gajeravidyabhavanguj
સ્વસ્થ આહાર એટલે સ્વસ્થ જીવન

"બાજરી, ભાજી અને કાળા તલ,
લોહી બનાવે લાલમ લાલ"
જયારે ખાવાની વાત આવે છે તો આપણા મગજમાં ઘણી એવી વાનગીઓ ફરવા લાગે છે અને તેનો સ્વાદ પણ મોઢામાં આવવા લાગે છે. પરંતુ જયારે આપણે તંદુરસ્ત આહાર વિશે વિચારીએ ત્યારે કોઈપણ વ્યક્તિ તંદુરસ્ત આહારની ચોક્કસ વ્યાખ્યા સમજવા માંગતું નથી કારણ કે આજકાલ ખોરાક શરીરને પોષણ આપવા માટે નહીં પણ જીભની મજા અને મનને શાંત કરવા માટે ખવાય છે.
પોષક તત્વોથી ભરપૂર ખોરાક સ્વાસ્થ્યપ્રદ છે. આપણું ભોજન વિટામીન, કેલ્શિયમ, પોષકતત્વો અને પ્રોટીનથી ભરપૂર હોય એવો ખોરાક જે તમને સ્વસ્થ અને ફિટ રાખે જેથી તમે રોગો સામે લડી શકો આવા આહારને સ્વસ્થ આહાર કહેવામાં આવે છે. સ્વસ્થ આહાર આપણા માટે શ્વાસ લેવા જેટલો મહત્વપૂર્ણ છે. બોડી બિલ્ડિંગ માટે હેલ્ધી ખોરાક ખૂબ જ જરૂરી છે.
'પહેલું સુખ તે જાતે નર્યા'
છેલ્લા કેટલાક વર્ષોમાં જંકફૂડ ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે. દરેક જગ્યાએ આસાનીથી મળતા આ ફાસ્ટફૂડને કારણે હૃદય અને પેટ સંબંધિત બીમારીઓ વધી રહી છે. હવે તો નાના બાળકોને પણ જંકફૂડ ખાવાની આદત પડી ગઈ છે. બાળકો પીઝા, બર્ગર, ચિપ્સ જેવા જંકફુડ ખૂબ આનંદપૂર્વક ખાતા હોય છે. જેના કારણે બાળકોમાં સ્થૂળતાની સમસ્યા વધી રહી છે. નાની ઉંમરમાં જ બાળકો હૃદય રોગનો ભોગ બને છે. જંકફુડનો સ્વાદ એવો હોય છે કે બાળકો એકવાર ખાવાનું શરૂ કરે તો તેઓને તેની આદત પડી જાય છે. જંકફૂડનું સતત સેવન બાળકોમાં ચુસ્તી અને થાકનું કારણ બને છે.

આધુનિક તબીબી વિજ્ઞાનના પિતામહ હિયોકેટસે 2500 વર્ષ પહેલા એક કહેવત કહેલી “લેટ ફૂડ બી યોર મેડિસીન એન્ડ મેડિસિન યોર ફૂડ” આહારને જ ઔષધરૂપ બનાવો. સ્વસ્થ રહેવા માટે માણસે બની શકે એટલો સાત્વિક આહાર લેવો જોઈએ.
બાળકોનો શારીરિક તથા માનસિક વિકાસ શરૂઆતના ૫ વર્ષ સુધી ખૂબ ઝડપથી થતો હોય છે. ખાસ કરીને મગજનો વિકાસ પહેલા ૫ વર્ષમાં ૯૦% જેટલો થઈ જાય છે. આ વિકાસની ઝડપમાં જો બાળકને આહારરૂપી ઈંધણ ઈચ્છનીય રીતે પૂરું ન પડે તો ન પૂરી શકાય તેવી ખોટ સર્જાતી હોય છે.
એક આદર્શ માતાએ બાળકને જંકફૂડની દુનિયામાંથી બહાર લાવીને તંદુરસ્ત ખોરાક આપવો જોઈએ. નાનપણથી જ બાળકને વિવિધ ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ વગેરે આહાર તરીકે આપવાની શરૂઆત કરવી જોઈએ અને જંકફૂડથી દૂર રાખવા જોઈએ. ‘જાગ્યા ત્યારથી સવાર’ આ કહેવતને ચરિતાર્થ કરવા અમારા બાલભવનમાં ‘ન્યુટ્રીશન ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એસેમ્બલી દ્વારા બાળકને વિવિધ ફળો અને શાકભાજીની ઓળખ આપી તે ખાવાથી કયા ફાયદા થાય છે તે વિશે સમજ આપી હતી બાળકોએ ફળો અને શાકભાજીના ઉખાણા અને જોડકણાં ગાયા. બાળકો નાસ્તામાં પણ સલાડ અને ફ્રુટ લઈને આવ્યા હતા તે પોતાના મિત્રો સાથે વહેંચીને નાસ્તો કર્યો.
