top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-Newsletter - March & April - 2023

Updated: May 18




Message From Trustee

મારા વ્હાલા વિદ્યાર્થીઓ,

આપ સૌ કુશળ હશો.


સૌ પ્રથમ તો આપ સૌને ચાલી રહેલ વાર્ષિક પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ.

વિદ્યાર્થી મિત્રો, તમે સૌએ સમગ્ર વર્ષ દરમિયાન જે કઈ વિદ્યા-જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને મૂલવવાનો સમય છે. આપણે સૌ જાણીએ છીએ થોડા વર્ષોથી આપણી સૌ માટે ખૂબ જ કપરો સમય હતો. ખાસ કરીને સૌથી વધારે જો કોઈને અસર થઈ હોય તો તે આપણા ભણતર પર થઈ હતી. પરંતુ છેલ્લા વર્ષથી આપણે ફરી વિદ્યારૂપી વૃક્ષની છાયામાં જ્ઞાનની ટાઢક મેળવી રહ્યા છીએ. જો શિક્ષણનો પ્રવાહ અટકી પડે તો સમગ્ર વિશ્વનો વિકાસ અટકી પડે. આથી જ શિક્ષણનો પ્રવાહ અવિરત ચાલ્યા કરે તે આપણા સૌ માટે ખૂબ જરૂરી છે. એટલે જ સંસ્કૃતમાં કીધું છે કે, ‘विध्या परम् बलम्’, વિદ્યા જ સમગ્ર વિશ્વની મહત્વની તાકાત છે.

વહાલા વિદ્યાર્થીઓ સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણના જે મુખ્ય આદર્શો છે, જેમ કે, ૧) જ્ઞાન ૨) તાલીમ ૩) સમતોલન અને ૪) આંતરદૃષ્ટિને કેન્દ્રમાં રાખી જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેને રજૂ કરી તેને એક પરિણામ સુધી પહોંચાડવાનો યોગ્ય સમય છે. તો હું આપ સૌને હાલમાં જે પરીક્ષાઓ આપી રહ્યા છો તે માટે મારા જે ભાવો છે તે આપ સમક્ષ મૂકી રહ્યો છું. તમને પરીક્ષાના સમયે ઘણાં પ્રશ્નો મૂંઝવતા હશે. જેમ કે, કેવા પેપર હશે?, મને યાદ રહેશે કે નહીં?, મારું પેપર સમયે પૂર્ણ થશે કે નહીં?. તો વિદ્યાર્થી મિત્રો તમારે કોઈપણ ચિંતા ન કરવી જોઈએ. જો તમે પૂરી લગન અને નિષ્ઠાથી તમારા વિષયની તૈયારી કરશો તો તમને પરીક્ષામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. મારું તો માનવું છે કે એક વિદ્યાર્થી તરીકે આપ સૌએ જે વર્ષ દરમિયાન પોતાના શિક્ષકો પાસેથી પ્રાપ્ત કર્યું છે તેને યોગ્ય રીતે સમજી, વિચારી અને પુનરાવર્તન કરી પરીક્ષાની તૈયારી કરશો તો ખૂબ જ સારી રીતે પરિક્ષામાં લખી શકશો. વિદ્યાર્થીઓ પરીક્ષાનો સમય થોડો ચિંતા ભર્યો છે પરંતુ મુશ્કેલ નથી. જો યોગ્ય આયોજન હોય અને કંઇક કરી છૂટવાનો આત્મવિશ્વાસ હોય તો પરિણામ મળે જ છે. પરીક્ષાને આપણે એટલી મોટી બનાવી દીધી છે કે આપણે તેના તેના નીચે દબાતાં જઈએ છીએ. પરંતુ પરીક્ષાને એક ઉજવણીના ભાગ રૂપે, એક તહેવાર સમજી આપણે અપનાવશું તો પરીક્ષાની કોઈ મૂંઝવણ આપણને નહીં પડે. અંતે કહીશ કે પરીક્ષાના સમયે આપે પૂરતી ઊંઘ કરવી જોઈએ. સમય મળતાં થોડું ધ્યાન કરો અને જે વિષયની પરીક્ષા હોય તેનું મનન અને ચિંતન કરશો તો તમને સફળતા પ્રાપ્ત કરવાથી કોઈ રોકી શકશે નહીં.

આમ, વાર્ષિક પરીક્ષાના આ મહોત્સવમાં તમે સૌ પૂરા ઉત્સાહ અને તંદુરસ્ત રહી તેના ભાગીદાર બનો અને સફળતાઓ પ્રાપ્ત કરો તેવી ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર તરફથી સર્વે પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ.

શ્રી, ચુનીભાઈ ગજેરા

મેનેજીંગ ટ્રસ્ટી શ્રી, ગજેરા ટ્રસ્ટ

__________________________________________________________________________________


Message From Principal

વેકેશનની આનંદમય પ્રવૃત્તિ સાથે શિક્ષણ નો અનુબંધ બાંધી શકાય છે.


આખુ વર્ષ અભ્યાસ કર્યા પછી આવતું વેકેશન એક ધોરણની સફળતા સાથે નવા ધોરણનો પ્રારંભ છે. એક માસનો સતત આનંદ એટલે વેકેશન. આપણે સૌ આપણા બાળપણના દિવસો યાદ કરીએ એટલે સ્કૂલ વેકેશનની મજા યાદ આવ્યા વગર ના રહે. ધીંગા-મસ્તી, ભાઈબંધો ની ટોળી અને હરવા-ફરવા સાથે 'મામા’ ઘરની ટ્રીપ તો હોય જ. વેકેશન એટલે શિક્ષણના ભારથી હળવા થવાનો સમય. જેમાં ભણતર સિવાયનું નવું શીખવાનો સમય. વેકેશનમાં બાળકોમાં છૂપી રહેલી કળાને વેગ મળે છે.

