top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-Newsletter - September 2022

Updated: Oct 11, 2022



Message From Trustee

તમારી શક્તિ વિશે ઊંચો વિચાર રાખો


તમે તમારી જેવી કિંમત આંકશો તેવી કિંમત દુનિયા પણ તમારી આંકશે. તમારી જાતને નિષ્ફળ માનો છો ? તો ખાતરી રાખજો કે આ દુનિયામાં તમને ગરીબાઈ, કરમની કઠણાઈ દાખવતા સંજોગોને નાપસંદ કામો જ મળશે. પણ જો તમે પ્રભુની સાથે એકતા અનુભવશો, પ્રભુ પર શ્રદ્ધા રાખશો, ને આત્મશ્રદ્ધા રાખી તમારી જાત ને શક્તિ વિશેઉંચો ખ્યાલ રાખી કામ કરશો તો પછી જગત પણ તમને સારા હોદ્દા ને જવાબદારીવાળી જગાઓ અને તક આપશે. તમારી મહત્ત્વાકાંક્ષા પૂરી કરશે જ. કારણ કે આ દુનિયાને આત્મશ્રદ્ધાવાળા પુરતા શ્રદ્ધાળુ અને અઠંગ આશાવાદી માણસોની જ જરૂર છે.

તમે તમારી આત્મશ્રદ્ધા બે રીતે બહારનાં તથા અંદરનાં લક્ષણો પરથી બતાવી શકો છો. બહારનાં લક્ષણો એટલે પહેરવેશ, રીતભાત, હેંડછા ને ભરપૂર આશાવાદી જબાન, અંદરનાં લક્ષણો એટલે પ્રભુની શક્તિ વિશેભરપૂર શ્રદ્ધા ને તેમાંથી નીપજતી અખંડ આત્મશ્રદ્ધા.

સનાતન, સર્વશક્તિમાન પ્રભુની શક્તિથી જે ઓતપ્રોત છે તેને શ્રદ્ધા હોવી જ જોઈએ કે જો તે પોતાનું કર્તવ્ય દ્રઢતાથી ને ડહાપણથી કર્યે જશે તો પછી તેની ઈચ્છાઓ પાર પડશે જ તેનો ઉદ્યમ ખીલશે જ.

આપણે શા માટે વિજય સિવાય બીજાની કલ્પના કરીએ ? શું આપણે સર્વશક્તિના કેન્દ્રરૂપ પ્રભુથી ભિન્ન છીએ ? ને પ્રભુને શું કંઈપણ અસાધ્ય હોઈ શકે ? તો પછી આપણા માટે પણ નિરાશા કે નિષ્ફળતા ન જ હોય. પણ જો તમે તમારા આત્માને નિર્બળ ગણશો-આત્માને નિર્બળ ગણવો એટલે પ્રભુની આપણને મદદ કરવાની શક્તિ વિશેઅશ્રદ્ધા દાખવવી-તો તમારૂં વાતાવરણ તમારી વિરૂદ્ધ જ જામેલું જોશો.

ઘણીયે વેપારી પેઢીઓ પોતાના સંગીન બાહ્ય દેખાવ ને આકર્ષણ વડે વિજય મેળવે છે. એક સારા વેપારી લત્તામાં એક સુંદર ઓફિસ ભાડે રાખવામાં આવે છે. પેઢીના ભાગીદારો શ્રદ્ધાપૂર્વક વાતચીત કરે છે. ને સારા પહેરવેશ વગેરેમાં દેખાવ આપે છે. પરિણામ શું આવે છે ? એ જ લોકો અંદરોઅંદર વાત કરે છે કે પેઢી સધ્ધર હોવી જોઈએ અને મોટું કામકાજ ધરાવતી હશે. કારણ કે લોકો માને છે કે આવડી મોટી પેઢી સંગીન અને શક્તિશાળી જ હોવી જોઈએ.

પણ જો તમે તમારી જાતને કમતાકાત નિર્બળ ધારી લેશો તો પછી દુનિયા પણ તમારી તરફ તમારા જ દૃષ્ટિબિંદુથી જોશે. માટે પ્રથમ સૌથી મોટી વાત તો એ છે કે આપણી જાત માટે સંપૂર્ણ આત્મશ્રદ્ધા રાખો. આપણા અંતર્ગત હૃદયની, અંતરાત્માની શક્તિ ઉપર, અંદર રહેલા પ્રભુની અગાધ શક્તિ ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકો. આપણા દરેક કાર્યમાં પ્રભુ આપણને મદદ કરશે જ એવી ચોક્કસ શ્રદ્ધા જો આપણે ધરાવીશું ને આપણા દરેક કામમાં તેની મદદ મેળવવાની કૂંચી જાણી લઈશું તો પછી આપણે આપણા માટે પણ આત્મશ્રદ્વા રાખી શકીશું.

યાદ રાખો, કે દરેક મુશ્કેલી કે અડચણો કેવળ આપણા મનની બનાવટ જ છે. જો તે મહાન પ્રભુની જોડે એકતા અનુભવી આપણું મન આપણા મર્યાદિત ખ્યાલો અને સ્વકૃત કુંડાળામાંથી બહાર નીકળી ઊંચે ચઢી ઉદાર ભાવનાઓ રાખે તો પછી તે મનને કશું પણ અસાધ્ય નથી. પછી તો આપણે માટે દરેક વસ્તુ પ્રાપ્ય છે.

હાલમાં શ્રધ્ધા અને દૈવી આરાધનાનું નવરાત્રી રૂપી મહાપર્વ પૂર્ણ થઇ ગયેલ છે. સમાજનો દરેક વર્ગ ભક્તિના રંગમાં એવો તો રંગાયો છે કે મા ભગવતી પણ જોવા આવે છે. અંતે એટલું જ કહીશ કે આવનારા થોડા દિવસોમાં દિવાળી અને હિન્દૂ નવા વર્ષનું મહાપર્વ આવી રહ્યું છે ત્યારે આપ સૌને અમારા તરફથી દિવાળી પર્વની શુભેચ્છાઓ અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારું નવું વર્ષ આપ સૌ માટે નવો પ્રકાશ અને સુખ, સમૃદ્ધિ તેમજ આનંદ લઈને આવે તેવી ભગવાન પાસે પ્રાર્થના.

