gajeravidyabhavanguj
E-Learning Blog


આદર્શ શિક્ષક અને શિક્ષણ

“ વાવવાં છે બીજ મારે બાળકોના દિલ માંહી.
વૃક્ષ થઇને ઊગશે એ નામ જિજ્ઞાસા ધરી ;
જ્ઞાનરૂપી ફળ પછી તો આવશે એ વૃક્ષ પર ;
શીખવી દેશે સહજમાં જીવવાનું એ જિંદગી.”
આપણા ધાર્મિક ગ્રંથોમાં માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ:ની સાથે આચાર્ય દેવો ભવ: કહીને ગુરુનું સ્થાન માતા અને પિતાની સમકક્ષ ગણવામાં આવ્યું છે. એટલું જ નહિ અનેક જગ્યાએ તથા પ્રાર્થનામાં ગુરુ સાક્ષાત પરબ્રહ્મ કહીને તેની સર્વોપરિતા સ્વીકારાઈ છે આચાર્ય એટલે કે ગુરુ કે શિક્ષકની તુલના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે કરવામાં આવી છે. ચાણક્યે પણ કહ્યું છે કે “શિક્ષક કયારેય સાધારણ નથી હોતા પ્રલય અને નિર્માણ તેમના ખોળામાં જ ઉછરે છે.”
આદર્શ શિક્ષક ત્યારે જ બાળકોને મળે છે કે જયારે શિક્ષક પોતે આદર્શ હોય એટલે કે શિક્ષક તેમના વિચારો, સિધ્ધાંતો કે નિયમો સદગુણોની સુવાસ ફેલાવીને આદાન પ્રદાન કરે. આમ ગુરુ પોતાના ગુણોથી જ્ઞાનની ગતિ કરાવે. આદર્શ શિક્ષકમાં તેમની વ્યાખ્યા મુજબ,
“શિ = શિક્ષક
ક્ષ = ક્ષમા
ક = કર્તવ્યનિષ્ઠ”
આ ગુણો હોય તો તે આદર્શ શિક્ષક છે. પૂ.મોરારીબાપુએ શિક્ષકનો કઈક આવો અર્થ આપેલો છે તે સચોટ જ છે જેમકે “ જે માતાના સ્તર સુધી જઇને ભણાવે તે માસ્તર.”

“કાષ્ઠને ચંદન કરે, ઉરને નંદન કરે,
તેવા શિક્ષકને કોણ ન વંદન કરે.”
સારો શિક્ષક સારું શિક્ષણ આપે છે. ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે છે અને મહાન શિક્ષક પ્રેરણા આપે છે. મા જેવું વાત્સલ્ય, પ્રેમ અને વર્તન જો શિક્ષકમાં ન હોય તો તેને ‘માસ્તર’ કે ‘શિક્ષક’ કહેવો અપરાધ છે. પીટીસી કે બી.એડનું સર્ટીફિકેટ મળી જવાથી માત્ર શિક્ષક થઇ જવાતું નથી. આજના આ સમાજને પ્રેમ, લાગણી અને સહાનુભૂતિથી છલકાવતા હૃદયવાળા શિક્ષકની આવશ્યકતા છે.
આદર્શ શિક્ષક એક વહેતી નદી જેવો હોય છે જેનાં મનમાં કોઈ જાતના ભેદભાવ નથી. જેનાં સ્વભાવમાં પ્રવાહિતા છે. સર્વને સમાવી શકે તેવું વિશાળ હદય, નિસ્વાર્થભાવે વહેવાની નદી વૃત્તિ છે. વિનોબા ભાવે કહેતા કે “શિક્ષકે મેઘ નહિ પણ માળી બનવાનું છે. વાદળું તો વરસી જશે. વરસાદ પડશે એ એકવાત છે. પરંતુ છોડને પાણી સીંચવું અને તેની માવજત કરવી બીજી વાત છે. માળી જેવું કાર્ય એક શિક્ષકનું છે. આમ, સમાજના દરેક શિક્ષકો માળી બનીને પોતાની ફરજ અદા કરશે તો આજનું શિક્ષણ સાચા અર્થમાં આદર્શ શિક્ષક બની રહેશે.