gajeravidyabhavanguj
MAKE YOUR WILLPOWER STRONG AND YOU CAN ACHIEVE YOUR GOALS
"થાવું તો શ્રેષ્ઠ જ"

જીવનની શ્રેષ્ઠતાને જાતિ,ધર્મ,કુળ કે વંશના આધારે ગણાવી શકાય નહીં જીવનની શ્રેષ્ઠતા અને મહાનતા તો વ્યક્તિની ભીતરમાં રહેલા ગુણોને આધારે જ મૂલવાય છે. વ્યક્તિમાં રહેલા ગુણો તેની મિલકત,મૂડી છે અને કરેલા કાર્ય તેની શાખ,પાઘડી છે.
કોઈપણ વ્યક્તિ જન્મજાત ગુણ સભર હોતી નથી એટલે કે જન્મજાત ગુણો હોય જ એવું નથી. ગુણોને કેળવવા પડે છે, જેમ કુંભાર માટીને જેટલી કેળવે એટલું જ તેમાંથી સુંદર માટલું કે અન્ય વાસણો તૈયાર થાય છે, તેમ સુંદર નવતર જીવન ઘડાય છે અને આ ગુણો કેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ એટલે ‘સંકલ્પશક્તિ’.
સંકલ્પશક્તિની ઘણી બધી વ્યાખ્યાઓ છે. પરંતુ સૌથી સીધી સાદી વ્યાખ્યા છે કે “The Power of Self Direction” અર્થાત “સંકલ્પશક્તિ એટલે સ્વયંને કોઇપણ કાર્ય માટે વાળવાની શક્તિ” જે લોકો આવું કરી શકે છે, તેઓ ન માત્ર સમયનો સદુપયોગ કરે છે અને કાર્ય પૂર્ણ કરી સફળતા મેળવે છે. પરંતુ એ વાત પણ યાદ રાખવી જોઈએ કે સંકલ્પશક્તિ પોતાના મેળે જ વિકસિત થતી નથી. સંકલ્પ શક્તિના અભાવે તમે તમારા જીવનના લક્ષ્યાંકો સુધી ન પહોંચી શકો એ પણ બની શકે છે.
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વિશ્વના ઘણા બધા લોકો રીજોલ્યુશન(સંકલ્પ) કરે છે. જેમાંથી મોટાભાગના ડાયટિંગ કરવાના, કસરત કરવાના, ડાયરી લખવાના વગેરે વગેરે પરંતુ થોડા સમય બાદ આ સંકલ્પો પૂર્ણ થતા નથી. શા માટે આવું થાય છે? એનો સીધો સાદો જવાબ છે ‘સંકલ્પશક્તિનો અભાવ’ સંકલ્પશક્તિ જીવનમાં સફળતા મેળવવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે.
“સંકલ્પ એટલે કાર્યશીલ ચારિત્ર્ય”
સંકલ્પ શક્તિ કેળવવા માટે કોઈ એક જ રીતે પદ્ધતિ નથી જુદી જુદી પદ્ધતિ દ્વારા તેને બાળપણથી જ કેળવવા પડે છે શ્રદ્ધા,અડગ વિશ્વાસ,માન્યતા અને હકારાત્મક અભિગમથી સંકલ્પશક્તિ વધારી શકાય છે. સંકલ્પશક્તિ અને પોતાની જાત ઉપર નો કાબુ કે સ્વયં-શિસ્ત લગભગ એક-બીજાના પૂરક છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. બાળપણથી જ બાળકમાં સંકલ્પશક્તિ પ્રત્યે હકારાત્મકતા વધારવી જોઈએ તે માટે બાળકને કોઈ વસ્તુ કે બાબતની લાલચ આપવી જોઈએ નહીં. બાળકને જે કામ કરવામાં આળસ આવતી હોય તે પહેલા કરાવો અથવા તો વારંવાર કરાવો. બાળકને ટેન્શન અને સ્ટ્રેસ (તાણ)થી દૂર રાખો. બાળકને તેનું કાર્ય પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરો, બાળક પાસે મહત્વના કાર્ય પહેલા કરાવો, ઓછા મહત્વના પછી જેથી બાળક પ્રસન્ન ચિતે કાર્ય પૂર્ણ કરી સફળતા પ્રાપ્ત કરતા શીખે.
“મહાન આભાઓ દ્રઢ સંકલ્પ અને નિર્બળ આભાઓ માત્ર ઈચ્છાઓ ધરાવે છે.”
તમારી સફળતા અને વૃદ્ધિ માટે સંકલ્પ શક્તિ અને સ્વયં-શિસ્ત આવશ્યક છે એને કેળવો નહિતર એવું ન થાય કે અફસોસ રહી જાય કે સફળ થવા માટે આપણે પૂરતા પ્રયાસ કર્યા જ નહીં.