ વડે જ અગ્નિ મેળવતી પ્રકાશ કે અન્ય જરૂરિયાત માટે અગ્નિની જરૂર પડતી માટે લાકડામાં છિદ્ર પાડીને તેમાં બીજું લાકડું ઝડપથી ફેરવી અગ્નિ મેળવવાની શોધ આદિકાળમાં થઈ હતી. પથ્થરો કે સખત ધાતુઓ એકબીજા સાથે ઘસાય કે અથડાય ત્યારે ગરમી પડે અને આસપાસની વસ્તુઓને સળગાવે. જૂના જમાનામાં ચકમક લોઢાના બે ટુકડા રૂ નજીક ઘસીને રૂ સળગાવવામાં આવતું.

જૂનાં જમાનામાં લાઈટર બનતા તેમાં લોખંડની પથરી આવતી. ધાતુનું ચક્ર પથરી સાથે ઘસાય ત્યારે તણખો પેદા થાય અને નજીક રહેલી રૂની વાટ સળગી ઉઠે તેવી રચના તેમાં હતી. દીવાસળીની શોધ પણ ઘર્ષણથી અગ્નિ મેળવવાની પધ્ધતિ જ છે. આધુનિક વિજ્ઞાને ઈલેક્ટ્રીક વડે ગરમી અને ઉર્જા મેળવવાની રીતો વિકસાવી છે.

__________________________________________________________________________________


Morning Assembly


"ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ,

ગુણતારા નિત ગાઈએ, થાય અમારા કામ"

શાળામાં સૌથી મહત્વનું જો કોઈ સેશન હોય તો તે છે 'પ્રાર્થના સંમેલન' એટલે કે મોર્નિગ એસેમ્બલી આપણી સામાજિક માન્યતા છે કે શરૂઆત ધમાકેદાર તો સફળતા પણ દમદાર. તેથી જ શાળાની સવાર પ્રાર્થના દ્વારા કરવામાં આવે છે.

આમ, સ્થિરતા, એકાગ્રતા, લયબદ્ધતા, શિસ્ત વગેરે તમામ ગુણો શાળાની શાળાની મોર્નિંગ એસેમ્બલીમાં જોવા મળે છે. તેથી જ અમારી શાળામાં પ્રાર્થના સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ સભાનું બાળકોને હળવી કસરત, શ્લોક, પ્રાર્થના, ધૂન ગવડાવી ત્યારબાદ લાફ્ટર યોગા કરાવવામાં આવ્યા હતા. બાળકોને શિક્ષકોએ વિવિધ પત્રો દ્વારા બિકણ સસલીની વાર્તા, નાટ્યકૃતિ દ્વારા રજુ કરી હતી. બાળકોએ અભિનયગીત અને જોડકણાંની મજા માણી. બધા જ બાળકોને ખુબ જ ઉત્સાહ સાથે મોર્નિંગ એસેમ્બલીમાં ભાગ લીધો હતો.

__________________________________________________________________________________


Learner's Corner

બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નવું સોપાન – શાળા પ્રવેશોત્સવ

શિક્ષણ મેળવવાનું સૌથી ઉચિત સ્થળ એટલે શાળા. બાળક જયારે શાળાએ જવાનું શરૂ કરે એ પછી જ તેના પધ્ધતિસરના શિક્ષણની શરૂઆત થાય છે. વિદ્યાર્થી જીવન એ માનવ જીવનને જીવનભર યાદ રહે છે. તે પૈકી શાળાનો પ્રથમ દિવસ એટલે કે "શાળા પ્રવેશોત્સવ" અવિસ્મરણીય બની રહે છે.

"શાળા વિશ્વનું સૌથી પવિત્ર અને વિશ્વને સૌથી વધુ અસર કરતું પરીબળ છે."


નવી આશા, નવા ઉમંગ અને ઉત્સાહ સાથે અમારા બાલભવનમાં નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ ની શરૂઆત કરવામાં આવી. બાળકના પ્રવેશોત્સવની શરૂઆતમાં સરસ્વતી પૂજન અને વડીલોના આશિર્વાદ સાથે કરવામાં આવી. શિક્ષકોએ બાળકોને કુમકુમ અને અક્ષતનું તિલક કરી. ઢોલના પડઘમ અને ડાન્સ દ્વારા ભવ્ય સ્વાગત કર્યુ હતું.

