gajeravidyabhavanguj
E-Newsletter - July 2022
Updated: Aug 4, 2022


Message From Trustee

આત્મવિશ્વાસ
'આત્મવિશ્વાસ એટલે જીવનની શક્તિ'
આત્મવિશ્વાસની બધી પ્રક્રિયા જો નિષ્ઠાપૂર્વક રીતે પૂરી કરવામાં આવે છે તો આત્મવિશ્વાસ એ આપણે આત્મશક્તિ બની જાય છે. આત્મશક્તિ એ એવી શક્તિ છે કે જે જીવન જીવવાની અને સફળતા મેળવવાની મૂળભૂત શક્તિ છે. આત્મવિશ્વાસ જ મહાન વ્યક્તિઓમાં મહાનતા નું સર્જન કરે છે. ખીલેલા ફુલ જેવા, પડતા ધોધ જેવા, ગર્જના કરતા સિંહ જેવા, આકાશમાં ઉડતા પંખી જેવા માણસો તમે જોયા હશે, આવા માણસોનો મૂળ આત્મવિશ્વાસ છે.
અ 'શક્ય' શબ્દમાં 'શક્ય' શબ્દ છુપાયેલો છે. તરવરીયા તરુણો અને જુસ્સાથી જાગૃત યુવાનો આ દેશની ઉજજવળ આશા છે. શિક્ષણ પ્રશિક્ષણ અને કૌશલ્ય નિર્માણ થકી એમના મનોબળનું આકાશ વિસ્તરી રહ્યું છે. કારકિર્દી અને કલદાર એમનામાં આત્મવિશ્વાસનો આવિર્ભાવ થાય ત્યારે મનોબળ એમના માટે મોંઘેરી મૂડી બને એ સમયનો તકાદો છે.
આત્મવિશ્વાસ ઘણી પરીક્ષામાંથી પસાર થયા પછી જ આપણને વરે છે. એવી એક પરીક્ષા એટલે આત્મનિરીક્ષણ એટલે આપણું પોતાનું નિરીક્ષણ. આત્મનિરીક્ષણ માંથી જ આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. આપણે આપણું નિરીક્ષણ કરતા રહીએ તો એમાંથી સાચી ખોટી બાબતોનું જ્ઞાન પ્રગટ થાય છે જે આપણા આત્મવિશ્વાસ માટે મહત્વની ભૂમિકા રચે છે. કહેવાય છે ને કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે પણ એ માટે આપણો આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે. ઘણા હેન્ડીકેપ ખેલાડી સ્પર્ધામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થાય છે કેમ કે તેનામાં આત્મવિશ્વાસ છે. આથી જ દરેક વિદ્યાર્થી પોતાનામાં આત્મવિશ્વાસ રાખી પોતાનામાં રહેલી કળા, સ્પોર્ટ્સ અને એજ્યુકેશનમાં ધ્યાન લગાવશે તો સો ટકા સારું જ પરિણામ આવશે.
તમામ વિદ્યાર્થી અને વાલીઓ માટે મારા તરફથી શ્રાવણ મહિનાની શુભકામના.
શ્રી ચુનીભાઈ ગજેરા
મેનેજીંગ ટ્રસ્ટીશ્રી,
ગજેરા ટ્રસ્ટ
__________________________________________________________________________________
Message From Principal

બાળક અને ટેકનોલોજી
અત્યારનો યુગ ડિજિટલ યુગ ગણાય છે. આપણા રોજિંદા જીવનમાં કે કાર્યમાં સગવડતા માટે આપણે સૌ ઘણા આવા ઘણાં ઉપકરણો, ટેકનોલોજી કે મોબાઇલનો ઉપયોગ કરીએ છે. પરંતુ જાણે અજાણે આપણે ટેકનોલોજી ખાસ કરીને મોબાઇલ, સોશિયલ મીડિયા, ગેમ્સ વગેરેના ગુલામ થઈ ગયા છીએ. માતાપિતાની વાત કરીએ ત્યારે આપણે સૌ સવાર પડતાં પહેલાં ભગવાનનો ફોટો નહીં પણ આપણો મોબાઇલ શોધીએ છીએ. વારંવાર આખા દિવસમાં ફેસબુક,વ્હોટસ અપ,કોઈ એપ્લિકેશન ચેક કરતા હોય છે અત્યારની જિંદગીમાં મોબાઈલ ફોન, ગેમ્સ વગેરે આપણા જીવનના અભિન્ન અંગ બની ચુક્યા છે. ટેકનોલોજી અને મોબાઇલમાં ઘણા સારા લાભ પણ છે. આપણું રોજિંદા જીવન સરળ બનાવવા પરંતુ અજાણતાં જ આપણે આગળની પેઢી એટલે કે આપણા બાળકોને એક ખતરનાક એડીકસન,લત,ભેટ-સોગાત તરીકે આપી રહ્યા છીએ.