શ્રી ચુનીભાઈ ગજેરા

મેનેજીંગ ટ્રસ્ટી શ્રી,

ગજેરા ટ્રસ્ટ

__________________________________________________________________________________


Message From Principal

"સરખામણી અને ઓવર બર્ડન બાળક માટે માનસિક સમસ્યા"


બાળક એ કુદરતે મનુષ્યને આપેલ એક અનમોલ ભેટ છે. એક બાળકનું કુટુંબમાં આગમન એક આનંદનો અવસર બની જાય છે. જેમ એક છોડ દિવસે દિવસે વધી વૃક્ષનું સ્વરૂપ ધારણ કરે છે એમ એક બાળક દિવસ-દિવસે વધતું જાય છે. પરંતુ ઘણીવાર માતા-પિતાનું કઠોર વર્તન બાળકના કુમળા માનસપટ પર ખૂબ જ અસર કરે છે.

દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખાસ ગુણ રહેલો હોય છે. દરેક બાળકમાં અલગ અલગ લાયકાત હોય છે. તેમ છતાં ઘણી વખત માતા-પિતા પોતાના બાળકની સરખામણી અન્ય બાળકો સાથે કરે છે. બાળકોમાં સરખામણી કરવાથી તેઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય છે. તેની સાથે જ તેના સ્વભાવમાં નકારાત્મકતાનું નિર્માણ થાય છે.

માતા-પિતા ઘણીવાર પોતાના સંતાનોને હોશિયાર બનાવવાની લયમાં તેમની સાથે એટલો કઠોર વર્તાવ કરે છે કે બાળક ડરી જાય છે. બાળકમાં માતા-પિતા પ્રત્યે લાગણી ઓછી થવા લાગે છે અને બાળક ભાંગી પડતું હોય છે. માતા-પિતા એવું સમજે છે કે નાનપણથી તેને ટોકીશું નહીં, તેમને વઢીને ભણવા બાબતે કહીશું નહીં તો શીખી જ નહીં શકે. તેમાં પણ તેમનું બીજું સંતાન કે આસપાસના બાળકો ભણવામાં હોશિયાર હોય તો દેખાદેખી અને સરખામણીનો મારો બાળકના કુમળા માનસ ઉપર એટલો ચાલતો હોય છે કે અકળાઈ જાય છે.

માત્ર ભણવાની બાબતે જ નહીં આજકાલ પેરેન્ટ્સ બીજી ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ દેખાદેખી કરીને બાળક થાકી જાય તે હદ સુધી તેને એક્ટિવ રાખવા મથામણ કરતા હોય છે. શાળાએથી થાકીને આવેલું બાળક હોમવર્ક કરે વિવિધ ક્લાસમાં જાય અને આખા દિવસની દોડા-દોડી કરીને થાકેલું બાળક રમવાને બદલે સૂઈ જાય ત્યારે માતા-પિતા ગર્વ કરે કે મારું બાળક રમવામાં ખોટો સમય નથી બગાડતો. પણ તેઓ એ નથી સમજતા કે ઓવર બર્ડન ના કારણે બાળકના શરીરમાં એટલી એનર્જી જ નથી બચી કે તે પોતાના મિત્રો સાથે બહાર ખુલ્લી હવામાં મોકળા મને રમી શકે.

જો ભણવામાં બાળક નબળું હોય તો તેને આવડે તેમ તેને એક્ટિવિટી કે રમત દ્વારા શીખવો. તેની ઉપર હાવી ન થાય. વારંવાર વઢો કે મારો નહીં સતત તેની સરખામણી કરવાને બદલે તેને બીજા જે વિષયમાં રસ હોય તેમાં સપોર્ટ કરીને આગળ વધારો. હવે દુનિયા સ્પેશિયલાઈઝેશનની છે. બાળક જેમાં માસ્ટર હશે તેમાં તે આગળ વધી શકે છે માટે ભણવા બાબતે વધારે પડતું બર્ડન આપીને અરુચિ પેદા થાય એવું કરવાને બદલે સાથ-સહકાર આપીને ગમતી વસ્તુમાં આગળ વધવા પ્રેરણા આપો. માત્ર એકેડમિક ભણતર જ નહીં આગળ જતા તેના રસના વિષયમાં તેની આવડત જ એને કામ લાગવાની છે.

Mrs. Sunita Hirpara

Principal

Gajera Vidyabhavan, Katargam

__________________________________________________________________________________


Cover Story

કોમનવેલ્થ ગેમમાં નાની ઉંમરમાં સિનિયર ખેલાડીઓને માત આપનાર અનાહતસિંહ


ફિલ્મ દંગલ માં આમિર ખાનનો ડાયલોગ "મહારી છોરીયા છોરો સે કમ હે કે..." તમે સાંભળ્યો જ હશે? કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની દીકરીઓ એ જે પ્રદર્શન કર્યુ છે. એ આ ડાયલોગ ને એકદમ સાચો ઠેરવે છે. એ પછી મીરાબાઈ ચાનૂ હોય કે અનાહતસિંહ હોય, અનાહતસિંહ ભારતની સૌથી યુવાન એથ્લિટ છે જે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ૧૪ વર્ષની દીકરીનું કોમનવેલ્થ સુધી પહોંચવું એ દેશ માટે ગર્વની વાત છે. એટલું ઓછું હોય એમ આ નાનકડી ખેલાડીએ પહેલી જ મેચમાં પોતાના કરતાં અનેક સિનિયર ખેલાડીઓને ખરાબ રીતે હરાવીને કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર શરૂઆત કરી હતી. અહીંથી તે અટકી નહોતી બીજી અને ત્રીજી ગેમમાં પણ અનાહતે ૧૧-૨, ૧૧-૦ થી જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ જીત પછી તેની આંખોમાંથી હરખના આંસુ વહેવા માંડ્યા હતા. તો બીજી બાજુ તેની અકલ્પનીય જીતને કારણે આખો દેશ આનંદના સાગરમાં ડૂબી ગયો હતો. આટલી નાની ઉંમરમાં ધુરંધર ખેલાડીઓને હરાવનારી અનાહત અચાનક સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ હતી.

