gajeravidyabhavanguj
શિવ ઉપાસનાનું પર્વ – મહાશિવરાત્રી

ભારત એ તહેવારોનો દેશ છે. અનેક ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. આપણા દેશના વિવિધ ધર્મ પાળનાર લોકો રહે છે. તેથી આપણા દેશમાં ઘણા ધાર્મિક તહેવારો ધામધૂમથી ઉજવાય છે.
તહેવારો આપણી સંસ્કૃતિક પરંપરાનું જતન કરે છે અને ભૌતિકવાદ તરફ ઘસી રહેલી આધુનિક પ્રજાને જીવનનો સાચો રાહ ચીંધવાનું કાર્ય કરે છે. તહેવારો દરમિયાન આનંદ અને ઉલ્લાસનું અનેરુ વાતાવરણ સર્જાય છે. ધાર્મિક તહેવારોની અસરને લીધે લોકોમાં દયા, પ્રેમ, ક્ષમા, સહનશીલતા અને સહિષ્ણુતા જેવા ગુણો કહેવાય છે. તમામ તહેવારો ઉત્સવો લોકમાનસને ઘડે છે. નવી પેઢી તેને જાણતી થાય છે. તેમાં રસ લેતી થાય છે. રંગાતી થાય છે. પરંપરા શરૂ થાય છે.આમ ભારતીય સંસ્કૃતિ ધ્વજ ની માફક લહેરાતી રહે છે આ સાચી કેળવણી છે.
"જ્યાં સુધી તહેવારોને ઉત્સવો રહેશે,
ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ ધબકતી રહેશે."
આચાર જ્યારે વિચારમાં દ્રઢ બની જાય ત્યારે તેને સંસ્કાર કહેવામાં આવે છે. જે વિવિધ તહેવારો થકી પ્રગટ થાય છે અને બાળકોને બાળપણથી જ વડીલો તરફથી વારસામાં મળે છે. આવો જ એક ધાર્મિક પવિત્ર પર્વ છે "મહાશિવરાત્રી". દેવાધિદેવ મહાદેવની ઉપાસના અને પૂજા-અર્ચના કરવા માટે શિવરાત્રીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
કહેવાય છે કે મહાવદ ચૌદશ એટલે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનું રુદ્રના સ્વરૂપમાં અવતરણ થયું હતું. આ સિવાય અન્ય કેટલીક કથાઓ પણ શિવરાત્રી સાથે જોડાયેલી છે. મહાશિવરાત્રીના ઉત્સવને ભગવાન શંકરના વિવાહનો ઉત્સવ પણ માનવામાં આવે છે. આજ દિવસે સમુદ્ર મંથન માંથી વિષ ઉત્પન્ન થયું હતું. ભગવાન શંકરે વિષનું સેવન કરેલું તેથી તેઓ નીલકંઠ ના નામે ઓળખાયા.
જીવ અને શિવનું પવિત્ર મિલન એટલે મહાશિવરાત્રી
મહાશિવરાત્રી કાળની અભિવ્યક્તિ આપનારી એકમાત્ર આવી કાલરાત્રિ છે. જે મનુષ્યને પાપકર્મ, અન્યાય અને અનાચાર થી દુર રહીને પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે.
બાળકો ભારતીય સંસ્કૃતિ થી પરિચિત થાય અને ધાર્મિક તહેવારોનું મહત્વ સમજે એ હેતુથી અમારી શાળામાં મહાશિવરાત્રીની ઉજવણી કરી હતી તેમાં બરફમાંથી બનાવેલા શિવલિંગની પૂજા કરી બાળકોને શિવપૂજનનું મહત્વ સમજાવ્યું. બાળકોને મૃગ અને પારધીની પૌરાણિક કથા દ્વારા મહાશિવરાત્રીનું મહત્વ સમજાવ્યું. બાળકોએ ભરતનાટ્યમ દ્વારા શિવની ઉપાસના કરી. હર-હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શિવરાત્રીના આ મહાપર્વની આપ સૌને શુભકામના.
હર હર મહાદેવ...
