gajeravidyabhavanguj
E-Newsletter - August 2022
Updated: Sep 10, 2022


Message From Trustee

વાણી ઉપર સંયમ રાખો
“બાની એસી બોલીયે, જો મનુઆ શીતલ હોય,
ઔરનકું શીતલ કરે, આપ ભી શીતલ હોય.”
જે માણસ આ જીવનમાં વિજયી થવાની ઇચ્છા રાખે છે તેને માટે એ ઘણું જ જરૂરનું છે કે તેણે પોતાની વાણી પર સંપૂર્ણ કાબૂ રાખતાં શીખવું જોઈએ. આપણા શબ્દો જ આપણને મારે કે જીવાડે છે. “પડે ચઢે જીભ વડે જ પ્રાણી’’ આ સૂત્રમાં પૂર્ણ સત્ય રહેલું છે. “જેવો બોલ તેવો તોલ."
કદાચ તમો પ્રમાણિકતાપૂર્વક ન બોલતા હો, તો પણ તે શબ્દોની કિંમત હોય તે પ્રમાણે અંકાય છે. દાખલા તરીકે જો આપણે વારંવાર એમ બોલતા હોઈએ કે “ઘણી જ કફોડી સ્થિતિ છે; દેવામાંથી બચવા આટલું જ પરાણે કરી શકું છું.” યાદ રાખજો કે આ શબ્દો સાંભળનારના મન પર અસર કર્યાં વગર રહેતા નથી. તેઓ તરત જ આપણને નાણાંની સખત તંગીમાં રહેવાનું ધારી આપણી તરફ તેવી જ રીતે વર્તશે. ટૂંકાણમાં આપણે જ એક એવા વિચાર-પ્રવાહને વહેરાવીએ છીએ, કે જેથી આપણે આપણી સ્થિતિથી આગળ વધી શકીએ નહિ.
હજારો માણસો આવી જ ભૂલ કરે છે. ને આ ભૂલ ગંભીર છે. મનમાં, એકાંતમાં વિજયની ઇચ્છા રાખવી ને બીજી જ પળે “કપડાં, ઘી તથા ખોરાક માટે ઘણો બારીક સમય આવેલો છે.” એમ પાડોશીને જણાવવું એ શું યોગ્ય છે ? જેમ જેમ વધુ આવી ટેવ પાડશો તેમ તેમ વધુ ને વધુ ખરાબ સંજોગો થવાના. કારણ કે નહિ ઈચ્છવાનું વાતાવરણ તમે તમારી આજુબાજુ સખત રીતે જમાવતા જાવ છો.
આ મનુષ્ય સ્વભાવ સહજ છે. પણ આપણે તો ઉન્નતિએ પહોંચવા સારૂ આપણી જીભ કાબૂમાં રાખવી જ જોઈએ. હું ગરીબ છું, હું નબળો છું, રોગી છું, એમ વારંવાર ભરડ્યા કરતાં બહેતર છે કે તદ્દન શાંત ને મૂંગા રહેવું.
ઉધમ ધંધાની ગણતરીઓ છાની જ રાખો.જ્યાં સુધી કાર્ય પૂર્ણ ન થાય અગર તેની શરૂઆત ન થાય ત્યાં સુધી મૌન રાખવું એ જ ઉચિત છે.આપણા વિચારો બીજાને કહેવાથી બીજા વિચારોની અથડામણ થાય છે.ને બીજાની શંકા અને બીકની તમારા મનના અસલ વિચારો અને યોજનાઓ બરબાદ થવાને સંભવ છે.
કામ ધંધા કેવા છે, એમ કોઈ પૂછે તો “સારા, ધીકતા છે એમ કહેશો.” તમારે લાંબુલચ બોલવું જ નહી.કારણ કે, તમે જો એમ કહેશો કે ધંધા બહુ મંદા છે તો સામાવાળા એમ વિચાર કરશે કે તમારા ધંધામાં નફો નથી, ને આવા વિચારથી ધંધામાં નુક્શાનની ભાવના આરોપી નુકશાનમાં જ તમને ઉતારશે.પણ જો તમે કહેશો કે ધંધો સારો ચાલે છે તો તે એમ કહેશે કે ગમે તેમ પણ તમે ઠીક આગળ વધી રહ્યા છો અને તેના આવા વિચારો તમને સહાય કરશે.આવા દરેક વિચારની અસર હિસાબમાં લેવી જોઈએ ને જયારે આ પ્રમાણે સેંકડો ને હજારો વિચાર કરશે, તો પછી તમને ઈચ્છાઓ સંપૂર્ણ થયેલી જણાશે.
“મધુર વાણી જ જપ છે અને મધુર વાણી જ તપ છે.”
શ્રી ચુનીભાઈ ગજેરા
મેનેજીંગ ટ્રસ્ટી શ્રી,
ગજેરા ટ્રસ્ટ
__________________________________________________________________________________
Message From Principal

બાળકને સમજીએ અને સાંભળીએ
"બાળક એટલે જગતના બાગનું મહેકતું મધમધતું ફૂલ." એવું કહેવાય છે કે બાળપણ એ ઇશ્વરે આપેલી અનમોલ ભેટ છે. પોતાની નાજુક પાંદડીઓ અને પાન હલાવતું નાનેરું ફૂલ જેવું બાળક આપણને કેવું પકડી રાખે છે. તેને જોઈને આસપાસના તોતિંગ વૃક્ષ અને વિશાળ લતામંડપોય વિસરી જવાય છે. નાનું સરખું બાળક પુરા પરિવારને વિવિધ કામોમાં પરોવાયેલું રાખે છે. પણ આપણા બાળકની બધી જરૂરિયાતો અપણે જાણીએ છીએ ખરા? ભૌતિક સુખ સુવિધાઅઓની દોડધામ વચ્ચે કહેવાતી ઉદાર વિચારધારાને કારણે આપણી બાળકને સભ્યતાના ઢાંચામાં સરમુખાચાર ની જેમ ઢાળી દઈએ છીએ. પછી નથી તો એને હલવા દેતા કે નથી તેને કંઈ કહેવા દેતા! આપણે એવું વિચારીએ છે કે બાળક ને વળી શું કહેવાનું હોય? આપણે એની બધીજ જરૂરિયાતો પૂરી કરીએ છીએ અને બધીજ સુવિધાઓ આપીએ છીએ. પરંતુ બાળકની મન:હ સ્થિતિનો ખ્યાલ બહુ ઓછા માતા- પિતા ને હોય છે. બાળક ઈચ્છે છે. પોતાનો સ્નેહભર્યો સત્કાર, સ્વીકાર અને સલામતી બાળકને જરૂર છે આપણા પ્રેમાળ વ્યવહાર અને પ્રોત્સાહનની અને ખસતો હાશકારો આપતી હુંફની.

