top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-Newsletter - February-2023



Message From Trustee


પ્રિય વાલી મિત્રો,

આપ સૌ કુશળ હશો.

ગજેરા ટ્રસ્ટે સફળતાપૂર્વક તેના ૩૦ વર્ષ પૂરા કર્યા છે અને શિક્ષણને આગળ વધારવાની અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને જ્ઞાનરૂપી કેડીએ લઈ જવાની આ નોંધપાત્ર સિદ્ધિ પર ૩૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે ગજેરા પરિવાર અને ગજેરા શાળા પરિવારના તમામ સભ્યોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું.

ગજેરા ટ્રસ્ટની સ્થાપના “ગજેરા પરિવાર” દ્વારા કરવામાં આવી હતી, જેઓ દાયકાઓ પહેલા પોતાની જાતને જોઈને સમાજના નાનામાં નાના વ્યક્તિના બાળકને શિક્ષણ આપે તેવી સંસ્થાની સ્થાપના કરે છે. પરિવારનું માનવું હતું કે એક શિક્ષિત બાળક માત્ર એક પરિવાર જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના નિર્માણમાં પોતાની સહભાગિતા આપે છે. આ ઉદ્દેશ્ય અને ધ્યેય સાથે આ સંસ્થાએ ૩૦ વર્ષ પહેલાં વધુ સમય લીધો હતો. પરિવારના તમામ સભ્યોએ આ સંસ્થાના વિકાસ માટે સમય અને નાણાંનું યોગદાન આપીને આ કલમને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજે ત્રણ દાયકાની નિઃસ્વાર્થ સેવા પછી ગજેરા પરિવારે અને પરિવારના સભ્યોના સક્ષમ માર્ગદર્શન દ્વારા ખાતરી કરી છે કે ગજેરા ટ્રસ્ટ સુરત શહેરનું નોંધપાત્ર ટ્રસ્ટ છે. આથી જ ગજેરા ટ્રસ્ટ હેઠળની તમામ શાળાઓ અને કોલેજોના વિકાસ અને સફળતા માટે ટ્રસ્ટીઓ અને શાળા પરિવારના તમામ સભ્યોનું સમર્પણ જવાબદાર છે.

આ વાત તો થઈ સંસ્થાની સ્થાપના અને તેનાં વિકાસની, પરંતુ મારે હવે જે વાત કરવી છે તે મારા વિદ્યાર્થીઓ માટે કરવી છે. આપણે સૌ જાણીએ છીએ કે આવનારા મહિનાઓથી શાળાની પરીક્ષાઓનો પ્રારંભ થશે. દેશ-દુનિયામાં વિવિધ પડકારો અને પરિવર્તનો પછી આખરે આપણે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના પડાવ પાસે પહોંચી ગયા છો એ આપણાં સૌ માટે ખુશીની વાત છે. તને તમારી પરીક્ષાની તૈયારી ખૂબ સારી રીતે કરી જ લીધી હશે. હવે તમને જરૂર છે એક આત્મવિશ્વાસની, હુંફની , સધિયારાની , પેપર કેવું નીકળશે ? હું સારી રીતે લખી શકીશ કે કેમ ? પેપર ચેક કરનાર બરાબર ચેક નહિ કરે તો ? પરિણામ નીચું આવશે તો ? આવા અનેક નકારાત્મક વિચારો પણ તમને આવતા જ હશે , ખરું ને ? પણ થોડીવાર એ બધું જ બાજુએ મૂકીને આગળની વાત પર ધ્યાન આપશો.

દરેક વ્યક્તિ અનન્ય છે અને કોઈની પણ સરખામણી અન્ય કોઈ સાથે થઇ જ નહિ.મિત્રો ,તમારી જિંદગી ,તમારું ભવિષ્ય અને તમારી ખુશી જ અમારા સહુ કોઈ માટે ખૂબ જ મહત્વની છે. કેટલું વાંચ્યું એના કરતાં કેટલું સમજાયું અને યાદ રહ્યું એ વધારે મહત્વનું છે, એકાગ્રતા, પ્રાણાયામ, માનસિક સ્વસ્થતા વાંચેલું યાદ રાખવામાં ખૂબ જ મદદ કરે છે, પરીક્ષાનો સમય નજીક છે ત્યારે હવે વાંચન ઓછું અને ચિંતન , મનન વધારે કરો, લેખન અને ગણનનો મહાવરો કરતા રહો, સમયાંતરે પૌષ્ટિક અને હળવો આહાર, નિયમિત પૂરતી ઊંઘ અને હળવો વ્યાયામ / વોકિંગ કરો, જવાબવહીમાં ઉત્તરો માગ્યા મુજબ જ લખો, જે વિભાગ સારો આવડતો હોય તે પહેલાં લખો, પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા ખંડમાં સમયસર પહોંચી જવાથી બિનજરૂરી તણાવ ટાળી શકાય. ઊંડા શ્વાસ લેવા અને ‘can , I will ‘ અભિગમ રાખવો અને જવાબવહી પર લખવાની વિગતો કાળજીપૂર્વક લખવી. પ્રશ્નપત્ર વાંચવા માટે વિશેષ સમય ફાળવવામાં આવે છે. તેનો સદુપયોગ કરવો. કોઈ એક – બે પ્રશ્નો અઘરા કે ન આવડતા હોય એટલા માત્રથી હતાશ ન થવું અને જે આવડતું હોય તે વિભાગ અને પ્રશ્નોથી લખવાની શરૂઆત કરવી . બે – પાંચ માર્કના અઘરા પ્રશ્નોને લીધે બાકીના ૯૫ ગુણનું ભૂલી જઈએ એ કેમ ચાલે ? પરીક્ષાના ગુણ મહત્વના છે , પણ જીવનના ગુણ જેવા કે સત્ય , પ્રમાણિકતા વગેરે ખૂબ જ મહત્વના છે. પરીક્ષા ખંડમાં CCTV કેમેરા તો હોય જ છે , પણ પરમ પિતાના કેમેરામાંથી કોઈ છટકી શકતું નથી માટે કોઇપણ પ્રકારે ગેરરીતિ કરવાનો વિચાર સુદ્ધાં કરશો નહિ.

