top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-Newsletter - December-2022

Updated: Jan 13Message From Trustee


પ્રિય વાલી મિત્રો,

આપ સૌ કુશળ હશો.


આજે આપણે નવા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આપ સૌને શરૂ થતાં નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ. આવનારું નવું વર્ષ મારા સર્વ વિદ્યાર્થીઓ માટે નવી આશાઓ અને નવી ઉડાનો ભરનારું બની રહેશે. આજે નવા વર્ષના પ્રારંભે મારે તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને કહેવું છે કે, આજનો સમય સ્પર્ધાનો છે અને આ સ્પર્ધામાં ટકી રહેવા માટે પ્રગતિ કરવી પડશે. હું આપને કહીશ કે આ પ્રગતિએ સ્વપ્ન નથી, પરંતુ એક દૂરની વાસ્તવિકતા છે. આ વિચાર સાથે જ ગજેરા ટ્રસ્ટની સફર શરૂ થઈ હતી. હું મારા શિક્ષકોને કર્મચારીઓની ટીમ સાથે આજના સમયમાં શિક્ષણની ઉચ્ચ ગુણવત્તાને આગળ લાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. આમ કરવા માટે ગજેરા ટ્રસ્ટ પાસે સુવિધાઓથી સજ્જ વર્ગખંડો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી ની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ છે.

આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ એ એક સંપત્તિ છે અને ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર તેમના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતમ શિક્ષણ પ્રદાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કૌશલ્યલક્ષી શિક્ષણ પૂરું પાડવું અને અમારા વિદ્યાર્થીઓને શરૂઆતથી સફળતાના માર્ગ ઉપર ઉચ્ચતમ સ્થાને લઈ જવાનું લક્ષ્ય છે. મારી હૃદયની ઇચ્છાઓ છે કે ગજેરા ટ્રસ્ટના વિદ્યાર્થીઓ વૈશ્વિક દૃષ્ટિકોણ સાથે ઊંડા મૂળ ધરાવતા મૂલ્યો ધરાવે. ટેકનોલોજીને વિવિધ પ્રક્રિયાઓની પ્રગતિ સાથે મેળ ખાતું શિક્ષણ પ્રાપ્ત કરે. આ ઉપરાંત અમારા વિદ્યાર્થીઓને અમે યોગ્ય સિદ્ધાંતો, નૈતિકતા અને નૈતિકતા તરફ માર્ગદર્શન આપીએ છીએ. અમે સર્જનાત્મક અને વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહિત કરતું તણાવ મુક્ત શિક્ષણ વાતાવરણ પ્રદાન કરીએ છીએ. ગજેરા ટ્રસ્ટમાં અમે એક જ રાષ્ટ્રની સીમાઓ પાર કરવા અને વૈશ્વિક શ્રેષ્ઠતા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

અંતે હું માનું છું કે શિક્ષણ એ અન્ય લોકોના જીવનને સુધારવા અને સમૃદ્ધ બનાવવા માટે તેમજ માનવ સમુદાય અને વિશ્વને તમે જે શોધ્યું છે તેના કરતાં વધુ સારી રીતે છોડવા માટે છે. ફરીથી આપ સૌને નવા વર્ષની મંગલ શુભકામનાઓ...

Mr.Chunibhai Gajera

Managing Trustee

Gajera Trust

__________________________________________________________________________________


Message From Principal

બાળકોના જીવનનો સુદ્ઢ પાયો રચવા માટેના સચોટ ઉપાયો

દરેક માતા-પિતા પોતાના બાળકને સર્વગુણ સંપન્ન બનાવવા ઈચ્છે છે. બાળપણ તરુણાવસ્થા અને યુવાવસ્થા જેવા દરેક તબક્કે પોતાનું બાળક સફળતા મેળવી શ્રેષ્ઠતા મેળવે એવું ઈચ્છે છે.

બાળકને જન્મ આપવાનું સૌભાગ્ય દરેક માતા-પિતાને મળે છે. પણ બાળકને સુસંસ્કારી બનાવવાની સાધના અને ધીરજની કસોટીમાં ઉચ્ચ અને આદર્શ વિચારોવાળા માતા-પિતા જ સફળ થઇ શકે છે. બાળકને જન્મ આપી જીવન સંસ્કાર આપવાનું કામ અઘરું તો છે! પણ, નીચે પ્રમાણેના કેટલાક સચોટ ઉપાયોને અને અનુસરી બાળકોનું ઘડતર કરવામાં આવે તો બાળજીવનનો સુદ્રઢ પાયો રચવામાં ચોક્કસ સફળતા મળે.

  • માતા-પિતાએ ઉચ્ચ આદર્શો કેળવી શ્રેષ્ઠ બનવું :

બાળક માટે એના પ્રારંભિક જીવનના આદર્શ તેના માતા-પિતા છે. એમના સર્વ પ્રકારના વાણી-વ્યવહારનું અનુકરણ બાળક કરે છે, બાળક તેના પ્રથમ તબક્કાના વર્ષોમાં સારુ અને ખરાબ પોતાના માતા-પિતા પરિવારજનો પાસેથી શીખે છે, માટે દરેક પરિવારજનોએ પોતાના પ્રત્યેક આચરણને અને શ્રેષ્ઠતાની એરણે ચડાવતા રહેવું જોઈએ.