__________________________________________________________________________________


આવો આપણા પ્રિયજન એવા જગતને વૃક્ષની ભેટ આપીએ.


"પર્યાવરણની કરીએ રક્ષા,

પૃથ્વીની થશે સુરક્ષા"

સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણ માંથી થયું છે. આપણે સૌ પર્યાવરણનો જ એક ભાગ છીએ. મનુષ્ય જન્મે ત્યારથી પર્યાવરણ સાથે તેનો નાતો રહેલો છે. મનુષ્ય દેહ જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગિન એમ પાંચ તત્વોનો બનેલો છે. આથી કહી શકાય કે પર્યાવરણ છે તો જીવન છે.

આથી જ માનવી પ્રકૃત્તિ પ્રત્યેની જવાબદારીઓ અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી દરવર્ષે ૫ મી જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બાળકો અત્યારથી પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય એ માટે અમારા બાલભવનમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં બાળકોએ પોતાના ઘરમાં જ બનાવેલા ગાર્ડનની માવજત કરવાનો ભગીરથ પ્રયાસ આદર્યો હતો સાથે જ પોતાની કાલીઘેલી ભાષામાં પર્યાવરણ બચાવવાનો ખુબ જ સુંદર સંદેશ આપ્યો હતો. આવો બાળકોનો ભગીરથ પ્રયાસમાં જોડાય પર્યાવરણને બચાવવા માટે સહભાગી બનીએ.

__________________________________________________________________________________


હર રંગ કુછ કહેતા હૈ... - Colour Week

“રંગો કી દુનિયામેં આઓ...,

રંગીન સપને સજાવો....”

રંગ એ પ્રકૃતિની અનોખી ભેટ છે. રંગોનું માનવ જીવનમાં ખુબ મહત્વ છે. દરેક માનવીની આસપાસ રંગોનું આભા મંડળ હોય છે. જે તેના સ્વભાવ અને આરોગ્યની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. કુદરતે આપેલ રંગોની અમુલ્યભેટ પ્રત્યે આભાર વ્યક્ત કરવા તેમજ બાળકોને રંગોનું મહત્વ સમજાવવા માટે અમારી શાળામાં 'કલરવિક’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બાળકોને પ્રાકૃતિક રંગોની ઓળખ કરાવી ત્યારબાદ વિવિધ વસ્તુઓ દ્વારા એક્ટીવીટી દ્વારા અને રમત રમાડી રંગોનું મહત્વ અને ઓળખ આપવામાં આવી. બાળકો પણ ખુબ જ ઉત્સાહથી વિવિધ ડે પ્રમાણે વસ્ત્રો પહેરીને આવતા.

__________________________________________________________________________________


પરિવારનાં પ્રાણવાયુ–પિતા

સંતાનના જન્મના સમાચાર સાથે જ માતા-પિતાનો જન્મ થાય છે. અનેક ગણા સપના સેવાય છે. અનેક જવાબદારીઓના બીજ રોપાય છે અને પિતાનાં દિલમાં પોતાના સંતાનના ભવિષ્યની, તેના ભણતરની કેટલીય વ્યસ્થા નક્કી થઈ જાય છે.

પિતા એટલે પરિવારનું એવું છાત્ર જ્યાં પ્રેમ અને લાગણીની હુંફ છે, જ્યાં ધર્મ અને શ્રદ્ધાના આસ્થારૂપી તોરણ બંધાયેલા છે. જ્યાં ત્યાગ, બલિદાન અને કર્તવ્યની પ્રેરણા છે. પિતા એ ‘પદમ’ કમળના એવા પુષ્પ રૂપે છે. જે દલદલ ભર્યા વિષમ જીવનમાં ગરજતી વિજળી અને વરસતા વાદળ સામે હસ્તે મુખે અડીખમ ઉભું છે.