બાળકોને પણ પોતાના વિચારો અને ભાવો (ઈચ્છાઓ) હોય છે. જે બાળક પોતાની પસંદિત વ્યક્તિને કહેવા માંગે છે. અંતર ના ભાવ કે વ્યથા વ્યક્ત કરવાથી બાળક પણ તાણ માંથી હળવું થાય છે. બાળ જીવનની આ એક ધ્યાનપાત્ર સમસ્યા છે કે કહેવું છે. પણ કહી શકવાની આઝાદી નથી. કહેવાનું મન થાય તેવા મુક્ત વાતાવરણનો અભાવ ભૂલમાં કહી બોલાય ગયું હોય તો સજા કે ઠપકો નહિ મળે તેવા નિર્ભય વાતાવરણનો અભાવ. આવા અભાવના વેરાન વાતાવણમાં બાળપુષ્પો, પ્રફુલ્લિત રહેવાને બદલે મુરઝાયેલા રહે છે. પોતાની વ્યથા કે પોતાની આપવીતી વ્યક્ત ન કરી શકવાને કારણે બાળક ઘણી તકલીફોનો ભોગ બને છે. તે ઘરમાં ને બહાર ભાંગફોડ કરે છે, લીધી વાત મૂકતું નથી, કજીયાળું ,જીદ્દી, રિસાળ, બે ધ્યાન અને બીકણ બને છે. આવા બાળકનો માનસિક વિકાસ રૂંધાય છે.
વડીલોની ઉપેક્ષાથી શોષિત થઈલું બાળક બીજા ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી શકતું નથી. બાળકનો આત્મવિશ્વાસ ધીમે ધીમે ઘટતો જાય છે. એ પોતાની વાત ભારપૂર્વક રજુ કરી શકતું નથી! જાતે નિર્ણય લેવાની હિંમત ન કરી શકતું બાળક છતી પાંખી ઉડી ન શકતા પંખી જેવું પામર બની રહે છે. આવા સંભવિત જોખમોથી પોતાના બાળકને બચાવી લેવાનું પહેલું પગલું છે. બાળકને બોલવાની તક આપીએ અને બાળકની વાત સાંભળીએ. બાળકને આપણા હેતાળ અને હસમુખ વ્યવહારથી એવો વિશ્વાસ બંધાવીએ કે તેણે આપણાથી ડરવાની કે સંકોચવાની કોઈ જરૂર નથી બાળકોની વાતો નિરાંતે સાંભળી શકીએ તેવો સમય ફાળવવો જોઈએ.
આજે આપણે બાળકોને સાંભળીશું તો જ આવતી કાલે તેઓ આપણ ને સાંભળશે. આથી પુરા હદયપૂર્વક તેમની વાત પ્રેમથી સાંભળો.
Mrs. Sunita Hirpara
Principal
Gajera Vidyabhavan, Katargam
__________________________________________________________________________________
Cover Story
રાષ્ટ્રધ્વજ એટલે આપણાં સહુના ગૌરવનું શ્રેષ્ઠ પ્રતિક
અનંત અને તેના મિત્રો મળીને 15મી ઓગસ્ટની તૈયારી કરી રહ્યા હતા. સ્કૂલમાં 15 ઓગસ્ટનું સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું. અનંત તેના બે મિત્રો સાથે પેટ્રિઓટ્રીક સોંગ પર ડાન્સ કરવાનો હતો. એ સિવાય તે પોતાના ક્લાસમેટ સાથે એક નાટકમાં પણ ભાગ લેવાનો હતો. નાટકની પ્રેક્ટિસ માટે તેઓ દરરોજ ઘરે મળતા જેથી સ્કૂલમાં સમય ન બગાડવો પડે. બસ, 15 મી ઓગસ્ટ આડે હવે બે દિવસ જ બાકી હતા શનિવારના દિવસે સ્કૂલમાં હાફ ડે હોવાથી બધા મિત્રોએ પેરેન્ટ્સની પરમિશન લઈને અનંતના ઘરે નાટકની પ્રેક્ટિસ કરવા માટે ભેગા થવાનું નક્કી કર્યુ હતું. તે લોકોને નાટક માટે ભારતનો રાષ્ટ્રધ્વજ લાવવાનો હતો. બધાના હાથમાં નાટકના અંતમાં રાષ્ટ્રધ્વજ હોઈ એવો એનો અંત નક્કી કરવામાં આવ્યો હતો. અનંત તેના પિતાને અગાઉથી જ કહી રાખ્યું હતું કે પપ્પા, અમારા માટે ભારતનો ઝંડો લેતા આવજો. પિતાને ઝંડાની સાઈઝ પણ કહી દીધી હતી. એ સિવાય પણ અનંતે પિતાને નાના નાના ઝંડા તેમનાં કપડાં ઉપર લગાવવા માટે મંગાવ્યા હતા.