બાળક જન્મે ત્યારે એ થોડું મોટું થાય કે તરત જ માતા-પિતા તેને મોબાઈલથી વાકેફ કરાવતા હોય છે.તેમાં ફોટો બતાવવા,ગીતો સાંભળવા કે કોઈ વિડિયો બતાવવા જયારે આપણે કોઈ પણ કામમાં વ્યસ્ત હોય કે ઘરે કોઇ મહેમાન આવ્યું હોય ત્યારે આપણે જ આપણા બાળકોને ટીવીની સામે અથવા મોબાઈલ ફોન કે આઈપેડ લઈને એક જગ્યાએ બેસાડી દેતા હોઈએ છીએ .જેથી માતા-પિતાનો તેમનું કામ સારી રીતે કરી શકે પરંતુ માતા-પિતાની આદતના કારણે બાળક સ્ક્રીનનું બંધાણી થતું જાય છે.
સૌપ્રથમ તો માતા-પિતાએ બાળકોને તૈયાર કરતા પહેલા પોતે મોબાઇલ ફોન, ગજેટસ ને લઈને તેના વાપરવાના સમય લઈને સેલ્ફ અવેરનેસ લાવવી જરૂરી છે. પોતે જ પોતાના સોશિયલ મીડિયા વાપરવાના સમયને લઈને કાપ મૂકવો જોઈએ. યાદ રાખો બાળકો માતા-પિતાનું અનુકરણ કરતા હોય છે. તેથી જ આપણે અમુક સાવચેતી રાખીને મોબાઈલ કોમ્પ્યુટર આઇપેડ કે ગજેટસ વાપરવા સાથે સાથે આપણે સ્ક્રીન ટાઈમ ચોક્કસ કરી લેવો જોઇએ.અઠવાડિયામાં એક દિવસ શક્ય હોય તો મોબાઈલ સ્ક્રીન માટે હોલીડે રાખવો, શક્ય હોય તો નેટ બંધ રાખવું માતા પિતા જ્યારે ઘરે કે બાળકો સાથે હોય ત્યારે મોબાઈલ ફોન, ટીવી બંધ રાખવા. બાળકો સાથે વાતચીત કરવી, ક્વોલીટી સમય વિતાવવો બાળકોને હંમેશા કંઇક ક્રિએટિવ સ્કિલ શીખવા પ્રોત્સાહિત કરવા. બાળકોને વાંચન, ગાર્ડનિંગ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ વગેરે શીખવાડવા તથા તેમાં વ્યસ્ત રાખવા પ્રયત્ન કરવો. બાળકોને નેચર સાથે કનેક્ટેડ હોય તેવી એક્ટિવિટી કરવા પ્રેરિત કરવા જેમ કે વોટરીંગ, ગાર્ડનીંગ, પ્લાન્ટેશન બાળકોને ડ્રોઈંગ મ્યુઝિક, સ્પોર્ટ્સ માટે પ્રોત્સાહિત કરવા તથા માતા-પિતા પણ બાળકો સાથે રમત રમી શકે છે. ખાસ કરીને લંચ અને ડીનર સાથે લેવા બાળકોને જમતી વખતે મોબાઇલ કે ટીવી સ્ક્રીન ઓફ રાખવા કહેવું આજના ડિજિટલ યુગમાં આપણે પોતે બાળકને સંપૂર્ણપણે ટેકનોલોજી પર પ્રતિબંધ મૂકવો અશક્ય છે. પરંતુ બાળકોને ટીવી જોવાના સમય પર નિયંત્રણ રાખવો જરૂરી છે. તેમણે મોબાઈલ કે ગેમ્સ રમવાના અઠવાડિયાના કલાકો નિશ્ચિત કરી શકો છો. આમ કરવાથી મોબાઈલનો કોઈપણ સ્ક્રીનનો ઉપયોગ કરવામાં કાપ આવી જશે.
બાળકો જ્યારે તમાંરા મોબાઈલ વાપરતા હોય ત્યારે અમુક પ્રકારની સોશિયલ મીડિયા એપ્લિકેશન ડીએક્ટીવેટ કરી દેવી જોઈએ. રાત્રે સૂવાના થોડા કલાક પહેલા શક્ય હોય તો મોબાઈલ સ્વીચ ઓફ કરી દેવો જોઇએ. સૌથી મહત્વની વાત કે આપણે જે બાળકોને મોબાઈલ,ડીજીટલ કે ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગને લઈને જે પરિવર્તન લાવવા માંગીએ. તે સૌ પ્રથમ માતા-પિતાએ પોતાનાં બાળકોના રોલમોડેલ હોય છે. તમે જો મોબાઈલનો ઉપયોગ સંયમ રાખીને કરશો તો બાળકો પણ સમજી વિચારીને જરૂર હોય તેટલો જ ને ત્યારે જ તેનો ઉપયોગ કે મોબાઈલ ફોનના દુર ઉપયોગથી છોડાવવા માટે કડક ઉગ્ર કે તોછડાઈ ભર્યું વર્તન કરવાના બદલે માતાપિતા જો તેના એક્શન પોતાની લાઈફમાં મોબાઈલનો કે ટેકનોલોજીના ઉપયોગથી સેલ્ફ ડીસીપ્લીન લાવે તે જરૂરી છે.
Mrs. Sunita Hirpara
Principal
Gajera Vidyabhavan, Katargam
__________________________________________________________________________________
Cover Story
નાનકડાં બાળકોએ તો કરી મોટી કમાલ
પરી, રિહાન, વિવાન, આરવ, પ્રત્યુષ અને પ્રાંજલ આ સાતેય મિત્ર તોડકી એક જ સ્કૂલમાં ભણતી હતી. કોઈને એકબીજા વગર ચાલે નહીં. જ્યાં જુઓ ત્યાં સાતેય મિત્ર ટોળકી એક જ સ્કૂલ માં ભણતી હતી.કોઈને એક બીજા વગર ચાલે નહિ.જ્યાં જુઓ ત્યાં આ સાતેય મિત્રો સાથે જ હોય. રીસેસમાં નાસ્તો કરવા કે પછી લાઇબ્રેરીમાં પુસ્તક વાંચવા બધે તેઓ સાથે જ નજરે આવે.વળી, અભ્યાસમાં પણ સાતેય ખૂબ હોશિયાર હતાં
દર રવિવારે શાળામાં તો રજા હોય પરંતુ આ જિગરી મિત્રોને એકબીજાને મળ્યા વગર તો ન ચાલે તેથી તેઓ વારાફરતી એકબીજાના ઘરે રમવા જાય સાંજ પડતા પાછા પોત પોતાના ઘરે ભેગા થઈ જાય.