“નસીબ વાલે હૈ જિનકે સર પર પિતા કા હાથ હોતા હૈ,

સારી જીદે પુરી હો જાતી હૈ જબ પિતા કા સાથ હોતા”

પિતાનાં આ ક્ષણને અદા કરવા માટે ભારતમાં જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. અમારા બાલભવનમાં પણ ‘ફાધર્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ પોતાના પિતાને સ્મૃતિભેટ તરીકે ‘ફાધર્સ કાર્ડ’ બનાવ્યા હતા.

__________________________________________________________________________________


મનની લાગણી અને સ્મિત નો સંગાથ એટલે સંગીત

“આત્માને મનની સાથે જે સંલગ્ન કરે તે સંગીત”

સામાન્ય રીતે સંગીતની પરિભાષા કરો તો ગાયન, નૃત્ય અને વાદ્ય આ ત્રણેય કલાઓનો જ્યારે સમન્વય થાય ત્યારે સંગીત સર્જાતું હોય છે. અત્ર-તત્ર-સર્વત્ર જ્યાં જુઓ ત્યાં સંગીત માણવા મળે છે.

ઝરમર વરસતા વરસાદમાં, ખળખળ વહેતાં ઝરણાં, કલરવ કરતા પંખીઓમાં, નૃત્ય કરતા મયુરમાં, ખીલ ખીલ કરતા બાળકમાં દરેક જગ્યાએ સંગીત નો સામ્રાજ્ય છે. સંગીત એક સાધના, આરાધના અને મેડિટેશન છે. સંગીત એ આત્માને પરમાત્મા સાથે ભક્તિથી ભેળવવાની એક સુંદર અનુભૂતિ છે.

અમારા બાલભવનમાં પણ મ્યુઝિક ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને સંગીતના વિવિધ વાદ્ય (સાધન) ની ઓળખ કરાવવામાં આવી તેમજ વિવિધ વસ્તુઓમાંથી નીકળતા અવાજોની સમજૂતી આપવામાં આવી. બાળકો પોતાના ઘરમાં રહેલી વેસ્ટ વસ્તુઓમાંથી સંગીતના સાધનો બનાવીને લાવ્યા હતા. શિક્ષકોએ અભિનય ગીત અને જોડકણાં ગવડાવીને મ્યુઝિક ડે ની સમજુતી આપી.


__________________________________________________________________________________


યોગ કર્મશુ કૌશલમ


"જીવન જીવવાની શ્રેષ્ઠ કળા એટલે યોગ"

આજના ઝડપી જીવનમાં એવી ઘણી ક્ષણો છે જેણે આપણી ગતિને બ્રેક મારી દીધી છે. આપણી આસપાસ ઘણા કારણો છે જે તણાવ, થાક અને ચીડિયાપણું આપે છે. જેના કારણે આપણું જીવન પરેશાન થાય છે આવી પરિસ્થિતિમાં જીવનને સ્વસ્થ રાખવા યોગ એ રામબાણ ઈલાજ છે. જે મનને શાંત અને ઠંડુ રાખે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે.

"યોગ માનવ ના શરીર, મન અને આત્માને. ઉર્જા, શક્તિ અને સુંદરતા પ્રદાન કરે છે."

બાળકોને યોગ અને કસરતનું મહત્વ સમજાય તે હેતુથી અમારા બાલભવનમાં "વિશ્વ યોગ દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકો દ્વારા બાળકોને એરોબિક, એનિમલ યોગા, લાફટર યોગા, આલ્ફાબેટ યોગા કરાવવામાં આવ્યા હતા.

__________________________________________________________________________________


સ્વચ્છતાથી દોસ્તી, રોગોથી મુક્તિ

જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્વ છે. શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખુબ જરૂરી છે. જેથી બાળકને અંગ સ્વચ્છતાની સમજ આપવા માટે અમારા બાલભવન સિ.કે.જી ના બાળકોને અંગ સ્વચ્છતાનો પાઠ આપવામાં આવ્યો હતો. જેમાં બાળકોને આંખ, કાન, નાક, ચામડી, વાળ, નખ, દાંત વગેરે અંગોની સફાઈ કેવી રીતે કરવી એ વિવિધ સાધનો દ્બારા સમજ આપવામાં આવી હતી.