  • બાળકનો પ્રેમ અને આનંદપૂર્વક ઉછેર કરવો. :

બાળકના પ્રથમ પાંચ વર્ષના સમયમાં એના વિકાસ માટે પ્રેમ અને આનંદ આ બે પરિબળો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પ્રેમ એ વિવેક યુક્ત પ્રતિમાની પૂર્વ શરત છે. બાળકને એટલો પ્રેમ આપો કે તમારી કોઈપણ પ્રેમ પૂર્વક થયેલી વાતનો અસ્વીકાર ન કરે. તમારા પ્રેમનો બેલેન્સ પર્યાપ્ત હશે તો ક્યારેક તમે કરેલા ગુસ્સાનો ભારે સરળતાથી જીલી શકશે અને એની સમજણની માત્રા વધશે. આપેલા પ્રેમના પરિણામે આનંદયુક્ત બાળપણ નો અનુભવ કરી સલામતી અનુભવશે આમ કરવાથી બાળક સદગુણી અને પ્રેમાળ બનશે.

  • બાળકને પ્રત્યેક બાબતો ચીવટ અને ધૈર્યપૂર્વક સમજાવવી :

બાળકના જીવન ઘડતરમાં કેટલીક નાની-નાની બાબતો પણ મહત્વની હોય છે અને જેની સીધી અસર બાળકના વર્તન ઉપર જોવા મળે છે. જેમ કે વડીલો સાથે વિવેકપૂર્વક બોલવાની રીત, મહેમાનો અભિવાદન કરવાની રીત, શિષ્ટાચાર પૂર્વક જમવાની રીત, મિત્રો સાથે વહેંચીને ખાવાની રીત પોતાની અભ્યાસ સામગ્રી ગોઠવવાની રીત, પોતાના ઘરમાં કે આસપાસ સ્વચ્છતા રાખવાની ટેવ, સમય પાલનની ટેવ વગેરે... આવી ઘણી બાબતો વણસ્પર્શી રહી જાય છે. બાળકને નાનપણથી જ એ સમજાવવું જોઈએ કે કોઈ પણ કામ નાનું નથી તેમજ નાની નાની બાબતોનું મોટું મહત્વ છે. માટે આ બધી બાબતોને સમજી ચીવટ અને ધૈર્યપૂર્વક જીવનમાં ઉતારવી જોઈએ.

  • બાળક સાથે નિરંતર સંવાદ કરો :

બાળક સાથે વાદ-વિવાદ અને પ્રતિવાદ ન કરતા નિરંતર સંવાદ કરવો આવશ્યક છે. સહજ સ્વાભાવિક અને પ્રેમપૂર્વક સંવાદ કરવાથી બાળક અને માતા પિતા વચ્ચે આત્મીયતા સ્થપાય અને વિશ્વાસનું વાતાવરણ સર્જાય છે. સંવાદ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળકની વાત શાંતિથી સાંભળી એની ઉપેક્ષા કે અવગણના ન કરવી. એની વાત ખૂબ મહત્વની છે એવું બાળકને તમારા વ્યવહારથી લાગવું જોઈએ.

  • બાળકને સર્વવ્યાપક બનાવો :

ઘણા માતા-પિતા બાળકોને જાણે-અજાણે સંકુચિતતા તરફ દોરી જાય છે. બાળકના સારા મિત્રોને આવકાર આપવો અને એમની સાથે સમદ્રષ્ટિથી વ્યવહાર કરવો.

બાળક સ્વાર્થી બને એવી વાતો કે શિખામણ ન આપવી. શ્રેષ્ઠ અને આદર્શ વ્યક્તિઓની સારી બાબતો ઉપર ધ્યાન દોરવું. બધા સાથે સારી રીતે કરી મળીને રહેવાનું સમજાવવું. મુશ્કેલીમાં બીજાને મદદરૂપ થવું જોઈએ એવો વ્યવહાર માતા-પિતાએ સ્વઆચરણથી બાળકને શીખવવી જોઈએ. બાળક સામે નકારાત્મક કે ટીકાત્મક વાતો ન કરવી.

આ બધી બાબતો જીવનશૈલી અને જીવનદ્રષ્ટી વિકસાવવા માટેની છે. એનાથી બાળકનો સુદ્રઢ પાયો રચાશે.

Mrs. Sunita Hirpara

Principal

__________________________________________________________________________________

Cover Story

સફળતા માટે પોતાની જાતને ચેલેન્જ કરો:- હેન્ડબોલ પ્લેયર જ્યોતિ શુકતા

ખુદ હી કો કર બુલંદ ઈતના કી, હર તકદીર સે પહેલે ખુદા બંદે સે પૂછે, બતા તેરી રઝા ક્યાં હે? આ પંક્તિઓને જ્યોતિ શુક્લાએ સાર્થક કરી બતાવી છે. જ્યોતિ હેન્ડબોલ પ્લેયર છે. થોડા દિવસ પહેલાં જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં જ્યોતિ શુક્લા ભાગ લઈ ચૂકેલા છે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યોતિ કાનપુર શહેરની પહેલી મહિલા હેન્ડબોલર છે. જેને પસંદગી એશિયન હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં થઈ છે. હાલમાં તે જાપાનમાં ટોકીયોમાં યોજાયેલી એશિયન હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગઈ છે. તે ૧૪ દેશો સમક્ષ ભારતને રિપ્રેઝન્ટ કરશે.

હેન્ડબોલ પ્લેયર જ્યોતિ શુક્લા કાનપુરમાં કાકાદેવમાં રહે છે. તેના પિતાનું નામ શિવ શંકર અને માતાનું નામ મીરાદેવી છે .જ્યોતિ સામાન્ય પરિવારમાંથી આવે છે. નાનપણમાં તેને રમવાનો શોખ તેને અહીં સુધી લઈ આવ્યો છે. જ્યોતિ શુક્લા નોર્થ ઈસ્ટર્ન રેલવે તરફથી રમે છે. તેણે રેલ્વે ટીમને સુવર્ણપદક જિતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પહેલા જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્હેાં પણ તેનું યોગદાન શાનદાર રહ્મું હતું.