વેકેશનમાં દરેક માતા-પિતા સમયનો સદઉપયોગ કરીને સંતાનોને કંઈક નોખું-અનોખું શીખવા માટે પ્રેરણા આપવી જોઈએ. તેને ઈન્ડોર ગેઈમ્સ, આઉટ ડોર ગેઈમ્સ સાથે શેરી રમતો રમાડવી જોઈએ. બાળકને મજા પડે તેવી કંઈક પ્રવૃત્તિ કરાવીએ જેથી બાળકને મજા આવે અને તે બોર ન થાય.

આજકાલના બાળકો મોબાઈલ, કોમ્પ્યુટર જેવા ગેજેટમાં ગેમ રમવામાં વ્યસ્ત રહે છે. બાળકો ગેજેટસનો ઓછામાં ઓછો ઉપયોગ કરે અને બાળકોનો સમય સારી રીતે પસાર થાય તે માટે તેમને ઘરમાં જ ગોંધી ન રાખો આજના બાળકો પર્યાવરણથી તદ્દન વિમુખ થતા જાય છે તેથી બાળકોને પ્રકૃતિની નજીક લઈ જાઓ. બાળકને પ્રકૃતિના ખોળે બાગ-બગીચામાં મુક્ત પણે રમવા દો, તેને માટીમાં રમવા દો, પાણીમાં છબછબીઓ કરવા દો. આવી બધી જ પ્રવૃત્તિઓ બાળકના વિકાસમાં મદદરૂપ થાય છે અને તે પ્રકૃતિ તરફ વળે છે.

જો બાળક વાચાળ હોય તો તેનામાં વાંચનની આવડત વિકસાવો તેને રસપ્રદ સ્ટોરીઓ સંભળાવો. બાળકને વાર્તા કહો. વાર્તા કહીને તેને લગતા સવાલ પૂછો આવું કરવાથી બાળકનું માઈન્ડ એક્ટિવ થાય છે અને મગજની એક્સેસાઇઝ થશે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે. રંગો બાળક અને હંમેશા આકર્ષતા હોય છે, તો બાળકની સાથે પેઇન્ટિંગ કરો જેના દ્વારા બાળકને રંગોની, પ્રાણીઓ, પક્ષીઓની સમજ આપી શકો છો. આ રીતે સમયનો સદુપયોગ પણ થશે અને જ્ઞાન સાથે ગમ્મત પણ મળશે. બાળકોને ઘરના સામાન્ય કામો જેમ કે, કપડાની ઘડી વાળવી, વસ્તુ લાવી આપવી, પાણીના બાટલા ભરવા, ઘરમાં સાફ-સફાઈ કરવી, સ્ટડી ટેબલ સાફ કરવું જેવા નાના-મોટા કામો કરવાની જાણકારી આપી શકાય. જેનાથી બાળકને ઘર શું છે અને તેને ચલાવવા માતા-પિતાને કેટલી તકલીફ પડતી હશે તેનો ખ્યાલ આવે છે. સાથે સાથે તેને માતા-પિતા સાથે રહેવા નો મોકો મળે છે.

ચાલો આપણે સૌ આપણી ભાવી પેઢીના મહત્વના સમયમાં તેને સંપૂર્ણ ટેકો આપીને શ્રેષ્ઠ નાગરિકનું ઘડતર કરીએ.


Mrs. Sunita Hirpara

Principal

Gajera Vidyabhavan, Katargam


__________________________________________________________________________________

Cover Story

અમારો મિત્ર ડોરેમોન

નાનો કવિત તેના મિત્ર સાથે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યો હતો. તેના મિત્રો બહાર ફરવા જવા માટે ઘણા જ ઉત્સુક હતા, પણ બધાના ઘરમાંથી તેમને મનાઈ કરવામાં આવી રહી હતી, કારણ કે મમ્મીઓને ડર હતો કે બાળકો હજી નાના છે તો એમ એકલા જાય અને ભૂલા પડી જશે તો? તેથી બધા બાળકોની મમ્મી ના પાડી રહી હતી પણ બાળકો ખરેખર જીદે ચડ્યા હતા. તેમણે સ્કૂલમાં નક્કી કર્યુ કે આજ તો દરેકે પોતાના ઘરે જઈને મમ્મીને મનાવવાની જ છે. બધાએ પોતાના પ્લાન પ્રમાણે સ્કૂલેથી ઘરે જઈ ફરવા જવાની હઠ પકડી. કોઈએ જમવાની ના પાડી તો કોઈએ હોમવર્ક કરવાની ના કહી કોઈએ ટ્યુશનમાં જવાની ના કહી તો કોઈએ રાત્રે સૂવાની ના પાડી. બધાયે અલગ અલગ જીદ પકડી અને સ્કૂલમાં મિત્રોની ટોળકીને ફરવા જવા દે એવી જીદ પકડી.

બાળકો પાસે મમ્મીઓને નિર્ણય બદલવો પડ્યો. મમ્મીઓએ પોતાના વોટ્સએપ ગ્રુપમા નક્કી કર્યુ કે બાળકોને ફરવા જવું છે તો શહેરના ફન પાર્કમાં ફરવા જવા દેવા, પણ તેમને મુકવા અને લેવા જવાની વ્યવસ્થા જાતે મમ્મીઓએ કરવી. મમ્મીએ તેમને પાર્કમાં જાતે જ મુકવા જશે અને તેઓ ફરી લે એટલે જાતે તેમને પાછા પણ લઈ આવશે. આ રીતે પ્લાન નક્કી થયો. કવિતા અને તેના મિત્રો ખુશખુશાલ હતા. તેમને પહેલી વાર બધા મિત્રોને એકલા બહાર ફરવા જવા મળતું હતું.