શનિવારે અનંત અને તેના મિત્રો સ્કૂલેથી આવ્યા એટલે તરત જ તેણે પપ્પા પાસે ઝંડા માંગ્યા. પપ્પાએ કહ્યું બેટા, તે મંગાવ્યું હતું તે બધુ લઈ આવ્યો છું. તમારે હાથમાં પકડવા માટે તિરંગો પણ લઈ આવ્યો છું અને તમારાં કપડાં ઉપર લગાવવા માટે પણ રાષ્ટ્રધ્વજ આવી ગયા છે. અનંત ખુશ થઈ ગયો, તેણે કહ્યું; થેન્ક્યુ પપ્પા.
પપ્પાએ કહ્યું; બેટા, એ તો સમજાયું કે તમારે આ તિરંગાને ૧૫મી ઓગસ્ટના દિવસે નાટક દરમિયાન વાપરવાના છે, પણ તમે દરેક વ્યક્તિદીઠ મારી પાસે બે નાના-મોટા ઝંડા મંગાવ્યા છે તો મને સવાલ એવો થાય છે કે નાટક પૂરું થયા પછી તમે તેનું શું કરશો? અનંતે કહ્યું પપ્પા, અમારે નાટક પત્યા પછી તેની જરૂર નહીં પડે, આ તો માત્ર નાટક માટે જોઈએ છે.પપ્પા કહે એ વાત સાચી પણ તમારે ઝંડા ની જરૂર નહીં પડે તો અત્યારે જે ઝંડા મંગાવ્યા છે તેનું તમે શું કરશો? તેને ક્યાં રાખશો? અનંત અને તેના મિત્ર એકબીજાની સામે જોઇ રહ્યા અનંતના પિતા એ આગળ વાત કરતાં કહ્યું તમે જ જાણો છો બાળકો રાષ્ટ્રધ્વજ આપણા માટે કેટલા મહત્વનો હોય છે. આપણે મોટાભાગે 15 મી ઓગસ્ટની આજુબાજુ કેટલાય નાના-મોટા ઝંડા રોડ ઉપરથી લઈએ છીએ. ૧૫મી ઓગસ્ટને દિવસે તેના ગુણગાન ગાઈએ છીએ, તેને સલામી આપીએ છીએ, તેને વંદન કરીએ છે, પણ પછી શું? આપણે 15મી ઓગસ્ટની ઉજવણીના બેથી ત્રણ કલાક દરમિયાન માનભેર ઝંડાને આપણી સાથે રાખીએ છીએ પણ જેવો કાર્યક્રમ પૂરો થાય કે તરત જ તે ઝંડા ને આમતેમ મૂકી દઈએ છીએ. ઘણી વાર તો એવું બને છે કે આપણા હાથમાં રહેલો નાનો ઝંડો રસ્તા પર પડ્યા હોય છે ન તો તે જોનાર. આપણા દેશના ધ્વજ માટે આવું કરવું સહેજ પણ યોગ્ય નથી, આ રીતે કરવું તે રાષ્ટ્રધ્વજનું એક પ્રકારનું અપમાન છે. તેથી તમે જો 15 મી ઓગસ્ટ પછી પણ તીરંગો સાચવી શકવાના હોવ તો જ તે લેવો જોઈએ. એ દિવસે માત્ર બે કલાક ઝંડાને સલામી આપીને પછી તેને રસ્તે રખડવાનો કોઈ મતલબ નથી. ખરેખર તો તમે જે ઝંડો લ્યો છો તેનો ઉપયોગ થઈ ગયા બાદ તેને માનભેર સાચવીને કોઈ જગ્યાએ મૂકી દેવો જોઈએ. તમે તમારા કબાટમાં તેને સાચવીને મૂકી શકો છો. આ વર્ષે સાચવશો તો આવતા વર્ષે કામ લાગશે અને કોઈના પગમાં પણ નહીં આવે. જો આપણે જ આપણા રાષ્ટ્રધ્વજનું માન નહીં જાળવીએ તો બીજું કોણ જાળવશે? માટે દેશને અને દેશના ઝંડાને માન આપવા તમારુ નાટક પતે પછી તમે તેને સાચવીને મુકજો, તેને જ્યાંત્યાં ફેકતાં નહીં કે મુકતા પણ નહીં. ઝંડા ને સરખો વાળીને તમારા કબાટ માં મુકજો અને આ વાત તમારા મિત્રો ને પણ જણાવજો.
__________________________________________________________________________________
Classroom News
શું તમે જાણો છો?
સેટેલાઈટ ટીવી માં કઈ રીતે પ્રસારણ થાય છ?
મહત્વની મેચ અને ઓલમ્પિક ગેમનું એક જ સ્થળે સમગ્ર વિશ્વમાં જીવંત પ્રસારણ જોવા મળે છે. એક સાથે સમગ્ર દુનિયાના ટી.વી પ્રસારણના સિગ્નલો કઈ રીતે પહોંચે છે તે જાણો છો? સેટેલાઈટ ટી.વી. દ્વારા આ શક્ય બન્યું છે. પૃથ્વી ગોળાકાર છે. સિગ્નલો સીધી લીટીમાં ગતિ કરે છે એટલે જમીન પર રહેલા પ્રસારણ કેન્દ્રના સિગ્નલોને પૃથ્વી બહાર અવકાશમાં રહેલા સેટેલાઈટને મોકલવામાં આવે છે.

સેટેલાઈટ પૃથ્વી પર બધી જગ્યાએ સિગ્નલ મોકલી શકે છે. આ પ્રકારનું કામ જીઓસ્ટેશનરી સેટેલાઈટ કરે છે. જીઓસ્ટેશનરી સેટેલાઈટ અવકાશમાં ફરે છે પરંતુ હંમેશા પૃથ્વીના એક જ વિસ્તાર પર રહે છે કોઈપણ સ્થળેથી આવેલા સિગ્નલો તે સમગ્ર પૃથ્વી પર મોકલી શકે છે. આથી વિશ્વભરમાં એક જ સ્થળે રખાતી મેચનું જીવંત પ્રસારણ એક સાથે થાય છે.
__________________________________________________________________________________
ઐતિહાસિક ઇમારત દિલ્હીનો લાલ કિલ્લો
દિલ્હીનો લાલ કિલ્લો ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતો પ્રાચીન અને ભવ્ય સંકુલ છે. લાલ પથ્થર વડે ૧૭મી સદીમાં બંધાયેલા આ કિલ્લા પરથી સ્વાતંત્રદિને વડાપ્રધાન રાષ્ટ્રજોગ પ્રવચન કરે છે. ઈ.સ ૧૬૩૮માં મોગલ બાદશાહએ પાટનગર આગ્રાથી ફેરવી દિલ્હીમાં ખસેડયું ત્યારે લાલ કિલ્લાનું બાંધકામ શરૂ કરાયેલું. તેને બંધાતા ૧૦ વર્ષ લાગ્યા હતા. શાહજહાંએ તેને કિલ્લાને મુબારક નામ આપેલું. લાલ કિલ્લાની ફરતે ૨.૪ કિલોમીટર લાંબી દીવાલ છે. આ દીવાલ ૧૮ મીટરથી ૩૩ મીટર સુધી ઊંચી છે. કિલો બાદશાહનું નિવાસસ્થાન હોવાથી ભવ્ય હતો. સુંદર આરસપહાણની કલાત્મક કોતરણીથી શોભતા તેના રંગ મહેલની છત ચાંદીની હતી.