૧૩, માર્ચ, ૨૦૦૮ માં દિલ્હીમાં જન્મેલી અનાહત સિંહના પિતાનું નામ ગુરશરણસિંહ છે. તે પોતે વકીલ છે. અનાહતની માતા તાની સિંહ ઇન્ટિરિયર ડિઝાઈનર છે. પિતા ગુરશરણ હોકી રમતા હતા પરંતુ તે રાષ્ટ્રીય ટીમમાં સામેલ ન થઈ શક્યા, પરંતુ તેમની બંને દીકરીઓએ પિતાની ઈચ્છાને ફળી ભૂત કરી. છ વર્ષની હતી ત્યારે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યુ હતું. રમત દરમિયાન તેને સ્કવેશમાં રસ જાગ્યો. કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેતાં પહેલાં અનાહત સિંહ આંતરરાષ્ટ્રીય સ્તર પર મેડલ જીતી ચૂકી છે. અને ટુર્નામેન્ટમાં જીત મેળવનાર અનાહતે ૨૦૧૯ માં યોજાયેલા બ્રિટિશ ઓપનમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. ૨૦૨૦માં યોજાયેલા બ્રિટિશ એન્ડ મલેશિયા જુનિયર ઓપનમાં તેણે રજતપદક મેળવ્યો હતો. તેણે યુએસ જુનિયર સ્કવેશ ઓપન જીતવામાં સફળતા મેળવી છે. આમ કરનાર એ ભારતની પહેલી યુવતી બની ગઈ છે. આ ટુર્નામેન્ટ કોઈ સામાન્ય ટુર્નામેન્ટ નહોતી. એમાં દુનિયાભરના અનેક જુનિયર ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેને દુનિયાની સૌથી મોટી જુનિયર સ્કવેશ ટુર્નામેન્ટ કહેવામાં આવે છે.

ધોરણ નવમાં અભ્યાસ કરતી અનાહત કહે છે કે પીવી સિંધુ ને જોઈને ૬ વર્ષની ઉંમરમાં મેં બેડમિન્ટન રમવાનું શરૂ કર્યુ હતું. હું મારી બહેન સાથે રમવા જતી હતી અને ૧૫ મિનિટ માટે હિટ કરતી હતી. એક વખત હું તેની સાથે પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી ટુર્નામેન્ટમાં ગઈ હતી. એ પછી ખબર નહીં કેમ પણ સ્કવેશમાં મને રસ પડ્યો અને મેં સ્કવૈશ રમવાનું શરૂ કર્યુ. એ વખતે મારી ઉંમર 8 વર્ષની હતી.

અનાહતની મોટી બહેન અમીરાસિંહ સ્નાતકની ડિગ્રી મેળવવા હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં ગઈ હતી. એ પહેલા અમીરાનો સમાવેશ દેશની ટોપ રેન્કની અંડર-૧૯ સ્કવૈશ ખિલાડીઓમાં થયો હતો. તે હજુ પણ હાવર્ડ મહિલા સ્કવૈશ ટીમ માટે કમ્પીટ કરે છે. બહેનના નકશેકદમ પર ચાલીને અનાહત જલ્દી ભારતની અંડર- ૧૧ શ્રેણીમાં પહોંચી ગઈ અને પછી અંડર-૧૩ની શ્રેણીમાં, ત્યાં તે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ એશિયા અને યુરોપમાં પણ પ્રથમ સ્થાન ઉપર રહી. આ બહુ મોટી સિદ્ધિ છે એ પછી કોમનવેલ્થમાં સારું પ્રદર્શન કરીને અનાહત દેશમાં સ્કવૈશ સેન્સેશન ગર્લ બની ગઈ છે. અહીં સુધી પહોંચવામાં તેને ઘણી મહેનત કરવી પડી છે. અનાહત હજુ આગળ સફળતાના શિખરો સર કરવા માંગે છે.

__________________________________________________________________________________

Classroom News

શું તમે જાણો છો?


સાદામાં સાદો પણ અદ્ભુત વાયુ હાઇડ્રોજન

સૂર્યનો ગોળો હાઇડ્રોજન અને હિલિયમ વાયુના મિશ્રણનો બનેલો છે. બંને વાયુઓ પરસ્પર પ્રક્રિયા કરી પ્રચંડ ઊર્જા પ્રસારિત કરે છે. હાઇડ્રોજન પૃથ્વી પર સંયોજન સ્વરૂપે મળી શકે છે. તે અત્યંત હળવો હોવાથી સામાન્ય

તાપમાને સપાટીની નજીક રહી શકતો નથી. હાઇડ્રોજન કુદરતી જ સૌથી હળવું અને સાદુ દ્રવ્ય છે. પ્રાણીઓના શરીરમાં પણ હાઇડ્રોજનની મહત્વની ભૂમિકા છે. પેટ્રોલિયમ પેદાશોમાં હાઇડ્રોજનના સંયોજનો છે. વિજ્ઞાનીઓએ હાઇડ્રોજન વાયુ પેદા કરીને વિવિધ ઉપયોગો શોધી કાઢ્યા છે. હાઇડ્રોજન વડે ભવિષ્યમાં વાહનો પણ ચાલી શકશે.

__________________________________________________________________________________


ડિજિટલ પેનની અદ્ભુત ટેકનોલોજી

કાગળ ઉપર લખેલું લખાણ સીધું જ વાયરલેસ પદ્ધતિથી કોમ્પ્યુટરમાં સ્ટોર કરી આપતી ડીજીટલ પેન આધુનિક ઈલેક્ટ્રોનિક સાધન છે. સામાન્ય પેન કરતાં થોડી ઘણી જાડી એવી આ પેનમાં ઈલેક્ટ્રોનિક સર્કિટ, ઓપ્ટીકલ ડિવાઈસ અને બ્લ્યુ ટુથ હોય છે તેનું કામ પણ જાણવા જેવું છે.

ડિજિટલ પેન આડી અને ઊભી લીટીઓવાળા ખાસ પ્રકારના પેડ ઉપર ચલાવવી પડે છે. આ પેન કમ્પ્યુટર સાથે જોડી શકાય છે. બેટરીવાળી પેન સ્વતંત્ર રીતે કામ કરે છે. પેનમાં ખાસ પ્રકારની શાહી પ હોય એટલે તમે લખો તે જોઈ શકાય છે. તેની અણીની બાજુમાં ફોટોસેલ હોય છે તે અણીની ગતિ બંને દિશાની નોંધ લઈ માઈક્રોચીપને મોકલે છે. માઈક્રોચીપમાં તેના અક્ષરો બને છે અને તે બ્લ્યુ ટુથ દ્વારા કમ્પ્યુટરમાં જાય છે. આ અક્ષર ગ્રાફિક તરીકે સંઘરાય છે. ફોન્ટ તરીકે નહીં. ડિજિટલ પેનના ઢાંકણમાં શાહીનું રિફિલ, ડોકિંગ કનેક્ટર, ઈન્ડિકેટર લાઈટ હોય છે. આ પેન ખિસ્સમાં રહી શકે તેવા અનુકુળ આકારની હોય છે.