જ્યોતિ કહે છે કે અત્યાર સુધી જે શીખ્યા છે એનું પ્રદર્શન આ વખતે જાપાનમાં કરીશું અને જીતીને આવીશું. અમે પ્રતિ યોગિતામાં શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરશું . ઉત્તમ પર્ફોર્મન્સ કરી શકું એટલે હું છેલ્લા બે વર્ષથી સખત મહેનત કરી રહી છું. જ્યોતિ વધુમાં જણાવે છે કે તે હું હેન્ડબોલમાં બેંક અને પીપી ડિફેન્સની વચ્ચેથી પોઝીશનમાં રમુ છું ,તેથી ટીમમાં મારી મુખી ભૂમિકા મુખ્ય છે. 2008માં ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ટ્રેનિંગ માટે મારા કોચ સાથે ગઈ હતી અહીં મારી મુલાકાત હૅન્ડબોલ એસોસિએશનના ચેરમેન રજત આદિત્ય દીક્ષિત સાથે થઈ હતી. ત્રણ ચાર મહિનાની ટ્રેનીંગ પછી મારી રમતને જોઈને મને વધુ શીખવા લખનઉ મોકલી દેવામાં આવી હતી. જે મારા માટે લાઇફનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ સતત ટ્રેનિંગ પછી મારું સિલેક્શન યુપી ટીમમાં થયું.

યુપી ટીમમાં સારા પ્રદર્શન બાદ2016માં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ ઢાકામાં થનાર સાઉથ એશિયન ચેમ્પિયનશિપ માટે જનારી ટીમ ઇન્ડિયામાં મારું સ્થાન નક્કી થઈ ગયું. તે વખતે ટીમ ગોલ્ડ મેડલ જીતી બસ પછી તો 2016 માં જ ઉઝબેકીસ્તાન માટે પસંદ પામેલી ટીમમાં સ્થાન બનાવ્યો આમ, જ્યોતિ શુક્લા ધીરે ધીરે સફળતાના શિખરો સર કરતી ગઈ, 2017માં સ્વીડન રમવા ગઈ ત્યારે તેમાં કાંસ્ય પદક મેળવ્યો 2017માં જ સિંગાપુર ગઈ એ પછી ભારતીય ટીમમાં પણ સામેલ થઈ ગઈ પોતાનો શ્રેષ્ઠ આપ્યો.

ભારતની મહિલા હેન્ડબોલ ટીમમાં તેને દેશનું નામ રોશન કરી રહી છે જાપાનમાં જઈને તે દેશનો પરચમ લહેરાવી શકે એટલે શિબિરમાં ખેલાડીઓને સખત ટ્રેનિંગ આપવામાં આવી છે ખાસ કરીને રમત ની ટેક્નિક સ્ટેમિના અને ઝડપમાં સુધારો લાવવા માટે ખાસ મહેનત કરવામાં આવી હતી.

અહીં સુધી પહોંચવામાં જ્યોતિ શુક્લાને ઘણી મહેનત કરવી પડી છે તે કહે છે કે અમારી સ્થિતિ નબળી હોવાથી મારે આર્થિક તંગી નો સામનો પણ કરવો પડ્યો હતો. પરંતુ કાનપુર એસોસિએશનની મદદને કારણે હું મારી રમત ચાલુ રાખી શકી હતી, પરિવારનો પણ પૂરતો સમર્થ મળ્યો હતો.ખાસ કરીને માતાનો જેણે હંમેશા મને આગળ વધવા માટે મોટીવેટ કરી છે.

જ્યોતિ શુક્લા કહે છે કે દરેક વ્યક્તિએ સપનું જોવું જોઈએ અને તેને પૂર્ણ કરવા માટે પૂરતા પ્રયત્ન કરવા જોઈએ. પોતાની જાતને ચેલેન્જ કરો જેથી જાતને યોગ્ય બનાવી શકો. મારી વાત કરુ. તો મને રમવા ઇન્સપીરેશન ક્યાંથી નથી મળ્યું બસ રમવાનો એક ઝનૂન હતું અને રમવાનું મને નાનપણથી જ ગમતું હતું. હું સ્પોર્ટ્સમાં સો ટકા આપી શકું એવો મારો હંમેશા પ્રયત્ન રહ્યો છે જ્યોતિ અનેક વખત ગોલ્ડ, સિલ્વર અને કાંસ્ય પદક મેળવી ચૂકી છે .


__________________________________________________________________________________

Classroom News

જાણવા જેવું

ચાર એવાં પ્રાણીઓ જેમની દૃષ્ટિ આપણા કરતાં પણ તેજ છે!


આપણને આપણી આંખ ઉપર ગર્વ હોય હોય છે, ઘણાં કહે છે કે એક ઝલકમાં ઘણીબધી વિગતો જોઈને યાદ રાખી શકે છે. એ સાચું પણ છે, પરંતુ અનેક પ્રાણીઓ એવાં છે જે આપણા કરતાં દુર સુધી, વધુ ઝડપથી અને અંધારામાં પણ સ્પષ્ટ જોવાની નજર ધરાવે છે.

વિજ્ઞાનીઓની મહેનત રંગ લાવી

પ્રાણીઓને દશ્યો આપણી જેમ જ દેખાય છે કે જુદાં દેખાય છે એ જાણવા માટે પાંચ દાયકાથી પ્રયોગો ચાલી રહ્યા છે. હવે તેમાં મોટી સફળતાઓ મળી રહી છે. એમાંની એક સફળતા એ છે કે અનેક પ્રાણીઓ આપણા કરતાં વધારે દૂર સુધી, વધારે રંગીન, વધારે ઝડપથી અને વધારે બારીકાઈથી જોઈ શકે છે.