કોહિનૂર હીરો જડેલું સિંહાસન આ કિલ્લામાં હતું. કિલ્લાના બે ભાગ હતા. દિવાને આમ અને દિવાને ખાસ. દિવાને આમ એટલે સામાન્ય જનતા માટેનો દરબાર અને દિવાને ખાસ એટલે શાહી પરિવારનું રહેઠાણ. કિલ્લામાં મોતી મસ્જિદ, રાણીઓનું નિવાસસ્થાન, હયાત બક્ષ, બાગ, રંગ, મહેલ અને સગીતભવન જોવા જેવા છે. શાહજહા પછી ઘણા બાદશાહોએ આ કિલ્લામાં સુધારા વધારા કર્યા. અંગ્રેજોના શાસન દરમિયાન તેમની કેટલીક કિંમતી વસ્તુઓ ખસેડી લેવાઈ છતાં લાલકિલ્લાની ભવ્યતા ઓછી થઈ નથી.
__________________________________________________________________________________
Morning Assembly-વિશ્વ સંસ્કૃત દિવસ
સંસ્કૃત એ દેવભૂમિ તરીકે ઓળખાતા ઉત્તરાખંડની મુખ્ય રાજ્ય ભાષા છે. દુનિયાનું સૌથી મોટું શબ્દભંડોળ સંસ્કૃત ભાષામાં છે. ૧૦૨ અબજ ૭૮ કરોડ ૫૦ લાખ શબ્દોનો ઉપયોગ અત્યાર સુધીમાં આ ભાષામાં થઈ ગયો છે. સંસ્કૃત ભારતની એક શાસ્ત્રીય ભાષા છે. બાળકો આપણી સંસ્કૃતિ આપણા મહાન ગ્રંથો અને સંસ્કૃત ભાષાના મહત્વને સમજે એ હેતુથી અમારા બાલભવનમાં'સંસ્કૃત દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ વિવિધ શ્લોકોનું સંસ્કૃતમાં પઠન કર્યુ. બાળકોને પૌરાણિક ગ્રંથો વિશે માહિતી આપી. હવાન ઈત્યાદિમાં વપરાતા સંસ્કૃત શ્લોકોનો પરિચય આપ્યો. બાળકોએ પણ સંસ્કૃત ભાષાનો વાક્ય પ્રયોગ કરી તેનું સન્માન કર્યુ હતું.
"भारतस्य प्रतिष्ठे द्वे संस्कृत संस्कृतिस्तथा"
__________________________________________________________________________________
Learner's Corner
અંધારામાં એક આશાનું કિરણ એટલે ‘મિત્ર’
"એક સારું પુસ્તક એક સારા મિત્ર બરાબર છું,
પણ એક સારો મિત્ર સો પુસ્તકો બરાબર છે”

મિત્ર એટલે અવ્યક્ત લાગણીનો રોજ ઉજવાતો મહોત્સવ. ૧૯૫૩માં યુ.એસ. ની કોંગ્રેસ "રાષ્ટ્રીય મિત્રતા દિવસ" તરીકે ઓગષ્ટ મહિનાનો પ્રથમ રવિવાર જાહેર કરવામાં આવ્યો હતો. મિત્રો સાથેના આ સુંદર સંબધને માન આપવાનો આ ઉમદા વિચાર 'મિત્રતા દિવસ' તરીકે ખુબ ઉત્સાહથી ઉજવાય છે. અમારા નાના બાળકોને મિત્રતાનું મહત્વ સમજાય એ હેતુથી અમારા બાલભવનમાં ‘ફ્રેન્ડશીપ ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ નાટ્યકૃતિ દ્વારા મિત્રોનું મહત્વ સમજાવ્યું. બાળકો ડાન્સ કર્યો અને પોતાના મિત્રોને ફ્રેન્શીપ બેલ્ટ બાંધી મિત્રતા દિવસની ઉજવણી કરી.
__________________________________________________________________________________
કાચા સુતરના તાંતણે બંધાયું, ભાઈ અને બહેનના પ્રેમનું બંધન

ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં પરિવર્તન લાવે છે. માનવજીવનમાં આનંદ, રાહત અને સુખચેનમાં વધારો કરે છે. તહેવારો માનવજીવનને જીવવા યોગ્ય એક અમુલ્ય તત્વ અને સંજીવની છે. બાળકોને ભાઈ-બહેનના આ પવિત્ર પ્રેમના ઉત્સવનું મહત્વ સમજાય એ માટે અમારા બાલભવનમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ નાટયકૃતિ દ્વારા ભાઈ-બહેનના પ્રેમને દર્શાવ્યો.
બાળકોને એકટીવીટી દ્વારા રાખડી અને ડીશ ડેકોરેશન કરતા શિખવાડયું તેમજ વૃક્ષોનું મહત્વ સમજાવી તેને બચાવવાના શપથ લેવડાવી તેને પણ રાખડી બાંધી સરહદ પરના દેશનું રક્ષણ કરતાં સૌનિકોનું મહત્વ બાળકોને સમજાય એ હેતુથી તેમણે પણ રાખડી બંધાવી બાળકોએ ડાન્સ કર્યો અને પોતાના સહઅધ્યાયીઓને રાખડી બાંધી આ પવિત્ર તહેવારની ઉજવણી કરી.
“ભાવ-સ્નેહનું સતત સર્જન,
અનેરું બંધન રક્ષાબંધન,
રેશમનો તાર, એક અનોખો સંસાર,
એ છે રક્ષાબંધનનો તહેવાર...”
__________________________________________________________________________________
'દેશ કી આઝાદી કા અમૃત મહોત્સવ'
"લડ્યા યુધ્ધમાં વીર જવાનો, ખુબ લોહી વ્હાવ્યું,
ઉડ્યા નહી જ્યાં લગી પ્રાણ, માથે કફન ઓઢ્યું"
દરેક વ્યક્તિના હૃદયમાં પોતાના દેશ પ્રત્યે પ્રેમની ભાવના સ્વાભાવિક રૂપમાં જ હોય છે. આઝાદીની આ લડાઈમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર લડવૈયાઓની શોર્યગાથાને બિરદાવવા અને તેમનું ઋણ ચુકવવા માટે અમારી શાળામાં આઝાદીના “૭૫માં વર્ષ ના અમૃતમહોત્સવ” ની ઉજવણી ખુબ જ ધામધૂમથી કરવામાં આવી. એક્ટીવીટી દ્વારા બાળકોને રાષ્ટ્રધ્વજમાં છાપકામ, કોલાઝવર્ક કરાવવામાં આવ્યું. ભારતના રાષ્ટ્રીય પ્રતિકોની ઓળખ કરાવી બાળકોએ એક પાત્રીય અભિનય દ્વારા પોતાનું વક્તવ્ય રજુ કર્યુ અને ખુબ જ સરસ ડાન્સ કર્યો.
__________________________________________________________________________________
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી...

જન્માષ્ટમી એટલે જીવનની જવાબદારીઓ નિભાવી વિરોધ અને વિકટ પરિસ્થિતિના અંધકારમાં કર્તવ્યને જ્યોત જલાવી. બાળકોમાં દયા, પ્રેમ, ક્ષમા અને સહિષ્ણુતા જેવા ગુણો કેળવાય અને બાળક ભગવાન શ્રીકૃષ્ણ જીવનથી પરિચિત થાય તે હેતુથી અમારા બાલભવનમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કૃષ્ણના જન્મ પ્રસંગની સમજૂતી આપી કૃષ્ણની બાળલીલા “નાગદમન” નાટકકૃતિ દ્વારા દર્શાવવામાં આવી. પ્રાચીન કૃષ્ણ જન્મ સમય અને આજના યુગમાં થતી જન્માષ્ટમીની ઉજવણીના તાદ્દેશ્ય રીતે રજૂ કરવામાં આવી હતી. જેથી સમગ્ર વાતાવરણ ગોકુળમય બની ગયું હતું, સાથે જ નંદ ઘેર આનંદ ભર્યો ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
"કૃષ્ણ એટલે પ્રેમ, પ્રજ્ઞા અને પરાક્રમની પરાકાષ્ઠા"
__________________________________________________________________________________
આવતીકાલના નેતા સ્પર્ધા
પોતાના દેશની સુરક્ષા તેમજ પ્રગતિ માટે પોતાનું તન, મન તેમજ ધન લગાવી દેવું એ જ સાચો દેશપ્રેમ. આપણા દેશમાં અનેક દેશ-ભક્તોએ જન્મ લીધો જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું. એમના જ કારણે આપણે સ્વતંત્ર દેશના નિવાસી છીએ. જે દેશમાં આપણે જન્મ લીધો છે. એના ખોળામાં આપણે અનેક પ્રકારની ક્રીડાઓ કરી છે. જેના અન્ન, જળથી આપણે મોટા થયા છીએ. તે ભારત દેશ મહાન છે. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે “આવતીકાલના નેતા” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણાં બાળકોએ ભાગ લીધો હતો અને પોતાના પાત્ર મુજબ વ્યક્તવ્ય રજુ કર્યુ હતું.
__________________________________________________________________________________
ગણેશોત્સવ
"વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ
નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેશું સર્વદા"
ગણેશચતુર્થીએ રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે. આ તહેવાર વિઘ્નહર્તા, મંગલ કર્તા અને રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશજીના જન્મ નિમિત્તે ઉજવવામાં આવે છે. બાળકો ધાર્મિક તહેવારો થી પરિચિત થાય તેમજ તેમનામાં સંસ્કૃતિ અને પરંપરા કેળવી શકાય તે હેતુથી અમારા બાલભવનમાં ગણેશચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
બાળકો અને શિક્ષકોએ સાથે મળીને લેઝીમ ના તાલે વાજતે-ગાજતે ગણેશજીની પધરામણી કરી હતી. બાળકો ગણેશજીની માતૃ-પિતૃ ભક્તિ નાટ્યકૃતિ "સાચુ તીર્થ" દ્વારા પ્રદર્શિત કરી, ખૂબ જ સુંદર ડાન્સ કર્યો. ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
__________________________________________________________________________________
ઈન્દ્રિયશિક્ષણ
જ્ઞાન પ્રાપ્તિનો જ્ઞાનેન્દ્રિયો સિવાય બીજો કોઈ માર્ગ નથી. બાલ્યકાળમાં ઈન્દ્રિય વિકાસની શક્યતા અને અનુકુળતા વિશેષ હોય છે. બાળકના બૌદ્ધિક વિકાસ માટે ઈન્દ્રિયવિકાસનું સ્થાન અગત્યનું છે અને તેથી જ અમારા બાલભવનમાં બાળકોને ઈન્દ્રિયશિક્ષણના પાઠ આપવામાં આવે છે. તેમાં જુ.કેજી. ના બાળકોને લાંબા અને ટૂંકાનો ખ્યાલ, સ્પંજ દ્વારા પાણીની રમત દ્વારા બાળકોના હાથની કેળવણી અને સ્વાદ પરિચયમાં વિવિધ વસ્તુઓ દ્વારા બાળકોને વિવિધ સ્વાદોનો પરિચય આપ્યો હતો.
__________________________________________________________________________________
જીવન વ્યવહાર
જીવન વ્યવહાર દ્વારા બાળકમાં સ્વતંત્રતા અને સ્વાવલંબનનો ગુણ કેળવાય છે. બાળક પોતાનું દરેક કાર્ય જાતે કરતાં શીખે અને તે કાર્ય ચોક્કસ વ્યવસ્થિત અને પધ્ધતિસર કરે અને ઘરકામમાં મદદ કરતા શીખે એ હેતુથી અમારા બાલભવનમાં જીવનવ્યવહારમાં જુ.કેજી.માં બોટલમાં પ્રવાહી ભરવું, અંગસ્વચ્છતા, હેન્ડવોશ અને લીંબુનું શરબત બનાવતા શીખવ્યું હતું અને સિ.કેજી.માં શાળા સ્વચ્છતા, હોસ્પિટલના સાધનોની ઓળખ કરાવી હતી.
__________________________________________________________________________________
Club Activity
"પ્રતિભા જન્મજાત જન્મે છે, તે શીખવાડતી નથી." બાળકોમાં રહેલી આ પ્રતિભાને ઉજાગર કરવા અને બાળકમાં આત્મવિશ્વાસમાં વધારો થાય એ હેતુથી અમારી શાળામાં વિવિધ ક્લબ એક્ટીવીટી કરાવવામાં આવે છે.
__________________________________________________________________________________
Educator's Corner
આજની પેઢીના બાળકો