આમ, અંતે આપ સૌને એટલું જ કહીશ કે તમારી આ કસોટીમાં અમે સૌ તમારી સાથે છીએ. આપની સફળતામાં જ અમારી સિદ્ધિ હોય છે. આથી પરીક્ષા આપી રહેલા મારાં તમામ વિદ્યાર્થીઓને ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સફળતાના શિખરો સર કરો તેવી શુભકામનાઓ.

શ્રી, ચુનીભાઈ ગજેરા

મેનેજીંગ ટ્રસ્ટી શ્રી, ગજેરા ટ્રસ્ટ

__________________________________________________________________________________


Message From Principal

બાળકોના વિકાસમાં માતા-પિતાની ભૂમિકા

મોટા મોટા કેળવણી કારોએ શિક્ષણવિદોએ મેડમ કહ્યું છે કે બાળકની પ્રથમ શાળા કે શિક્ષક માતા-પિતા પોતે જ છે.

માતા-પિતાના પ્રેમથી પોષેલું બાળક વટવૃક્ષ બને છે. જો છોડને ઓથ ન મળે તો તે આડુ અવળું ગમે તે દિશામાં ફૂટી નીકળે છે. માટે માતા-પિતાનો સહવાસ અતિ આવશ્યક છે. માતા-પિતાના પ્રેમથી બાળક સોળે કળાએ ખીલે છે. જેથી તેનો આંતરિક અને બાહ્ય વિકાસ ઝડપથી થાય છે. આમ, ઉત્તમ સંસ્કાર સિંચન માતા-પિતાના સહિયારા સકારાત્મક પ્રયાસ થતી જ સંભવ બને છે.

બાળ ઘડતરનું સૌથી પહેલું પગથિયું એ છે કે માતા-પિતા એ બાળકની સાથે એક સારા મિત્ર જેવું વર્તન કરવું. બાળકના પાલક બનવાનું છે પણ તેના માલિક નથી બનવાનું. નવી પેઢીના માતા-પિતા બાળકના યોગ્ય ઉછેર માટે ચિંતિત હોય છે અને બાળકને બધી જ વિદ્યાઓમાં પારંગત બનાવવાની હોડમાં બધું જ શીખવી દેવાના ઉમંગમાં બાળકનું બાળપણ છીનવી લેતા હોય છે. આજકાલ તો બાળકને એક્સ્ટ્રા એક્ટિવિટી ના નામે ભળતા-સળતા વર્ગોમાં જ મૂકી દેતા માતા-પિતા એવું ઈચ્છે છે કે બાળક બાળપણથી જ મહાન બને અને માતા-પિતાનું નામ રોશન કરે.

બાળકના માલિક બનીને પોતાની મરજી વિરુધ એને પરાણે કોઈ પ્રવૃત્તિ તરફ વાળવાનો પ્રયત્ન કરવાથી એને એ પ્રવૃત્તિ તરફ અણગમો તો થશે જ સાથે એનું બાળપણ પણ ખોવાશે. માતા-પિતાએ બાળકના માળી બની સંતાનોનો ઉછેર કરવો પડશે તેમને જરૂરી પ્રેમ, હુંફ, લાગણી કે સહાનુભૂતિ આપી યોગ્ય માર્ગદર્શન આપી તેના સાચા પથદર્શક બનવું પડશે.

હાલના સમયમાં પેરેન્ટ્સ જ એટલા કોન્શિયસ છે કે બાળકને જાતે કપડા પણ પસંદ કરવા દેતા નથી. બાળકને કેવા કપડાં પહેરાવવા એ પણ પેરેન્ટ્સ જ નક્કી કરે છે બાળકને નિર્ણય લેવાની આઝાદી આપવામાં આવે ત્યારે જ એ પગભર થઈ શકે છે.

પહેલા નાના બાળકો માટે આટલા બધા કપડાં નહોતા લેવામાં આવતા એટલે તેઓ સામાન્ય કપડામાં છૂટથી રમી શકતા, લગ્ન કે પાર્ટીમાં બાળકો કંટાળતા નહોતા. જ્યારે હવે તો બાળકો ઝડપથી કંટાળી જાય છે એનું કારણ બાળકો પોતાને ગમતી રમત રમી શકતા નથી. હવે માતા-પિતા મોંઘા કપડા અને છોકરી હોય તો મેકઅપ કરાવીને બાળકોને શોભાના પૂતળા બનાવીને લઈ જાય છે. બાળક એ કોઈ રમકડું નથી કે માતા-પિતાના પ્રતિષ્ઠાની પ્રતિકૃતિ નથી. બાળકો પહેલાં પાંચ વર્ષમાં ઘણું શીખી જાય છે અને ત્યારે બાળકમાં ફેશન કે હરીફાઈ ના બદલે સ્નેહ, સંસ્કાર અને સ્વભાવ ઘડતર કરવું વધુ અગત્યનું બની જાય છે.

બાળક પોતાના આગવા રસ રુચિ કેળવે અને એ પ્રમાણે જ વર્તે એ ખૂબ અગત્યનું છે. બાળકને બાળક જ રહેવા દેવું એ બાળક અને માતા-પિતા બંનેના હિતમાં છે.

Mrs. Sunita Hirpara

Principal

Gajera Vidyabhavan, Katargam

__________________________________________________________________________________

Cover Story

સૂર્યના ક્રોધથી દુનિયાને બચાવનાર મહિલા બની નાસાની પહેલી સાયન્સ ચીફ

મહિલાઓ પોતાની મહેનત અને કાબેલિયતના દમ પર દરેક ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થઇ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. એ પછી કોર્પોરેટ ક્ષેત્ર હોય વેપાર જગત હોય કે આકાશમાં પ્લેન લઇને ઉડાન ભરવાની હોય. હવે તો સરહદ ઉપર પણ દરેક વિંગમાં મહિલા ઓફિસરનો દબદબો વધી રહ્યો છે. આમ, મહિલાઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહી છે.

