gajeravidyabhavanguj
International Tiger Day

ભારતમાં પર્યાવરણ ને આદિકાળથી માનવજીવનના તાણાવાણા સાથે વણી લેવામાં આવેલ છે. ભૂતકાળમાં પર્યાવરણની મદદથી માનવીએ આર્થિક વિકાસ સાધવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને સંસ્કૃતિના સોપાનો સર કર્યા છે આમ, પર્યાવરણ, આર્થિક વિકાસ અને સંસ્કૃતિને

એકબીજાથી જુદા ન પાડી શકાય તેવી રીતે પરસ્પર એકબીજા સાથે એક સિક્કાની બંને બાજુએ જોડાયેલા ગણાવી શકાય છે. વિશાળ અર્થમાં જોઈએ તો પર્યાવરણ એટલે હવા, પાણી, જમીન, વિસ્તાર તથા દરિયાઈ, જંગલી તેમજ

પાલતુ પ્રાણીઓ, પશુ-પક્ષીઓ અને માનવ જીવન વચ્ચેનો ઉચિત સમન્વય. વન્ય પ્રાણીઓ હોય કે પાલતુ પ્રાણીઓ બંને પર્યાવરણના અવિભાજ્ય અંગ છે. પર્યાવરણ અને તેમાં વસતા સજીવો સ્વતંત્ર નથી પરંતુ એકબીજા પર આધારિત છે. પર્યાવરણ પ્રાણીઓનું આશ્રયસ્થાન માત્ર નથી

પરંતુ સર્વસ્વ છે અર્થાત્ પર્યાવરણ પ્રાણીઓને પોષણ, આશ્રય, રક્ષણ વગેરે જેવી બધી સુવિધા પૂરી પાડે છે. પર્યાવરણમાં વસતાં પ્રાણીઓ પર્યાવરણ સાથે સતત આંતર પ્રક્રિયાઓ કર્યા જ કરે છે અને પરિણામે પર્યાવરણ બદલાતું રહે છે. પર્યાવરણ અને તેમાં વસનારા સજીવો એક તંત્રની રચના કરે છે જેને ઈકોસીસ્ટમ કહે છે તેમાંથી એકનો પણ નાશ થાય કે તેની સંખ્યામાં ફેરફાર થાય તો જંગલની ઈકોસીસ્ટમમાં અનેક પ્રકારના વિક્ષેપ થવાની શક્યતાઓ વધી જાય છે.

પ્રકૃતિએ આ પૃથ્વીને ઘણા સજીવો માટે બનાવી છે એટલે જ કવિ સ્વ. ઉમાશંકર જોષીની જાણીતી પંક્તિ મુજબ આપણે અન્ય સજીવોના સહઅસ્તિત્વનો પણ સ્વીકાર કરવો જોઈએ.

“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, પુષ્પો વનો ને છે વનસ્પતિ.” જંગલોનો વિનાશ, ગેરકાયદેસર પ્રાણીઓનો શિકાર શહેરીકરણ ને કારણે વન્ય પશુ સંપત્તિનો સદંતર વિનાશ થયો. માનવીએ વન્યજીવોનો શિકાર એટલે નિર્મમતાથી કર્યા છે કે કેટલાક વન્યજીવોની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે અને કેટલાક પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યા છે.
ભારતનું રાષ્ટ્રીય પ્રાણી એટલે વાઘ. જે આજે અદ્રશ્ય થવાના આરે છે જો વાઘને બચાવવામાં નહીં આવે તો જંગલની વન્ય સૃષ્ટિનો મોટુ નુકશાન થશે.
“હર રૂપ મે ઈશ્વર હોતે હૈ, યહી નાશક માનતે હૈ,
ફિર ક્યુ સ્વાર્થ કે, લિયે બેઝુબાન કો કાટતે હૈ”
વાઘને રહેવા માટે યોગ્ય જંગલો ની ઘટતી સંખ્યા, પર્યાવરણમાં વધુ પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, પાણી, હવાનું પ્રદૂષણ અને પર્યાવરણમાં વધતુ અસંતુલન વાઘ ની ઘટતી સંખ્યા માટે જવાબદાર છે. વાઘ એ ભારતના જંગલની શાન અને ગૌરવ છે. વૈશ્વિકસ્તરે વાઘ ની જાળવણી અને તેને બચાવવાના માટે ઉપાયો લોકો સુધી પહોંચાડવા અને લોકોને સહભાગીદારીથી વાઘને લુપ્ત થતા બચાવવા માટે ૨૯મી જુલાઈ ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.
આજરોજ અમારા બાલભવનમાં પણ વાઘ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પેપરમાંથી બાળકોને વાઘના માસ્ક અને હાથના પંજાની છાપ કામ કરી વાઘ દોરતા શીખવવામાં આવ્યું હતું ત્યારબાદ વાર્તા દ્વારા વન્ય પ્રાણીઓને સમજૂતી આપવામાં આવી હતી અને પ્રોજેક્ટર પર વિડીયો દ્વારા વાઘ જેવા પ્રાણીઓ કેવી રીતે માનવીને સ્વાર્થી વૃદ્ધિના કારણે હિંસક બને છે તેની સમજ આપી હતી.