રવિવારે સવારે જમીને બધા બાળકો નક્કી કરેલા સમયે પોતપોતાની માતા સાથે ફનપાર્ક પહોંચવાના હતા. કવિત બહાર જતો હતો તે જોઈને તેની નાની બહેન રિયાએ પણ જીદ પકડી. તેને ભાઈ સાથે બહાર જવું હતું. કવિત કહે: મમ્મા, રિયા ભલે મારી સાથે આવતી, હું તેનું ધ્યાન રાખીશ, મારા મિત્ર પણ હશે, તેને ત્યાં ફરવાની ખૂબ મજા આવશે. મમ્મીએ કહ્યું: ભલે કોઈ વાંધો નહીં. આમ કવિત સાથે તેને બહેન રીયા પણ ગઈ. રિયા કવિતથી બે વર્ષ નાની હતી. તે ૫ મા ધોરણમાં ભણતી હતી. જ્યારે કવિત ૭ માં હતો રિયા અને કવિત પોતાના મિત્રો સાથે પાર્કમાં પહોંચી ગયા. બધા સાથે મળીને ફરવા લાગ્યા. બધાને ખૂબ મજા આવી રહી હતી. બે-ત્રણ કલાક ફર્યા પછી બધાને ભૂખ લાગી એટલે બધાએ કંઈક ખાવાનું નક્કી કર્યું. બધા મિત્ર ખાવા માટે ફનપાર્કની કેન્ટીનમાં ગયા. સૌ પ્રથમ પોતપોતાની ભાવિક વાનગી મંગાવવા લાગ્યા. કવિતે પોતાની ભાવતી વાનગી મંગાવી અને બહેન રિયાને શું ખાવું છે તે પૂછવા તે સાઈડમાં ફર્યો અને તેણે જોયું કે બાજુમાં રિયા જ નહોતી. તેને આમથી તેમ જોયું, નજીકમાં ક્યાંય બહેન ન મળી. હવે કવિતને ડર લાગ્યો. તેણે તેના મિત્રને કહ્યું, પાર્થ તે તારી બહેન રીયાને જોઈ? પાર્થ કહે હજી હમણાં સુધી તો અહીં હતી અચાનક ક્યાં જતી રહી?

પાર્થ બીજા મિત્રોને કહું, આખા ગ્રુપમાં વાત ખબર પડી. બધા મિત્રોને ટેન્શન થયું, રિયા ક્યાં ગઈ તે કોઈ જાણતું નહોતું, બધાની ભૂખ મરી ગઈ સૌ કોઈ તેને શોધવા લાગ્યા. આમતેમ બધે ફરી વળ્યા પણ રિયાનો કોઈ અતોપતો નહોતો. તે અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ એ કોઈ જાણતું નહોતું. હવે કવિતને ડર લાગવા માંડ્યો. તેને ડર લાગતો હતો કે ઘરે મમ્મી-પપ્પાને શું જવાબ આપશે? રિયા મળશે જ નહીં તો? તે ક્યાં ગઈ હશે? તેને કોઈ ઉપાડી ગયું હશે તો?

કવિત રડવા જેવો થઈ ગયો તેને જોઈને તેના મિત્રોને પણ ટેન્શન થવા લાગ્યું. પાર્કમાં એકલા ફરવા આવવાની મજા દુઃખદમાં બદલાઈ ગઈ. ચિંતાના કારણે જમવાનો પણ મૂડ ન હતો અને આગળ ફરવાનો પણ મૂડ નહોતો, બધાને બસ એક જ વસ્તુ મગજમાં હતી કે રિયા મળી જાય તો બધા ઘરે જતા રહે.

કવિતને તેના મિત્રોએ કહ્યું કે તેને તેના મમ્મીને કોલ કરીને અહીં બોલાવી લેવા જોઈએ. જેથી તે રિયાને શોધી શકે, અથવા તો પાર્કમાં કોઈની મદદ લેવી જોઈએ. પણ મમ્મીને કોલ કરતા કવિતને ડર લાગતો હતો, પણ મિત્રોના આગ્રહ અને બહેનની ચિંતાને કારણે ના છૂટકે તેને ફોન હાથમાં લીધો. જેવો તે મમ્મીને કોલ લગાવતો હતો ત્યાં જ સામે તેણે ડોરેમોન અને રિયાને આવતા જોયા.

ડોરેમોન અને રિયાને જોઈને કવિ ખુશ થઈ ગયો. તેણે બૂમ પાડી રિયા... એ જોઈને બીજા બાળકોએ ડોરેમોનને બૂમ પાડી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ડોરેમોને આવીને કહ્યું: કવિત, રિયા વોશરૂમ તરફ ગઈ હતી ત્યાંથી જ તેને તારી પાસે આવવાનો રસ્તો મળતો નહોતો, તેથી જ હું તેને મુકવા આવી ગયો. કવિત કહે થેન્ક્યુ ડોરેમોન, તને ખબર છે હું કાયમ તારું કાર્ટૂન જોઉં છું. ડોરેમોન મારો ફેવરિટ કાર્ટુન છે. કવિતની સાથે બીજા બાળકોએ પણ એ જ સુર પુરાવ્યો. ડોરેમોન કહે, અરે વાહ જો હું તમારું મનપસંદ કાર્ટુન કેરેક્ટર હોવ તો આજે મારી એક વાત તમે માનશો? બાળકો કહે કઈ વાત? ડોરેમોન કહે હજી તમે ઘણાં નાના છો બાળકો, આ રીતે જીદ કરીને ક્યારેય એકલાં બહાર ન નીકળવું જોઈએ. આ તો તમે નસીબદાર છો કે રિયા મળી ગઈ, નહિ તો શું થાત? એટલે હવે પ્રોમિસ કરો કે મમ્મી-પપ્પા સાથે જ ફરવા જશો. બધા જ બાળકોએ પ્રોમિસ કર્યુ અને સૌ પોતપોતાના ઘરે ફરી ગયા.

__________________________________________________________________________________


Classroom News

Morning Assembly

શાળામાં સૌથી મહત્વનું જો કોઈ સેશન હોય તો તે છે 'પ્રાર્થના સંમેલન' એટલે કે મોર્નિગ એસેમ્બલી. સ્થિરતા, એકાગ્રતા, લયબદ્ધતા, શિસ્ત વગેરે તમામ ગુણો શાળાની મોર્નિંગ એસેમ્બલીમાં જોવા મળે છે. જેમાં સૌ પ્રથમ સભામાં બાળકોને હળવી કસરત, શ્લોક, પ્રાર્થના, ધૂન ગવડાવી ત્યારબાદ લાફ્ટર યોગા કરાવવામાં આવ્યા હતા.