એમાં અંતરિક્ષ જગતની વાત કરીએ તો એમાં પણ મહિલાઓએ કાઠું કાઢ્યું છે. હવે અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા પણ બાકાત રહ્યું નથી. નાસામાં મહિલા સાયન્ટિસ્ટની કોઇ કમી નથી પરંતુ ચીફ પદ હજુ સુધી કોઇ મહિલા વૈજ્ઞાનિકને અત્યાર સુધી પહોંચી નહોતી. એ પદ પણ હવે મહિલાને સોંપવામાં આવ્યું છે. તમને જાણીને નવાઇ લાગશે કે નાસાના ઇતિહાસમાં પહેલી વખત સાયન્સ ચીફનું પદ મહિલા વૈજ્ઞનિકને આપવામાં આવશે. એ મહિલા વૈજ્ઞાનિક નિકોલા ફોક્સ છે.

ઘણાં સમયથી સૂર્ય ઉપર અભ્યાસ કરનાર નિકોલા ફોક્સ હવે નાસાની નવી સાયન્સ ચીફ બનશે. નિકોલા ફોકસ સુર્યમાંથી નીકળતા રેડીએશન, ગ્રહો અને ઉપગ્રહો પર પડી રહેલા તેના પ્રભાવ પર વરસોથી અભ્યાસ કરી રહ્યાં છે. સર્વ ગ્રહોમાં સૌથી ઉગ્ર ગ્રહમાં જેની ગણતરી થાય છે એ સૂર્ય ઉપર અભ્યાસ કરનારાં નિકોલા ફોક્સ કોણ છે એ જાણીએ.

૫૪ વર્ષનાં નિકોલાને પ્રેમથી નિકી કહેવામાં આવે છે. તે સિનિયર સાયન્ટિસ્ટ છે અને તેમણે કરેલા અભ્યાસના આધારે સૌર તોફાનોથી દુનિયાને બચાવવામાં સફળતા મળી છે. નિકોલા સૌર તોફાનો, સૌર લહેરો, સૌર વિકિરણથી ગ્રહો અને ઉપગ્રહો પર પડનારા પ્રભાવનો અભ્યાસ કરી રહ્યાં છે. નિકોલા ફોક્સના અભ્યાસનો ફાયદો નાસાને પણ અનેક વખત મળ્યો છે. જેના પરિણામે નાસાએ સૂરજ ઉપર અભ્યાસ કરનાર સેટેલાઈટ પાર્કર સોલર પ્રોબને તૈયાર કરી હતી. નિકોલા પાર્કર સોલર પ્રોબની મુખ્ય વૈજ્ઞાનિક પણ રહ્યાં છે. તેથી નિકોલા ફોક્સને સૌર વૈજ્ઞાનિક પણ કહેવામાં આવે છે. હવે નિકોલા ફોકસ નાસાના સાયન્સના પ્રમુખ હશે. એનું એક વર્ષનું બજેટ ૭ બિલિયન ડૉલર્સ એટલે કે ૫૭, ૮૯૮ કરોડ રૂપિયા છે.

નિકોલા ફોકસના કરિયરની શરૂઆત અંગે વાત કરીએ તો તેઓ નાસામાં ૨૦૧૮માં જોડાયાં હતાં. એ દરમિયાન નિકોલા ફોક્સ હેલિયોફિઝિકસ ડિવિઝનનું નેતૃત્વ કરતાં હતાં. આ ડિવિઝન સૂર્યનો અભ્યાસ કરનારી એજન્સીના પ્રયત્નોની દેખરેખ રાખે છે. નિકોલાએ પોતાની કરિયર દરમિયાન દુનિયાભરમાં વિજ્ઞાનની રજૂઆત કરવા ઉપરાંત અનેક લેખ તથા અનેકો વખત પેપર પ્રેઝન્ટેશન કર્યુ છે. નિકોલા ફોક્સ જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી એપ્લાઇડ ફિઝિક્સ લેબોરેટરીમાં કામ કરી ચૂક્યાં છે. ત્યાં હેલિયો ફિઝિક્સના મુખ્ય વૈજ્ઞાનિક હતા અને નાસા પાર્કર સોલર પ્રોબના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ હતા. ૨૦૨૧માં હેલિયો ફિઝિક્સના ક્ષેત્રમાં અનેક નેતૃત્વ, તેમના વ્યાપક પ્રોજેક્ટ્સ અને સુપરવાઇઝરી અનુભવ માટે અમેરિકન એસ્ટ્રોર્નોટિકલ સોસાયટીએ કાર્લ સાગન મેમોરિયલ એવોર્ડથી નિકોલા ફોક્સને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ૨૦૨૦માં નાસાએ નિકોલા ફોક્સને આઉટસ્ટેન્ડિંગ લીડરશિપ મેડલ એનાયત કર્યો હતો. આ ઉપરાંત તેમની કામગીરી બદલ નિકોલા ફોક્સને અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

આમ, નાનપણથી જ સાયન્સ ક્ષેત્રમાં રસ ધરાવનાર નિકોલા ફોક્સ પાંચ દાયકામાં સાયન્સ ક્ષેત્રમાં ઘણું ખેડાણ ખેડી ચૂક્યાં છે. નિકોલાને જે વિભાગ સોંપવામાં આવ્યો છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એમાં મંગળ ગ્રહ પર સ્ટડી કરનાર રોબોટ્સ, રોવર, લેન્ડર વગેરે તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ બનાવ્યું છે. જે સતત અંતરિક્ષમાં નવી આકાશગંગાઓ, ગ્રહો, તારા વગેરેની શોધ કરી રહ્યાં છે. હવે નિકોલાની ટીમ અમેરિકન મિલિટરીની સાથે મળીને એલિયન્સ અને એલિયનયાનોની શોધખોળ અને અભ્યાસ કરશે. જેથી અનઆઈડેન્ટિફાઇડ એરિયલ ફેનોમેનાની અસલિયત સામે આવી શકે. વ્હાઈટ હાઉસ અને અમેરિકન રક્ષા મંત્રાલય એટલે કે પેન્ટાગોન આ એલિયનયાનોને અમેરિકા માટે ખતરો માને છે. આમ, હવે નાસામાં સાયન્સનાં પ્રમુખ બનીને નિકોલા ૧૦૦ કરતાં પણ વધારે પ્રોજેક્ટની કમાન સંભાળશે. આ કોઈ નાનીસૂની વાત નથી. ખરેખર નિકોલા ફોકસ સેલ્યુટને પાત્ર છે. નોકોલા કહે છે કે, જીવનમાં કંઈક અચીવ કરવાનો ગોલ દરેક યુવતીઓએ સેવવો જોઈએ અને પછી એ ગોલ સુધી પહોંચવા માટે તનતોડ મહેનત કરવી જોઈએ ત્યારે જ સફળતા મેળવી શકીએ.