આજે વિવાન સ્કૂલે નથી આવ્યો તેનો ત્રીજો દિવસ થવા આવ્યો. રીસેસમાં સૌ મિત્રો ભેગા થયા ત્યારે બધાને ચિંતા થઈ રહી હતી વિવાન ક્યારેય કારણ વગર એક રજા પાડે એવો ન હતો.મિત્રોએ સાંજે ભેગા થઈને વિવાન ના ઘરે જઈને તપાસ કરવાનું નક્કી કર્યુ.
સાંજે છએ મિત્રો વિવાન ના ઘરે પહોંચ્યા જોયું તો વિવાનને તાવ આવી રહ્યો હતો તેને તબિયત ખુબ ખરાબ હતી. મિત્રોને આવેલા જોઈને વિવાનના ચહેરા પર માંદગીમાં પણ ચમક આવી ગઈ. વિવાનની મમ્મીએ કહ્યું ‘વરસાદના કારણે આસપાસ મચ્છરોનો ત્રાસ ખુબ વધી ગયો છે.ડોક્ટરે કહ્યું છે કદાચ મચ્છરના કરડવાથી તેને આ તાવ આવ્યો છે જો દવાથી સારું નહીં થાય તો કદાચ તેને દવાખાને દાખલ કરવા પડશે.
મિત્રોનું મોં પડી ગયું એનો મતલબ કે વિવાન હજુ થોડા દિવસ શાળાએ નહીં આવી શકે. વિવાન બોલ્યો, ‘મિત્રો મને ઘરે જરાય ગમતું નથી. મને સ્કૂલ તમારા બધાની બહુ યાદ આવી રહી છે. ‘મિત્ર બોલ્યા, અમને પણ તારા વગર ગમતું નથી એટલે જ તો અમે તને જોવા માટે આવ્યા કે તું આખરે સ્કૂલે કેમ આવી નથી રહ્યો.’
આ મિત્રોમાં પરી બહુ ચબરાક હતી. તેણે કહ્યું,’ વિવાન તું આરામ કર. મિત્રો, જરા મારી સાથે પાંચ મિનિટ ચાલજો.’ મિત્રો વિચારમાં પડ્યા પરીને અચાનક શું સુઝ્યું ,પરિ સૌને વિવાન ના ઘર ની બહાર આવેલા મેદાનમાં લઈ ગઈ. જોયું તો જગ્યાએ જગ્યાએ ખાડા ખાબોચિયા, તેમાં પાણી ભરાયેલું. ઝાડમાંથી ખરેલા પાંદડાઓ.પરી બોલી મિત્રો જુઓ ,વિવાનના ઘર પાસે મચ્છરનો ત્રાસ ન થાય તો બીજું શું થાય? વરસાદના કારણે કેટલી ગંદકી થઈ ગઈ છે ઉપાય માટે આપણે આ જગ્યાં સાફ કરવી જોઈએ.
બીજા દિવસે મિત્રોએ ભેગા મળીને આખા મેદાનને સાફ કરી નાખ્યું ખાડા હતા એ માટી નાખીને પૂરી દીધા ઝાડું વડે કચરો સાફ કરી એક કોથળામાં ભરી દીધો અને વરસાદમાં ઉગે તેવા વિવિધ છોડ વાવી દીધા. બીજા દિવસે સ્કૂલ જઈને પ્રિન્સિપાલને આખી વાત જણાવી અને તેમણે કરેલા કાર્ય વિશે કહ્યું પ્રિન્સિપાલે શાબાશી આપી અને પુરા શહેરમાં સ્કૂલ તરફથી સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ચલાવવાનો નિર્ણય લીધો સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ આ ઝુંબેશમાં જોડાયા શહેરના દરેક વિસ્તારમાં લોકોએ પણ આ નાનકડા બાળકો અને તેમણે કરેલાં કાર્યોમાં સહકાર આપ્યો.
__________________________________________________________________________________
Classroom News
મહિનાના સુવિચાર
પુસ્તકો સમયના વિશાળ સાગરમાં ઉભી કરવામાં આવેલી દીવાદાંડી સમાન છે.
ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ અને સમાંર્થોનું આભુષણ છે.
પ્રગતિ માટે પરિવર્તન પણ જરૂરી છે.
સફળતાનાં પાયામાં હંમેશા સંઘર્ષ જ સમાયેલો હોય છે.
સિદ્ધિના આનંદ કરતા લક્ષ્યની સ્પષ્ટતા વધારે જરૂરી છે.
નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે.
મહાન વ્યક્તિનું મુખ્ય લક્ષણ તેની નમ્રતા છે.
સંયમ અને પરિશ્રમ માનવીના બે વૈધ છે.
પુસ્તક અંતઃકરણને ઉજજવળ કરે છે.
ક્ષમા જ યશ છે, ક્ષમાજ ધર્મ છે, ક્ષમાથી જ સંસારનું અસ્તિત્વ છે.
દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે.
પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ છે.
વિદ્યા પોતે જ એક શક્તિ છે.
મનુષ્ય જે કાંઈ પણ મેળવે છે, તે તેના કર્મનું જ ફળ છે.
પ્રેમ ભરી ભાષા એ જ ધર્મ ની ખરી ભાષા છે.
__________________________________________________________________________________
શું તમે જાણો છો?
ગોલ્ફ બોલ પર ખાડા કેમ હોય છે?
ગોલ્ફ બોલ્સ પર ખાડા એ માટે બનાવવામાં આવે છે કે તે દૂર સુધી જઈ શકે. વિજ્ઞાન અનુસાર સામાન્ય બોલ કરતાં ખાડાવાળા બોલ બે ગણો વધુ આગળ ફેંકાય છે. બોલ પર બનેલા આ ખાડાઓ હવામાં દબાણ ઓછું કરે છે જેથી બોલ દૂર સુધી જઈ શકે છે. ગોલ્ફ બોલમાં આશરે ૩૦૦ થી ૫૦૦ ખાડા હોય છે. આ બોલને ધાતુની બનેલી એક લાકડી વડે હીટ કરવામાં આવે છે, જેને ‘ક્લબ’ કહેવામાં આવે છે. ગોલ્ફ કોર્સમાં જગ્યાએ જગ્યાએ ખાડા કરવામાં આવ્યા હોય છે, જેને ‘હઝાર્ડ’ કહેવામાં આવે છે. અલગ-અલગ પોઈન્ટ્સ હોય છે, ખેલાડીએ આ ખાડામાં બોલ નાખી અંક મેળવવાના હોય છે.

ગોલ્ફ કોર્સમાં જે જગ્યાએથી રમત શરૂ કરવામાં આવે છે તેને 'ટી એરીયા' કહે છે. ટી એક પ્રકારની પીન છે જેના પર બોલને રાખી ને ક્લબથી પહેલો શોટ મારવામાં આવે છે. ગોલ્ફના મેદાનને ‘ગોલ્ફ કોર્સ’ કહેવામાં આવે છે. ગોલ્ફ કોર્સ ખૂબ મોટાં અને લીલાછમ ઘાસથી ભરપુર હોય છે. ગોલ્ફ કોર્સ મોટા હોવાના કારણે ત્યાં ગોલ્ફ કાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્ટમાં બેસીને ગોલ્ફર મેદાનમાં ફરે છે. ગોલ્ફ એ મૂળ તો સ્કોટલૅન્ડની રાષ્ટ્રીય રમત છે, પરંતુ તેને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે.
__________________________________________________________________________________
ગણિતજ્ઞ બર્નહાર્ડ રીમાન
આલ્બર્ટ આઈન્સ્ટાઈન જે થીયરી માટે વિશ્વવિખ્યાત છે, તેનું નામ છે સાપેક્ષતાનો સિદ્ધાંત, પણ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે જે ગાણિતિક મોડેલની મદદથી આઈનસ્ટાઈને પોતાની આ અતિ મહત્વની થીયરી ડેવલપ કરી એના જન્મદાતા હતા જર્મન ગણિતજ્ઞ બર્નહાર્ડ રીમાન.