__________________________________________________________________________________

Fit & Fun Activity

વેકેશન નો સદ્ઉપયોગ એટલે કંઈક નવું શીખવાના દિવસો વિવિધ પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ થકી બાળક, શિક્ષણ સાથે વિવિધ કાલાપણ માહિર બને તેવું આયોજન. વેકેશનમાં બાળકના વિવિધ કૌશલ્યોના વિકાસ સાથે અભિવ્યક્તિ ખીલવવી જરૂરી છે. આજે તો બાળકને રમાડતા-રમાડતા જ જીવન ઘડતર કરી શકાય છે. મુક્તમને આનંદ, ઉલ્લાસથી રમતા રમતા બાળક જે પ્રવૃત્તિ કરે એ જ સાચી મઝા. આથી અમારા બાલભવનમાં ફીટ અને ફન એક્ટીવીટી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ વિવિધ રમતો રમી હતી.

__________________________________________________________________________________

Learner's Corner

જંગલોનું ઘરેણું એટલે વન્યપ્રાણીઓ

"વુક્ષો આપણા મિત્રો સાચા, ભલે ના હોય એને વાચા,

અર્પે શ્વાસ અમુલ્ય રતન, કરશે રક્ષણ એ વન્યસૃષ્ટિનું,

પશુ-પક્ષીઓ ફરે મુક્ત બની, છે સલામત રહેઠાણ સમજી"

વન્યજીવ પણ પર્યાવરણનો અભિન્ન અંગ છે. દુર્લભ પ્રાણીઓ પ્રત્યે માનવમાં પ્રેમ, સંવેદના અને દયાભાવ ઊભો થાય તેમજ વન્યજીવો વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણી માટે 'વિશ્વ વન્યજીવન દિવસ' સૌ જીવોના સહઅસ્તિત્વની ઉજવણીનો અવસર છે. બાળકોના નાશવત થઈ રહેલા પ્રાણીઓથી પરિચિત થાય તે માટે અમારા બાલભવનમાં ‘વિશ્વ વન્યજીવન દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે બાળકોએ વાલી પ્રોજેક્ટ દ્વારા વિવિધ પ્રાણીઓના માસ્ક બનાવ્યા હતા અને તે પહેરીને આવ્યા હતા. એસેમ્બલી દ્વારા બાળકોને વન્ય જીવોનો પરિચય આપી તેમને નુકસાન ન કરવું જોઈએ તે અંગે સમજ આપી અને પપેટ્સ શો દ્વારા બાળકોને મનોરંજન કરાવ્યું તેમજ બાળકોએ જંગલી પ્રાણીઓ બની અભિનય કર્યુ હતું.

__________________________________________________________________________________

ફાગણીયો ફોરમતો આવ્યો, હોળી સાથે અબીલ-ગુલાલ લાવ્યો...

"ફાગણ આવ્યો, હોળી લાવ્યો ખજુર, હારડા, ધાણી લાવ્યો,

ઘૈરયા ની ટોળી આવી, રંગભરી પિચકારી લાવ્યા"

ફાલ્ગુન માસની પૂનમે ઉજવવામાં આવતો હોળી-ધુળેટીનો તહેવાર ગુજરાત, રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાય છે. બાળકો ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓથી તેમજ તેની સાથે સંકળાયેલ પૌરાણિક કથાઓથી પરિચિત થાય એ હેતુથી આજરોજ અમારા બાલભવનમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં હોળી સાથે સંકળાયેલી ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા નાટ્યકૃતિ દ્વારા શિક્ષકોએ રજુ કરી. તેની સાથે જ હોલી માતાનું પરંપરાગત રીતે થતું પૂજન પ્રત્યક્ષ બતાવ્યું, બાળકોને ઓર્ગેનિક કલર વડે હોળી રમવા અને પાણીનો બગાડ નહીં કરવાની સમજ આપી. બાળકોએ ખૂબ જ સરસ હોળીનો ડાન્સ કર્યો. સમગ્ર ગજેરા ફાર્મ હોળીના રંગે રંગાઈ ગયું હતું.

__________________________________________________________________________________

ફળ અને શાકભાજી માંથી બનતી વાનગીઓ

આજની જીવનશૈલીમાં બાળકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે. જંગફૂડથી ખાવાથી તેમના મગજના વિકાસમાં અસર થાય છે. બાળકના શારીરિક તથા માનસિક વિકાસ જન્મથી લઈને શરૂઆતના પાંચ વર્ષ સુધી ખૂબ જ ઝડપથી થતો હોય છે. આ વિકાસની ઝડપમાં જો બાળકને આહારરૂપી ઈંધણ ઇચ્છનીય રીતે પૂરું ન પડે તો ન પૂરી શકાય તેવી ખોટ સર્જાતી હોય છે. તેથી અમારા બાલભવનમાં બાળકોને ખોરાકનું મહત્વ સમજાવી ફળ અને શાકભાજી માંથી બનતી વાનગીઓની સમજ આપી હતી.

__________________________________________________________________________________

ફણગાવેલા કઠોળનું સલાડ

આજનું બાળક એ આવતીકાલનું સ્મિત છે. આજનું બાળક જો તંદુરસ્ત બને તો આવતીકાલનું રાષ્ટ્ર તંદુરસ્ત. પૌષ્ટિક આહાર બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આપણા રોજિંદા વપરાશમાં લેવાતા કઠોળ પ્રોટીન, કેલ્શિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને ભરપૂર તાકાત મળે છે તેથી અમારા બાલભવનમાં કઠોળમાંથી સલાડ બનાવી બાળકોને ખાવાથી થતા ફાયદાઓની સમજ આપી હતી. બાળકો ઘરેથી નાસ્તામાં પણ વિવિધ જાતના સલાડ બનાવીને લાવ્યા હતા.