__________________________________________________________________________________


બાળકની સ્વપ્નસૃષ્ટિ - રમકડાં

"ટરરર ટર રર ટમટમ ટમ કરો રમકડાં કુચ કદમ"

રમકડાં એટલે બાળકો દ્વારા રમવા માટે ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ કે સાધન, વિશ્વના દરેક સમાજમાં બાળક રમકડે રમે જ છે. ધુધરો, દડો, ઢીંગલી, રથ કે ગાડી જેવા રમકડાં પ્રાચીન કાળથી બાળકોના જીવનમાં મહત્વનો ભાગ ભજવતા રહ્યાં છે. રમકડાથી બાળકને મનોરંજન પૂરું પડે છે. તે બાળકને જ્ઞાન પણ આપે છે અને તેનું કૌશલ વિકસાવે છે. તે બીજા બાળકો સાથે હળીમળીને રહેતા શીખવે છે.

આજનું બાળક ધીમે ધીમે પોતાનું ભોળપણ અને નિર્દોષતા ગુમાવી રહ્યું છે. બાળક રમકડાંની દુનિયા થી ફરી પરિચિત થાય એ હેતુથી અમારા બાલભવનમાં 'ટોય ડે' ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ નાટક દ્વારા રમકડાંનું મહત્વ સાજાવ્યું અને અભિનય ગીત રજુ કર્યુ. બાળકો પણ પોતાનું મનપસંદ રમકડું ઘરેથી લઈને આવ્યા હતા અને મિત્રોની સાથે રમકડાંથી રમવાની મજા માણી હતી.

__________________________________________________________________________________

Educator's Corner

બાળકને આપો ખુશખુશાલ દિવસ


સમય શ્રેષ્ઠધન છે અને બાળક એનો સૌ પ્રથમ હકદાર છે. બાળક એ કાચી માટી જેવું હોય છે. માતા-પિતા એ યોગ્ય ઘડતર કરી તેને સુંદર આકાર આપવાનું કાર્ય કરવાનું છે. બાળકો કુમળા છોડ જેવા હોય છે. તેને જેમ ઉછેરશો તેવાં બનશે. બાળકનું ઘડતર માતા-પિતાના વ્યવહારને જોઈએ જ થતું હોય છે. જો બાળકને ખુશખુશાલ વ્યક્તિત્વ આપવું હોય તો તે પહેલાં માતા-પિતાએ ખુશખુશાલ રહેતા અને એવાં વાતાવરણનું સર્જન કરવા શીખવું પડશે.

બાળકોને સમજવા માટે તેમની સાથે સમય વિતાવવો અતિ આવશ્યક છે. ઘણી વખત માતા-પિતા વ્યસ્ત હોય ત્યારે બાળકો એકલતા અનુભવે છે. અને તેમની લાગણીઓ શેર કરી શકતા નથી અને આ સ્થિતિમાં તેઓ વધુ ગુસ્સામાં રહે છે. જો બાળકોને પુરતો સમય આપવામાં આવે, તેમની સાથે રમવામાં આવે અને તેમની સમસ્યાઓની ચર્ચા કરવામાં આવે તો બાળકો માનસિક રીતે વધુ હળવા બને છે.

ઈશ્વરે બાળપણને ચિંતાથી દુર અને હાસ્યથી ભરપુર રહેવાનું વરદાન આપ્યું છે. સાચી ખુશી છે. જીવનની દરેક પળને આનંદથી જીવવી અને તે પળમાં દરેક માટે પ્રેમ, આદર અને આભારની લાગણીભરી તેને શણગારવી. બાળકોને તેના મિત્રો સાથે રમવા દો. મિત્રો સાથે રમવાથી બાળક તેમની સંસ્કૃતિને જાણશે અને સામાજીક પણ થશે. જેનાથી તેનામાં નિર્ણય શક્તિ અને વિચારશક્તિ પણ વધશે જે તેના વિકાસમાં મહત્વની બની રહેશે. જો તમે એવું ઈચ્છતા હોય કે તમારું બાળકમાં સંવેદના જીવતી રહે. તે હસતું-બોલતું અને ખીલતું રહે તો તેને મોબાઈલ અને ગેઝેટ્સથી દુર રખો. માતા-પિતાએ પણ મોબાઈલના ઉપયોગમાં શિષ્ટ જાળવવી જોઈએ.