બર્નહાર્ડ રીમાન પહેલાના જેટલા પણ ગણિતજ્ઞ થઈ ગયા હતા તેઓ ફક્ત ત્રણ પરિણામોથી પરિચિત હતા. લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ. પરંતુ રીમાને એક નવા પાસાનો પરિચય કરાવ્યો. રીમાને પહેલીવાર પરિણામોનો વ્યાપક કોન્સેપ્ટ રજુ કર્યો અને કહ્યું કે પરિણામ ત્રણથી પણ વધારે હોઈ શકે છે. ત્રણથી વધુ સામેલ કરતા રીમાને જે જ્યોમેટ્રીની રચના કરી એનું નામ છે ’ડિફેન્શિયલ જ્યોમેટ્રી’ રીમાનની મોટાભાગની કામગીરી ઉચ્ચ ગણિતના ક્ષેત્રમાં થયેલી છે. ગણિતનો વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ કરતી વખતે તેમના નામથી પરિચિત થાય છે.
__________________________________________________________________________________
Morning Assembly-અલુણા વ્રત

“ગોરમા નો વર કેસરિયો.... નદીએ નાહવા જાય રે ગોરમા,
હાથમાં લીધી લાકડીને.....ઠોકતો ઠોકતો જાય રે ગોરમા”
ભારત એ તહેવારોનો દેશ છે. ધાર્મિક તહેવારોનું હાર્દ સચવાય તે જોવાની આપણા સૌની ફરજ છે. અમારા બાલભવનમાં “અલુણાવ્રત” ની એસેમ્બલી દ્વારા સમજુતી આપવામાં આવી.
જેમાં ઓખાબાઈની વાર્તા દ્વારા આ વ્રત કેમ ઉજવાય છે તેની સમજ આપી તેમજ વ્રત દ્વારા ખાવામાં આવતી વસ્તુઓની સમજ આપવામાં આવી. બાળકોએ ગોરમાના ગીત પર ખુબ જ સરસ ડાન્સ કર્યો હતો.
__________________________________________________________________________________
Morning Assembly-આવ્યો અષાઢી મેહુલો...

ભારત ઋતુઓનો દેશ છે. કારતક થી આસો બાર મહિના વિવિધ ઋતુઓ સાથે માનવ હૈયા પણ મલકાય છે. ઋતુ કલ્પનાનો વૈભવ જ આપણું જીવન છે પ્રકૃતિનું સૌંદર્ય દરેક ઋતુમાં જુદો મિજાજ જ પ્રતિત કરે અને પ્રકૃતિ જ સ્વયં પ્રેમનું પ્રતીક છે. વર્ષાઋતુને બધી જ ઋતુઓની રાણી કહેવામાં આવે છે પૃથ્વીનો મનમોહક અને અલૌકિક સ્વરૂપ જોઈને વાદળો તેની તરફ આકર્ષાય છે અને પ્રેમવશની જેમ નતમસ્તક થઈ જાય છે અને ખુશ થઈને પોતાનો અનાધાર પ્રેમ વરસાવે છે.
બાળકોને વરસાદ ઋતુનું મહત્વ સમજાય એ હેતુથી અમારા બાલભવનમાં Rainy Day ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને ઋતુચક્રની સમજ આપી. ચોમાસાની ઋતુમાં થતા ફળ-શાકભાજી અને ખાદ્ય પદાર્થો વિશે માહિતી આપી હતી. વરસાદને લગતી વિવિધ એક્ટિવિટી પણ કરાવવામાં આવી હતી. નાટ્ય કૃતિ દ્વારા બાળકોને વરસાદનું મહત્વ સમજાવ્યું. બાળકોએ પણ છત્રી અને રેઇનકોટ પહેરીને વર્ષા ગીત ઉપર ડાન્સ કરી વરસાદની મજા માણી.
__________________________________________________________________________________
Learner's Corner
ડોક્ટરનું ઋણ અદા કરવાનો દિવસ - ડોક્ટર્સ ડે
“એક ડોક્ટર હી હોતા હૈ જો હમે ઉમ્મીદ દે સકતા હૈ જબ હમ કષ્ટ મે હો તબ.”
ડોક્ટર એટલે એક સાથીદાર. તબીબી ક્ષેત્રે સર્વોચ્ચ કાર્ય કરનાર ડૉ.બિધાન ચંદ્ર રોય જેમને ભારતના સર્વોચ્ચ નાગરિક તરીકે ‘ભારતરત્ન’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ.બિધાન ચંદ્ર રોય ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દરવર્ષે ૧ જુલાઈ ના રોજ ‘ડોક્ટર્સ ડે’ તરીકે ઉજવાય છે.
ડોકટરના આ અમુલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે અમારા બાલભવનમાં ડોક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ ડોકટરના કાર્યની સમજુતી નાટયકૃતિ દ્વારા આપી હતી તેની સાથે જ ડોક્ટર દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોની સમજુતી આપવામાં આવી હતી.
__________________________________________________________________________________
Student Day - વિદ્યાર્થી એ દેશનો ભાવિ કર્ણધાર છે.
વિદ્યાએ મહાન શક્તિ છે, સંસ્કૃતના એક શ્લોકમાં કહેવાયું છે કે "વિદ્યા એ માણસનું ઉત્તમ ભુષણ અને ગુપ્ત ધન છે” જીવનમાં વૈભવ, કીર્તિ અને દરેક જાતનું સુખ આપનાર સાચો ગુરૂ એ વિદ્યા છે. 'વિદ્યાદાન એ જ શ્રેષ્ઠ દાન' ના સુત્રને સાર્થક કરનારા, અજ્ઞાનના અંધારાને દુર કરી જ્ઞાનનો તેજોમય દિપ પ્રગટાવી અનેક બાળકોનું જીવન પ્રકાશમય અને ઝળહળતું કરનાર અમારા ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાના જન્મદિવસને અમારા ગજેરા બાલભવનમાં 'સ્ટુડન્ટ ડે' તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકો દ્વારા વિદ્યાનું મહત્વ નાટ્યકૃતિ દ્વારા સમજાવવામાં આવ્યું હતું. બાળકોએ પોતાના વ્હાલસોયા સર માટે ખુબ જ સુંદર ડાન્સ કર્યો અને બર્થ ડે કાર્ડ ડેકોરેશન કર્યો અને પોતાની કાલીઘેલી ભાષામાં શુભકામનાઓ પાઠવી હતી.
__________________________________________________________________________________
મુલ્યશિક્ષણ :- આજના સમાજની આવશ્યકતા
"નીતિમુલ્યો બાળકમાં રોપી શકાય નહિ,
આપણા ચારિત્ર્ય થકી તે બાળકમાં ઉપસી આવે છે"
શ્રેષ્ઠતમ નીતિમૂલ્યોનું શિક્ષણ બાળકના જીવન ઘડતરનું અતિ મહત્વનું પાસું છે અને આ મુલ્યો થકી જ બાળકમાં સત્ય, પ્રમાણિકતા, વિવેક, નમ્રતા, પરિશ્રમ જેવા સદગુણોનો વિકાસ થતો હોય છે. તેથી જ દરેક માતા-પિતા એવું ઈચ્છે છે કે પોતાના સંતાનો એક આદર્શયુક્ત અથવા નીતિમય જીવન જીવવાની ક્ષમતા તથા આવડત ધરાવતા હોય જેથી તેઓ જીવનમાં પોતાનો લક્ષ પ્રાપ્ત કરી શકે.
પૂજ્ય શ્રી હરીદાદાની પુણ્યતિથી નિમિત્તે અમારા નાના નાના બાળપુષ્પો તેમને પ્રેમથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. હરીદાદાની પુણ્યતિથી નિમિત્તે “ફાઉન્ડર્સ ડે” અંતર્ગત બેચ સેરેમની રાખવામાં આવી હતી.