__________________________________________________________________________________

"મંજિલે ઉનકો મિલતી હૈ, જિન કે સપનો મે જાન હોતી હૈ"

“જીવન કી અસલી ઉડાન અભી બાકી હૈ,

મેરે ઈરાદો કા ઇમ્તિહાન અભી બાકી હૈ,

અભી તો માપી હૈ મુઠ્ઠી ભર જમીન હમને,

અભી તો સારા આસમાન બાકી હૈ”

બાળક એ શક્તિનો પુંજ છે. દરેક બાળકમાં ભિન્ન ભિન્ન પ્રકારની શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં પડેલ હોય છે. આ શક્તિનો યથાયોગ્ય વિકાસ કરવો એ શાળા નો મૂળ હેતુ છે.બાળકને ભણાવવાનો નથી પણ ભણતો કરવાનો છે. તેમનામાં રહેલી કલાઓને પારખીને પ્રોત્સાહન આપીને તેનો વિકાસ કરવો જરૂરી છે અને તેનું યોગ્ય માધ્યમ છે "સ્પર્ધા". સ્પર્ધા એ માત્ર જીતવા કે હારવાનો પ્રશ્ન નથી પરંતુ સ્પર્ધા દ્વારા બાળકમાં સહાનુભૂતિ, ગૌરવ અને સખત મહેનતને પ્રોત્સાહન મળે છે.

તેથી જ બાળકના આત્મસન્માનને ધ્યાનમાં લઈને બાળકને વિશ્વાસ સાથે મંચસ્થ કરવા પ્રોત્સાહિત કરવું જોઈએ. બાળકોના વ્યક્તિત્વની ખીલવણી થાય તેમજ બાળકોને પાયાના કૌશલ્યનો વિકાસ થાય તે માટે અમારી શાળામાં વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધા રાખવામાં આવે છે અને એ સ્પર્ધામાં ભાગ લઈ ક્રમ પ્રાપ્ત કરેલા બાળકોને સન્માનિત કરવા અમારા બાલભવનમાં ‘ઈનામ વિતરણ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

__________________________________________________________________________________

શ્રેષ્ઠતાની ઓળખ – સર્વગ્રાહી મૂલ્યાંકન

"ભારતનું ભાવિ શાળાના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે"

પરીક્ષા કે મુલ્યાંકન એટલે કોઈપણ વસ્તુ કે પરિસ્થિતિની યોગ્યતાને ચારેબાજુથી તપાસી નક્કી કરેલ માપદંડમા એ છે કે નહિ એ નક્કી કરવું. શિક્ષણકાર્ય દરમિયાન બાળકનું હૃદય જ્યાં સુધી શિક્ષણકાર્યમાં પ્રવૃત ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્યની કાયમી સફળતા સર્જી શકાય નહીં.

બાળકની અભ્યાસ પ્રત્યે રુચિ એ શૈક્ષણિક સફળતાના પાયામાં છે. બાળકમાં અભ્યાસ પ્રત્યે પ્રેમ, રસ અને ઉત્સુકતા જાગૃત થાય એ હેતુથી અમારા બાલભવનમાં ‘ગમ્મત સાથે જ્ઞાન’ આપવામાં આવે છે. તેથી જ અમારા બાલભવનમાં વિષય પ્રમાણે જુદી જુદી એક્ટિવિટી દ્વારા બાળકોનું વાર્ષિક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

__________________________________________________________________________________

બાલભવનનો મારો છેલ્લો દિવસ- સિ.કેજી. ના બાળકોનો વિદાય સમારોહ

"શિક્ષક દ્વારા કંડારાતું શિલ્પ એટલે વિદ્યાર્થી,

ભારતનું નૂતનમય ભવિષ્ય એટલે વિદ્યાર્થી"

વિદ્યા પ્રાકૃત માણસને સુસંસ્કૃત બનાવે છે. શિક્ષણથી માનવી પોતાની આસપાસ વિસ્તરેલા જીવન અને જગત પ્રત્યે સભાન બને છે. પોતાની સામે આવતા પ્રશ્નો-પડકારો ઝીલવા અને તેના ઉકેલો શોધવા પ્રવૃત્ત થાય છે. અમારા બાલભવનના સિ.કેજી. ના બાળકો પ્રગતિના પંથ પર આગળ વધી પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવા જઈ રહ્યા છે. અમારા બાલભવનની યાદો શિક્ષકોનો પ્રેમ અને મિત્રો સાથે વિતાવેલી હરેક ક્ષણ એમના માનસ પટ પર અંકિત રહે તે માટે GET TOGETHER પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં, બાળકો માટે એડવેન્ચર ગેમ, પુલપાર્ટી અને ડી.જે.પાર્ટી રાખવામાં આવી હતી. બાળકોએ બાલભવનના છેલ્લા દિવસ ની મઝા ખુબ જ મન ભરીને માણી હતી શિક્ષકો અને પોતાના મિત્રો સાથેની અલ્પાહારની મજા માણી અને ડાન્સ કર્યો હતો.

__________________________________________________________________________________

નિસ્વાર્થ ભાવે કરાતી સેવા એ જ ખરી માનવતા


ઉનાળાની શરૂઆત થતા આપણને કાળજાળ ગરમીનો અનુભવ થાય છે. આ ઉપરાંત પાણીની અછત સર્જાતી હોય છે. આપણે તો ઘરમાં રહી પંખા, AC અને કુલર નો ઉપયોગ કરી ગરમીમાં રાહત મેળવીએ છીએ, પણ અબોલ જીવોનું શું? આવી ગરમીમાં પશુ-પંખીઓની થોડીક મદદ કરીએ તો તેમને બચાવી શકાય છે .બાળકોમાં નાનપણથી દયાભાવના વિકસે તે માટે અમારા બાલભવનમાં બાળકોએ પક્ષીઘર બનાવ્યા હતા. આ 'પક્ષીઘર' ને સુરક્ષિત જગ્યાએ મૂકી તેમાં પંખીઓ માટે દાણા અને પાણીની સગવડ કરતા અમારા નાના નાના બાળકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

__________________________________________________________________________________

"શિક્ષણકાર્યની સફળતા, નિષ્ફળતા ની ચકાસણી એટલે મૂલ્યાંકન"