જીવન પરિવર્તનશીલ છે. પેઢી વીતે તેમ લોકોની જીવનશૈલી અને જીવન મુલ્યોમાં બદલાવ આવે છે. આધુનિક યુગનો બાળઉછેર ખાડાની ધાર પર ચાલવા બરાબર છે. એક સમય એવો હતો. જયારે બાળકો ક્યારે મોટા થઈ જતાં તેની માતા-પિતાને ખબર પણ ન પડતી. દાદાની આંગળી ઝાલીને ચાલતાં શીખતું ભુલકું, દાદીની કહેલી વાર્તાઓ સાંભળીને પોઢી જતું. એ એવો વખત હતો જયારે બાળકો ખરાં અર્થમાં પોતાનું બાળપણ માણતા હતા. પણ હવે સમય બદલાયો છે. વિશ્વમાં છેલ્લા છ દાયકામાં સમાજ જીવનમાં અણધારેલો ફેરફાર જોવા મળ્યો છે. આજે આપણે આપણા સંતાનોને ઉછીરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણા સમયમાં આટ આટલી સુવિધાઓ ન હતી. જેની સામે આજની પેઢીના બાળકોને વધારે સ્વતંત્રતા અને પસંદગીનો અવકાશ મળે છે. આજે ભૌતિક અને આર્થિક સમૃદ્ધિમાં ઘણો વધારો થયો છે. તેથી આપણે આપણા સંતાનોને મોંઘીદાટ ચીજવસ્તુઓ ખરીદી આપવા માટે ખચકાતા નથી પણ આના લીધે આજનું બાળક અસંતુષ્ટ બન્યું છે. પરિણામે અનેક ગણી ચીજવસ્તુઓ હોવા છતાં બાળકોએ સુખ અને સંતોષ ગુમાવ્યા છે.

બાળકો આજના હોય કે પહેલાના એમણે એમના કુમળા મસ્તક પર એમનાં માતા-પિતા, કુટુંબ અને સમાજની અપેક્ષાઓનો બોજ ઉઠાવવો પડે છે. જેથી તેઓ પોતાની મરજી પ્રમાણે પ્રવૃત્તિ કરી શકતા નથી. દરેક માતા-પિતા એના સંતાનોના જીવનને પોતાની ઈચ્છા મુજબનો ઘાટ આપવા માંગતા હોય છે. માતા-પિતા બાળકના જીવન ઘડતરમાં માળી બનવાને બદલે ઈજનેર કે રથપતિ બની જાય છે. અગાઉના સમયમાં માતા-પિતાએ બાળકને છુટા મૂકી દેવા. જેથી બાળકને વિકસાવવાની યોગ્ય તક મળતી જયારે આજે એવા માતા-પિતા જોવા મળે છે જે પોતાનાં સંતાનોની નાની-મોટી બધી જ બાબતોની ચિંતા કરીને અડધાં થઈ જાય છે.
આજની ઉછરી રહેલી પેઢી શારીરિક શ્રમનો મહિમા ભૂલી ચુકી છે. અગાઉની શેરી રમતો જેમ કે, ગિલ્લીદંડા, ખો-ખો, કબડ્ડી, ગેડીદડો, આંબલી પીપળી વગેરે રમતો વિસ્તરતી જાય છે અને તેનું સ્થાન ટીવી, વિડીયો ગેમ્સ અને કોમ્પ્યુટર એ લઈ લીધું છે. જેના કારણે શારીરિક શ્રમ અને મેદાની પ્રવૃતિઓને અવકાશ મળતો નથી. ફાસ્ટફૂડ અને જંકફૂડનો મહિમા વધ્યો છે. જેના કારણે નાની ઉંમરે જ બાળકોમાં આરોગ્યની સમસ્યાઓ જોવા મળે છે.
આજના યુગના બાળકોમાં સંસ્કૃતિ અને સંસ્કારના મુલ્યો જાળવવા હોય તો બંને પેઢીએ સમન્વય સાધીને ચાલવું જોઈએ. ઘરના વડીલોએ બાળક સાથે વધુને વધુ સમય પસાર કરવો જોઈએ. જેથી તેઓ એકબીજાની જરૂરિયાતો સમજી શકે અને તેને પૂરી કરી શકે, એકબીજાને હુંફ આપી શકે અને તેઓ એકબીજાના વિચારોની આપ-લે કરી શકે.
Mrs. Binita Patel
Vice Principal
Gajera Vidyabhavan, Katargam
__________________________________________________________________________________
પ્રામાણિકતા