જેમાં સૌપ્રથમ વડીલોનું પૂજન કર્યુ ત્યારબાદ વર્ગના પ્રતિનિધિઓને બેચ પહેરાવી સન્માનિત કર્યા જેથી તેઓ (બાળકો) હરીદાદાના જીવનમાંથી પ્રેરણા લઈ સફળતાના ઉચ્ચત્તમ શિખરો સર કરી પોતાનું લક્ષ પ્રાપ્ત કરે. ત્યારબાદ દરેક પ્રતિનિધિએ પોતાનું કાર્ય નિષ્ઠા અને પ્રામાણિકતાથી કરવાના શપથ લીધા.
__________________________________________________________________________________
જીવનના સાચા પથદર્શક- ગુરુ

ભારતવર્ષની પોતાની એક આગવી ઓળખ રહી છે. જેને કારણે પ્રાચીનકાળથી લઈને આજ સુધી ભારત વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આધ્યાત્મિક જ્ઞાનના વિસ્તાર હેતુ ગુરૂશિષ્ય પરંપરા પણ ભારતની એક વિશિષ્ટતા છે. આધ્યાત્મિક જ્ઞાનથી જ્યોતિ પ્રગટાવી રાખવામાં ગુરૂ-શિષ્ય પરંપરા વિશ્વ સમક્ષ એક શિક્ષક સમાન છે.
ત્યારબાદ બાળકોને જીવનમાં ગુરૂ નું શું મહત્વ છે તેની સમજુતી આપી હતી. ગુરૂ-શિષ્ય પરંપરાની ઓળખ નાટ્યકૃતિ દ્વારા બાળકો દ્વારા જ આપવમાં આવી. બાળકોએ ખુબ જ સુંદર "ભરતનાટ્યમ" દ્વારા ગુરૂવંદના કરી અને ત્યારબાદ આચાર્યશ્રી, ઉપઆચાર્યશ્રી તેમજ તેમના વર્ગશિક્ષકનું પૂજન કર્યુ.
“ગુરૂદેવ કી ચરનો કી ગર ધૂલ જો મિલ જાયે,
સચ કહેતા હું મેરી તકદીર બદલ જાયે”
__________________________________________________________________________________
‘પ્રકૃતિનું સંરક્ષણ કરીએ, વિશ્વનું રક્ષણ કરીએ’
સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણ માંથી જ થયું છે આપણે સૌ પર્યાવરણના જ એક ભાગ છે તેથી પર્યાવરણ છે તો આપણે છે એવું કહેવામાં કઈ અતિશયોક્તિ નથી. આમ, આપણી પાયાની જરૂરિયાતો હવા, પાણી અને ખોરાક એ ત્રણેયની પૂર્તિ પર્યાવરણ જ કરે છે અને આથી જ માનવી પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીઓ પ્રત્યે જાગૃત થાય તે માટે દર વર્ષે ૨૮ જુલાઈ ને "વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. બાળકો અત્યારથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય એ માટે અમારા બાલભવનમાં વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ પર્યાવરણની જાળવણી અને ઉપયોગીતા વિશે સમજ આપી ત્યારબાદ બાળકોએ એક પાત્રીય અભિનય દ્વારા પર્યાવરણની સુરક્ષા વિશે ખૂબ જ સુંદર સંદેશ આપ્યો હતો.

__________________________________________________________________________________
ટાઈગર ડે
જંગલોનો વિનાશ ગેરકાયદેસર પ્રાણીઓનો શિકાર શહેરીકરણને કારણે વન્ય પશુ સંપત્તિનો સદંતર વિનાશ થયો છે માનવીએ વન્યજીવોનો વિનાશ કેટલી નિર્મમતાથી કર્યો છે કે કેટલાક વન્યજીવોની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે અને કેટલાક જીવો પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યા છે તેમાંનું જ એક પ્રાણી છે વાઘ. વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે જે આજે લુપ્ત થવાના આરે છે વાઘ એક તાકાતવર અને સુંદર પ્રાણી છે. વાઘ ઇકો સિસ્ટમની હેલ્થ અને ડાવસિટી જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

જેથી વાઘ સરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ૨૯ મી જુલાઈ ના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવે છે. તેથી જ ગજેરા બાલભવનમાં પણ વાઘ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને વન્યપ્રાણીઓની સમજ આપવામાં આવી હતી અને શિક્ષકોએ દ્વારા જંગલી પ્રાણી ક્યારે હિંસક બને છે તે નાટ્યકૃતિ દ્વારા સમજાવવામાં આવ્યું હતું બાળકો પણ ઘરેથી વાઘનું માસ્ક બનાવી ને લાવ્યા હતા.
__________________________________________________________________________________
શ્લોક સ્પર્ધા

ગુરૂનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ છે. આપણા જીવનમાંથી ક્ષતિઓને દુર કરી ક્ષીરસાગરમાં પાર ઉતારે તેનું નામ ગુરૂ. બાળકના જીવનમાં પ્રથમ ગુરૂ તેની માતા હોય છે. જે તેને જીવનમાં વિવિધ સંસ્કાર આપી સાચા-ખોટાનો ભેદ સમજાવે છે. આપણે પણ વિદ્યા જેવું અમુલ્ય ધન મેળવવા માટે હંમેશા એક સારા ગુરુની શોધ કરતાં આવ્યા છે. કારણકે એક ગુરૂ (શિક્ષક) જ આપણા ભવિષ્યનું નિર્માણ કરી શકે છે.
બાળકો ભારતીય પરંપરાથી માહિતગાર થાય અને ભારતીય સંસ્કૃતિને ઓળખે તે હેતુથી ‘શ્લોક સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બાળકોએ ભાગ લીધો હતો અને પરંપરાગત વસ્ત્રો પહેરીને શ્લોક પઠન કર્યા હતા.
__________________________________________________________________________________
ઈન્દ્રિય શિક્ષણ

ઈન્દ્રિય શિક્ષણ એટલે જેનાથી આપણને અનુભવજન્ય અને પ્રત્યેક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય તે. ઇન્દ્રિયોથી જ આપણે બાહ્ય જગતનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ જેથી અમારા બાલભવનમાં ઈન્દ્રિય શિક્ષણમાં દટ્ટાપેટીનો પાઠ આપવામાં આવ્યો હતો. જેના દ્વારા બાળકને નાના-મોટા અને જાડા-પાતળાનો સુક્ષ્મ ખ્યાલ મેળવી શકે.
__________________________________________________________________________________
જીવન વ્યવહાર
જીવન વ્યવહાર દ્વારા બાળકમાં સ્વતંત્રતા અને સ્વાવલંબનના ગુણો કેળવાય છે. બાળક પોતાનું દરેક કાર્ય જાતે કરે અને તે કાર્ય ચોક્કસ વ્યવસ્થિત અને પધ્ધતિસર કરતાં શીખે, બાળકના હાથના સ્નાયુઓ કેળવાય, બાળક બાળપણનો ભરપુર આનંદ માણી શકે એ હેતુથી અમારા બાલભવનમાં જીવન વ્યવહારમાં મણકા પરોવવા, ઢીંગલીઘર, સિવણના પાટિયા જેવા વિવિધ પાઠો આપવામાં આવ્યા હતા.
__________________________________________________________________________________
નેચર
“બા મે તો બાગમાં બાંધી નિશાળ,
ભણવાને આવે છે, ચકલીઓ ચાર...”