શિક્ષણના ક્ષેત્રે પરીક્ષણ અને મૂલ્યાંકનનું સ્થાન મહત્વનું રહ્યું છે. કારણ કે માતા-પિતા અને શિક્ષકો માટે વિદ્યાર્થીઓની પ્રગતિ કેવી છે તે સમયાંતરે જાણવું ખૂબ જરૂરી છે. બાળકોની પ્રગતિ જાણવા માટે કસોટી એ જરૂરી પરિસ્થિતિઓની શૃંખલા પૂરી પાડે છે. મૂલ્યાંકન નિર્ણયાત્મક હોય છે. પરીક્ષા વગરનું જીવન તો શક્ય જ નથી. જીવનની દરેક રાહ ઉપર તમારે કોઈ ને કોઈ પરીક્ષાનો સામનો તો કરવો જ પડે છે એટલે પરીક્ષા તો એક પ્રકારે તો જીવનની શાશ્વત જરૂરિયાત છે.

પરીક્ષાઓ જ વિદ્યાર્થીને ભવિષ્ય સાથે લડવા સક્ષમતા આપે છે. પરીક્ષા દ્વારા જ બાળકની અંદર રહેલી સુષુપ્ત શક્તિને જાણી શકાય છે. પરીક્ષા વિદ્યાર્થીના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તેથી જ અમારા બાલભવનમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ ના અંતે બાળકોનું વાર્ષિક પરિણામ નિમિત્તે આજરોજ વાલીમિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

__________________________________________________________________________________

Educator's Corner

ઉનાળાની કાળઝાળ ગરમીથી બાળકનું રક્ષણ કેવી રીતે કરવું.

આપણો દેશ મિશ્ર ઋતુઓનો બનેલો હોય છે. વર્ષ દરમિયાન આપણને ત્રણ ઋતુઓનો અનુભવ થાય છે. મોટેભાગે ઉનાળાની ગરમીનો સમયગાળો આપણે ત્યાં વધારે જોવા મળે છે. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં શાળાઓમાં પણ વેકેશન રાખવામાં આવે છે. માતા પિતાએ ઉનાળામાં બાળકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉનાળામાં બાળકને લૂ અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે તેથી બાળકોની કાળજી લેવી ખૂબ જરૂરી છે.

બાળકોને બપોરના સમયે એટલે કે 12 થી 4:00 વાગ્યા દરમિયાન સીધા તડકામાં રમવા જવા દો તેમને ઘરમાં જ વિવિધ રમતો રમવા દો તેથી તેમને લુ લાગશે નહીં. બાળકોને દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવડાવવું જોઈએ જેથી તેઓનું સર્ક્યુલેશન સારી રીતે થાય . ગરમીની સિઝનમાં છ સૌથી વધારે ગુણકારી ડ્રીંક સાબિત થાય છે. કારણ કે બહારના કોલ ગ્રીન્સ કે એનર્જી ડ્રીંકને કારણે બાળકોના શરીરને આર અસર થઈ શકે છે. જ્યારે છાશ કુદરતી પીણું હોવાથી ગરમી સામે રક્ષણ આપી શકે છે. આ ઉપરાંત બાળકોને ફળોનો તાજો જ્યુસ, નાળિયેર પાણી, લીંબુનું શરબત વગેરે આપી શકાય છે. ગરમીની સિઝન દરમિયાન બાળકોને શરીરનું તાપમાન નિયમિત રહે તે પ્રકારના કપડાં પહેરાવવા નો આગ્રહ રાખવો જોઈએ.

આમ ઉનાળાની કાળઝાર ગરમીમાં થોડી સાવધાની રાખીએ તો બાળક મુક્ત મને વેકેશનની મજા માણી શકે છે.

Mrs. Sapna Bucha

Vice Principal

__________________________________________________________________________________

ક્ષમા

"ક્ષમા શ્રેષ્ઠ ગુણ છે માની ચાલો સૌ માનવ ,

ભૂલથી ભૂલો થતી રહે દોસ્ત એ જ માનવ,

અંતકરણ કહે છે "જગતમાં જીવ કરે ભૂલ,

તન મનથી માફ કરતો રહે એ જ માનવ"

ભગવાન આપણી અગણિત ક્ષતીઓને માફ કરે છે. ઘરની વ્યક્તિઓમાં જો એક ક્ષમાનો સદગુણ વિકસે તો ઘરમાંથી કજિયા - કંકાસ ટળે , શાંતિ પ્રસરે અને ઘર એક સુખસદન બની જાય. કુદરતે કેટકેટલી અમૂલ્ય સેવાઓનો નિઃશુલ્ક લાભ આપણને આપ્યો છે !! મફત હવા, મફત સૂર્યપ્રકાશ, મફત વરસાદ, મફત ચંદ્રની શીતળતા. જમીનનો ઉપયોગ વિના રોકટોક અને એવું તો ઘણુંય છે આપણને નથી કશાનું ભાડું ચૂકવતા તો આટલું તો કરી શકીએ છીએ કે કુટુંબમાં કોઈક સભ્યની વિચિત્રતા કે સ્વભાવની અવળાઈને ક્ષમ્ય ગણી તેને ક્ષમાદાન આપીએ.

જેમ દાગીના કે અલંકારો પહેરવાથી માનવ શરીર શોભે છે. તેમ કોઈને ક્ષમા કરવાથી મનની તથા માનવતાની ગરિમા શોભે છે. ક્ષમાદાન આપનાર વ્યક્તિને 'વીર' નું બિરુદ આપ્યું -"ક્ષમા વિરસ્ય ભૂષણમ| " માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે. પરંતુ કોઈક ની ભૂલોને જે માફ કરી દે એ મૂઠી ઊંચેરી વ્યક્તિ ગણાય.

જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે આપણી ભૂલોને કારણે માફી માંગવી પડે છે, તો ઘણીવાર બીજાની ભૂલોને માફ કરવું પડે છે ,તો ક્યારેક એવુય બને છે, જ્યારે આપણી ભૂલ ન હોય છતાં સંબંધમાં મધુરતા જાળવી રાખવા માફી માંગવી પડે. માટે જ કહેવાયું છે કે "ક્ષમા ની તુલ્યે નહીં કોઈ જાય, નિંદાની તુલ્યે નહીં કોઈ પાય" ક્ષમાએ ઈશ્વરીય ગુણ છે. જેની પાસે છે તે હંમેશા પ્રસન્નચિત્ત રહે છે. જગતમાં કોઈ તેનો શત્રુ નથી.

ક્ષમા કરવાની ક્ષમતા એ એક મહાન ભેટ છે. ક્ષમા કરવાની ક્ષમતા આપણને ગુસ્સો, દ્વેષ અને આધ્યાત્મિક શક્તિના બગાડથી બચાવે છે. જીવન – પથ એટલું લાંબુ અને અટપટુ છે કે ક્ષમાપના થી વારંવાર તેને સાફ કરવામાં ન આવે તો તે કુડેદાન બની જાય છે. ક્ષમા એ જ યુગો-યુગો થી માનવ જાતિને નષ્ટ થવાથી બચાવી રાખી છે.

ક્ષમા ની મહાનતા ત્યારે જ ગણાય છે કે જે માણસ પાસે સત્તા, અધિકાર કે પદ હોય, એ વ્યક્તિ ધારે તે કરી શકતો હોય અને તે વ્યક્તિ કોઈને ક્ષમા આપે એ જ સાચી ક્ષમા છે. "ક્ષમા શોભતી ઉસ ભુજંગ કો જિસકે પાસ ગરલ હો, ઉસકા ક્યાં જો દંતહીન, વિષહીન સરલ હો."

ક્ષમા ધર્મ છે, ક્ષમા યજ્ઞ છે, ક્ષમા વેદ છે, ક્ષમા શાસ્ત્ર છે, ક્ષમા યશ છે, ક્ષમા તેજસ્વી પુરુષોનું તેજ છે, ક્ષમા તપસ્વિયોનું બ્રહ્મ છે, ક્ષમા સત્યવાદી પુરુષોનું સત્ય છે, ક્ષમા જ મનોવિગ્રહ છે. ક્ષમા આપનાર વ્યક્તિ તો શક્તિશાળી, દયાસાગર ગણાય છે જ પણ ક્ષમા માંગનાર વ્યક્તિ પણ બહાદુર ગણાય છે. કારણ કે પોતાના અહંકાર પર વિજય પ્રાપ્ત કરીને ક્ષમા માંગવી તે મોટી વાત છે.

દરેક ધર્મ માં ક્ષમાના ગુણનું મહત્વ ગાયું છે. કારણ કે ક્ષમા દેનાર અને ક્ષમા માંગનાર બન્ને ને સુખની અનુભૂતિ થાય છે

"ભણા તણું ભૂષણ તો ક્ષમા છે, ક્લેશ નું કારણ અક્ષમા છે,

ક્ષમા ઘરે તે સુખીયા સદાય, ક્ષમા વિના પ્રાણી ધણા પીડાય."


Mrs. Lata Dafda

Educator (Sr.Kg.-A)

__________________________________________________________________________________

Parent's Corner

"નારી તુ ના હારી, તું જ છે સૌની તારણહારી"


"વિધાતાના નવનિર્માણની કલાકૃતિ તું,

એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી કર તું"

નારીનું સર્જન સર્જનહારે અનોખું અને અલૌકિક રીતે કરેલ છે. જગતના સર્જનહારે ચંદ્રનું બિંબ લીધું, બાળકની નાજુકતા અને પુષ્પોનો પરાગ લીધો, સૂર્યની ઉષ્ણતા લીધી, મેઘનું રુદન લીધું, વાયુની અસ્થિરતા લીધી, વ્રજની કઠોરતા લીધી અને મધની મીઠાશ લીધી. આ સર્વેનો સમન્વય કરીને આ સૃષ્ટિના સર્જન હારે આ જગતમાં સ્ત્રીનું સર્જન કર્યુ.

નારી શક્તિ અને સ્ત્રીની ગૌરવગાથાને બિરદાવવા માટે અમારા બાલભવનમાં “QUEEN FEST” શીર્ષક હેઠળ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે PSI Hetal Kadachha ઉપસ્થિત રહ્યાં હતા. તેઓ ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટમાં PSI તરીકે કાર્યરત છે અને હાલ તેઓ સુરત ઉત્રાણ બ્રાન્ચમાં ફરજ બજાવે છે. તેઓએ મોટીવેશન સ્પીચ દ્વારા વાલીશ્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા. QUEEN FEST માં વાલીશ્રી માટે ફૂડ કોર્નર, બિઝનેસ કોર્નર, લાઈવ મ્યુઝિક, ડાન્સ તેમજ સેલ્ફી કોર્નરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલીશ્રીઓએ હાજરી આપી હતી.

"સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે માંગલ્ય,

સ્ત્રી એટલે માતૃત્વ, સ્ત્રી એટલે કર્તવ્ય”

__________________________________________________________________________________

મમતાને ક્યાં કોઈ મોલ છે, મા તો મા છે એ સૌથી અનમોલ છે.

સ્ત્રી જ્યારે માતૃત્વ ધારણ કરે છે, તેના ગર્ભમાં નાનો બીજ ઉદ્ભવે ત્યારથી જ તેની અંદર લાગણીના તંતુઓ બંધાઈ જતા હોય છે. અલબત્ત દીકરી, પ્રિયતમા કે પત્ની તરીકે સ્ત્રીની અંદર અઢળક લાગણી હોય જ છે, પણ માતા તરીકે તે તમામ લાગણીઓની હદ વટાવી દે છે. પોતાના બાળક માટે માતા જે કાંઈ કરી શકે છે તે ભાગ્યે જ કોઈ કરી શકે છે. એટલે જ માતાને ભગવાન સમકક્ષ ગણવામાં આવી છે. સ્ત્રી જ્યારે બાળકને અતિશય પીડા વેઠી ને જન્મ આપે છે અને પહેલીવાર તેના બાળકને પોતાની નજર સમક્ષ જોવે ત્યારે તેના ચહેરાની ખુશી જોજો, કદાચ એનાથી વધારે સૌમ્યતા તમને ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળશે. માતા તરીકે સ્ત્રીની લાગણી વિશે વાત કરવા બેસીએ તો આ જગ્યા ચોક્કસપણે નાની જ પડવાની.

