gajeravidyabhavanguj
સાંસ્કૃતિક વિક
ગજેરા વિદ્યાભવન શાળામાં તા-23/8 થી તારીખ 29/8 સાંસ્કૃતિક વિકની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસો દરમિયાન ધોરણ ૧ થી ૭ ના વિદ્યાર્થીઓને આપણા દેશની વિવિધ સંસ્કૃતિઓથી જાગૃત કરી તેમને વિવિધ જ્ઞાનથી માહિતગાર કરાયેલ.

સંસ્કૃતિ એટલે કોઇ એક પ્રજાની લાક્ષણિક જીવનરીતિ, સમાજના સભ્ય તરીકે આપણે જે કંઈ વિચારીએ છીએ, જે કંઈ કરીએ છીએ, આપણી પાસે જે કાંઈ છે તે જટિલ એકમને સંસ્કૃતિ કહેવાય. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા નો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ગંગા નદીના પ્રવાહની જેમ તે સતત પ્રવાહિત રહ્યો છે. સમય જતાં તેમાં નવાં-નવાં તત્વો સમાતા ગયા અને આજે ૨૧મી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ અનેક વિધ પાસાંઓને સમાવતી ‘ભાતીગળ સંસ્કૃતિ’ તરીકે ઉપસી આવી છે.ભારતની પ્રજાએ પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. વિશ્વમાં ભારતની સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય ગણાય છે. ભારતીય સંસ્કૃતિ ‘વિશ્વગુરુ’ બનવા તરફ જઈ રહી છે. ટૂંકમાં “ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ.”
મિત્રો,આપણો ભારત દેશ બહુધર્મી છે. તેમાં જુદા-જુદા ધાર્મિક સમુદાયમાં જોઈએ તો હિન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી,શીખ,બૌદ્ધ, જૈન, પારસી અને યહૂદી ધર્મનો સમાવેશ થાય છે. ઇતિહાસકાળમાં પહેલાથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો આજે જગતમાં પ્રચલિત છે.- હિંદુ ધર્મ,જરથોસ્તી ધર્મ અને યહુદી ધર્મ. આ ત્રણેય ધર્મોને પ્રચંડ આધાનો માંથી પસાર થવું પડયું છે. છતાં આજ સુધી એ ત્રણેય ધર્મો ટકી રહ્યા છે.-હિંદમાં એક પછી એક અનેક પંથો ઊભા થતા રહ્યા અને વેદ ધર્મને એના પાયામાંથી જાણે હચમચાવતાં ગયા, છતાં એ ધર્મ ટકી રહ્યો. પ્રબળ ધરતીકંપના આંચકાથી સાગર-કિનારાઓના જળ થોડી ક્ષણ માટે જરા પાછા હઠી જાય અને વળી પાછા થોડી ક્ષણમાં હજાર ગણા બળથી ભરતીના સ્વરૂપમાં ચારેકોર ફરી વળે, તેવી રીતે એક પછી એક ઊભા થયેલા આ પંથોના આક્રમણનો વેગ ઓછો થતા એ સર્વેને હિંદુ ધર્મ, પોતાની જનેતા સમી વિશાળ ગોદમાં, પોતાના કરી પોતાના માં સમાવી દીધા.
આપણે ત્રણ પ્રકારના તહેવારો ઉજવીએ છીએ. ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય. ધાર્મિક તહેવારો-રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રી, નવરાત્રી, ગણેશ ચતુર્થી, દિવાળી, બકરીઈદ, મોહરમ, નાતાલ, પતેતી, ગુરુ નાનક જયંતિ, બુદ્ધ જયંતી,પર્યુષણ અને મહાવીર જયંતી વગેરે ધાર્મિક તહેવારો છે, સામાજિક તહેવારો-રથયાત્રા, રક્ષાબંધન, દશેરા અને ધુળેટી સામાજિક ઉત્સવો છે. ઋષિવિષયક તહેવારો-મકરસંક્રાંતિ, શરદપૂર્ણિમા અને વસંતોત્સવ ઋષિવિષયક તહેવારો છે, રાષ્ટ્રીય તહેવારો-૧૫મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, શહીદ દિન અને રાષ્ટ્રીય નેતાઓની જન્મતિથિઓ રાષ્ટ્રીય તહેવારો છે. ભારતીય સંસ્કૃતિમાં આખું વર્ષ તહેવારો મનાવાય છે, કારણકે તહેવારોમાં મનાવવાથી જીવનમાં ઉત્સાહ અને ઉમંગ આવે છે.