બાળકને અલગ-અલગ સૂચનાઓ અને સલાહો આપવાને બદલે બાળકની વાત ધ્યાનથી સાંભળો આમ, કરવાથી બાળકનો દિવસ ખુશખુશાલ અને ઉત્સાહથી ભરપુર બનાવી શકાય છે.

- પેરેન્ટ્સને ધ્યાનમાં રાખવાની બાબતો:-

બાળક જયારે કોઈ સારું કાર્ય કરે ત્યારે એને પ્રોત્સાહિત કરો. બાળકને રોજ બાળવાર્તા કહેવાની ટેવ પાડો, બાળકને તેનું નાનુ-નાનુ કાર્ય જાતે કરવા દો અને તેમાં તેને મદદ કરો. બાળકને પ્યારની ઝપ્પી, મોર્નિંગ કિસ આપો જેથી બાળકની સવાર સારી થાય અને બાળક આખો દિવસ ઉત્સાહિત રહે.

બાળકો કુમળા છોડ જેવા હોય છે. તેને જેમ વાળશો તેમ વળશે જેમ ઉછેરશો તેવા બનશે.


Mrs. Binita Patel

Vice Principal

Gajera Vidyabhavan, Katargam

__________________________________________________________________________________


બાળપ્રતિભાને નીખારીએ...

બાલભવનએ વિદ્યા અભ્યાસની પ્રથમ કેડી છે. જેમાં બાળકોનો સર્વાગી વિકાસ જ મુખ્ય હેતુ છે. જેમાં બાળકોનું મહિના પ્રમાણે મૂલ્યાંકન કરવું ઓન ખુબ જ જરૂરી છે. જેથી બાળકને અભ્યાસમાં નડતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન મળી રહે જેથી અમારા બાલભવનમાં શિક્ષકો માટે બાળકોનો પ્રોગ્રેસ ચાર્ટ તૈયાર કરવાની સ્પર્ધા રાખવામાં આવી હતી જેના ધ્વારા બાળકને દરેક ક્ષેત્રમાં ભાગ લેવાની પ્રેરણા મળે અને બાળકોનો ઉત્સાહ વધે.

__________________________________________________________________________________


પ્રવૃત્તિમય શિક્ષણ તરફ એક કદમ...

આજે શિક્ષણ વર્ગખંડની ચાર દિવાલો માંથી બહાર આવીને ઘર સમાજ અને વિશ્વમાં વિસ્તરી ચુક્યું છે. આજના સમયમાં શિક્ષણ પડકારરૂપ છે. કારણકે રાષ્ટ્રની સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક વ્યવસ્થાની જવાબદારી તેના શિરે છે. શિક્ષક જ બાળકના જ્ઞાનરૂપી મૂળિયા મજબુત કરે છે.

"શિક્ષક સમાજ ઘડતરમાં શિલ્પકાર છે."

અમારા બાલભવનમાં શિક્ષકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રાઘવ કટકીયા મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે શિક્ષકોને વાર્તા, જોડકણાં, અભિનય ગીત અને રમતો દ્વારા બાળકોને ભાર વગરનું ભણતર કેવી રીતે આપી શકાય એ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

__________________________________________________________________________________


"યોગ કરો,રહો નિરોગી"


યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી ઉત્તમ ભેટ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ યોગનો અર્થ સમજાવતા અર્જુનને કહ્યું છે "યોગ કર્મશુ કૌશલમ" અર્થાત કુશળતા પ્રાપ્ત કરવી એનું નામ યોગ. યોગ માન્યતા અનુસાર શિવની પ્રથમ યોગી અથવા પ્રથમ ગુરુ તરીકે જોવામાં આવે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ યોગના મૂળ આઠ અંગો છે જેને અષ્ટાંગ યોગ પણ કહે છે.