આકાશમાં રાજ કરતા બાજ અને સમડી

બાજ અને સમડી શિકારને હવામાં ઉડતા ઉડતા શોધીને ઝડપી લે છે. તેમની આંખ આકાશમાં દોઢ કિલોમીટર ઊંચાઇથી નીચે દોડતા ઉંદરને સ્પષ્ટ જોઈ લે છે. પછી કલાકના ૨૫૦ કિલોમીટર ની સ્પીડે નીચે ડાઈવ લગાવે છે એ સમયે આસપાસની વસ્તુઓ સડસડાટ દોડતા રંગીન લિસોટા જેવી દેખાય, પરંતુ નીચેની ધરતી તેને સ્પષ્ટ દેખાય છે. આપણે એક સેકન્ડમાં ૧૪ દ્રશ્યો જુદા જુદા તારવી શકીએ છીએ. બાજ અને સમડી એક સેકન્ડમાં ૨૬ દ્રશ્યો જુદા જુદા તારવી શકે છે, કારણ કે તેની આંખની કીકી માં દ્રશ્ય રંગને ઝીલનારા કોન કોષ આપણા કરતા 30 ગણા છે. તે દરેક જાતના પ્રકાશને અલગ અલગ ઝીલે છે. તેનું મગજ દ્રશ્યોને આપણા કરતાં દોઢ ગણી સ્પીડે પ્રોસેસ કરી સમજી શકે છે તેમને ૧૨૦ અંશનો વિસ્તાર એક નજરમાં દેખાય છે.

રાત દિવસ શિકાર કરતી બિલાડી

બિલાડી ની આંખોમાં રંગની શોષનારા કોન કોષ આપણા કરતા ઓછા હોય છે, પરંતુ પ્રકાશને શોષનાર ફોટોસેન્સેટિવ રોડ કોષ સાડા ત્રણ ગણા વધારે હોય છે. ઉપરાંત તેના આંખના પડદા પાછળ અરીસા જેવા પ્રકાશને પરાવર્તન કરાવનાર કોષનું પડ હોય છે. તેથી પ્રકાશ વધારે જોઈ શકે છે. પરિણામને આપણને ઓછા પ્રકાશમાં જે દ્રશ્ય બરાબર નથી દેખાતું તે બિલાડી (વાઘ, સિંહ, દીપડો વગેરે) ને સ્પષ્ટ દેખાય છે. આપણે ૧૦૦-૨૦૦ ફૂટ દૂર સુધી સ્પષ્ટ જોઈ શકીએ છેએ, બિલાડીને ૨૦ ફૂટથી વધુ દૂર હોય તો ધૂંધળું દેખાય છે. તે ૨૦૦ અંશનો વિસ્તાર એક નજરમાં જોઈ શકે છે.

સ્વતંત્ર રીતે ફરી શકતી કાચીંડાની આંખો

કાચીંડો રંગ બદલવા માટે વિખ્યાત છે, પરંતુ તેની આંખો પર આપણું ધ્યાન ખૂબ ઓછું જાય છે. કાચીંડાની બંને આંખો શંકુ આકારની ઉપસેલી હોય છે અને તે બંને આંખો જુદી જુદી દિશામાં ફેરવી શકે છે. એક આંખ ડાબી બાજુ જોતી હોય ત્યારે બીજી આંખ વડે જમણી બાજુ ઉપરનું દ્રશ્ય પણ તેને દેખાય છે. કાચીંડો જંતુઓનો શિકાર કરે છે. જંતુ જરાક હિલચાલથી ઉડી જાય છે. એટલે જંતુ તેની નજીક આવે એટલા માટે કાચીંડ સ્થિર બેસે છે. આસપાસ નજર કરવા માથું ફેરવે તો પણ જંતુ ઉડી જાય એટલે તેની આંખો માથું જરાય ફેરવ્યા વગર બધી દિશાઓ જોઈ શકે છે. અલબત્ત, તે બંને આંખોનું દ્રશ્ય એકસાથે જોઈ શકતો નથી. એક સમયે એક જ આંખનો દ્રશ્ય જોઈ શકે છે.

બકરીની ત્રિકોણ કીકી નો કમાલ

બકરીએ શિકારીઓથી બચવાનું હોય છે. એ માટે તેને આંખોમાં કીકી ઉભી અને ત્રિકોણ આકારની હોય છે. તેમાં રોડ કોષ ભરપૂર હોય છે. પરિણામે તે આછેરી હિલચાલથી થતો પ્રકાશનો નાનો સરખો ફેરફાર પણ ઝડપી શકે છે. ત્રિકોણ કીકી વધારે સ્પાન (દ્રષ્ટિનો વિસ્તાર) નોંધી શકે છે. બંને બાજુની આંખો વડે તે એક જ નજરમાં 330° વિસ્તાર જોઈ લે છે પરિણામે એને માથું ફેરવ્યા વગર પણ પાછળનું દ્રશ્ય દેખાય છે. એટલે જ બકરીને તેની મરજી વિના પકડવાનું કામ ભલભલાને થકવી દે એવું છે.

આ પ્રાણીઓની દ્રષ્ટિ પણ આપણાથી ચડિયાતી

આ ઉપરાંત પણ અનેક જીવ એવા છે જેમની આંખો આપણા કરતાં વધારે સારું જોઈ શકે છે. જેમકે, અમેરિકન વુડકોક બતક, યુરોપિયન રોબીન, હમિંગબર્ડ, ચિત્તો, જળ બિલાડી, જેકો ગરોળી વગેરે...!