દરેક માનવી સૌંદર્યપ્રેમી હોય છે. તેમાં પણ પર્યાવરણનું અનુપમ રૂપ જોઈ દરેક માનવી તેની તરફ ખેંચાય જાય છે. બાળકોને પણ ખુલ્લા વાતાવરણમાં મોકળા મને રમવાનું ખુબ જ ગમે છે. કુદરતી સંરચનાને જોવી, જાણવી અને માણવી. દરેક બાળકને ખુબ જ ગમે છે. જેથી અમારા બાલભવનમાં નેચરનો પાઠ આપવામાં આવે છે. જેમાં બાળકને બાગની મુલાકાત, છોડની માવજત, છોડના પ્રકાર, દાણા વાવવા વગેરે પાઠ આપવામાં આવ્યા હતા.
__________________________________________________________________________________
Club Activity
"બાળકમાં રહેલી ક્ષમતા જ તેનું ભવિષ્ય નિખારે છે."

દરેક બાળક એક કલાકાર છે. એક બીજાથી અલગ છે. બધા જ બાળકો ભણવામાં હોશિયાર હોય એવું નથી હોતું. દરેક બાળકમાં અલગ-અલગ હુન્નર અને ક્વોલીટી હોય છે. બસ જરૂર છે તો તેને સમયસર ઓળખવાની અને પછી તેને તે જગ્યાએ પહોંચાડવાની. બાળકમાં રહેલી અસીમતા, વિશેષતા ને અનન્યતા. જેમ જેમ છતી થાય તેમ તેમ તેના વિકાસની પ્રક્રિયા સહજ બનતી જાય છે.
બાળકને તેની જાત સાથેની ઓળખાણ શિક્ષક કરાવે છે. શાળામાં બાળકોને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપી તેઓમાં રહેલી ક્ષમતાઓને યોગ્ય રીતે મંચસ્થ કરી બાળપ્રતિભાને ઉજાગર કરવામાં આવે છે. તે માટે અમારી શાળામાં ડ્રામા ક્લબ, સ્પોર્ટ્સ, ભાષા, સંગીત, ડાન્સ, આર્ટ અને ક્રાફ્ટ, ગણિત અને વિજ્ઞાન જેવા વિવિધ ક્લબમાં એકટીવીટી કરાવવામાં આવે છે.
__________________________________________________________________________________
જૂન-જુલાઈ માસ: પ્રોજેક્ટ કાર્ય

માતા-પિતાનું વર્તન-વ્યવહાર બાળક માટે દર્પણની ગરજ સરે છે. માતા-પિતાના અનુકરણ દ્વારા બાળક ઝડપથી શીખે છે. બાળક પ્રકૃત્તિને વધુસારી રીતે જાણે અને માણી શકે એ માટે જૂન-જુલાઈ માસના વાલી-બાળક પ્રોજેક્ટમાં “યુનિક પ્લાન્ટેશન” કરાવવામાં આવ્યું હતું. બાળકે પોતાના વાલીશ્રી સાથે મળીને માટીમાંથી ખુબ જ સુંદર કલાત્મક વસ્તુઓ બનાવી હતી અને વેસ્ટ વસ્તુમાંથી ડેકોરેશન કરી ખુબ જ સરસ કુંડા બનાવી તેમાં છોડ રોપ્યા હતા.
__________________________________________________________________________________
જૂન-જુલાઈ માસ: મૂલ્યાંકન
મૂલ્યાંકન એટલે.....શ્રેષ્ઠતાની ઓળખ.
મૂલ્યાંકન એટલે કોઈપણ વસ્તુ કે પરિસ્થિતિની યોગ્યતાને ચારે બાજુથી તપાસી નક્કી કરેલ માપદંડમાં છે કે નહી એ નક્કી કરવું.
બાળકમાં અભ્યાસ પ્રત્યે પ્રેમ, રસ અને ઉત્સુકતા જાગૃત થાય એ હેતુથી અમારા બાલભવનમાં ‘ભાર વગરના ભણતર’ પર ધ્યાન આપવામાં આવે છે. જેમાં બાળકોને દરેક વિષયમાં વિવિધ વસ્તુઓ, કટઆઉટ અને પ્રોપ્સ થકી ક્રિએટીવ એક્ટીવીટી દ્વારા અસેસ્મેન્ટ કરવામાં આવ્યું હતું.
__________________________________________________________________________________
Educator's Corner
બાળક આપણી વાત સાંભળે તે માટે
આપણે પહેલા બાળકને સાંભળતા શીખવું પડશે.

પેરેન્ટ્સ તથા બાળકો હંમેશા એકબીજાને સમજવાનો સંઘર્ષ કરતાં રહે છે. માતા-પિતાની વારંવાર ફરિયાદ હોય છે કે બાળક તેમનું માનતું નથી કે સાંભળતું નથી અને જો નાના બાળકોની વાત કરીએ તો ખાવા પીવામાં, સ્કૂલે જવામાં, રોજિંદા કાર્યોમાં, ભણવામાં કે ઘણી ખરી બાબતોમાં માતા-પિતાનું સાંભળતા નથી હોતા. તેમાંય આજકાલ મોબાઈલ, ટીવી, વિડીયો ગેમ, કમ્પ્યુટર વગેરે જેવા ગેજેટનો ઉપયોગ ઘણો જ વધી ગયો છે. બાળકો તેમનો મોટા ભાગનો સમય આ બધા પાછળ પસાર કરે છે. પેરેન્ટ્સ માટે આ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. દરેક પેરેન્ટ્સ પોતાના બાળકના સ્વાસ્થ્ય,કેરિયર તથા તેમને એક સફળ વ્યક્તિ બનાવવા માંગતા હોય છે.