પ્રામાણિકતા આ શીર્ષક જેટલું બોલવાથી અને સાંભળવાથી આપણા મન પર અસર કરી જાય છે. પ્રામાણિકતા એટલે પોતાના કર્મ પ્રત્યેની નિષ્ઠા પ્રામાણિકતાની અને સુગંધ આપોઆપ પ્રસરતી હોય છે. જીવન વ્યવહારમાં સુખ પ્રાપ્તિ માટે અંગ્રેજીમાં પણ એક ડહપણ પણ ભરેલ ઉક્તિ છે.
Honesty is the best policy
એટલે કે પ્રામાણિકતા શ્રેષ્ઠ પ્રથા છે. પ્રામાણિકતાનું આચરણ કરવાથી સુખ સગવડો કદાચ ઓછા મળશે પરંતુ નિરાંત અને શાંતિ તો વધારે જ મળશે. વ્યક્તિની પ્રામાણિકતા સાથે માત્ર તેનું એકલતાનું નહીં પરંતુ પરિવાર, સમાજ અને દેશનું હિત જોડાયેલું છે. પ્રમાણિકતાનો ગુણ જીવનમાં ઉતારીને માણસ ધીરે-ધીરે મહાનતા તરફ આગળ વધી શકે છે.
પ્રામાણિકતાની બીજી પરિભાષાની વાત કરીએ તે પ્રામાણિકતા એ વ્યક્તિના સ્વભાવ અને તેના મનના વિચારો પર ઘણો આધાર રાખે છે. પ્રામાણિકતા એટલે ફક્ત વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની જ પ્રામાણીકતા એવું નથી. પરંતુ વ્યક્તિની કુદરતના અન્ય પ્રાણીઓ પ્રત્યે પણ હોવી જોઈએ. જે એમના વિચાર અને સ્વભાવ પર આધારિત હોય છે.
પ્રામાણિકતા શાળામાં શીખવવામાં આવતી આદર્શ કેળવણી તો છે જ પરંતુ એનાથી વિશેષ પણ એ આપણને આપણાં જીવનમાંથી મળતી અનુભવોની યાદીમાંથી વધુ મળે છે, જેમ ફૂલ ગમે તેટલું સુંદર હોય પણ એમાં સુગંધ ના હોય તો એની કિંમત ઓછી થઈ જાય છે. તે જ રીતે વ્યક્તિ ગમે તેટલો મોટો કેમ ન હોય પરંતુ પ્રામાણિકતા જો તેના જીવનમાં ન હોય તો તેમનું જીવન વ્યર્થ જ કહેવાય છે.

નૈતિક પાત્રના વિકાસ માટેનું મુખ્ય ઘટક પ્રામાણિકતા છે. પ્રામાણિકતા દયા, શિસ્ત, સત્યતા, નૈતિક અખંડિતતા અને વધુ જેવા સારા લક્ષણો વિકસાવવામાં મદદ કરે છે. માતા-પિતા, બાળકો અને વિદ્યાર્થીઓ-શિક્ષકો વચ્ચે યોગ્ય આંતર વ્યક્તિત્વ સંબધોના અભાવને કારણે છે. પ્રામાણિકતા એ એક પ્રથા છે.જે ધીમે ધીમે અને ધૈર્યથી બાંધવામાં આવે છે. પહેલા ઘરે અને પછી શાળામાં, તેથી ઘર અને શાળા એ બાળક માટે તેના વિકાસના સમયથી પ્રમાણિકતા વિકસાવવા માટે શ્રેષ્ઠ સ્થાનો છે. પ્રામાણિકતા એ એક આદર્શ માનવીની નિશાની છે. પ્રામાણિકતા એટલે શિસ્તમાં હોવું, સારું વર્તન કરવું, સત્ય બોલવું અને પ્રામાણિકતાથી મદદ કરવી. પ્રામાણિકતાને આવી જ એક વાર્તાઓ રજૂ કરુ છું.
એક સમયે ભારતમાં એક રાજા રહેતો હતો. જેનું નામ હતું કૃષ્ણદેવ રાયા. તેમનો રાજા ઘણો ધનવાન હતો અને ત્યાંના આ દરેક લોકોને સુખી અને સમૃદ્ધ હતા. એક દિવસ તેના એક દરબારીએ સૂચવ્યું કે તેને એક પ્રામાણિક માણસની જરૂર છે. જે તેના શાહી તિજોરીને સંભાળી શકે. આ મોટા રાજ્યમાં પ્રામાણિક વ્યક્તિ શોધવાનું કામ હતું. મોટો પ્રશ્ન એ હતો કે તે કેવી રીતે કરશે? રાજાના એક હોશિયાર દરબારી જેનું નામ તેનાલીરામ હતું. તે એક શાણપણ ની યોજના સાથે આવ્યો તે સૂચવે છે કે તેઓ રાત્રીના અંધારામાં શહેરમાં ઘણી જગ્યાએ સોનાના વાસણ છોડી દે છે અને બીજા દિવસે સવારે જાહેરાત કરે છે કે જે કોઈ ખોવાયેલા વાસણ પરત કરશે તેની રાજા પોતે પ્રશંશા કરશે.
તેમનું માનવું હતું કે જે વ્યક્તિએ માત્ર રાજાના વખાણ કરવા માટે સોનાનો વાસણ પરત કર્યો તે ખરેખર પ્રામાણિક હશે. રાજા તૈયાર થાય છે, સૈનિકો શહેરનાં જુદા-જુદા ભાગોમાં રાત્રિના અંધારામાં સોનાના પાંચ વાસણ મૂકે છે. બીજા દિવસે સવારે શહેરમાં એક જાહેરાત કરવામાં આવે છે અને તે પ્રામાણિક માણસના સોનાના વાસણ સાથે પાછા ફરવાની આતુરતાથી રાહ જુએ છે. પાંચમાંથી ચાર વાસણો પાછા ન આવ્યા. કારણ કે જે વ્યક્તિએ તેમને મેળવ્યા છે તે નસીબ પાછા આપવા માટે પૂરતા પ્રમાણિક ન હતા. પછી રાજાના દરબારમાં એક નબળો ગરીબ ખેડૂત આવે છે અને રાજાને સોનાના વાસણ પાછો આપે છે. રાજા એ ખેડૂતની પ્રમાણિકતા જોઇ ખુશ થઇ છે અને તરત જ તેને શાહી તીજોરીનો મેનેજર બનાવી દે છે, ગરીબ ખેડૂતને દુનિયાને બતાવી દીધું છે કે હકીકતમાં ઈમાનદારી જ શ્રેષ્ઠનીતિ છે.
Mrs. Rita Patel
Educator (Sr.Kg.-A)
__________________________________________________________________________________
Parent's Corner
માતા-પિતાએ બાળકોને ક્વોલિટી સમય આપવો જોઈએ
માતા-પિતાએ બાળકને સમય આપવો જોઈએ. ક્ષણેક્ષણે એની સાથે જીવવું જોઈએ. ખૂબ વાતો કરવી જોઈએ. જો આવુ થશે તો બાળકને એનું સુંદર બાળપણ મળશે અને બદલામાં તમને એવો પ્રેમ ઘડપણમાં જરૂર મળશે. આજકાલ યુવાપેઢી બાળ ઉછેર અંગે ખાસ્સી સભાન છે. પોતાનું બાળક સર્વશ્રેષ્ઠ હોય એવી આપણે અપેક્ષા રાખીને બાળ ઉછેર કરતાં માતા-પિતા કેટલીક વાર બાળક માટે અતિ શિસ્ત રાખે તો કેટલીક વાર બિલકુલ મુક્ત વર્તન કરવાની હિમાયત કરે છે જે અયોગ્ય છે. વાત પેઢી બદલે એની જ નહીં વાત તો બાળકોની વાત સાંભળવાની છે. એમની નાની નાની વાતો સાંભળી એમનું કુતુહલ સંતોષતા રહો તો એ ચીસો નહીં પાડે. પહેલી જ બુમ સાંભળી લો તો ચીસો શું કામ પાડે? તમે એમને ફરવા લઈ જાઓ છો એટલે મહાન નથી થઈ જતાં પણ શું કામ ફરવા લઈ જાવ છો એ સમજી લો તો સારાં માતા-પિતા કહેવાઈ શકો.