__________________________________________________________________________________


ટ્રાફિક નિયમો

નીતિમુલ્યો બાળકોમાં રોપી શકાય નહી. આપણા ચારિત્ર્ય થકી તે બાળકમાં ઉપસી આવે છે. સત્ય, પ્રમાણિકતા, વિવેક, નમ્રતા, પરિશ્રમ જેવા સદગુણોના આધારે જ બાળક પોતાના જીવનની શિસ્ત જાળવી શૈક્ષણિક સફળતા મેળવી શકે છે.

મોટર વાહનોના વધતા પ્રવાહને કારણે રાહતદારીઓ માટે ખાસ કરીને બાળકો માટે શેરીઓ પાર કરવાનું કે રમવાનું મુશ્કેલ બન્યું છે. રસ્તાના નિયમોની જાણકારી વિના અથવા તેનું પાલન ન કર્યા વિના રોડયુઝર તેમના તેમના સ્વાસ્થ્ય અને જીવનને જોખમમાં મુકે છે. તેથી જ બાળકો ટ્રાફિકના નિયમોથી પરીચિત થાય એ હેતુથી અમારા બાલભવનમાં એસેમ્બલી દ્વારા ટ્રાફિક અવેરનેશની સમજુતી આપવામાં આવી હતી. જેમાં બાળકોને ઝીબ્રા ક્રોસિંગ, સિગ્નલ લાઈટ, ટ્રાફિક પોલીસની કામગીરી વગેરેની સવિસ્તાર સમજુતી આપવામાં આવી હતી.

__________________________________________________________________________________

Learner's Corner

હોય મુશ્કેલી તો મૂંઝાય શાને?, ખોલ ગીતા, ઉકેલ છે પાને..પાને...!

વિશ્વમાં ભારત અનોખું સ્થાન ધરાવે છે. ધર્મ, વિજ્ઞાન, ધર્મ સંસ્કૃતિ અને કલાનાં વિવિધ ક્ષેત્રોમાં ભારતનું મહત્વનું પ્રદાન રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ બે મહાકાવ્યોથી ઉજાગર છે. ભગવદ્દ ગીતાએ શ્રીકૃષ્ણના મુખેથી પ્રગટ થયેલી શ્રીવાણી છે એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે. ગીતા મનુષ્યનો પરિચય જીવનની વાસ્તવિકતાથી કરાવી વગર સ્વાર્થે કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. બાળકો પણ ગીતાના આ દિવ્યજ્ઞાનને અનુસરે અને જીવનને મંગલમય બનાવે એ હેતુથી અમારા બાલભવનમાં ‘ગીતા જયંતિ’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને ભગવાન શ્રીકૃષ્ણના જીવન વિશે માહિતી આપી અને ભગવદગીતાની સમજ અને મહત્વ સમજાવ્યું હતું.


__________________________________________________________________________________


માટી છે તો ધરતી પર જીવન શક્ય છે.

"માટી નથી મા નું માન છે,

મારા દેશની પહેચાન હૈ"

ભારત એક ખેતી પ્રધાન દેશ છે જેનો મુખ્ય આધાર માટી અને પાણી જ છે. ભારત દેશને સોનાની ચીડિયા કહેવામાં આવે છે. હવે આવા દેશમાં જ્યાં ધરતીની પૂજા કરવામાં આવે છે. ત્યાં માટી દિવસની ઉજવણી ન થાય એ કેમ બને, અને તેથી ૫ ડિસેમ્બરને વિશ્વભરમાં માટીદિવસ તરીકે ઉજવવામાં આવે છે. બાળકો માટીનું મહત્વ સમજે એ માટે અમારા બાલભવનમાં પણ માટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નર્સરીમાં બાળકોને માટીમાંથી રમકડાં બનાવતા શીખવ્યું તેમજ સિ.કેજી. અને જુ.કેજી. ના બાળકોએ માટી માંથી સુંદર કુદરતી ચિત્રો દોર્યા હતા.

__________________________________________________________________________________


જગત નો તાત - ખેડૂત

પ્રાચીનકાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર તથા આવાસ. એક ખેડૂતનું કાર્ય આપણા દેશના વિકાસમાં અને આપણા રોજીંદા જીવનમાં કેટલું ઉપયોગી છે. તેની સમજુતી બાળકને આપવા માટે અમારા બાલભવનમાં ‘ખેડૂત દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.

તેમાં બાળકોને શાળામાં જ બનાવેલા ગામડાની મુલાકાત કરાવી, ગામઠી જીવન, ખેતીમાં ઉપયોગી પ્રાણીઓ, ખેતીની અવનવી પદ્ધતિની સમજ આપવામાં આવી. ખેડૂત દિવસ ને લગતી વિવિધ એક્ટીવીટી બાળકોને કરાવી જેમકે, મેથીના દાણા વાવવા, છોડની વાવણી કરાવી હતી. બાળકો ઘરનું ખાવાનું ખાતા શીખે અને અન્નનો બગાડ નહી કરે એ માટે બાળકો ઘરેથી જ ઘઉંમાંથી બનાવેલી વાનગી નાસ્તામાં લાવ્યા હતા અને પોતાના મિત્રો સાથે નાસ્તાની મજા માણી.

”જગત પાંગળુ તાત વિના, એ તો સર્વત્ર અન્ન તણો દાતાર,

જગત કેરા નાથનો ઘણો ઘણો આભાર”

__________________________________________________________________________________


મેરી ક્રિસમસ....

"આવી નાતાલ રૂડી આવી નાતાલ,

બાળકોને ગમતી, રૂડી આવી નાતાલ,

ઈશુ ભગવાનને વંદન કરીએ,

પ્રેમદયા નો સંદેશો ઝીલીએ..”