__________________________________________________________________________________


Learner's Corner

શિક્ષક એટલે એક સમુદ્ર

ઈશ્વરે આપણને ભલે સરહદ પર યોધ્ધાની જેમ જીવ આપવાની તક નથી આપી પરંતુ તેની સામે વર્ગમાં બેઠેલા લાખો બાળકો માટે પોતાનો જીવ રેડીને ભણાવી શકીએ અને શ્રેષ્ઠ ભારતનો દેશભક્ત, ઈમાનદાર નાગરિક બનાવી શકીએ એવી તક માત્ર અને માત્ર એક શિક્ષકને જ આપી છે. એક કુંભાર જેવી રીતે માટીના વાસણને આકાર આપે છે એમ જ શિક્ષક આપણા જીવનને દિશા આપે છે.

દરેક શિક્ષક બાળકોના પ્રેરણાસ્ત્રોત હોય છે. શિક્ષકના જીવનમાંથી બાળક કંઈક ને કંઈક શીખતો રહે છે.અમારા બાલભવનમાં પણ શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમારી જ શાળાના માધ્યમિક શાળાના બાળકો માટે 'ક્રિએટીવ ટીચિંગ' સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે અમારા બાલભવનમાં આવી અમારા બાળકોને અભ્યાસ કરાવ્યો હતો.

__________________________________________________________________________________


ભાર વગરનું ભણતર એટલે પ્રવૃત્તિમય શિક્ષણ – Assessment

બાળકોમાં રહેલી ઉત્સુકતા જ તેમનામાં રહેલી વિદ્યાની તરસને તૃપ્ત કરે છે. કહેવાય છે કે વિદ્યા કામધેનુની જગ્યા પણ લઈ શકે છે. જે રીતે કામધેનુ મનુષ્યની બધી ઈચ્છા પૂર્ણ કરે એ રીતે વિદ્યા પણ મનુષ્યના બધા જ સપના સાકાર કરવામાં મદદ કરે છે. બાળકમાં અભ્યાસ પ્રત્યે પ્રેમ, રસ અને ઉત્સુકતા જાગૃત થાય એ હેતુથી અમારા બાલભવનમાં ભાર વગરના ભણતર પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.

જે માટે બાળકોને દરેક વિષયમાં ક્રિએટીવ અસેસ્મેન્ટ લેવામાં આવ્યું. જેમાં વિવિધ રમતો અને એક્ટીવીટી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે.

__________________________________________________________________________________


નવલી નવરાત્રિ

"ભક્તિ, શક્તિ અને મસ્તીનો ત્રિવેણી સંગમ એટલે નવલા નોરતા”

નવરાત્રી એટલે નવચેતનાનું પર્વ. રાષ્ટ્રીય એકતા, અખંડિતતા માટે સ્વાર્થ-સંકીર્ણતા, ઊંચ-નીચના ભેદ, જ્ઞાતિવાદ, જુથવાદની વિચારતાનો અંત લાવી માનવ માત્રની સમાનતાનો દિવ્ય સંદેશ એટલે સૂર્યની ગેરહાજરીમાં ઝળહળતો નવરાત્રીનો પ્રકાશીત ગરબો.

ગુજરાતના ભાતીગળ સંસ્કૃતિથી બાળકો પરિચિત થાય એ હેતુથી અમારા બાલભવનમાં "નવલી નવરાત્રિ" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને માં અંબાના પ્રાગટ્યના નવ સ્વરૂપ વિષે સમજ આપવામાં આવી હતી. બાળકોને એક્ટિવિટી દ્વારા થાળી, દાંડિયા અને મટકી ડેકોરેશન કરતા શીખવ્યું હતું. બાળકો પરંપરાગત પોશાકમાં ગરબાના તાલે ઝૂમ્યા હતા.

__________________________________________________________________________________


બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધા

"યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ"


સમગ્ર સૃષ્ટિનું સંચાલન માં જગત જનની જગદંબા કરે છે. મા અંબાએ મહિષાસુર નામના દાનવ સાથે નવ નવ દિવસ સુધી યુદ્ધ કર્યુ અને તેનો સંવહાર કરે પૃથ્વી પરથી અનિષ્ટનો નાશ કર્યો તેથી જ નવરાત્રિને સ્ત્રીની શક્તિ, ભક્તિ અને યુદ્ધને આરાધવાનો પવિત્ર પર્વ તરીકે ઊજવાય છે. સાથે બાળકો માટે ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.

__________________________________________________________________________________


ઈન્દ્રિયશિક્ષણ

જગત વિષયક કોઈપણ જ્ઞાન આપણને આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ પ્રાપ્ત થાય છે. ઈન્દ્રિય શિક્ષણ દ્વારા આપણને સાચું અનુભવજન્ય અને પ્રત્યક્ષજ્ઞાન પ્રાપ્ત થાય છે. જે બાળકના સર્વાગી વિકાસમાં ખુબ જ મદદરૂપ થાય છે. તે હેતુથી મિશ્ર રંગની ઓળખ, સ્પર્શના પાટિયા, મૂળરંગની તકતીનો પાઠ આપવામાં આવ્યો હતો.

__________________________________________________________________________________


Project August-September

શિક્ષકે અને માતા-પિતાએ બાળકમાં રહેલી વિવિધતા અને વિશિષ્ટતાને અન્વેષણ કરવાની બાળકની આંતરિક ઇચ્છાનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. બાળક માતા-પિતાના માર્ગદર્શન હેઠળ શાળાનું કાર્ય કે પ્રોજેકટ બનાવે છે તે એક ઉત્તમ શૈક્ષણિક પાસું છે. જે કૌટુંબિક મૂલ્યોને મજબુત કરવામાં મદદ કરે છે. માતા-પિતાનું બાળક માટે પ્રતિબિંબ સમાન છે અને તેથી જ અમારી શાળામાં વાલી પ્રોજેકટ આપવામાં આવે છે. જેથી બાળક માતા-પિતાની પ્રેમાળ હૂંફ અને માર્ગદર્શન મેળવી શકે તેના અંતર્ગત જુ.કેજી. ના બાળકોએ પાણીના પ્રાપ્તિસ્થાનો અને સિ. કેજી. ના બાળકોએ માછલીઘર બનાવ્યા હતા.