વેદ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘વિદ’ પરથી થયેલી છે.વેદ ની ઉત્પત્તિ હજારો વર્ષો પહેલાની માનવમાં આવે છે. શરૂઆતમાં તેને શ્રુતિ પરંપરાથી ફેલાવવામાં આવ્યો, જ્યારે લેખન ની દ્રષ્ટિએ તેને બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે.
1. પૂર્વ વૈદિક કાળ (ઈ.સં.પૂર્વે 1500 થી 1000)
2. ઉત્તર વૈદિક કાળ (ઈ.સં.પૂર્વે 1000 થી 500)
અત્યાર સુધીમાં મળી આવેલી હસ્તપ્રતોને આધારે ઋગ્વેદનો રચનાકાળ પૂર્વે વૈદિક કાળ સમાન મનાય છે. જ્યારે બાકીના અન્ય વેદ સંહિતાઓ, બ્રાહ્મણ,આરણ્ય તેમજ ઉપનિષદોનો રચનાકાળ ઉત્તર વૈદિક કાળ માનવામાં આવે છે. વેદ ચાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. વેદ તથા વેદ સંબંધિત સાહિત્યને વૈદિક સાહિત્ય કહે છે.
શિલ્પ અને સ્થાપત્ય-શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી-હથેળી વડે વિવિધ પ્રકારના મનના ભાવો, પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારે તે કલા એટલે શિલ્પકલા, સ્થંભલેખો, સારનાથની સિહાકૃતિ, અજંતા-ઇલોરાની ગુફાઓ, કોણાર્કનું સૂર્યમંદિર, જૈન દેરાસરો, વડનગરનું કીર્તિતોરણ, અડાલજની વાવ, સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ‘વાસ્તુ’ શબ્દ વપરાય છે. આ અર્થમાં મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરે બાંધકામને ‘સ્થાપત્ય’ કહે છે. સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્યના ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિઓ કરતાં સુંદર અને વ્યવસ્થિત કેટલાક નગરો વિકસાવ્યા હતા એ પૈકી હડપ્પા અને મોહેં-જો-દારો નામના નગરો મહત્વના હતા.
વિવિધ કલાઓ-ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસણીઓની હુજાર પારંગતતામાં સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા-કારીગરી અને હુન્નર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. ભરત-ગુંથણ, કાષ્ઠ કલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીણા-કારીગરી, નકશીકામ, હીરા ને લગતી કૌશલ્ય પૂર્ણ કામગીરી, શિલ્પ-સ્થાપત્ય હાથ વણાટ ને લગતી કામગીરીએ ભારતની એક આગવી ઓળખ છે.
લલિત કલાઓ-ગાયન,વાદન, નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવોએ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે. સંગીતમાં 1) સંગીત મકરંદ 2) સંગીત રત્નાકર ૩)સંગીત પારિજાત. નૃત્યકલા- 1)ભરતનાટ્યમ 2)કુચીપુડી નૃત્ય શૈલી ૩)કથકલી 4)કથક નૃત્ય 5)મણિપુરી નૃત્ય 6)ગુજરાતના લોકનૃત્યો. નાટ્યકલા-1)ભવાઈ 2)આદિવાસી નૃત્યો ૩)રાસ નો સમાવેશ થાય છે.
ગજેરા શાળામાં ઉપરોક્ત બધી જ સંસ્કૃતિ માહિતીથી વિદ્યાર્થીઓને અવગત કરાવવા તેમજ સાંસ્કૃતિક વારસાને જાણે તેમજ ભવિષ્યમાં પણ તેમની જાળવણી કરે એ હેતુથી આપવામાં આવેલ.