નાતાલ એ ખ્રિસ્તી લોકોનો મુખ્ય તહેવાર છે. જેવી રીતે હિન્દુ ધર્મમાં દિવાળી અને નવરાત્રીનું અનેરું મહત્વ છે તે રીતે ખ્રિસ્તી ધર્મમાં પણ નાતાલનું અનેરું મહત્વ રહેલું છે. આ તહેવાર વિશ્વભરમાં ફેલાયેલા ઈશુ ખ્રિસ્તના કરોડો અનુયાયીઓને પવિત્રતાનો સંદેશ આપે છે અને તેમના બતાવેલા માર્ગ પર ઊંચા આદર્શો સાથે ચાલવા માટે પ્રેરિત કરે છે. આ દિવસ ઈશુખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે મનાવવામાં આવે છે. ઈશુનો જન્મ મધ્યરાત્રીએ એક તબેલામાં (ગભાણ) માં થયો હતો. ઈસામસીહ ને પરમેશ્વરના દૂત માનવામાં આવે છે.

બાળકોમાં પ્રેમ, એકતા અને સર્વધર્મ સમભાવનાની સમજ કેળવાઈ તે હેતુથી અમારા બાલભવનમાં નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ ઈશુના જન્મની સમજુતી નાટ્યાત્મક રીતે આપી હતી. નાતાલને લગતી વિવિધ એક્ટીવીટી કરાવી. બાળકોએ ખુબ જ સુંદર ડાન્સ કર્યો અને પોતાના મિત્રો સાથે કેક અને વેફર્સ ના નાસ્તાની મજા માણી.

__________________________________________________________________________________


બાળવાર્તા નો ખજાનો

જીવનના મુલ્યો શીખવાડવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ એટલે વાર્તા


વાર્તાએ માનવજીવનનો અજરઅમર વરસો છે. વાર્તા અબાલ-વૃદ્ધ બધાને ગમે છે. બાળકોને તો વાર્તા અત્યંત પ્રિય હોય છે. વાર્તા અને બાળકો બંને વચ્ચે એક અનોખો સબંધ હોય છે. બાળકોના મન પર વાર્તાઓ ઝડપથી કાબુ મેળવી લે છે. વાર્તા એ એક એવી દુનિયા છે જ્યાં ઘણા સંજોગોનો સમન્વ્ય આપોઆપ જ થઈ જાય છે એ પછી શિખામણ હોય કે બોધપાઠ. વાર્તા એક એવી સાંકળ છે જે સંબંધોને તો બાંધે જ છે પણ જ્ઞાનમાં પણ વધારો કરે છે. વાર્તા સાંભળવાની ટેવ માંથી જ વાંચનની આદત પડે છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.

"વાર્તા રે વાર્તા, ભાભા ઢોર ચારતા,

ચપટી બોર લાવતા, છોકરા સમજાવતા"


બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવા અને બાળકમાં આત્મવિશ્વાસનો વધારો થાય એ હેતુથી અમારા બાલભવનમાં વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બાળકોએ ભાગ લીધો હતો અને ખૂબ જ સુંદર રીતે વિવિધ પપેટ્સનો ઉપયોગ કરી પોતાની વાર્તા રજૂ કરી હતી.

__________________________________________________________________________________


ઈન્દ્રિય શિક્ષણ

બાળકના સર્વાગી વિકાસ માટે ઈન્દ્રિય શિક્ષણ ત્રણ રીતે ઉપયોગી છે. એક તો સ્પષ્ટ અને સુક્ષ્મ રીતે સંવેદનો ગ્રહણ કરવાની ટેવ પડવી, બીજું એ દ્વારા બૌધિક વિકાસ સાધવો અને ત્રીજું સ્નાયુ સંચાલન ઉપર કાબૂ જાળવવો. બાળકની કર્ણેન્દ્રિયની કેળવણી થાય અને બાળક નાના-મોટા અવાજ નો સુક્ષ્મ તફાવત ઓળખવાની સમજણ અને ઓળખ મેળવે એ માટે ઇન્દ્રિય શિક્ષણમાં અવાજની ડબ્બી તેમજ વજનમાં ભારે અને હલકા નો તફાવત ઓળખે તે હેતુથી વજનની તક્તીનો પાઠ આપવામાં આવ્યો હતો.


__________________________________________________________________________________


જીવન વ્યવહાર

જીવન વ્યવહાર દ્વારા બાળકમાં સ્વતંત્રતા અને સ્વાવલંબનના ગુણો કેળવાય છે. બાળક પોતાનું દરેક કાર્ય જાતે કરે અને તે કાર્ય ચોક્કસ વ્યવસ્થિત અને પધ્ધતિસર કરતાં શીખે, બાળકના હાથના સ્નાયુઓ કેળવાય, બાળક બાળપણનો ભરપુર આનંદ માણી શકે એ હેતુથી અમારા બાલભવનમાં જીવન વ્યવહારમાં અનાજ-કઠોળની ઓળખ આપવામાં આવી હતી તેમજ નર્સરી ના બાળકોને ખાડવું ના પાઠ આપવામાં આવ્યા હતા.

__________________________________________________________________________________


નેચર

દરેક માનવી સૌંદર્યપ્રેમી હોય છે. તેમાં પણ પર્યાવરણનું અનુપમ રૂપ જોઈ દરેક માનવી તેની તરફ ખેંચાય જાય છે. બાળકોને પણ ખુલ્લા વાતાવરણમાં મોકળા મને રમવાનું ખુબ જ ગમે છે. કુદરતી સંરચનાને જોવી, જાણવી અને માણવી. દરેક બાળકને ખુબ જ ગમે છે. જેથી અમારા બાલભવનમાં નેચરનો પાઠ આપવામાં આવે છે. જેમાં બાળકને બાગની મુલાકાત, છોડની માવજત, છોડના પ્રકાર, દાણા વાવવા વગેરે પાઠ આપવામાં આવ્યા હતા.