__________________________________________________________________________________

Club Activity

__________________________________________________________________________________


Educator's Corner

બાળક - સાહસિકતાનું સર્જન

આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં શિક્ષણનું ખુબજ મહત્વ છે. આપણા સમાજમાં ચોતરફ અત્યારે શિક્ષણનું વંટોળ છે. જ્યાં પણ જુઓ સ્કૂલો અને કલાસીસમાં બાળકો ભણતા નજરે પડે છે. અને આ શૈક્ષણિક સમાજના લીધે જ અત્યારે અપણે પ્રગતિના પંથ પર છીએ.

આજની આ ટેકનોલોજીવાળી જિંદગીમાં આપણા અભ્યાસક્રમ મુજબ બાળક 3 વર્ષનું થાય ત્યારથી જ તે શિક્ષણ મેળવતું થાય છે. અને એક પછી એક ડગલું આગળ ભરતું થાય છે. ‘3 વર્ષથી ૩૦ વર્ષ’ સુધી તે સતત જુદા-જુદા અભ્યાસક્રમો માં રચ્યું-પચ્યું રહે છે. આમ, જોતા-જોતા તેનું બાળપણ ક્યારે વિસરાય જાય છે તેની ખબર જ પડતી નથી.

પણ આ શિક્ષિત સમાજના એક નાગરિક તરીકે એક શિક્ષક, વાલી, સંચાલક તરીકે આપણી નૈતિક ફરજ છે કે બાળકનો સર્વાગી વિકાસ થાય તે જોવું. દરેક બાળકમાં એક વિશિષ્ટ આવડત છે. પણ બાળકની આ કુનેહતાને જોઈ ને તેને આગળની દિશામાં ધપાવવાની જરૂર છે. બાળકને માત્ર ચાર દિવાલો વચ્ચે ના રાખતા તેને કુદરતના ખોળે રમવા મુકવું એ પણ જરૂરી છે.

પ્રસિધ્ધ કવિ ઉમાશંકર જોષી એ પણ કીધું છે. ‘પશુ છે, પંખી છે, વનોની છે આ સૃષ્ટી’ તો આ ઊક્તીને સાર્થક કરતા અપણે સૌ કુદરતનો સાથ માણીએ. એવી ધણી બધી વસ્તુઓ છે જે બાળક કુદરતના ખોળે રમતું રમતું શીખે છે. બાળકને કુદરતના સાનિધ્યમાં તેની સાથે સંબધ કેળવતા શિખવવું જરૂરી છે. દરેક બાળકમાં કઈક નવું સાહસ કરવાની વૃત્તિ છે. તો તેની આ સર્જનાત્મકતાને બહાર લાવવાની અને તેને કેળવવાની ફરજ આપણે સૌએ અદા કરવાની છે.

આપણી આસપાસ આજે ઘણી બધી એડવેન્ચર, કેમ્પસાઈટ, એડવેન્ચર પાર્ક અને બીજા રમણીય સ્થળો ઉપલબ્ધ છે. તો બાળકોને ત્યાં લઈ લઈ જઈને જુદી-જુદી રમતો અને સાહસિક પ્રવૃત્તિ કરાવવાથી તેમનામાં એક સાહસિક પ્રવૃત્તિ કેળવાય છે. જેનાથી તેઓ પરસ્પર એક બીજાની સાથે રહેતા શીખે છે અને પોતાનું આત્મરક્ષણ કરતાં શીખે છે.

જયારે પણ કોઈ આપત્તિ આવે તો તેનો બાળક નિડરતાથી સામનો કરી શકે અને પોતાનો બચાવ કરી શકે. તો આવો અપણે સૌ સાથે મળીને બાળકોની સર્જનાત્મક અને સાહસિકતાને ખીલવવાના સહિયારા પ્રયાસમાં જોડાઈએ.

Mrs. Sapna Bucha

Vice Principal

Gajera Vidyabhavan, Katargam

__________________________________________________________________________________


જગત જનનીના નવ દિવ્ય સ્વરૂપો

શૈલીપુત્રી :-

હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જયોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી દેવી શૈલીપુત્રી છે. તે અર્ધ ચંદ્રધારી કમલ તથા ત્રિશુલ ધારણ કરી બેઠેલી છે.

બ્રહ્મચારિણી :-

બ્રહ્મ શબ્દનો અર્થ તપ થાય છે. તપનું આચરણ કરનાર આ દેવી જ્યોતિમર્ય છે અને દેવી સિદ્ધ થવાથી વાસનામુક્ત કરી દે છે. હાથમાં કમંડલમાં અમૃતરૂપી જળ રાખ્યું છે. જેનો છંટકાવ શરીરને અમૃતમય કરી દે છે. હાથમાં અક્ષત માળા છે. એટલે કે ફરી જન્મ આપી અને અમૃત સ્વરૂપનું જળ નાખી જીવનમુક્ત કરી દે છે.

ચંદ્રઘન્ટા :-

પૃથ્વીના શ્રેષ્ઠ પિંડ એવા ચંદ્ર ઉપર આરૂઢ થયેલી ચાંદનીરૂપી વસ્ત્ર ધારણ કરનારી દેવી ચંદ્રઘન્ટા છે. ચાંદની જેવી શીતળતા આપે અને પરમશાંતિ, મનનો ઉદ્રેગ બંધ કરી શીતળતા પ્રસરાવે તે માટે તેમની ઉપાસના કરવી. તેમના દસ હાથમાં ખડગ આદિ શસ્ત્રો રાખેલ છે આ દેવીનું પૂજન ત્રીજા દિવસે કરીએ છીએ.

કૃષ્માણડા :-

મા કૃષ્માણડા જેમના હાથમાં કળશ છે તે કળશમાં મંદિરા છે. શત્રુના લોહીથી ઢંકાયેલ છે અને હૃદયમાં આત્મા સ્વરૂપે બેઠેલ છે તે કમળ હાથમાં લઈ ઉભી છે. જયારે સૂર્ય નહોતો ત્યારે અંધકારમાં પૃથ્વીની રચના કરી જગતની દરેક વસ્તુને પ્રકાશિત કરનાર, બ્રહ્માંડને ઉત્પન્ન કરનાર માતાનું ચોથા દિવસે પૂજન કરીએ છીએ.