__________________________________________________________________________________

Classroom News

સ્વસ્થ આહાર એટલે સ્વસ્થ જીવન

"બાજરી, ભાજી અને કાળા તલ,

લોહી બનાવે લાલમ લાલ"

જયારે ખાવાની વાત આવે છે તો આપણા મગજમાં ઘણી એવી વાનગીઓ ફરવા લાગે છે અને તેનો સ્વાદ પણ મોઢામાં આવવા લાગે છે. પરંતુ જયારે આપણે તંદુરસ્ત આહાર વિશે વિચારીએ ત્યારે કોઈપણ વ્યક્તિ તંદુરસ્ત આહારની ચોક્કસ વ્યાખ્યા સમજવા માંગતું નથી કારણ કે આજકાલ ખોરાક શરીરને પોષણ આપવા માટે નહીં પણ જીભની મજા અને મનને શાંત કરવા માટે ખવાય છે.

નાનપણથી જ બાળકને વિવિધ ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ વગેરે આહાર તરીકે આપવાની શરૂઆત કરવી જોઈએ અને જંકફૂડથી દૂર રાખવા જોઈએ. ‘જાગ્યા ત્યારથી સવાર’ આ કહેવતને ચરિતાર્થ કરવા અમારા બાલભવનમાં ‘ન્યુટ્રીશન ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એસેમ્બલી દ્વારા બાળકને વિવિધ ફળો અને શાકભાજીની ઓળખ આપી તે ખાવાથી કયા ફાયદા થાય છે તે વિશે સમજ આપી હતી બાળકોએ ફળો અને શાકભાજીના ઉખાણા અને જોડકણાં ગાયા. બાળકો નાસ્તામાં પણ સલાડ અને ફ્રુટ લઈને આવ્યા હતા તે પોતાના મિત્રો સાથે વહેંચીને નાસ્તો કર્યો.

__________________________________________________________________________________

Club Activity

"બાળકમાં રહેલી ક્ષમતા જ તેનું ભવિષ્ય નિખારે છે."

દરેક બાળક એક કલાકાર છે. એક બીજાથી અલગ છે. બધા જ બાળકો ભણવામાં હોશિયાર હોય એવું નથી હોતું. દરેક બાળકમાં અલગ-અલગ હુન્નર અને ક્વોલીટી હોય છે. બસ જરૂર છે તો તેને સમયસર ઓળખવાની અને પછી તેને તે જગ્યાએ પહોંચાડવાની. બાળકમાં રહેલી અસીમતા, વિશેષતા ને અનન્યતા. જેમ જેમ છતી થાય તેમ તેમ તેના વિકાસની પ્રક્રિયા સહજ બનતી જાય છે.

બાળકને તેની જાત સાથેની ઓળખાણ શિક્ષક કરાવે છે. શાળામાં બાળકોને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપી તેઓમાં રહેલી ક્ષમતાઓને યોગ્ય રીતે મંચસ્થ કરી બાળપ્રતિભાને ઉજાગર કરવામાં આવે છે. તે માટે અમારી શાળામાં ડ્રામા ક્લબ, સ્પોર્ટ્સ, ભાષા, સંગીત, ડાન્સ, આર્ટ અને ક્રાફ્ટ, ગણિત અને વિજ્ઞાન જેવા વિવિધ ક્લબમાં એકટીવીટી કરાવવામાં આવે છે.

__________________________________________________________________________________

Learner's Corner

મારો પ્રથમ યાદગાર પ્રવાસ

"પ્રવાસ એક એવો શિક્ષક છે જે જિંદગીના મુશ્કેલ પાઠ શીખવે છે."

વિશાળ વાંચન, ઊંડું મનન, તહેવારો ને સંસ્કૃતિ વગેરે પરિબળો માનવીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે, પ્રવાસ પણ માનવીનું જીવન ઘડનાર એક મહત્વનું પરિબળ છે. કાકા સાહેબ કાલેલકરે ખરું જ કહ્યું છે, કે જેમ કુંભાર માટીને ઘાટ આપે છે તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે.

બાળકોમાં સ્વતંત્રતાની અને ભાઈચારાની ભાવના કેળવાય એ હેતુથી અમારા બાલભવન માં પ્રવાસ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને ‘દાજીની વાડી’ ની મુલાકાત કરાવી. જેમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઢોલ, નગારા અને પાઘડી પહેરાવી બાળકો અને શિક્ષકોનું સ્વાગત કર્યુ. બાળકોએ વિવિધ રમતો ની મજા માણી. રાઈફલ શુટિંગ,રેઈનીડાન્સ, કટપુતળી શો, મેજિક શો વગેરેમાં બાળકોને ખૂબ જ મજા આવી. બાળકોએ પોતાના મિત્રો સાથે સમૂહ ભોજન ની મજા માણી. આ પ્રવાસ બાળકોના માનસપટ પર સદાયને માટે અંકિત રહેશે.

__________________________________________________________________________________

માતૃ-પિતૃ વંદના દિવસ

"યે તો સચ હે કે ભગવાન હૈ, હે મગર ફિર ભી અંજાન હૈ,

ધરતી પે રુપ મા બાપ કા, ઉસ વિધાતા કી પહેચાન હૈ"

આપણા ધર્મ શાસ્ત્રોમાં માતા-પિતાની સેવાનું મોટું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માતા-પિતાને દેવ સમાન માનવામાં આવે છે. જગતમાં બધું મળી શકે છે પણ માતા-પિતા અને તેનું વાત્સલ્ય મળી શકતું નથી. માતા-પિતા બાળકનું લાલન પાલન કરે છે. બાળકનું પોષણ કરે છે એનામાં સંસ્કારોનો સિંચન કરે છે.

પશ્ચિમની સંસ્કૃતિ તરફ દોટ મૂકી રહેલી દેશની ભાવી પેઢી દેશની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ નહીં થાય તે માટે બાહ્યવસ્થાથી ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય એ માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ૧૪મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે ના દિવસને માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવ્યો.