૨૧ મી જૂનનો દિવસ એક ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે. જેને ગ્રીષ્મ સક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણાયન થાય છે અને જ્યારે સૂર્ય દક્ષિણાયન થાય તે સમયે આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવી લાભકારી છે તેથી ૨૧ જૂનને "વિશ્વ યોગ દિવસ" તરીકે પસંદ કરવામાં આવ્યો છે. વિશ્વ યોગ દિવસ ઉજવણીના ભાગ રૂપે અમારી શાળામાં યોગ ટ્રેનર ફેનિલ બારડોલીવાલાએ શિક્ષકોને એરોબિક, ઓમકાર, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર અને જુદા જુદા આસનો કરાવ્યા હતા અને યોગનું આપણા જીવનમાં શું મહત્વ છે તેની સમજ આપી હતી.

__________________________________________________________________________________


શિક્ષણની કેડીને કંડારીએ...

એક શિક્ષક ક્યારેય સંપૂર્ણ નથી હોતો અભ્યાસમાં થતા પરિવર્તન સાથે તાલમેલ સાધવા તેને કઈક નવું.શીખતા જ રહેવું પડે છે.શાળાએ બાળકનું બીજું ઘર છે.વર્ગમાં બાળકને ઉત્સાહપૂર્ણ વાતાવરણ મળી રહે તે જોવાની જવાબદારી શિક્ષકની છે.વર્ગમાંબાળકને થતા અભ્યાસકાર્ય પ્રત્યે પ્રોત્સાહિત થાય અને બાળક સરળતાથી લખતા શીખી શકે તે માટે અમારા બાલભવનમાં અમારા આચાર્યશ્રી ધ્વારા ટીચર્સ ટ્રેઈનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શિક્ષકોને મોન્ટેસરી પદ્ધતિથી વળાંક ધ્વારા મૂળાક્ષર,અંકો નું લેખન કેવી રીતે થાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ અમારા આચાર્યશ્રીએ બાળકોની ભાષા શુદ્ધિ થાય એ માટે ખુબ જ સુંદર વક્તવ્ય આપ્યું હતું.

__________________________________________________________________________________

Parent's Corner

યોગ્ય બાળઉછેર માટે પોઝિટીવ પેરેન્ટિંગ

બાળકની સ્વસ્થ માનસિકતા માટે યોગ્ય રીતે બાળઉછેર થાય એ જરૂરી છે. યોગ્ય બાળઉછેર માટે જરૂરી છે પોઝિટીવ પેરેન્ટિંગ. જો તમે બાળક સાથેના સબંધને સુધારવા માટે મહેનત કરવા તૈયાર રહેતા હો તો તમે પેરેન્ટિંગ હકારાત્મક અભિગમ ધરાવો છો. આ પ્રકારનાં પેરેન્ટ્સ બાળકને કોઈ નિયમનું પાલન કરવાનું કહે છે તો સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરીને સબંધોને વધારે સારા બનાવવા ઈચ્છે છે. તેઓ બાળકની લાગણીની કદર કરે છે અને તેમને પોતાની લાગણી વ્યક્ત કરવાની આઝાદી આપે છે. આવાં બાળકો મોટા થઈને પોતાની ભાવનાને સારી રીતે વ્યક્ત કરી શકે છે અને બીજાની ભાવનાને સમજી શકે છે.