સ્ક્ન્ધ માતા :-

સિંહાસન પર બિરાજનારી, જેમના બંને હાથમાં કમળ છે. કમળ દ્વારા મનુષ્યને સંદેશ આપે છે કે જેમ કમળ પોતાનું શુદ્ધ પાણી લેવા માટે કાદવની અંદર તળિયે જઈને શુદ્ધ પાણી લઈ આવે અને પોતાની પાંખડી કાદવમાંથી ખીલી હોવા છતાંય તેની અસર થતી નથી, તેવી રીતે અમારા જીવનમાં સ્ક્ન્ધ એટલે (કાર્તિકેયની માતા) પાર્વતી મને શુભ ફળ આપે તે માટે સ્ક્ન્ધ માતાનું શરણું પાંચમા દિવસે લઈએ છીએ. સ્ક્ન્ધ માતા સૂર્યમંડળની અધિષ્ઠતા દેવી છે તેથી તેમનું તેજ અને કાંતિ સંપન્ન થાય છે.

કાત્યાયની :-

ઋષિઓએ દાનવોના નાશ માટે કાત્યાયની માતાની ઉપાસનાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચાર ફળની પ્રાપ્તિ થાય છે. આ દેવીનું પૂજન છઠ્ઠા દિવસે કરવામાં આવે છે.

કાળરાત્રિ :-

સાતમા દિવસે કાળરાત્રિનું પૂજન કરીએ છીએ. કાળરાત્રિ જવાકર્ણ પુષ્પોને ધારણ કરનારી, એક વેલધારી ખર ઉપર બિરાજમાન લાંબા હોઠવાળી, લાંબા કાનવાળી, તેલ ચોળેલા શરીરવાળી કાળરાત્રિને પ્રણામ. જેના ડાબા પગમાં લોખંડની લતા ઝળકે છે તે કાંટાથી લાંબા વધેલ વાળવાળી, કૃષ્ણાવલીને ભયંકર કાળરાત્રિકહે છે, કારણકે હંમેશા રાત્રે નિદ્રામાં અગ્નિભય, જળાભય, શત્રુભય, જીવજંતુભય વગેરેમાં કાળરાત્રિ કહે છે, કારણકે હંમેશા રાત્રે નિદ્રામાં અગ્નિભય, જળાભય, શત્રુભય, જીવજંતુભય વગેરેમાં કાળરાત્રિ હંમેશા શુભ ફળ દેનાર છે.

મહાગૌરી :-

મહાગૌરી શ્વેત વસ્ત્રો ધારણ કરનારી, શ્વેત વૃષભ ઉપર અરૂઢ થયેલી મહાદેવને આનંદ આપનારી છે. કઠોર તપ કરવાથી પાર્વતીનું સ્વરૂપ કાળું થઈ ગયું ત્યારે શિવજીએ તેમને ગંગાજીમાં સ્નાન કરાવ્યું, તેથી તેમનું શરીર સફેદ રંગનું થઈ ગયું. આ મા ગૌરીનું ધ્યાન, સ્મરણ, પૂજન, આરાધના કલ્યાણકારી છે. તેનાથી સર્વ કષ્ટ દુર થાય છે અને અસત્યનો વિનાશ થાય છે.

સિદ્ધિદાત્રી :-

સિધ્ધો, ગંધવો અને યક્ષો, દેવતાઓ, દાનવો પણ સદ્વિ દાત્રીની હંમેશા સેવા કરે છે. માર્કન્ડપુરાણ મુજબ અહિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ આમ આ આઠ પ્રકારની સિદ્ધિ છે. સિદ્ધિદાત્રીની આરાધનાથી આ તમામ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મહાભારતના યુગમાં ગોપીઓએ કાત્યાયની પૂજા કરી હતી. યાદવોએ દુર્ગામાની પૂજા કરી, રુકમણીજીએ અંબિકાની પૂજા કરી હતી.

Mrs. Jignisa Patel

Educator (Jr.Kg.-C)

___________________________________________________________________________________


આદર ભાવ

એક મધમાખીનું ટોળું એક ઝાડ પાસે જઈને તેના ફૂલમાંથી મધ ચૂસી રહ્યું હતું. આ જોઈ ઘમંડી ઝાડે મધમાખીને કહ્યું તમે આ ખોટું કરી રહ્યા છો તમારાથી આ રીતે બીજાના રસ ન ચૂસાય આ ચોરી કહેવાય. મધમાખી કહે ના દોસ્ત અમે ચોર નથી આ અમારું કામ છે આનાથી તમને પણ ફાયદો છે. અમને વળી શેનો ફાયદો ખોટી વાત ન કરશો તમે બધા જતા રહો બીજા દિવસે મધમાખીઓનું ટોળું ત્યાંથી ઊડીને બીજા ફૂલો પર બેસી તેનો રસ ચૂસવા લાગ્યું. પણ તે ઘમંડી ઝાડને એ પણ મંજૂર ન હતું. તેણે વિચાર્યુ આજે રાત્રે જ બીજા ઝાડ સાથે વાત કરીને કાયમી રસ્તો કરવો પડશે. પછી રાત્રે મધમાખીઓ મધપૂડામાં ગઈ તે પછી ઘમંડી ઝાડે તેની આસપાસના ઝાડ અને છોડને કહ્યું કે આ બધી મધમાખી આપણા રસ ચૂસીને તાજીમાજી થાય છે.