માતા-પિતાનું આ ઋણ ક્યારેય અદા કરી શકાતું નથી બાળકો ભારતીય સંસ્કૃતિ થી પરિચિત થાય એ હેતુથી અમારા બાલભવનમાં ૧૪ ફેબ્રુઆરીના રોજ માતૃ પિતૃ વંદના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ પોતાના માતા-પિતાની પૂજા કરી તેમને સન્માનિત કર્યા હતા.

"માતા-પિતાના ચરણોમાં જ સાચું સુખ રહેલું છે."

__________________________________________________________________________________

શિવ ઉપાસનાનું પર્વ – મહાશિવરાત્રી

ભારત એ તહેવારોનો દેશ છે. અનેક ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. આપણા દેશના વિવિધ ધર્મ પાળનાર લોકો રહે છે. તેથી આપણા દેશમાં ઘણા ધાર્મિક તહેવારો ધામધૂમથી ઉજવાય છે.

"જ્યાં સુધી તહેવારોને ઉત્સવો રહેશે,

ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ ધબકતી રહેશે."

બાળકો ભારતીય સંસ્કૃતિ થી પરિચિત થાય અને ધાર્મિક તહેવારોનું મહત્વ સમજે એ હેતુથી અમારી શાળામાં મહાશિવરાત્રીની ઉજવણી કરી હતી તેમાં બરફમાંથી બનાવેલા શિવલિંગની પૂજા કરી બાળકોને શિવપૂજનનું મહત્વ સમજાવ્યું. બાળકોને મૃગ અને પારધીની પૌરાણિક કથા દ્વારા મહાશિવરાત્રીનું મહત્વ સમજાવ્યું. બાળકોએ ભરતનાટ્યમ દ્વારા શિવની ઉપાસના કરી. હર-હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

જીવ અને શિવનું પવિત્ર મિલન એટલે મહાશિવરાત્રી

__________________________________________________________________________________

મને ગર્વ છે મારી માતૃભાષા પર

ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. વ્યક્તિની વિચારવાની ટેવ, વિષયો, કલ્પનાઓ વગેરેમાં માતૃભાષાનું સ્થાન અત્યંત મહત્વનું છે.

"ભાષા અભિમાન વિનાનું, દેશાઅભિમાન વ્યર્થ છે"

"માં સમાન સાવ પોતીકી,

હૂંફાળી અને તારણહાર,

મારી માતૃભાષા"

બાળકો જુદા જુદા રાજ્યોની જુદી જુદી ભાષાઓથી પરીચિત થાય અને માતૃભાષાનું મહત્વ સમજે એ હેતુથી આજરોજ અમારા બાલભવનમાં વિશ્વ માતૃભાષાનું દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં શિક્ષકોએ અને બાળકોએ વિવિધ રાજ્યો પ્રમાણે પહેરવેશ પહેરી બાળકોને વિવિધ સંસ્કૃતિઓની ભાષા વિશેની સમજ આપી હતી તેમજ ડ્રામા દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું.

"વિવિધતામાં એકતાનો પાઠ સૌને પઢાવે છે,

માતૃભાષા એવી ચાર દિશાને એક સંગ બાંધે છે"

__________________________________________________________________________________

વિજ્ઞાન એક અમુલ્ય વરદાન

વિજ્ઞાનના તત્વો અને સિદ્ધાંતો દ્વારા આપણી કલ્પનાઓને પાંખો આપવાનો શ્રેય આપણા દેશના મહાન વૈજ્ઞાનિકોના ફાળે જાય છે. ભારતની ધરતી પર કેટલાય મહાન વૈજ્ઞાનિકોએ જન્મ લીધો છે જેમની અવનવી શોધે વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો છે તેમના જ એક મહાન વૈજ્ઞાનિક એટલે ડો. સી. વી.રામન જેમણે ૧૯૨૮ માં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રકાશના કિરણોની અલગ અલગ તરંગ લંબાઈ પર વિખેરાઈ જવાની પ્રક્રિયાનું ખૂબ જ બારીકાઈથી અવલોકન કરી તેને લોકો સમક્ષ મૂકી હતી. આ શોધને"રમન ઈફેક્ટ" તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની આ શોધને યાદગાર બનાવવા માટે દર વર્ષે ૨૮ મી ફેબ્રુઆરીને ‘વિજ્ઞાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

પરિવર્તન ક્ષેત્રે શિક્ષણ સાથે વિજ્ઞાન ક્રાંતિના બીજાંકુરણ થાય એ હેતુથી અમારા બાલભવનમાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને વિજ્ઞાનનું મહત્વ સમજાવી તેના લાભ અને ગેરલાભની સમજ આપી. બાળકોએ શિક્ષકોની સાથે મળી ખૂબ જ સરસ વિવિધ પ્રયોગો કર્યા હતા અને બધા જ પ્રયોગો ખૂબ જ ઉત્સાહથી નિહાળ્યા હતા.

__________________________________________________________________________________

ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે. - સુલેખન સ્પર્ધા

ગાંધીજીનું આ સૂત્ર ત્યારે જ સાર્થક બને જયારે બાળકને નાનપણથી જ વળાંક પધ્ધતિથી મરોડદાર અક્ષરજ્ઞાન આપવામાં આવે.

બાળકોની ગ્રહણ શક્તિ તથા લેખન શક્તિ જાણવા માટે તેમજ બાળકોના અક્ષર વધુ સારા થાય અને તેઓ વધુ સારા અક્ષર કાઢવા પ્રેરાય તે માટે આજ રોજ અમારા બાલભવનમાં સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ખૂબ જ ઉમંગથી ભાગ લીધો.

__________________________________________________________________________________

બોલાયેલા શબ્દનું અનુલેખન એટલે શ્રુતલેખન

ભાષા એ વિચારો વ્યક્ત કરવાનું નોંધપાત્ર ઉપાદાન છે. તેવી જ રીતે એ જ્ઞાન સંપાદનનું માધ્યમ પણ છે. ભાષા વિના માનવી પશુ સમાન છે. માણસને માનવીની ઓળખ જ ભાષાને કારણે મળેલી છે. આપણી ભાષા આપણા વિચારોનું પ્રતિબિંબ છે.