આપણે માતાને શું આપીએ છીએ?

મધર્સ ડે ના દિવસે લગભગ દરેક સંતાનની સોશિયલ મીડિયા ની સ્ટોરીમાં પોતાની માતાનો ફોટો અચૂક આવી જશે, પણ પ્રશ્ન એ છે કે શું એક દિવસ પછી હંમેશા આપણે આપણી માતાને એટલો જ પ્રેમ અને એટલો જ આદર આપીએ છીએ? આજેય એવાં બાળકો છે જેમના માતા-પિતા ઓછું ભણેલા હોય તો તેમને પોતાના મિત્રો સમક્ષ તેમને ઓળખાણ કરવામાં શરમ અનુભવાતી હોય છે. આવું શું કામ? જે માતા ડગલેને પગલે તમારી ઉપર પ્રેમ વરસાવે છે તેને તેટલું જ સન્માન અને પ્રેમ આપવાની ફરજ તમારી છે. વાત માત્ર એટલી જ છે કે માતા પોતાના બાળકો સાથે ઈમોશનલી ખૂબ જ કનેક્ટેડ હોય છે. તેથી જ બાળકની નાની સરખી વાત પણ તેને ઈઇફેક્ટ કરે છે માટે મમ્મીને સાર સંભાળ લાગણી અને ચિંતાથી અકળાઈ જવાને બદલે તેને સમજવા પ્રયત્ન કરવો. આફ્ટર ઓલ મધર્સ ડે ભલે વર્ષમાં એક જ વાર આવે માતા નો વાલ તો બારેમાસ વરસતા રહે તેથી જ એ વહાલ આપનારી જનતાને પ્રેમ તો કરવો જ રહ્યો ઘણીવાર મમ્મી ઉપર અઢળક ગુસ્સો થઈ જતા બાળકોએ વિચારવું જોઈએ કે જે બાળકોની માતા નથી તેમને ખરેખર માતા ન હોય તો કેવું થાય તેને ખબર હોય છે માટે તમારી પાસે છે તો તેની કદર કરો જીવનમાં બીજું કંઈ જ નહીં હોય તો ભાગ્ય જ તમે બિચારા ગણાશો પણ માતાના નહીં હોય તો ચોક્કસપણે બિચારા કહેવાશો. કારણ કે માતા હશે તો અનેક સમસ્યા વચ્ચે પણ તમને સલામત રહેશો.

બાળકની પહેલી અને છેલ્લી શિક્ષક તેની માતા

સમય બદલાય તેમ માણસ પણ બદલાતા હોય છે. હવે સંતાન પોતાની માતામાં એકફ્રેન્ડને શોધતા થયા છે. હવે માતાએ પોતાના બાળક સાથે મિત્ર બનીને રહેવાનું કલ્ચર આવ્યું છે. તમારું બાળક શું કરે છે, ક્યાં જાય છે, તેના મિત્રો કેવા છે, તેના ગમાં-અણગમાં શું છે તે તમારે જાણવું હશે તો તમારે માતા બનીને તેને પૂછવાને બદલે મિત્ર બનીને તેને પૂછવું પડશે. જો તમે એને મિત્ર બનીને તેની સાથે તે રીતે વર્તશો તો બાળક તમારી સાથે ખુલીને પોતાની દરેક વાત શેર કરી શકશે. એટલે જ બાઈન્ડ્રીઝ બનાવવાની બદલે ન જરૂર પડે ત્યાં સુધી તેના મિત્ર થઈને રહો અને એ જ રીતે તેને સમજાવવા. સ્ત્રી પોતાની દીકરીને જેમ બધું શીખવે છે તેમજ તેને પોતાના દીકરાને પણ અમુક વસ્તુઓ શીખવવી જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓનું સન્માન કેવી રીતના કરવું? સ્ત્રીઓની સામે કેમ જોવું આવી ઘણી વાતો વિશે નાનપણથી જ શીખવવામાં આવે તો બાળક આગળ જતા તે જ રીતે વર્તશે. આજે પણ ઘણી જગ્યાએ આવો નાનો ભાઈ બહેન ઉપર હાથ ઉપાડે ત્યારે તે તો ભાઈ છે, તું જતું કરી દે એવી શીખ દીકરીઓને આપવામાં આવે છે. નાનપણમાં બહેન ઉપર હાથ ઉઠાવતો દીકરો આગળ જતા પત્ની ઉપર ઉપર પણ હાથ ઉઠાવી શકે છે, તેથી માતા દરેક સ્ત્રીએ જેટલી સીખ દીકરીને આપે છે તેટલી જ દીકરાને પણ આપવી જોઈએ. દીકરાને નાનપણથી જ સ્ત્રીના સન્માન શીખવવામાં આવશે તો તે આગળ જતા વૃદ્ધ માતા નો આદર પણ કરશે. બરાબર છે માતા તરીકે તમે લાગણીશીલ હોય, પણ તમારી લાગણી બાળકનું ભાવિ સુધારવાને બદલે બગાડે નહીં તેનું ધ્યાન રાખવું. બાકી લાગણીનો દરિયો તો દરેક માતામાં હોય જ છે. મહેલમાં વસ્તી માતા હોય કે ઝૂંપડીમાં રહેતી માતા હોય, પોતાના સંતાનને ખુશ કરવાની તેની ભાવના સરખી જ હોવાની. વાત માત્ર એટલી જ છે કે હાથ પકડીને પાપા પગલી શીખવતી માતા જ બાળકની મિત્ર, ગુરુ અને ગાઈડ બની શકે છે.

શ્રેયા કાસોદરીયા

(ભાર્ગવ કાસોદરીયાના મમ્મી)

પ્લેગ્રૂપ

__________________________________________________________________________________




136 views0 comments
bottom of page