gajeravidyabhavanguj
Diwali Dang Forest Nature Education Camp
Updated: Nov 24, 2021

પ્રકૃતિ એ જ ઈશ્વર છે, પ્રકૃતિ એ જ પૂજા, પ્રકૃતિએ ગુરુ છે, પ્રકૃતિ એ ગોવિંદ છે, પ્રકૃતિ એ જ પરબ્રહ્મ છે. પ્રકૃતિ એ જ પરમાત્મા છે. શહેરમાં રહેતો માણસ લાશની જેમ જીવે છે. પ્રકૃતિમાં રહેતો વ્યક્તિ કુદરતી રીતે જીવંત થઈ જાય છે. પ્રકૃતિથી સહજ પરમાત્માનો અનુભવ થવાથી વ્યક્તિને હેલ્થ અને હેપીનેસ સહેજે મળે છે.
પ્રકૃતિ એટલે પર્યાવરણ જે આપણી આસપાસ છે. એ આપણું ધ્યાન રાખે છે અને દરેક ક્ષણમાં આપણું પાલન-પોષણ કરે છે. પ્રકૃતિ આપણી આસપાસ ઘણા સ્વરૂપોમાં જોવા મળે છે. જેમકે વૃક્ષ, જંગલ, જમીન, હવા, નદી, વરસાદ વગેરે. કુદરત અનેક રંગોથી ભરાયેલી છે, જેમણે પોતાના ખોળામાં સજીવ-નિર્જીવ બધાને સમાવેલા છે.

‘ડાંગ જિલ્લો’ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાનો એક જિલ્લો છે. તેનું મુખ્ય મથક આહવા ખાતે આવેલું છે. આધુનિકરણ તરફ વેગવંતુ ગુજરાત રાજ્ય નૈસર્ગિક વન સંપદાનો અખૂટ ભંડાર છે. ડાંગ એટલે થાય લાકડી-વાંસનો શબ્દાર્થ થાય! હકીકતમાં ડાંગ ડુંગરાળ અને જંગલનો પ્રદેશ છે.
કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં ભૌગોલિક ડુંગરાળ પ્રદેશમાં ‘ગજેરા વિદ્યાભવન’ શાળાના ધોરણ-6 અને ધોરણ-7ના વિદ્યાર્થીઓ માટે તારીખ 13 નવેમ્બર થી તારીખ 16 નવેમ્બર સુધી ‘Diwali Dang Forest Nature Education Camp’ નું આયોજન કરવામાં આવેલ, આ કેમ્પમાં પ્રકૃતિપ્રેમી એવા ઘણા-ખરા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવેલ જેમ કે, ટ્રેડિંગ, રીવર બાથ, નાઈટ ટ્રેક, નેચર એજ્યુકેશન, કેમ્પ ફન વગેરે. આ બધી જ પ્રવૃત્તિઓમાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધેલ તેમજ પ્રકૃતિના સાનિધ્યમાં આવેલા આ સ્થળોની મુલાકાત લઇ આ પ્રકૃતિના ખજાનાની ભરપૂર મજા મેળવી હતી.
આ કેમ્પનું આયોજન કરવાનો મુખ્ય આશય એ છે કે વિદ્યાર્થીઓ કુદરતી એવા પ્રકૃતિના આ અઢળક ખજાનાને જાણે, તેના સાનિધ્યમાં રહી તેમને માણે, તેના મહત્વને સમજે તેમજ ભવિષ્યમાં આ પ્રકૃતિના ભંડારને જાળવી રાખવાના ઉપાયોને સમજી પ્રકૃતિ સંરક્ષણ કરે એ છે.