બાળકની શ્રવણશક્તિને વિકસાવવાના હેતુસર અમારા બાલભવનમાં જુ.કેજી. ના બાળકોએ શબ્દોનું લેખન અને સિ.કેજી. ના બાળકો માટે પ્રશ્નોતરી ક્વીઝ દ્વારા પૂછવામાં આવી હતી. જેમાં બધા જ બાળકોએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.

__________________________________________________________________________________

Educator's Corner

અભિનય ગીત સ્પર્ધા



__________________________________________________________________________________

માતા પિતા નું વર્તન એ બાળકનું દર્પણ


બાળકોની દુનિયા અલગ હોય છે. બાળપણમાં બાળકો માતાપિતાના દૃષ્ટિકોણથી દુનિયાને જોવે છે, તેથી દરેક માતાપિતાની જવાબદારી બની જાય છે કે તેઓ બાળકોને માત્ર સારી અને હકારાત્મક વાતો જ શીખવે કારણ કે એકવાર બાળકો જે વસ્તુ શીખે છે પછી તેને બદલવું અથવા સુધારવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

ઉદાહરણ તરીકે, જો બાળકો નાનપણમાં ચોરી કરતા કરતા શીખે છે તો પછી તે મોટા થઈને આ આદત છોડતું નથી. આવી સ્થિતિ ના આવે તે માટે મહત્વપૂર્ણ છે કે બાળપણમાં જ બાળકોની પ્રવૃત્તિ પર નજર રાખવી જોઈએ. કેટલાક માતા-પિતા મજાકમાં બાળકોને એવી વસ્તુઓ શીખવે છે જે તેમના વ્યક્તિત્વ ઘડતરમાં સૌથી મોટી ભૂલ છે.

બીજા બાળકોને મારવું : બાળકોને અન્ય બાળકો સાથે ઝગડો થવો સામાન્ય છે, પરંતુ જો તમે બાળકને શીખવો છો કે જો કોઈ બાળક તારી સામે લડે છે તો તેને મારીને આવજે, તો આવી શિખામણ તમારા બાળકને હિંસક બનાવે છે અને મોટા થઈને પણ તેની મારામારીની આદત બદલી શકાતી નથી. આવી પરિસ્થિતિના બાળકને પ્રેમથી સમજાવું જોઈએ.

બાળકો સામે ડબલ મીનિંગ વાતો કરવી : ઘણા માતા-પિતા તેને મજાક સમજે છે, પરંતુ આ તેના ભવિષ્ય માટે ખુબ જ ખરાબ બાબત છે. આમ કરવાથી બાળકના મનમાં કોઈ માટે માન નથી રહેતું અને તે સારી વસ્તુઓને પણ ખોટી રીતે જોવા લાગે છે.

ગુસ્સામાં અન્ય શબ્દો ના બોલો:

જો તમે ગુસ્સાને નિયંત્રણ નથી કરી શકતા તો તે સમયે બાળકને દૂર રાખો. યાદ રાખો કે બાળકમાં પણ આત્મસન્માન હોય છે તેથી ભવિષ્યમાં મા-બાપ માટે ખૂબ જ મુશ્કેલી પેદા કરી શકે છે.

મને તારા પર વિશ્વાસ નથી : જો બાળક તેની કોઈ સમસ્યા કે જાણવાની ઈચ્છા લઈને તમારી પાસે આવ્યું હોય અને બાળક પર વિશ્વાસ કરવાને બદલે તમે તેને એમ કહો કે મને તારા પર વિશ્વાસ નથી, તો તમારા બંને વચ્ચે ક્યારેય તે સારી બોન્ડિંગ બની શકે.

તો આ હતી કેટલીક વાતો જેને તમે એક માતાપિતા તરીકે બાળકો સામે ક્યારેય ના કરવી જોઈએ. કારણ કે આ એક આદત બાળકને સારા માણસ બનતા અટકાવે છે.

Mrs. Sapna Bucha

Vice Principal

__________________________________________________________________________________

વિશાળ હાથી અને પાતળા દોરડા

એક સમયે એક માણસ રસ્તા પરથી ચાલતો હતો પછી તેણે એક વિશાળ હાથી જોયો, જે પાતળા દોરડા અને પાતળા ડટ્ટાથી બંધાયેલો હતો.

આ જોઈને વ્યક્તિને ખૂબ આશ્ચર્ય થયું. તેણે વિચાર્યુ કે આ હાથી આટલો વિશાળ હોવા છતાં આ પાતળા દોરડાને તોડી શકતો નથી અને તેની સાથે બંધાયેલ છે.

ત્યારબાદ હાથીનો માલિક ત્યાં આવે છે, વ્યક્તિ હાથીના માલિકને પૂછે છે “શું આ હાથી એટલો વિશાળ અને શક્તિશાળી છે છતાં તે આવા નબળા અને પાતળા દોરડાથી બંધાયેલ છે તેને તોડવાનો પ્રયત્ન પણ ન કર્યો.

માલિકે કહ્યું કે આ હાથી નાનો હતો ત્યારથી જ હું તેને આ જગ્યાએ અને આ દોરડાથી બાંધી રહ્યો છું. જ્યારે તે નાનો હતો, ત્યારે તેણે આ દોરડું તોડવા અને આ ખીલાને ઉખાડવાનો ઘણી વખત પ્રયત્ન કર્યો, પરંતુ તે તેને તોડવામાં સફળ ન થઈ શક્યો, કારણ કે ત્યારે તે નાનો હતો અને તે કામ પણ કરી શકતો ન હતો પછી તેના મનમાં એવું માની લીધું કે આ દોરડું ખૂબ જ મજબૂત છે અને તે તેને તોડી શકે તેમ નથી.

હવે, તેના મનમાં દોરડું મજબુત છે, આ વસ્તુ સ્થાયી થઈ ગઈ છે અને તેને દોરડું અને ખીલી તોડવાનો પ્રયત્ન પણ બંધ કરી દીધો છે. આજે આ હાથી એટલો વિશાળ અને શક્તિશાળી છે જેને તે તોડી શકે છે પરંતુ તે તેના મનમાં એવી માન્યતા બની ગઈ છે કે તે આ દોરડું તોડી શકતો નથી. એટલા માટે તે આ દોરડું તોડવાનો પ્રયત્ન પણ નથી કરતો એટલે જ આ વિશાળ હાથીને આ પાતળા દોરવાથી બાંધવામાં આવ્યો છે.