જો માતા-પિતાને બાળક વિશે કોઈ જ માહિતી ન હોય તો એને નેગેટીવ પેરેન્ટિંગ કહી શકાય. આ પ્રકારની માનસિકતા ધરાવતા પેરેન્ટ્સ ક્યારેક બાળક સાથે સમય પસાર નથી કરતાં અને આવાં માતા-પિતા માત્ર બાળકની જરૂરિયાત જ પૂરી કરી શકે છે. આવી રીતે ઉછરેલાં બાળકો સતત અવગણના અનુભવે છે અને માનસિક રીતે મજબુત નથી હોતાં. તેમનું જિંદગીનું મહત્વ ખબર નથી પડતી. સૌથી ખાસ વાત તો એ છે કે તેમણે અભ્યાસ કરવામાં બિલકુલ રસ નથી પડતો અને તેમને અભ્યાસ કરવાનું પણ પસંદ નથી હોતું. આવાં પેરેન્ટિંગનો ભોગ બનેલાં બાળકો પોતાના માટે ઘણીવાર અયોગ્ય રસ્તો પસંદ કરી લે છે કારણકે તેમને અભ્યાસ કરવાનું પણ પસંદ નથી હોતું. આવાં પેરેન્ટિંગનો ભોગ બનેલાં બાળકો પોતાના માટે ઘણીવાર અયોગ્ય રસ્તો પસંદ કરી લે છે કારણકે તેમને યોગ્ય નિર્ણય લેતાં આવડતું જ નથી હોતું.

દરેક માતા-પિતા પોતાના બાળકનો સારામાં સારો ઉછેર કરવા ઈચ્છતા હોય છે. જોકે દરેક પેરેન્ટ્સની વિચારસરણી અલગ અલગ હોય છે અને આના કારણે તેમનો પેરેન્ટિંગ પ્રત્યેનો અભિગમ પણ અલગ અલગ હોય છે. જો તમે બાળક પાસે પોતાનું ધાર્યુ કરાવવા ઈચ્છો છો અને તમને લાગે છે કે તેની વાત સાંભળવાનું જરૂરી નથી કારણકે તે બાળક છે તો તમારું પેરેન્ટિંગ પોઝિટીવ પેરેન્ટિંગ ગણી શકાય. આવી રીતે ઉછેર પામેલું બાળક એક વય પછી માતા-પિતા સાથેના સંબંધો મજબુત નથી રાખી શકાતું. આવાં બાળકો મોટા થઈને પોતાના નિર્ણય યોગ્ય રીતે નથી લઈ શકતાં અથવા તો પોતે પણ આપખુદ વલણ અપનાવી લે છે. પોઝિટીવ પેરેન્ટિંગમાં માતા-પિતા બાળકને પોતાની ભૂલમાંથી શીખવાની તક આપે છે. તેઓ બાળકોને પોતાના નિર્ણય લેવા માટે આઝાદી આપે છે. જોકે એમનાં વર્તન પર કાબૂ રાખવામાં ન આવે તો એક તબક્કે દરેક વળાંક પરપોતાની જાતને એકલી અનુભવે છે. આમ, બાળકના સ્વસ્થ વિકાસ માટે પોઝિટીવ પેરેન્ટિંગ જરૂરી છે.

હિમાંશુકુમાર પટેલ

(મિશા પટેલ ના પપ્પા)

Nursery-A

__________________________________________________________________________________


શિક્ષક-વાલી સંવાદ: બાળકના સર્વાગી વિકાસની અનિવાર્યતા

Parent’s Orientation Program- 2022-23

શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં વિદ્યાર્થી (બાળક) છે. જેના સર્વાગી વિકાસની જવાબદારી આ બંને પર રહેલી છે. શાળા અને કુટુંબ ભલે એકબીજાથી ભોગોલિક અંતર ધરાવે પણ ઉત્તમ નાગરિકોના નિર્માણમાં બંનેના વિચારો, પ્રવૃત્તિઓ વચ્ચેનું અંતર ન્યુનતમ રહે એ જ આદર્શ સ્થિતિ છે.

નવા સત્રની શરૂઆતમાં અમારા ગજેરા બાલભવનમાં શિક્ષક-વાલી વચ્ચે પરિચય મિટીંગ અને ઓરીએન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મિટીંગની શરૂઆતમાં અમારા આચાર્યશ્રી એ વાલીશ્રીને નવાસત્રની યોગ્ય રૂપરેખા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ શાળાના અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી આપી સહઅધ્યાય પ્રવૃત્તિઓ અને તહેવારોની ઉજવળીઓ વિશે ચર્ચા કરી ત્યારબાદ અમારા ઉપાચાર્ય દ્વારા GEMS અને SM વિશે સમજ, શાળાના નિતી-નિયમો વિશે માહિતી આપવામાં આવી.