__________________________________________________________________________________


Club Activity


__________________________________________________________________________________

Educator's Corner

એકતા નું મહત્વ

એક વખત હાથની પાંચેય આંગળીઓ વચ્ચે પરસ્પર ઝઘડો થયો. પાંચેય પોતાને એકબીજાથી મોટી સિદ્ધ કરવાના પ્રયાસમાં હતી.

અંગૂઠો બોલ્યો કે હું સૌથી મોટો છું, તેની બાજુની આંગળી બોલી કે હું સૌથી મોટી છું, આ જ રીતે બધી પોતાને મોટી સિદ્ધ કરવાના પ્રયાસમાં હતી. નિર્ણય ન આવ્યો તો તેઓ કોર્ટમાં પહોંચી. ન્યાયધીશે આખી વાત સાંભળી અને પાંચેયને કહ્યું કે તમે લોકો સિદ્ધ કરો કે કેવી રીતે તમે સૌથી મોટા છો?

અંગુઠો બોલ્યો કે હું વધારે ભણેલો ગણેલો છું, કેમકે લોકો મને હસ્તાક્ષરની જગ્યાએ વાપરે છે. જે લોકો હસ્તાક્ષર કરી શકતા નથી તેઓ મારો એટલે અંગૂઠાનો જ ઉપયોગ કરે છે. નજીકની આંગળી બોલી લોકો મને કોઈ મનુષ્યની ઓળખ તરીકે વાપરે છે. તેથી નજીક વાળી આંગળી બોલી કે તમે લોકોએ મને માપી નથી, નહીં તો હું જ સૌથી મોટી છું. તેની નજીકવાળી આંગળી બોલી હું સૌથી વધારે પૈસાદાર છું કેમકે લોકો હીરા અને ઘરેણા અને વીંટી મારામાં જ પહેરે છે. આ રીતે દરેકે પોતાની અલગ અલગ પ્રશંસા કરી. ન્યાયધીશે હવે એક રસગુલ્લો મંગાવ્યો અને અંગૂઠાને કહ્યું કે આને ઉપાડો અંગૂઠાએ ખૂબ જોર લગાવ્યું પરંતુ રસ ગુલ્લો ઉઠાવી શક્યો નહીં. ત્યારબાદ બધી આંગળીઓએ એક એક કરીને પ્રયાસ કર્યો પરંતુ દરેકને નિષ્ફળતા મળી. અંતે ન્યાયાધીશે સૌને મળીને રસગુલ્લો ઉઠાવવા આદેશ આપ્યો તો તુરંત જ દરેકે મળીને રસગુલ્લો ઉઠાવી લીધો. નિર્ણય થઈ ચૂક્યો હતો. ન્યાયધીશે નિર્ણય સંભળાવ્યો કે તમે બધા જ એકબીજા વગર અધુરા છો અને એકલા રહીને તમારી શક્તિનું કોઈ અસ્તિત્વ નથી, પણ ભેગા રહીને તમે અઘરામાં અઘરું કામ સહેલાઈથી કરી શકો છો.

તો મિત્રો, એકતામાં ખુબ જ શક્તિ હોય છે એ જ આ વાર્તાની શિક્ષા છે.

Mrs. Heena Kakadiya

Educator (Sr.Kg.-B)

__________________________________________________________________________________


શિક્ષક એ આજીવન પ્રવૃત્ત હોય છે.

કાષ્ઠ ને ચંદન કરે, ઉરને નંદન કરે,

તેવા શિક્ષકને કોણ વંદન ન કરે ?

શિક્ષક એક વહેતી નદી જેવો છે. જેના મનમાં કોઈ નાતજાતના ભેદભાવ નથી. જેના સ્વભાવમાં પ્રવાહિતા છે. સર્વને સમાવી શકે એવું વિશાળ હૃદય છે. સર્વને સમાનભાવે અને નિ:સ્વાર્થભાવે જોવાની દ્રષ્ટી હોય. એમસર્ન કહે છે. “જે વ્યક્તિ અઘરી બાબતોને સહેલી બનાવે છે તે શિક્ષક છે”

બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે એ માટે અમારી શાળામાં શિક્ષકો માટે બેસ્ટ ટીચિંગ એડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ શિક્ષકોએ ભાગ લીધો હતો અને નકામી વસ્તુમાંથી ખુબ જ સુંદર શૈક્ષણિક સાધનોની કલાકૃતિઓ બનાવી હતી અને તેના દ્વારા બાળકોને અઘરા લાગતા વિષય કેવી રીતે સરળતાથી રમતા રમતા શીખવી શકાય તેની સમજુતી આપી હતી.