હાથીની જેમ આપણે પણ આપણા મનમાં એવી માન્યતા બનાવીએ છીએ કે આપણા જીવનમાં કોઈ કામ ન થાય તેઓ મનમાં વિશ્વાસ બેસી જાય છે, તો પછી આપણે તે કામ કરવાનો પ્રયત્ન પણ નથી કરતા. જ્યારે દુનિયામાં એવું કોઈ પણ કામ નથી જે માણસ ન કરી શકે, જો મનમાં વિશ્વાસ અને કામ કરવાની લગન હોય તો માણસ દરેક કાર્ય મુશ્કેલીઓ હોવા છતાં પણ પૂર્ણ કરી શકે છે.

જેમ હાથીને મનમાં વિશ્વાસ થઈ ગયો હતો કે તે કરી શકતો નથી. આ કારણે તેણે પ્રયત્ન કરવાનો પણ છોડી દીધું. આપણે કોઈપણ કામ કરતા પહેલા હાર ન માનવી જોઈએ કાર્ય કરવા માટે પ્રયત્ન તો કરતા રહેવા જોઈએ. આપણને એક દિવસ આપણા કાર્ય માટે આપણી મહેનત માટે સફળતા જરૂર મળશે.

Mrs. Meghna Patel

Educator (Sr.Kg.-C)

__________________________________________________________________________________


મહેનતનું ફળ

ગુજરાતમાં જાણીતી પંક્તિ છે “સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય” કવિ અહીં મહેનતનો મહિમા વર્ણવે છે જે વ્યક્તિ મહેનત કરે છે, તેને સફળતા હંમેશા પ્રાપ્ત થાય છે. કેમકે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી. કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ જ નથી હોતો જેની પાસે પરિશ્રમરૂપી પારસમણિ હોય છે તેને જ સફળતા રૂપી સોનું પ્રાપ્ત થાય છે.

એક ગામ હતું આ ગામમાં બે મિત્રો રહેતા હતા. રામ અને શ્યામ બંનેનું નામ પ્રમાણે જ કામ હતું બંને નાનપણથી જ સાથે રમતા, સાથે જ બધા કામ કરતા પણ રામ કામ ઝડપથી કરી લેતો, જયારે શ્યામ એટલો સમય આરામ કરતો હતો તેથી તેની આ આદત દિવસે ને દિવસે વધી ગઈ. તેથી શ્યામ આળસું હોવાથી તેઓ બધું જ કામ રામ પાસે મનાવી-ફોસલાવીને કરાવતો.

એક દિવસ બન્ને પાસેનાં ગામે નોકરી શોધવા ગયા. નોકરી શોધતા-શોધતા તેઓ એક શેઠ પાસે આવ્યા. આ શેઠ ઘણાં જ ધણી હતા. રામે શેઠેને કહ્યું, “શેઠજી! અમે બંને દૂર ગામથી આવ્યા છીએ, તમે અમને કોઈ કામ આપશો તો તમારી ઘણી મહેરબાની થશે. શેઠે કહ્યું સારું! હું તમને કામ આપું છું. એમ કહી શેઠે મનોમન બંનેની પરીક્ષા લેવાનું વિચાર્યુ.

શેઠે બંનેને અનાજ સાફ કરવાની છન્ની આપી. બંનેને છન્ની આપતા કહ્યું આ છન્ની છે. તમારે આ છન્ની મારફતે સાંજ સુધીમાં કૂવામાંનું બધું જ પાણી ખાલી કરવાનું છે. ગામમાં બંનેને બે અલગ અલગ કુવા આપી દીધા. રામ તો કૂવામાંથી પાણી કાઢવા લાગ્યો. શ્યામે વિચાર્યુ આ શેઠ પણ કંઈ સમજતા નથી. આ છન્ના મારફતે કંઈ પાણી થોડું નીકળી શકે! એમ કહી તે ખાખરાના ઝાડ નીચે આરામ કરવા લાગ્યો. સૂર્યાસ્ત થઈ ગયો હતો. રામ જયારે પાણી કાઢતો હતો ત્યારે તેને કુવામાંથી ખણ..ખણ.. અવાજ સાંભળ્યો. તેને કાઢીને જોયું તો સોનાનાં કેટલાક સિક્કા હતા. તેણે સોનાનાં સિક્કા કાઢીને શેઠને આપ્યા. શેઠે સિક્કા લીધા અને કહ્યું તું ઈમાનદાર છે. બસ, મને તારા જેવો જ માણસ જોઈતો હતો. શ્યામ રામને પોતાના કામ કહી પોતે ખાખરાના ઝાડ નીચે આરામ કરવા લાગ્યો. સૂર્યાસ્ત થઈ ગયો હતો.

શ્યામને નોકરી ન મળી કારણ કે તેણે આરામ કરવામાં જ સમય વેડફી નાખ્યો અને તેને પાછું ગામમાં જવું પડ્યું તો વાચક મિત્રો, મહેનતના ફળ મીઠા હોય છે. શ્યામને આરામ કરવામાં સમય વેડફવાથી તેને નોકરી ન મળી જ્યારે રામને મહેનત કરવાથી નોકરી મળી ગઈ તેથી આપણે મહેનત કરીને ફળની આશા રાખવી જોઈએ.

Mrs.Binita Sharma

Educator (Jr.Kg.)

__________________________________________________________________________________

Parent's Corner

બાળક, શિક્ષક અને વાલીનો ત્રિવેણી સંગમ - વાલીમીટીંગ


માતા-પિતા દ્વારા બાલ્યવસ્થામાં જ આપવામાં આવેલ સંસ્કારરૂપી શિક્ષણનો પડઘો બાળકની શિક્ષણવ્યવસ્થામાં પણ પ્રતિબિંબિત થતો હોય છે.

"જે રીતે સારી ભૂમિ વિના બીજ ઉછરી શકે નહિ, તે જ રીતે સ્વસ્થ અને સક્ષમ માનસિકતા વિના શિક્ષણ મહોરી શકે નહી."