નાની ઉંમરના બાળકોમાં ગુસ્સો કરવો, વસ્તુઓ ફેકવી, અપશબ્દો બોલવા, રિસાઈ જવું, બૂમો પાડવી, ભાગી જવું, પોતાને રૂમમાં લોક કરી દેવું, પોતાના કે બીજાના બાળકના વાળ ખેંચવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે બાળકો ઉગ્ર સ્વભાવના હિંસક થઈ જતા જણાય છે.માતા-પિતાને ખોટું બોલી ગેરમાર્ગે દોરવા જેવા બિહેવીયર ઇશ્યુ બાળકોમાં જણાય છે. સ્કુલે જતા બાળકોમાં ઓપોઝિટ ડેરીસીઅન્ટ ડીસ ઓર્ડર એટલે કે ગુસ્સો,નિયમો તોડવા, નખરા કરવા વગેરે જોવા મળે છે. બાળકોમાં લર્નિંગ ડિસએબિલિટી,શોર્ટ ટર્મ મેમરી લોસ,સેટેંન્સન ડેફીસીટ ડીસ ઓર્ડર વગેરે જોવા મળતા હોય છે. છેવટે બાળકો ગેરમાર્ગે દોરતા હોય છે તેમના પેરન્ટ્સથી દૂર થતા જાય છે તેમને પેરેન્ટ્સની કોઈ પણ વાતમાં વિશ્વાસ નથી આવતો.
બાળકના સાયકોલોજીકલ અને બિહેવિયર ઇમ્પેકટને પ્રોપર કાઉન્સેલિંગ, કોમ્યુનિકેશન તથા ધીરજથી સમજાવવા પ્રયત્ન કરો, બાળકોને પોઝિટિવ આનંદભેર પ્રોત્સાહન પૂરું પડે તેવું વાતાવરણ પૂરું પાડો. બાળકોને વારંવાર તેમની નબળાઇઓથી વાકેફ ન કરાવો.
બાળકમાં હિંમત તેમજ આત્મવિશ્વાસ જગાડો બાળક જ્યારે બોલતું હોય ત્યારે તેની વાતો શાંતિપૂર્વક ધ્યાનથી સાંભળો. બાળકને તમારી ભાવનાઓ,લાગણીઓથી વાકેફ કરાવો તમે તમારા બાળકોને સાંભળવાની ધીરજ કેળવો. તો મહદંશે બાળકો પણ માતા-પિતાને ચોક્કસ સાંભળવાનો પ્રયત્ન કરશે. એ યાદ રાખો કે આપણા બાળકો ખૂબ જ સમજદાર છે ફક્ત જરૂરી છે તો તેમને એક સામાન્ય રીમાઈન્ડર આપવાની.
Mrs. Binita Patel
Vice Principal
Gajera Vidyabhavan, Katargam
__________________________________________________________________________________
ખુશીનું રહસ્ય

એક સમયે ગામમાં એક મહાન ઋષિ રહેતા હતા. તે ગામના લોકો ઋષિને ખૂબ માન આપતા. જ્યારે પણ ગામના તમામ લોકોને કોઇ સમસ્યા હોય ત્યારે તે ઋષિ પાસે જતા અને તે ઋષિ સમસ્યાનો ઉકેલ જણાવતા.
એકવાર એક વ્યક્તિ એ ઋષિ પાસે પ્રશ્ન લઇને આવ્યો અને તેને પૂછ્યું હે ગુરુજી, "હું કેવી રીતે ખુશ રહી શકું મારી ખુશીનું રહસ્ય શું છે" ત્યારે ઋષિએ જવાબ આપ્યો કે જવાબ મેળવવા માટે તારે મારી સાથે જંગલમાં આવવું પડશે. તેનો વ્યક્તિ જવાબ મેળવવા માટે ઋષિ સાથે જંગલમાં જાય છે જંગલ માં ચાલતા ચાલતા એક મોટો પથ્થર રસ્તામાં આવે છે ઋષિ એ વ્યક્તિને તે પથ્થર પોતાની સાથે લેવાનું કહે છે વ્યક્તિ ઋષિના આદેશનું પાલન કરે છે અને તે તેના હાથમાં પથ્થર ઉપાડી લે છે. થોડા સમય પછી તે વ્યક્તિ ને ભારે પથ્થર ઉચકવા થી હાથમાં દુખાવો થવા લાગે છે. પેલો વ્યક્તિ પીડા સહન કરે છે અને ચાલતો રહે છે થોડા સમય પછી તેને વધુ પીડા થવા લાગે છે ત્યારે તે ઋષિ ને કહે છે મને ખૂબ જ પીડા થાય છે અને હવે હું થાકી ગયો છું. ત્યારે ઋષિ તેને જવાબ આપે છે તે પથ્થર10 મિનિટ સુધી ઉપાડી રાખ્યો ત્યારે તને થોડો દુખાવો થયો. પરંતુ તે પથ્થર 20 મિનિટ સુધી ઉપાડી રાખજો અને વધુ પીડા સહન કરી.

એ જ રીતે, જ્યાં સુધી આપણે આપણી જાત ઉપર દુઃખ નો બોજ લઈશું ત્યાં સુધી આપણે ખુશી નહિ મળે માત્ર નિરાશા જ મળશે. આપણી ખુશીનું રહસ્ય તેના ઉપર નિર્ભર કરે છે કે આપણે આપણી જાત ઉપર દુઃખ નો બોજ કેટલો સમય સહન કરીએ છે.
જો તમારે તમારા જીવનમાં ખુશ રહેવું હોય તો દુઃખ અને તમારા ઉપર હાવી ન થવા દો. દુઃખ એક ભારે પથ્થર જેવું છે જે આપણને જેટલું વધારે દુઃખ અને વેદના આપવાનું ચાલુ રાખશે. માટે જીવનમાં પથ્થર રૂપી દુખને નીચે મૂકો અને ખુશીની સાથે મન મૂકીને જીવો. આ જીવન મા ખુશીનું રહસ્ય છે.
Mrs. Neeta Modi
Educator (Nursery)
__________________________________________________________________________________
First Aid Kit Training