આપણે એમ ન કરવા દેવું જોઈએ બધા ઝાડ કહે હા સાચી વાત છે. કાલથી તેમને રસ નહીં ચૂસવા દઈએ કાલથી બધા ના કહી દઈશું. બીજે દિવસે મધમાખી આવી અને ફુલ પર બેસીને રસ ચુસવા લાગી ત્યારે બધા જ ઝાડ અચાનક ખૂબ હલવા લાગ્યા મધમાખીનો ખૂબ અનાદર કર્યો. મધમાખી કહે અરે તમે આમ કેમ કરો છો? આ બધી વાત મધમાખીઓ છોટી રાણીને જણાવે છે. રાણીએ કહ્યું ચાલો આપણે આ જંગલ જોડી બીજા જંગલમાં જતા રહીએ જ્યાં આપણને આદર નહીં મળે ત્યાં રહેવું અપમાનજનક છે બધી મધમાખીઓ દુઃખી થઈને ત્યાંથી ચાલી ગઈ આ બાજુ જંગલમાં પતંગિયું આવ્યું અને કહ્યું આ તમે ખોટું કર્યુ છે તમે પસ્તાશો મધમાખીઓના જવાથી ફૂલની પરાગરજ એકબીજાના નહોતી લાગતી જેથી બીજા ફૂલ ન થયા. ત્યાં પતંગિયા હવે આવીને કહ્યું મેં તમને કહ્યું હતું કે એક દિવસ તમે પસ્તાશો ઝાડ કહે એ કેવી રીતે પતંગિયાએ સમજાવ્યું કે મધમાખી છે યાર તમારી પરાગરજ તેને લાગે એટલે નવા ફૂલો અને બીજ બને ફળ પણ થાય એમાં તમને પણ એનો ફાયદો જ હતો પણ તમે સમજ્યા નહીં બધા ઝાડ કહે અમારી મોટી ભૂલ થઈ ગઈ પતંગિયું કહે હજુ મધમાખીને બોલાવી લો અને તમે ભૂલ સુધારી લો ઝાડે કહ્યું તો તું અમારી વતી એક કામ કર આ સંદેશ ત્યાં સુધી લઈ જા તેમની માફી માંગી લે અને અહીં આદર્શ ભાવથી બોલાવી લો અમે હવે ક્યારે એમનો અનાદર નહીં કરીએ અમે હળી-મળીને રહીશું. પતંગિયું કહે ઠીક છે હું તમારા વતી આ કામ કરીશ. પતંગિયું મધમાખી પાસે ગયું અને તેણે માફીની વાત એમને કહી ઝાડ તમને બોલાવી રહ્યું છે. તમે ચાલો અને ઝાડને માફ કરી દો. મધમાખીઓ ઝાડની માફી સ્વીકારી જંગલમાં પાછી આવી ગઈ અમને માફ કર્યા ઝાડ કહે જીવનમાં અમે તમારો ક્યારેય અનાદર નહીં કરીએ હવે આપણે આદર્શ ભાવથી હળીમળીને રહીશું.

Mrs. Sandhya Patel

Educator (Sr.Kg.-B)

__________________________________________________________________________________


"શિક્ષક એટલે જે બંધ મગજને પ્રજ્વલિત કરી દે, અજ્ઞાનતાને પ્રતિભાના સૂર્યમાં તબદીલ કરે."

એક ડોક્ટર, એક વકીલ, એક અધિકારી કે સફળ ઉધોગપતિના ઘડતરમાં શિક્ષકનો ખુબ જ મહત્વનો ફાળો હોય છે. દેશના ભાવિ નાગરિકોના સર્જનનો પાયો એક શિક્ષકના હાથમાં છે. બીજાની સફળતા ઉપર ગર્વ લેવો એ એક શિક્ષક હૃદય જ કરી શકે છે. આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આવા જ એક આદર્શ શિક્ષક હતા.

સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના સંવાહક, મહાન દાર્શનિક, ફિલોસોફર અને ભારતરતન પ્રાપ્તકર્તા હતા. શિક્ષક દ્વારા સમાજમાં આપેલા યોગદાનને બિરદાવવા માટે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક દિવસના ભાગરૂપે અમારી શાળામાં દરેક શિક્ષકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને વિવિધ રમતો રમી શિક્ષક દિવસની ઉજવણી કરી હતી.

__________________________________________________________________________________


શીઘ્રવકૃત્વ સ્પર્ધા

શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનિષ્ઠાના પ્રથમ અક્ષરનો શબ્દ એટલે શિક્ષક.

"એક માતા સો શિક્ષકની ગરજ સારે છે" એટલેજ શિક્ષકને માસ્તર પણ કહેવાય છે. આજના સમયમાં શિક્ષણ પડકારરૂપ છે કારણકે રાષ્ટ્રની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થયની જવાબદારી એક શિક્ષકના શિરે છે. આજનું બાળક ટેકનોલોજીની દુનિયાનું છે. તેથી એક શિક્ષકે પણ સતત અપડેટ રહેવું પડશે. ૨૧મી સદીના શિક્ષકમાં દરેક પ્રકારનું જ્ઞાન હોવું જરૂરી છે.

તેથી જ અમારા બાલભવનમાં શિક્ષકો માટે ‘શીઘ્ર વકૃત્વ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકોને વિષય પ્રમાણે પોતાનું વકતૃત્વ રજુ કરવાનું હતું. જેમાં બધાજ શિક્ષકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

__________________________________________________________________________________


Parent's Corner

બાળકોને શિસ્તના પાઠ કઈ રીતે ભણાવવા?


કહેવાય છે કે, બાળક જેવું જુએ તેવું શીખે. તમે ક્યારેય વિચાર્યુ છે કે તમારી વર્તુણક પરથી પણ બાળક શીખે છે. તમે બાળક સાથે જેવું વર્તન કરશો તેવી જ અસર તેના બાળમાનસ પર થશે. તો શું તમારું વર્તન તમારા બાળક સાથે યોગ્ય છે? તમે તમારી જાતને પૂછો કે તમારા કેવા વર્તનથી તમારું બાળક ડરે છે? કઈ જગ્યાએ તમે બાળઉછેરમાં ભૂલ કરો છો?

તમે બાળક સાથે કોઈ સબંધીને ત્યાં કે રેસ્ટોરન્ટ જાઓ છો. રમતવૃત્તિ બાળકનો કુદરતી સ્વભાવ છે. બધી વસ્તુઓને આડાઅવળી કરશે તમે તેના હાથમાંથી કઈ લઈ લેશો તો બુમબરાડા પડશે. જો કોઈ તમારા બાળકને રોકવાની કે ધમકાવવાની કોશિશ કરે તો તમે વાતને એવી રીતે વળશો કે હજુ બાળક છે એટલે આવું તો કરે જ. જો અહીં તમે બાળકને શિસ્તપાલન નહીં શીખવો તો આ તેની આદત બની જશે અને લાંબા સમયે તેને છોડાવવી મુશકેલ બનશે.

