gajeravidyabhavanguj
E-Learning Blog


શાળામાં શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ
આજનો વિદ્યાર્થી એ આવતીકાલનો શ્રેષ્ઠ નાગરિક છે. તેઓ રાષ્ટ્રનું સાચું ધન છે. રાષ્ટ્રની મહામૂલી મૂડી છે. તેઓએ પોતાના કુટુંબની, સમાજની અને રાષ્ટ્રની જવાબદારીઓ ઉપાડવાની છે. તેઓએ નેતૃત્વ લેવાનું છે. આ સંદર્ભમાં વિદ્યાર્થીઓનું આદર્શ, ઉમદા, ઉદાત્ત અને સમર્થ નાગરિક તરીકે નિર્માણ થાય એ શાળાની જવાબદારી બની રહે છે. ભારત લોકશાહીનું જતન, સંરક્ષણ અને સંવર્ધન કરી શકે તેવા નાગરિકોની આજે વિશેષ જરૂર છે. આપણા અભ્યાસક્રમો પ્રવૃત્તિકેન્દ્રી, અનુભવકેન્દ્રી અને ક્ષમતાકેન્દ્રી રહ્યાં છે. વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મુલાકાત, પ્રવાસ, ઉત્સવોની ઉજવણી, નકશાકાર્ય, હસ્તલિખિત અંક તૈયાર કરવો, ચિત્રસંગ્રહ, આલ્બમ બનાવવું, સર્વેક્ષણ કરવું તથા અવલોકન અને નિરીક્ષણ કરવું, સી.ડી., ડી.વી.ડી., ટી.વી. તથા બાયોગેસ પર ગુજરાતના અભ્યાસક્રમને લગતા શૈક્ષણિક મુદ્દા તથા વિષયોનું શ્રવણ અને દર્શન, સમાચાર કટિંગસ, પ્રદર્શન, બુલેટિન બોર્ડની સજાવટ વગેરે માટે પૂરતો અવકાશ રહેલો છે. અભ્યાસક્રમ ‘ભાર વિનાના ભણતર’ના સિદ્ધાંતનો ખ્યાલ ચરિતાર્થ કરે તેવો છે. વિદ્યાર્થીની વયકક્ષાને ધ્યાનમાં રાખી અભ્યાસક્રમની રચના કરવામાં આવી છે તે તેનું જમા પાસું છે.
શૈક્ષણિક ટેકનોલોજી એ સામાન્ય રીતે ઔદ્યોગિક પ્રક્રિયાનું વ્યવસ્થિત જ્ઞાન અને ક્રિયા છે. ટેકનોલોજીને વિજ્ઞાન અને (એન્જિનિયરીંગ) ઈજનેરી વિદ્યાશાખા સાથે નજીકનો સંબંધ છે. વિજ્ઞાન માણસને વાસ્તવિક દુનિયાની સમજ આપે છે, જયારે ઈજનેરી શાખા આયોજનો પાર પાડવા માટેનાં ઉપકરણો અને પ્રયુક્તિઓ સાથે સંબંધ ધરાવે છે. ટેકનોલોજી એ ઉત્પાદનની કરોડરજ્જુ છે. ટેકનોલોજી એ જીવનનો માર્ગ છે. આજે માનવ ટેકનોલોજીની સહાય વિના જીવનની કલ્પના ન કરી શકાય. ટેકનોલોજીએ આજે વિજ્ઞાનનું જનતંત્રીકરણમાં રૂપાંતર કરી દીધું છે, જેનાથી માનવ સમસ્યાઓ અને માનવની ટેકનિકો સાથે જોડાઈ ગયા છે. ટેકનોલોજીએ માનવસમાજની જીવનદ્રષ્ટિ અને દિનચર્યા બદલી નાખી છે. આથી એમ કહી શકાય કે, ‘વિજ્ઞાન એ સાધના છે અને ટેકનોલોજી એ સાધન છે.’ ટેકનોલોજી રૂપી સાધનની સહાય વિના વિજ્ઞાનરૂપી સાધના સંભવી શકે નહીં. તેથી ટેકનોલોજીના વિકાસમાં ઇલેક્ટ્રોનિકસનું ખૂબ જ મોટું પ્રદાન છે. જે પ્રવર્તમાન યુગની આધારશિલા છે.
શૈક્ષણિક ટેકનોલોજીએ અન્ય ક્ષેત્રોના ઘટકોનો શિક્ષણમાં વિનિયોગ થવાથી ઉદભવેલું ક્ષેત્ર છે. તેમાં જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન, પ્રત્યક્ષીકરણનું મનોવિજ્ઞાન, માપન, મૂલ્યાંકન, સંદેશાવ્યવહારનું વિજ્ઞાન, શાળા-સંચાલન માધ્યમો તથા ઈજનેરીતંત્રના તત્વો સમાયેલા છે. આમ, શૈક્ષણિક ટેકનોલોજીનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે.
ડૉ.ગુણવંત શાહના મત મુજબ “શૈક્ષણિક ટેકનોલોજી એવા વિકસિત સાધનો, પ્રક્રિયાઓ અને વિચારોના પ્રકાર સાથે સંબંધિત છે, કે જે શિક્ષણની બહારનાં ક્ષેત્રનાં છે અને જે રૈખિક અભિક્ર્મ વિશ્લેષણ પ્રણાલીઓ, દૂરદર્શન, ક્મ્પ્યૂટર અને અન્ય વિદ્યુતની પ્રક્રિયાથી-પ્રવૃત્તિઓથી અને પદ્ધતિઓથી સંજ્ઞાવિત છે.”