gajeravidyabhavanguj
સ્વચ્છતા આપણું કામ
"સ્વચ્છતા ને WELCOME
ગંદકી ને BYE BYE ”
સ્વચ્છતાનો અર્થ:-

સ્વચ્છતા એટલે સફાઇ. જો આપણે સ્વચ્છતાને સરળ ભાષામાં સમજીએ તો શરીર, મન અને આપણી આસપાસની દરેક વસ્તુને સ્વચ્છ રાખવી એટલે સ્વચ્છતા. ગાંધીજીએ સ્વચ્છતા માટે ખૂબ જ સુંદર વાક્ય કહ્યું હતું કે “સ્વચ્છતા એ સેવા છે. જો તમે તમારા દેશની સેવા કરવા માંગો છો, તો તમારા દેશને સ્વચ્છ રાખવાનું શરૂ કરો”.

સ્વચ્છતા એ માનવ જીવનમાં આવશ્યક ગુણ છે. દરેક વ્યક્તિએ પોતાની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ. કારણ કે સ્વચ્છતા માણસને રોગોથી દૂર રાખે છે. અને જ્યારે વ્યક્તિ રોગોથી દૂર રહે છે, તો તેનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ સારો થાય છે. આ૫ણે સ્વચ્છતા અને સાદગીના પૂજારી મહાત્મા ગાંધીજીના દેશના નાગરીકો છીએ. માટે આ૫ણને સ્વચ્છતા કોઇ એ શીખવવી ના જોઇએ. ૫રંતુ આ૫ણે સમગ્ર વિશ્વને સ્વચ્છતાનું ઉદાહરણ પૂરું પાડવું જોઇએ. ૫રંતુ તેની સામે આ૫ણે સ્વચ્છતા બાબતે કંઇ મહત્વપૂર્ણ કાર્યો કરી શકયા નથી. આ૫ણા દેશના રોડ, રસ્તા ૫ર ૫ડેલો કચરો અને ગંદા નદી, નાળાઓ આ૫ણી સ્વચ્છતાની ચાડી ખાય છે. આમ, સ્વચ્છતા એ આપણા સૌના જીવનમાં પણ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તો સરકાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. તેની સાથે બાળકોના અભ્યાસક્રમમાં પણ સ્વચ્છતા માટે પ્રેરણાદાયી પાઠ આપીને બાળકોના જીવન ઘડતરમાં સ્વચ્છતા મહત્વની ભૂમિકા ભજવે છે એ વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવે છે.

ધોરણ-૫ વિષય પર્યાવરણમાં સ્વચ્છતા આપણું કામ પ્રકરણમાં પણ સ્વચ્છતા વિશે ઘણી મહત્વની વાતો રજૂ કરવામાં આવી છે. આપણી શાળાના બાળકો પણ સ્વચ્છતા તરફ પ્રેરાય તે હેતુ થી અભ્યાસની સાથે સાથે પ્રકરણને અનુરૂપ સ્વચ્છતા માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. જેમ કે શાળા સફાઈ, વર્ગ સફાઈ, મેદાન તથા બાગ-બગીચા ની સફાઈ તેના દ્વારા વિદ્યાર્થીઓમાં પણ પોતાની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો ગુણ કેળવાય છે.
આમાંય, ખાસ કરીને આપણા દેશ માટે તો સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આપણા દેશમાં વિશ્વના છઠા ભાગની વસ્તી વસે છે. હવે જયાં આટલી વસ્તી હોય ત્યાં ગંદકી ૫ણ હોય જ, એ સ્વાભાવિક છે. આ કારણે આપણા દેશમાં રોગો પણ વધુ છે. જો દેશમાં ફેલાયેલી ગંદકીને સમયસર સાફ કરવામાં નહીં આવે તો ખૂબ જ ખતરનાક રોગ થવાની ભીતિ છે. આનાથી લોકો બીમાર તો પડશે જ પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ ગંભીર અસરો થશે. એટલા માટે આપણે સ્વચ્છતા પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે.

સ્વચ્છતાની જરૂરિયાત:-
જેમ મનુષ્યના જીવનમાં હવા, પાણી, ખોરાક, રહેઠાણ અને પોષાક જરૂરી છે, તેવી જ રીતે સ્વચ્છતા પણ જરૂરી છે. કારણ કે જો તમે તમારી આસપાસ સ્વચ્છતા નહીં રાખો તો મેલેરિયા, કોલેરા, કમળો જેવા ખતરનાક અને જીવલેણ રોગોનો જન્મ થશે. જેના કારણે માત્ર તમે જ નહીં તમારા બાળકો પણ જોખમમાં મુકાશે. પરંતુ જો તમે તમારી આસપાસ સ્વચ્છતા રાખશો તો આવા જીવલેણ રોગો તમારાથી દૂર રહેશે.