gajeravidyabhavanguj
સપ્તરંગી રંગોની દુનિયા
હર રંગ કુછ કહેતા હૈ....

આપણી આજુબાજુ જ્યાં સુધી નજર જાય છે. ત્યાં પ્રકૃતિ રંગોનું પાનેતર પહેરીને નવોઢાની જેમ શણગાર સજીને બેઠી છે. સોળે કળાએ ખીલી ઊઠેલા રંગબેરંગી ફૂલો.. ફૂલોની આસપાસ ઉડતા રંગીન પતંગીયાઓ, લીલા રંગમાં રંગાઈ ગયેલા વૃક્ષોના પાંદડાં સોનેરી સૂર્ય, સફેદ ચમકતો ચાંદ.... આકાશમાં ચમકતા તારલા.... જ્યાં જ્યાં નજર ફરે ત્યાં ત્યાં રંગોનું સામ્રાજ્ય પ્રકૃતિનું આ સુંદર, મનોહારી અને લોભામણું રૂપ જોઈને હૈયામાં આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસની હેલી ઊઠે! મહેંદી થી લઈને મોબાઈલ સુધી સિનેમાના પડદાથી લઈને સમુદ્રના પાણી સુધી, જંગલમાં પાંખો ફેલાવીને નાચતા મોરના મોરપીંછથી લઈને વર્ષાઋતુમાં આકાશમાં રચાતા મેઘધનુષ દરેક જગ્યાએ રંગની પીંછી ફરેલી છે. સાચે જ સૃષ્ટિનો સર્જનહાર એક સારો ચિત્રકાર છે! તેણે સૃષ્ટિના કણ-કણમાં રંગ ની રસધારા ભરી છે.

રંગો દુનિયાને ખૂબસૂરત, નયનરમ્ય અને રમણીય બનાવે છે. જો રંગ ના હોય તો દુનિયા કેટલી બેરંગ, બદસુરત અને બિહામણી હોત! રંગ વગરના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. રંગ વિનાના તહેવારોની ઉજવણી પણ થઈ ના શકે. રંગ અને ઉમંગનો રંગોત્સવ એટલે જ હોળીનો તહેવાર, રંગબેરંગી ફટાકડા, રંગીન કપડાં અને રંગોળી વગર દિવાળીનો રંગ ફિક્કો થઈ જાય.
“સપ્તરંગી વહે જીવન રસ”
સૂર્યના કિરણો સપ્તરંગી હોય છે એટલે સૂર્યની જેમ રંગો આપણા જીવનને પ્રભાવિત કરે છે. ઘણાં દેશોમાં થેરાપીમાં રંગોની મદદથી દર્દીનો મૂડ બદલીને તેના શરીરને અને મનને તાજા કરવામાં આવે છે. દરેક રંગની સાથે એક ચોક્કસ વાઈબ્રેશન, લાગણી અને માન્યતા જોડાયેલી હોય છે.

દરેક રંગ અલગ અલગ લાગણી નું પ્રતિક છે, દરેક રંગનું પોતાનું આગવું મહત્વ રહેલું છે જેમ કે, સફેદ રંગ શાંતિનો છે, ભગવો (કેસરી) વૈરાગ્યનો, મિત્રતા નો રંગ પીળો, પ્રેમનો રંગ લાલ, ખુશીનો રંગ ગુલાબી અને કુદરતી તત્વોનો રંગ લીલો છે. એ જ રીતે દરેક રંગ અલગ અલગ લાગણીનું પ્રતિક છે. જેમ કે, લીલો રંગ સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતિક છે, સફેદ રંગ શાંતિ અને પવિત્રતાનું પ્રતિક છે, કેસરી રંગ ત્યાગ અને બલિદાનનું પ્રતિક છે, પીળો રંગ સુખ અને શુદ્ધતાનું પ્રતિક છે, લાલ રંગ પવિત્રતા અને શુધ્ધતાનું પ્રતિક છે, વાદળી રંગ વિશાળતા અને આનંદતા દર્શાવે છે, કાળો રંગ સત્તા શક્તિની સાથે ભય અને અશુભ નો સૂચક છે.
“દરેક રંગની એક અનોખી ભાષા હોય છે, એક પણ શબ્દ બોલ્યા વગર રંગો ઘણું બધું કહી જાય છે.”
દરેક રંગ નું કાર્ય, ખાસિયતો અને પ્રકૃતિ આમતો એકબીજાથી ખુબજ અલગ પડે છે. પરંતુ બધા રંગો ભેગા થાય તો જ રંગોળી કે મેઘધનુષ બને છે. રંગોએ ‘કુદરતનું અદ્દભુત સર્જન છે’ કુદરતે આપેલ રંગોની અમૂલ્ય ભેટ પ્રત્યે આભાર વ્યક્ત કરવા તેમજ બાળકોને રંગોનું મહત્વ સમજાવવા માટે અમારી શાળામાં ‘કલર વીક’નું

આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓનલાઈન ક્લાસ માં વિવિધ વસ્તુઓ, પ્રોપ્સ અને એક્ટિવિટી દ્વારા બાળકને રંગોની ઓળખ કરવામાં આવે છે. જેમાં બાળકોએ પણ રંગીન રમકડાં સાથે રમવાની અને વસ્ત્રો પહેરવાની ખુબ જ મજા આવે છે.