બાળકોને ફરવા લઈ જવા પાછળનું મુખ્ય કારણ હોવું જોઈએ. બાળકોને દુનિયા દેખાડવી. એમાં ઈતિહાસ ભૂગોળ ન હોય તો સામાન્ય જ્ઞાન તો હોય, એય ન હોઈ તો, આ વિમાન કેવી રીતે ઉડે છે? જેવા કુતૂહલના પ્રશ્નો કે એ સ્થળને લગતી વાતો તો હોય જ. તમે ફરવા જાઓ છો, કારણ કે તમારે તમારા બાળકને ક્વોલિટી ટાઈમ આપવો છે. ક્ષણેક્ષણ એની સાથે જીવવું છે. ખૂબ વાતો કરવી છે અને જો આવું થશે તો બાળકને એનું સુંદર, સુઘડ બાળપણ મળશે અને બદલામાં તમને એવો પ્રેમ કે જેનું મૂલ્ય ઘડપણમાં જરૂર સમજાશે, કારણ કે ત્યારે તમારી વાતો કરવી હશે અને બાળક વ્યસ્ત હશે. પણ જો એના બાળપણને તમે સાથ આપશો તો ઘડપણમાં એ તમને ફરિયાદનો મોકો નહીં આપે એને ખાતરી જાણજો.
મુકેશભાઈ માણીયા
(જીયા માણીયાના પપ્પા)
સિ.કેજી.-C
__________________________________________________________________________________
શિક્ષણ પ્રણાલીને સાંકળતી કડી - બાળક, શિક્ષક અને વાલી.

શિક્ષણ પ્રણાલી ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે. વાલી, વિદ્યાર્થીઅને શિક્ષક આ ત્રણેય શિક્ષણનાઆધારો છે. વિદ્યાર્થીના યોગ્ય વિકાસ માટે વાલી અને શિક્ષક વચ્ચે સુસંવાદ સ્થપાય એ આવશ્યક છે. તેથી જ અમારી શાળામાં માસવાર વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે.

જેમાં શાળામાં કરાવવામાં આવતી શૈક્ષણિક પ્રવૃતિઓ અને અભ્યાસ લગતી યોગ્ય માહિતી વિશે વાલીશ્રી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે. જેથી બાળકને અભ્યાસમાં લગતી મુશ્કેલીઓ વિષે વાલીને યોગ્ય વાલીને યોગ્ય માર્ગદર્શન મળે છે.
__________________________________________________________________________________
Sunita Makerspace Orientation
દરેક બાળક એક અદ્ભુત શક્તિ ધરાવે છે, તેની પ્રતિભાને ઉજાગર કરવા, પોતાની અભિવ્યક્તિને દર્શાવવા માટે બાળકોમાં જીવન જીવવાના જરૂરી કૌશલ્યો અને ક્ષમતાઓને વિકસિત કરવા પર પણ નવી શિક્ષણનીતિમાં ભાર મુકાયો છે અને કલા, સંગીત, શિલ્પ, રમતગમત, સામુદાયિક સેવા, યોગ વગેરે જેવા તમામ વિષયો પણ અભ્યાસક્રમમાં સામેલ કરાયા છે. બાળકોમાં આત્મવિશ્વાસ વધે તેમજ આત્મગૌરવ વધે એ હેતુ સાથે સુનીતા મેકર્સસ્પેસ દ્વારા બાળકો પોતાની આશાઓ, સપનાઓ, અને ખુશીઓ દ્વારા પોતે કઈ જગ્યા પર પોતાનામાં રહેલી અભિવ્યક્તિને ખીલવી શકે છે એવા ઉમદા હેતુ સાથે સુનીતામેકરસ્પેસ ધ્વારા “મેકર્સ ડે” ની ઊજવણીના ભાગ રૂપે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે બાળકને યોગ્ય માત્રમાં મંચસ્થ કરી શકાય તેને લગતું માર્ગદર્શન વાલીશ્રીઓને આપવામાં આવ્યું હતું.
__________________________________________________________________________________

__________________________________________________________________________________