આ વાલીમિટીંગમાં મોટી સંખ્યામાં વાલીશ્રીઓએ હાજરી આપી હતી અને બાળકોના આવનારા વર્ષના અભ્યાસલક્ષી કાર્ય માટે ઉત્સાહ સાથે જોડાયા હતા અને શાળાના શૈક્ષણિક માહોલથી ખુબ પ્રોત્સાહિત થયા હતા.

__________________________________________________________________________________


પપ્પા: હીરો હૈ સદા કે લીએ...


"હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પિતા"

માતાને પૂજનીય પદથી અલંકૃત કરાયું છે. તો પિતાની ભક્તિ, તેમનો પ્રેમ, તેની લાગણી ત્યાગ અને બલિદાનની ભાવના અને કુટુંબ માટે આજીવિકાની વ્યવસ્થા કરનાર પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ. એક પિતા જ આખો દિવસની મહેનતના થાક્યા હોવા છતાં પોતાના બાળકનો ચહેરો જોઇને ખુશીથી ઝૂમી ઉઠે છે. બાળક માટે ક્યારેક સુપર મેન બની જાય છે તો ક્યારેક બાળકની ઢાલ બની જાય છે.

પોતાના સંતાનોના સુખ, શોખ અને સુવિધા માટે પોતાની ઈચ્છાઓનું હંમેશા બલિદાન આપતા પિતાનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. પિતાનાં આ ક્ષણને અદા કરવા માટે ભારતમાં જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.

‘જેના પ્રેમ ને ક્યારેય પાનખર ના આવે એનું નામ પિતા’

અમારા બાલભવનમાં પણ 'ફાધર્સ ડે' ની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ બાળક અને પિતા માટે યાદગાર બની રહે એ માટે ખુબ જ સુંદર ડાન્સ કર્યો અને પોતાના પિતા સાથે વિવિધ ગેમ્સની મજા માણી.

__________________________________________________________________________________


બાળકોની આંખોમાં ઝાંખીએ અને પ્રતિભાને પોંખીએ

બાળકમાં પ્રતિભાને અંકુરીત કરવા અને તેને સોળે કળાએ ખીલવવા માટે તેની પ્રતિભાને અનુરૂપ સાધન પ્રયુક્તિઓ પણ પ્રયોજવી પડે છે. શાળામાં આવા હીરાને શોધીને તેને ચમકાવવાનું કામ શિક્ષકોનું છે.

બાળકના અભ્યાસને લગતી યોગ્ય માહિતી અને આવનારા માસનું આયોજન વાલીશ્રીને મળે તે હેતુથી આજ રોજ અમારી શાળામાં વાલીમિટીંગ રાખવામાં આવી હતી. જેમાં દરેક વાલીશ્રી ખુબ જ ઉત્સાહપૂર્વક આવ્યા હતા.

"સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલું હીર પ્રગટાવવામાં રહેલી છે."

બાળકોમાં રહેલી ક્ષમતાઓને ઓળખી જો તેને યોગ્ય રીતે મંચસ્થ કરવામાં આવે તો બાળકો સફળતાના ઉચ્ચત્તમ શિખર સુધી પહોંચી શકે છે. સફળતાના આ શિખર પાર કરવાની સીડી એટલે 'સુનિતા મેકર્સ સ્પેસ' જ્યાં બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી તેમની પ્રતિભાને નિખારવાનું કાર્ય કરવામાં આવે છે. 'સુનિતા મેકર્સ' અંતર્ગત અમારી શાળામાં વિવિધ કલ્બ એકટીવીટી કરવામાં આવે છે. જેથી બાળક પોતાના મનપસંદ ક્લબમાં જોડાઈને પોતાની પ્રતિભાને લોકો સમક્ષ પ્રદર્શિત કરી શકે. જેથી કરી શિક્ષકો દ્વારા કલ્બની સમજ આપવામાં આવી હતી. વાલીશ્રીએ કલ્બ અને અભ્યાસક્રમને લગતી યોગ્ય માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.


__________________________________________________________________________________







343 views0 comments
bottom of page