બાળકના યોગ્ય વિકાસ માટે વાલી અને શિક્ષક વચ્ચે સુસંવાદ સ્થપાય એ આવશ્યક છે તેથી જ અમારી શાળામાં માસવાર વાલીમીટીંગનું આયોજન કરવામાં આવે છે. તેમાં શાળામાં કરાવવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને બાળકના અભ્યાસને લગતી માહિતીની સાથે વાર્ષિક મૂલ્યાંકન ને લગતી ચર્ચા વાલીશ્રી સાથે કરવામાં આવી અને ફેબ્રુઆરી-માર્ચ માસના વાલી પ્રોજેક્ટ સૌર્યમંડળ અને ક્રિએટીવ ટીચિંગ એડનું પ્રત્યક્ષ પ્રદર્શન કર્યુ હતું.

__________________________________________________________________________________બ્રહ્માનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે ‘નારી’

આખુ વિશ્વ ૮ માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવે છે. મહિલાઓના સન્માન માટે જાહેર

કરેલા આ દિવસનો હેતુ મહિલાઓ માટે શ્રદ્ધા અને માન બતાવવાનો છે. એક મહિલા વગર કોઈપણ વ્યક્તિ પોતાનું જીવન વિતાવી શકતો નથી. તેથી આ દિવસને મહિલાઓના આર્થિક, રાજનૈતિક અને સામાજીક ઉપસ્થિતિના ઉપલક્ષ્ય માટે ઉજવવામાં આવે છે.

મહિલા દિવસની શરૂઆત મહિલાઓના મત દેવાના અધિકાર માટે થઇ હતી. કારણકે ઘણા એવા દેશો

હતા જેમાં મહિલાઓને મત આપવાનો અધિકાર ન હતો.

એમાં અપરિમિત શક્તિ અને ક્ષમતા વિધામાન છે. વ્યવહારિક જીવનમાં બધા ક્ષેત્રોમાં તેમણે કીર્તિમાન સ્થાપિત કર્યુ છે. પોતાના અદ્ભુત સાસ, અથાક પરિશ્રમ તથા બુદ્ધિમતાને આધાર પર વિશ્વપટલ પર પોતાની ઓળખ બનાવવામાં કામયાબ રહે છે.

ભારતમાં આઝાદીના આ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતમાં મહિલાઓને શિક્ષણ મેળવવાનો મત આપવાનો અધિકાર પ્રાપ્ત છે અને મહિલાને પોતાના પતિની સંપતિમાં પણ બરાબરનો હક આપવામાં આવે છે. ભારતમાં મા દુર્ગા અને કલીની પૂજા થાય છે. તેથી આપણા દેશમાં નારીને દેવી માનવામાં આવે છે. ઘણા સમયથી મહિલાઓની સ્થિતિમાં સુધારો થયો છે. તે ભણી રહી છે. અને આગળ વધી રહી છે. કોઈપણ દેશ કેટલો સારો છે તે સૌથી પહેલા એ જ આધારે કહેવાય છે કે દેશમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે.

આમ તો ૩૬૫ દિવસમાં ભાગ્યેજ કોઈ દિવસ હશે જે મહિલા વગર જતો હોય કેમકે દરેક ક્ષેત્રમાં આપણને ડગલેને પગલે મહિલા વગર ચાલતું નથી. અને આ એક સત્ય હકીકત છે. દુનિયાનું ઘડતર એક સ્ત્રી વગર અધૂરું છે. કેમકે ભગવાનને પણ દુનિયામાં જન્મવા માટે એક ‘મા’ ની જરૂરત પડે છે. તો આપણે માનવી તો ઘણી દૂરની વાત છે.

હું નારી શક્તિને હંમેશા વંદન કરું છું. ‘નારી તુ નારાયણી' દુનિયાની એ તમામ નારીને હજાર સલામ. જેઓ દુનિયાનું ઘડતર કરવામાં અમુલ્ય ફાળો આપી રહી છે. માનવીય સંવેદના, કરૂણા, વાત્સલ્ય જેવી પરિપૂર્ણ ઘણી નારીઓએ નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે.

એક એવું ક્ષેત્ર જ્યાં મહિલા સશક્તિકરણની રાહ પર રહે છે. અને પોતાના પક્ષની મજબુત દાવેદારી બતાવી રહી છે. તે ક્ષેત્ર છે દેશની સુરક્ષા બધા કરતા વધારે અહમ હોય છે. તો પછી આ ક્ષેત્રમાં આખિર મહિલાઓની ભાગીદારી ઓછી કેમ આંકવામાં આવે? દેશની મિસાઈલ સુરક્ષાની કડીમાં ૫૦૦૦ કિલોમીટરની મારક ક્ષમતાવાળી અગ્નિ ૫ મિસાઈલની જે મહિલા એ સફળ પરિક્રમણ કરી પુરા વિશ્વમાં માનસચિત્ર પર ભારતનું નામ રોશન કરી દીધું છે. તે છે ટેસી થોમસ.

ડો.કિરણ બેદી ભારતીય પોલીસ સેવાની પ્રથમ વરિષ્ઠ મહિલા અધિકારી છે. તેમણે વિભિન્ન પદોમાં સ્ત્રીને પણ પોતાની કાર્યકુશળતાનો પરિચય આપ્યો છે. રમત ગમતના જગતમાં પણ મહિલાઓ સફળતાપૂર્વક પોતાની ઓળખ બનાવવામાં કામયાબ થઇ છે. ભારતીય ટ્રેક એન્ડ ફિલ્ડની રાની માનવામાં આવતી. પી.ટી.ઉષા ભારતીય ખેલકુદમાં ૧૯૭૯ થી છે.તે ભારતના હવે સુધીના બધાથી સારા ખેલાડીઓમાંથી એક છે. માતા બનીને બાળકને જન્મ આપનારી, બહેન બનીને ભાઈની સંભાળ રાખનારી, દિકરી બનીને બાપનું નામ રોશન કરનારી, કુલવધુ બનીને પરિવારની સંભાળ રાખનારી, પત્ની બનીને પતિનો સહારો બનનારી એક સ્ત્રી તરીકે આવી અનેક જવાબદારી નિભાવનારી સ્ત્રી, એક સ્ત્રીના ઉપકાર આપણે તો શું ભગવાન પણ ચૂકવી શકતા નથી.

અશ્વિન ડોબરીયા

(આર્વી ડોબરીયાના પપ્પા)

જુ.કેજી.-D

__________________________________________________________________________________







333 views0 comments
bottom of page