gajeravidyabhavanguj
E-Learning Blog


ઘણા સમય બાદ શાળામાં પગ મુકતા જ બાળકોનાં ચહેરા ખીલી ઉઠ્યા

લાંબા સમય બાદ આજ રોજથી ધો ૬ થી ૮ના વિદ્યાર્થીઓના offline class શરૂ થતાં શાળા કેમ્પસ બાળકોના કલરવથી મહેકી ઉઠયું હતું. વિશ્વની આ કોરોના મહામારી બાદ રાજ્ય સરકારે તબક્કાવાર શાળાઓ શરૂ કરવાનો નિર્દેશ કર્યો છે જેને લઈને ધો ૯ થી ૧૧ બાદ હવે ધો ૬ થી ૮ના વર્ગો પણ શરૂ કરી દેવાયા છે.

આશરે અગિયાર માસના વિરામ બાદ વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ કર્યો. જેને લઈને શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના પ્રથમ દિવસે બાળકોના સ્વાસ્થ્યને લઈને શાળાઓમાં સેનિટાઈઝ અને ટેમ્પરેચર ચેકિંગ બાદ બાળકોને શાળામાં પ્રવેશની વ્યવસ્થા કરાઈ હતી. તેમજ રાજ્ય સરકારના નિર્દેશ અને કોરોના ગાઈડ લાઈનને લઈને વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા કરાઈ હતી. વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય જાગૃતિ માટે પણ માહિતી અને સમજણ અપાઈ હતી.

અહીં નોંધનીય છે કે સરકારે શાળા સંચાલકોને જે S.O.P. આપી છે, તે મુજબ જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. દરેક વિદ્યાર્થી સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે સરકારની ગાઈડ લાઈન મુજબ શાળા સંચાલકો દ્વારા પાલન કરાવવામાં આવી રહ્યું છે. તો શાળાના શિક્ષકગણમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને ચૂસ્તપણે નિયમોનું પાલન કરવા શાળા દ્વારા સૂચના અપાઈ હતી પ્રત્યક્ષ રીતે વર્ગખંડમાં બાળકોને ભણાવવું લાભકારક છે. પરંતુ પરિસ્થિતિ અનુરૂપ પરોક્ષ રીતે online ક્લાસ દ્વારા શરૂ કરવા પણ જરૂરી બન્યા હતાં.