"શિક્ષક, સમાજ ઘડતરનો શિલ્પકાર છે"

__________________________________________________________________________________

Parent's Corner

શિક્ષક રાષ્ટ્રની સંસ્કૃતિના મધુર માળી

શિક્ષક એટલે ગુરુ કે જેને ઈશ્વરથી પણ મહાન ગણવામાં આવ્યા છે . શ -શિસ્ત ,ક -કલા જેનો અર્થ છે. આવા શિક્ષકોને કાર્યોને બિરદાવવા માટે દર વર્ષે ૫ સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે . મહાન દર્શનિક શિક્ષક એવોર્ડ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિન આપણે સૌ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. પોતાના જ્ઞાનથી તેઓ વિદ્યાર્થીઓને પ્રભાવિત કરતા હતા દેશ વિદેશના કેટલાય વિશ્વવિદ્યાલયોમાં તેમણે પોતાના વ્યાખ્યાન આપ્યા કે જે આજે પણ યાદ કરવામાં આવે છે

જ્યારથી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ના નામ પરથી શિક્ષક દિન ઊજવવાની શરૂઆત થઈ ત્યારથી જનસામાન્ય તથા સરકારનું ધ્યાન શિક્ષકોને ખરાબ પરિસ્થિતિ પર આવ્યું છે શિક્ષક દિન ના દિવસે ડૉ રાધા કૃષ્ણને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. તે ઉપરાંત દેશભરમાં શિક્ષક પ્રત્યે સન્માન પ્રગટ કરવા માટે અલગ અલગ કાર્યક્રમો પણ યોજાય છે. જેમાં શિક્ષકો અને તેમના મહત્વપૂર્ણ કાર્યો માટે પુરસ્કાર આપવામાં આવે છે.

વિષમ પરિસ્થિતિમાં શિક્ષક વર્ષે પુજારી છે કે સમાજના મંદિરમાં નૈતિક અને માનવીય મૂલ્યોના મહત્વપૂર્ણ રૂપ થી સ્થાપિત કરે છે . શિક્ષકો ને જે ગરિમા આપણા વેદ પુરાણમાં આપવામાં આવી છે તે ગરીમા ને કાયમી રાખવા માટે શિક્ષકોને પુરસ્કાર આપવા જરૂરી નથી પરંતુ તેમના મહત્વને ઓળખ આપવાની પણ જરૂર છે

આજે જ અધ્યાપક પુરસ્કાર મેળવીને જ ખુશ થાય છે તેના બદલામાં જો પુરસ્કાર આપવાવાળા સમાજના સૌથી ઉચ્ચ વર્ગમાં ન અધ્યાપક પોતાનું સ્થાન બનાવી શકે તો સાચા અર્થમાં શિક્ષક દિન ઉજવવો સફળ થઈ શકશે

યોગેશ ગોપાણી

(વૈદી ગોપાણીના પપ્પા)

જુ.કેજી.-C

__________________________________________________________________________________

FUN FIESTA

બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાગી વિકાસને ધ્યાનમાં રાખીને ગજેરા વિદ્યાભવનમાં 'FUN FIESTA' શિર્ષક અંતર્ગત એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાર વગરનું ભણતર અને ગમ્મત સાથે જ્ઞાન ના ઉદ્દેશને ચરિતાર્થ કરતી એક્ટિવિટી, સહભ્યાસ પ્રવૃત્તિ, જુદી જુદી રમત અને શૈક્ષણિક સાધનોનું પ્રદર્શન કર્યુ હતું.

જેમાં બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં ગીત રજૂ કર્યા, વ્યસનમુક્તિ ઉપર નાટ્યકૃતિ રજૂ કરી અને ખૂબ જ સુંદર ડાન્સ રજૂ કર્યા. પેઈન્ટ ગલીમાં બાળકો અને વાલીશ્રીએ પોતાનામાં રહેલી પ્રતિભાનું ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યુ. આ ઈવેન્ટમાં મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

__________________________________________________________________________________


પૌષ્ટિક આહાર એ જ ઔષધ

"આહાર એ જ ઔષધ છે, ત્યાં દવાનું શું કામ,

આહાર વિહાર અજ્ઞાનથી દવાખાના થાય છે જામ”

માતા-પિતાના વર્તન વ્યવહાર બાળક માટે દર્પણની ગરજ સારે છે. એક આદર્શ માતાએ બાળકને જંકફૂડની દુનિયામાંથી બહાર લાવી તંદુરસ્ત ખોરાક આપવો જોઈએ. નાનપણથી જ બાળકને વિવિધ ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ વગેરે આહાર તરીકે ઉપયોગમાં લેતા શીખવવું જોઈએ અને જંકફૂડથી દુર રાખવા જોઈએ.

"જાગ્યા ત્યાંથી સવાર" આ કહેવતને ચરિતાર્થ કરવા અને વાલીશ્રી(માતાઓ) પોતાના બાળકના આહાર પ્રત્યે જાગૃત થાય એ માટે અમારા બાલભવનમાં માતાઓ માટે "Instant Healthy Cooking Competition" રાખવામાં આવી હતી. જેમાં ઘણાં બધા વાલીશ્રીઓએ ભાગ લીધો હતો અને ખુબ જ સુંદર વાનગીઓ બનાવી હતી.

__________________________________________________________________________________


બાળકના જીવનનું દર્પણ – શિક્ષક અને માતા-પિતા

પ્રત્યેક માતા-પિતા પોતાના બાળકને વધુને વધુ શ્રેષ્ઠ અને સક્ષમ બનાવવા પ્રયત્નશીલ હોય છે. શૈક્ષણિક સફ્ળતાએ આધુનિક યુગમાં સુખ પૂર્વક જીવન જીવવા માટે એક અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. પ્રત્યેક માતા-પિતા પોતાના બાળકના ભવિષ્યનો આધાર તેની શૈક્ષણિક સફળતામાં જુએ છે. શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં વિદ્યાર્થી છે જેના સર્વાગી વિકાસની જવાબદારી આ બંને ઉપર છે. બાળકના અભ્યાસને લગતી યોગ્ય માહિતી અને આવનારા માસનું આયોજન વાલીશ્રીને મળે એ હેતુથી અમારા બાલભવનમાં વાલીમીટીંગ રાખવામાં આવી હતી.

225 views0 comments
bottom of page