મનુષ્યના સંવેદનાનો કોઈ સાચો મિત્ર હોય તો તે તેનો તબીબ છે. ગરીબ કે તવંગર બંનેનો એ નિકટનો મિત્ર છે એને મત બધા જ દર્દીઓ વ્હાલા છે. ડોકટરનો ધર્મ માત્ર માનવ સેવાનો જ છે. ડોક્ટર એ સમાજનું અલંકાર છે. દર્દી નું હાસ્ય એના મતે સુખનો દરિયો છે અને દર્દીના આંસુ લુછવા એ હર હંમેશ તત્પર રહે છે. શાળામાં બાળકોની સાર-સંભાળ સારી રીતે થાય તે હેતુથી શિક્ષકો માટે પ્રાથમિક સારવારની સમજુતી મળી રહે એ માટે First Aid Kid ની ટ્રેનીંગ રાખવામાં આવી હતી. જેમાં ટ્રેનર ખુબ જ વ્યવસ્થિત રીતે સમજ આપી હતી.
__________________________________________________________________________________
શ્રુતલેખન સ્પર્ધા
"સાંભળ્યા પ્રમાણે લખવામાં આવતું અનુલેખન એટલે શ્રુતલેખન"
ભાષા માનવીની આગવી સિદ્ધિ છે. એ કુદરતે આપેલ નથી. આપણી જરૂરિયાત પ્રમાણે આપણે સિદ્ધ કરેલ ઘટના છે. શ્રવણ શક્તિ ભાષા જીવનનું પ્રસ્થાનબિંદુ છે. ભાષાનો આરંભ જ શ્રવણ દ્વારા થાય છે. શ્રવણ, પઠન અને લેખન એ શિક્ષણ કાર્યના મહત્વના અંગ છે અને તે એક શિક્ષક માટે પણ શૈક્ષણિક કાર્યમાં મદદ કરે છે. આથી અમારા બાલભવનમાં શિક્ષકો માટે ‘શ્રુતલેખન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. __________________________________________________________________________________
Parent's Corner
બાળકને પુરતો સમય આપીએ

બાળઉછેર રમતની વાત નથી સંતાન સમજદાર હોશિયાર કે વિવેકી અને સફળ નીવડે એ માટેના ભગીરથ પ્રયાસો પણ નિષ્ફળ નીવડતા હોય છે, કારણ કે પેઢીઓ બદલાતી હોય છે એને ઉછેરવાની રીત પણ બદલાવાની જોઈએ. બાળકો સારા તો આખું કુટુંબ સુખી, કારણકે બાળકો એ આપણી આવતીકાલ છે બાળ ઉછેરની કક્કો બારખડી માં આજે ‘ઐ’ ઐશ્વર્યનો ‘ઐ’ એશ્વર્ય એટલે સામાન્ય રીતે ધનવૈભવ કે બંગલો ગાડી અને મનગમતી ચીજો ખરીદવાની તાકાત એવું માનવામાં આવે છે પણ ખરેખર તો બાળકો જ આપણી એશ્વર્ય હોઈ છે કારણ કે ગમે તેટલા સુખસગવડ હોય પણ ઘરનું બાળક બગડે, કુછંદે ચડે કે ફુટેવોનો શિકાર બને તો એની પાછળ આખું ઘર ખુવાર થઈ જવાનાં ઉદાહરણો આપણે બધાએ જોયાં જ હોય છે. એટલે આપણું આ ઐશ્વર્ય, આપણાં બાળકોને સારો ઉછેર આપવો એ આપણી ફરજ જ નહીં જરૂરિયાત પણ છે.
દુઃખની વાત એ છે કે આ બધું આપણે જાણતા જ હોઈએ છીએ છતાં નોકરી, રોજીંદા કામ અને પ્રસંગોના બહાના હેઠળ બાળકને યોગ્ય સમય ક્વોલીટી ટાઇમ આપી શકતા નથી. બાળકો બગડવાનું મુખ્ય કારણ જ એ છે કે બાળકોને માબાપ પૂરતો સમય નથી આપતાં, એમને સાંભળતાં નથી અને એ માટે કારણ એ આપે છે કે ‘આ બધી મહેનત બાળકો માટે જ તો કરીએ છીએ.નોકરી ધંધો કરીશું તો બાળકો માટે નવી નવી વાનગી બનાવામાં જે સમય જાય એ બાળક માટે અ આપેલો કહેવાયને? સંતાનોને સારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું,ટ્યુશન,લેપટોપ,મોબાઈલ વગેરે બધી જ સગવડ તો આપીએ જ છીએને?એ માટે બંનેએ કમાવું પડે.
સવારે ઉતાવળ અને સાંજે મોડું થયું હોઈ છોકરાઓનું લેસન બાકી હોઈ તો એમને કરવા દેવું પડે,થોડી વાર ટીવી અને ફોનમાં રમતો પાછળ નીકળે ,એ પણ જરૂરી તો ખરુંને?
આ બધી વાત સાચી હોય તો પણ માં બાપે ગમે તે રીતે રોજનો એક કલાક બાળકો સાથે નિરાંતે ગાળી શકાય એવી સગવડ રાખવી જ પડે જેથી બાળક એ સમયમાં પોતાની વાતો કરી શકે, વડીલો ને એ વાત તદ્દન બિનમહત્વની કે નકામી લાગે તો ક્યારેય એણે મુશ્કેલ સમયમાં એકલા મુંઝાવું નહિ પડે અને એ આત્મવિશ્વાસ કેળવાશે કે મારા પરિવારના સભ્યો હંમેશા મારી સાથે છે.
ટૂંકમાં બાળકનું મન સ્વસ્થ રહે એ માટે મા-બાપ અને વડીલોએ એને પૂરતો સમય આપવો પડે અને ઘરમાં એવું વાતાવરણ રાખવું પડે કે બાળક પોતાની બધી જ વાત કરી શકે અને બહારી કુછંદથી બચી શકે આપણા દેશને એક સમજદાર નાગરિક બની શકે છે . સ્વસ્થ બાળક જ મા-બાપ અને કુટુંબનું સાચુ એશ્વર્યા છે અને એક સુમેળ ભર્યો સંતોષી પરિવાર બાળકોનું સાચું ઐશ્વર્ય છે.
કાજલ વસોયા
(મિશ્વા વસોયાના મમ્મી)
જુ.કેજી.-A
__________________________________________________________________________________
વાલીમિટીંગ - શિક્ષણની કેડી ને કંડારીએ....

માતા-પિતા અને શિક્ષકના સહિયારા સકારાત્મક પ્રયાસ થકી જ સંભવ બને છે. બાળકના પ્રથમ શિક્ષક મતા-પિતા પોતે જ છે. બાળકના સંસ્કાર કે મુલ્યો સિંચવાની જવાબદારી માતા-પિતાની સાથે શાળાની પણ છે. માતા-પિતા અને શિક્ષકોની બાળકો માટેની ફરજ એટલી છે કે એને એવું વાતાવરણ પૂરું પાડે કે જેથી બાળકનો સર્વાગી વિકાસ થઈ શકે તેમનામાં રહેલી નવી ક્ષમતાઓ ખીલી શકે.
બાળકોના યોગ્ય વિકાસ માટે વાલી અને શિક્ષકો વચ્ચે સુસંવાદ સ્થપાય એ આવશ્યક છે. તેથી અમારી શાળામાં માસવાર વાલીમિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં કરાવવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને બાળકના અભ્યાસને લગતી યોગ્ય માહિતી વિશે વાલીશ્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી.
__________________________________________________________________________________

__________________________________________________________________________________