બાળકો સાથે વધુ પડતું કડક વલણ સારું નથી. તેમની નાનકડી ભૂલ માટે તેમને સખત સજા ન કરવી. ઘણાં માતા-પિતા બાળકને રૂમમાં કે બાથરૂમમાં બંધ કરી દે છે. થોડા સમય માટે બાળકોને બહાર રમવા નથી જવા દેતા. મહિના માટે ટીવી જોવાથી વંચિત રાખે છે. આ બધી સજાઓથી બાળકને તમે ભૂલ કરવાથી નહી રોકી શકો. પ્રેમાળ બનીને તમારે તેને શીખવવાનું છે કે તેમની કઈ વર્તુણક અયોગ્ય છે.

જો બાળકોની દરેક ઈચ્છા પૂરી કરશો તો ક્યારેક તેમને કોઈ વસ્તુ લેવાની ના પાડશો ત્યારે તેઓ હઠ પકડશે અને તે મેળવવા રડશે, કકળશે, ગમે તેમ તમારી પાસે એ વસ્તુ લેવડાવશે, ત્યારે બાળકને એ વાતનો ખ્યાલ આવી જશે કે કેવી રીતે તમારી પાસે તેની જીદ પૂરી કરાવવી.

સારા મમ્મી-પપ્પા બનવા માટે ઘણું શીખવું પડે છે. બાળકોની હરકતો અને તોફાનથી તંગ થઈને તમે તેમના પર બુમબરાડા પાડો છો અથવા તેમને તરત જ ચુપ કરવા તેમના પર હાથ ઉપાડો છો. આનાથી બાળક તરત જ ચુપ થઈ જશે પરંતુ તેના પર ખુબ જ નકારાત્મક અસર થશે. તમે તેની અંદર આક્રમકતા અને ખરાબ વર્તુણકનું બીજ વાવો છો. વારંવાર તેમના પર બુમબરાડા પાડવાથી તેમને માનસિક તાણ પણ થઈ શકે છે. જયારે તમારો ગુસ્સો શાંત થાય ત્યારે જ તમે બાળકને બોલાવો. મોટા ભાગના બાળકો શાંતિથી પુછેલા પ્રશ્નોના જવાબ સારી રીતે આપે છે. તેના પર ખીજ્વાવું પડે તેવી પરિસ્થિતિ આવે ત્યારે જ ખીજ્વાવું જોઈએ. બાળક બહાર કોઈની સાથે ઝઘડો કરીને આવે કે કોઈની વસ્તુ તોડીને આવે ત્યારે તમે તેને ધમકાવો છો અથવા સજા કરો છો પરંતુ એ જયારે કોઈ સારું કામ કરે ત્યારે તેના વખાણ કેમ નથી કરતાં? તેની સારી વર્તુણકની પ્રશંસા કરશો તો તે તેવું જ બનવાનો પ્રયત્ન કરશે. આ સૌથી ઝડપી રસ્તો છે જયારે તેઓ સારું વર્તન કરે ત્યારે તેમને ખો. બાળકોને આદેશ આપવાને બદલે તેને શાંતિથી, પ્રેમથી કહેશો તો તે તરત જ માનશે. ‘અત્યારે ને અત્યારે, અહીં આવ’ ‘એક મિનિટમાં બંધ નહીં કરે તો ખેર નથી’ આવા વાક્યોની તે અવગણના કરશે. ‘મારો દીકરો કેટલો ડાહ્યો દરરોજ કપડાં બદલીને સમયસર સુઈ જાય’ આવા વાક્યથી તે ખુશ થશે, તમારા પ્રત્યે માન વધશે.

જરૂર વગર બાળકને સલાહ ન આપવી. તેનું સ્કુલનું ગૃહકાર્ય બાકી છે અને તમે તેને જબરદસ્તીથી બેસાડો છો કે ભાષણ આપો છો. આનાથી તેનામાં જાતે તે કામ કરવાની ટેવ નહિ પડે. તેમને પ્રેમથી સમજાવો. કયું કામ પહેલાં કરવું છે? હોમવર્ક નહીં કરે તો શું થશે? આવી બાબતમાં તેને તમારી વાત સાંભળવી પણ ગમશે.

સોનલ બગડીયા

(ધ્યાની બગડીયાના મમ્મી)

જુ.કેજી.-B

__________________________________________________________________________________


Teachers Day Celebration (Parents)


માતા-પિતા, બાળકોને જન્મ જરૂર આપે છે. પણ શિક્ષક તેમના ચરિત્રને આકાર આપીને ઉજ્જવલ ભવિષ્યનો પાયો તૈયાર કરે છે. શિક્ષક એ વ્યક્તિ છે જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. અમારા બાલભવનમાં પણ શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાલીશ્રીઓ શિક્ષકના કાર્યને સમજે એ હેતુથી વાલીશ્રી માટે 'ક્રિએટીવ ટીચિંગ' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીશ્રીઓએ શાળામાં આવી બાળકોને ભણવાનો અનુભવ કર્યો હતો.

__________________________________________________________________________________


"દાદા-દાદી એટલે સંસ્કારો અને સંસ્કૃતિનું સિંચન કરનાર એક અનમોલ રત્ન"

"કોઈક વાર વ્હાલ બનીને, તો કોઈકવાર ઢાલ બનીને,

તો કદી જીવનની રાહ બનીને, તો કદી મીઠી યાદ બનીને..."

સફેદ વાળ, બોખું મોઢું, જાડા કાચના ચશ્માં અને વાંકી વળી ગયેલી કમ્મરમાં પણ જે જાજરમાન લાગેને એ આપણા દાદા અને જે સ્વરૂપવાન લાગેને તે છે આપણા દાદી. દાદા-દાદી અને બાળકો વચ્ચેનો પ્રેમનો સબંધ વધુ મજબુત બને એ માટે અમારા બાલભવનમાં દાદા-દાદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો પોતાના દાદા-દાદીની સાથે શાળામાં આવ્યા હતા. દાદા-દાદી માટે ખુબ જ સુંદર ડાન્સ કર્યો. દાદા-દાદીએ પોતાના બાળકો સાથે રમતો રમી પોતાના બાળપણને યાદ કર્યુ હતું અને પોતાના જીવનના અનુભવ બીજા સાથે શેર કરી પોતાના અનુભવોનું ભાથું બાળકોને આપ્યું હતું.

__________________________________________________________________________________




560 views0 comments
bottom of page