top of page
  • Writer's picturegajeravidyabhavanguj

સર્જનાત્મકતાનું કુરુક્ષેત્ર- વિશ્વ પુસ્તક દિવસ.

"પુસ્તકો એ સાધન છે, જેનાં થકી આપણે વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સેતુ બાંધી શકીએ છીએ."

'પુસ્તક એ આત્માની સવારી માટે નો રથ છે' આજના વિષમ બનેલા સમાજ જીવનમાં કોઈ વ્યક્તિના જીવનમાં ક્યારે પરિવર્તન આવે તે નક્કી ન થઈ શકે. એક ગુજરાતી કહેવત છે કે" સંગ તેવો રંગ". એક સારા પુસ્તક નો સંગ એક સત્સંગ જેવો છે.

વિશ્વભરમાં માત્ર શેકસપિયર જ નહીં પરંતુ લાખો લેખકો છે જેમણે માનવજાતિને સાહિત્યિક ભેટ સ્વરૂપે પુસ્તકો આપ્યા છે. વર્તમાન યુગ એ જ્ઞાન અને માહિતીનો યુગ છે. જ્ઞાનના ફેલાવવા માટે સૌથી શક્તિશાળી માધ્યમ તો પુસ્તકો જ છે. આજના આઈ.ટી.યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. પુસ્તકો વિશ્વને પ્રેરણા આપી શકે છે. સમજણ, સહનશીલતા અને સંવાદ વડે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી જીવન ઘડતર પર અને નિણાઁયક પ્રભાવ પાડે છે. અને તેથી જ ૨૩મી એપ્રિલને વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે.

"પુસ્તક જેવો કોઈ જ સાચો મિત્ર નથી,

વાંચન જે કરે, તેનું જ્ઞાન ભંડોળ વધે."

૨૩મી એપ્રિલ ફક્ત પુસ્તક દિવસ જ નથી, આતો દિવસ છે વિજ્ઞાનની નવી ઊર્જાને સત્કારવા નો, આવકારવાનો અને અભિવ્યક્ત કરવાનો. એકાદ પુસ્તક વાંચી આ દિવસ ઉજવીએ અને જ્ઞાનરૂપી યજ્ઞ નો આરંભ કરીએ, જગતને જ્ઞાન વર્ષા થી ભીંજવીએ.

લેખક અને વાચક ત્યારે જન્મે છે જ્યારે કોઈ લેખક પુસ્તક લખે છે. પુસ્તક નું કામ ચાણક્ય જેવું છે જે તમને રાજા બનવાની તક આપે છે પરંતુ પોતે રાજા બનતો નથી. તમે જો એને ખરી રીતે વાંચી જાણો તો એ ઉત્તમ મિત્ર તો છે પણ ઉત્તમ માર્ગદર્શક પણ બની શકે છે. પુસ્તક મનનો ખોરાક છે, તે સાત્વિકતા આપે છે. શરીરને સારું રાખવા જેમ સારો ખોરાક ,પૌષ્ટિક ખોરાક જરૂરી છે તેમ મનને સ્વસ્થ રાખવા પૌષ્ટિક વિચારો જરૂરી છે.

'વાંચવા લીધેલું પુસ્તક સફળતાનાં દ્વાર ખોલી નાંખે છે.'

પુસ્તકો સંસ્કાર ઘડતરની વેલ છે. પુસ્તકની એકાદ પંક્તિ કે લેખ ઘણીવાર કોઇનું જીવન બદલી નાખે છે. એટલે જ અંગ્રેજીમાં એક જાણે તે ઉકિત છે કે: "a good book is man's friend, philosopher and guide." મતલબ કે એક સારું પુસ્તક માનવીનો મિત્ર જ નહિ પણ તત્વચિંતક અને માર્ગદર્શક પણ બની રહે છે.

વ્યક્તિ જ્યારે સાવ એકલો હોય છે ત્યારે એને જો કોઈ પુસ્તક મળી જાય અને એ વાંચવા પ્રેરાય તો નક્કી એને એક નવો દોસ્ત મળી શકે છે. બસ,એકવાર પુસ્તક તરફ હાથ લંબાવવાની જરૂર છે. એક ડરપોક મોહનદાસને પણ નીડર બનાવવામાં પુસ્તકોનો જ ફાળો રહ્યો છે. ગાંધીજીએ કહ્યું છે-' સારા પુસ્તકો પરોપકારી મિત્રની ગરજ સારે છે.'

"પુસ્તકો જીવંત દેવ પ્રતિમાઓ છે, તેમની આરાધનાથી પ્રકાશ અને ઉલ્લાસ મળે છે."

આજે ટી.વી.,કમ્પ્યૂટર, મોબાઈલ તેમજ ઇન્ટરનેટ જેવા ઉપકરણોનો વપરાશ વધ્યો છે એથી પુસ્તકો ખરીદીને વાંચવાની વૃત્તિ ઘટી ગઈ છે. એમ છતાં પુસ્તકો ની અગત્યતા ઓછી નથી થઈ. આજે પુસ્તકોના મોટા પ્રમાણમાં પ્રકાશનો થતા રહે છે .જ્યારે કાગળની શોધ નો હતી ત્યારે આપણો અમર આધ્યાત્મિક વારસો તામ્રપત્રમાં સચવાયો હતો.

પુસ્તકમેળા ,પુસ્તક પ્રદર્શનો, પુસ્તકાલય પરિસંવાદ ગ્રંથ યાત્રાઓ,સમાજમાં સંસ્કારના દીપને જલતો રાખે છે. તો મિત્રો,આજના દિવસે આ પુસ્તક મિત્રો પણ ભુલાય નહીં

અંતમાં તો એટલું જ કહેવું પડે કે, ફક્ત આજના માટે જ નહીં હંમેશને માટે આપણા સૌથી સાચા અને સારા મિત્ર જો કોઈ હોય તો તે પુસ્તકો છે, પુસ્તકો છે અને પુસ્તકો જ છે.

“ પુસ્તકનું મૂલ્ય રત્નથીય વિશેષ છે. રત્ન બહારથી ચમક આપે છે જ્યારે પુસ્તક તો અંત:કરણને અજવાળે છે.”

274 views0 comments
bottom of page