gajeravidyabhavanguj
શિયાળુ ઉત્સવ
"શિયાળો આવ્યો, શિયાળો આવ્યો,
અવની કંપાવતો, શીત વરસાવતો,
સરવર તળાવના પાણી થીજાવતો,
ધરતીને આંગણે ધુમ્મસ વરસાવતો,
ઠંડા પવનની લહેરો લહેરાવતો...."

માનવના આનંદ માટે ભગવાને પ્રકૃત્તિના સૌંદર્યનો વૈભવ સૃષ્ટિમાં પાથરી દઈને જાણે કમાલ કરી નાખી છે. નદી, પર્વત, જંગલ અને દરિયા જેવા સ્થળોની રમણીયતાની જેમ કુદરતે વિવિધ ઋતુ અને દિવસ-રાતના કાલખંડની શોભા મનુષ્ય જાતિ માટે ખુલ્લી મૂકી છે. ઉનાળાના બપોરને જેમ એનું આગવું વાતાવરણ હોય છે તેમ શિયાળાની સવારને પણ તેનું અનોખું સૌંદર્ય હોય છે.
કોઇપણ ઋતુની સવાર આમ તો પોતાની રીતે જ આહ્લાદક જ હોય છે. પરંતુ હેમંતના પરોઢ તો અપૂર્વ આનંદદાયક હોય છે. હેમંતના પરોઢની નયનરમ્યતા, શીતળતા અને સ્વાભાવિકતા તો કંઈ ઔર જ હોય છે.

હેમંતના પરોઢનું ફૂલ ગુલાબી વાતાવરણ એટલે તો બાર મહિના ચાલે એટલો શક્તિસ્ફૂર્તિનો ખજાનો ભરી લેવા માટેની સુવર્ણ તક!
સવારની કડકડતી ઠંડીમાં આખું ઘર ધ્રુજતું હોય, રસ્તાઓ પર સન્નાટો છવાયેલો હોય, વૃક્ષો ઠંડીથી બચવા સુસવાટા મારતા હોય, સવાર થવા છતાં પણ વાતાવરણમાં ઘટ્ટ અંધારું છવાયેલું હોય તો સમજવું કે એ ‘શિયાળાની સવાર’ જ હશે.
"પ્રકૃતિની કરામત થવા લાગશે,
ધૂંધળું આકાશને ઠંડો ઠંડો પવન ફૂંકાશે,
સૂરજનો તડકો પણ પ્યારો લાગશે,
મારી નીંદર મને વ્હાલી લાગશે..."

શિયાળાની સવાર એટલે સુસવાટા મારતા પવનને ઠંડી હવાની વચ્ચે આગમન થતાં સુરજના કિરણોનું હુંફાળું સ્મિત. વાતાવરણના ધુમ્મસને ચીરીને જયારે પૂર્વની ક્ષિતિજે અદ્દભુત સોનેરી રંગ સાથે સૂર્યના કોમળ કિરણો પૃથ્વી પર પથરાતા હોય ત્યારે સમગ્ર પ્રકૃતિ પર જાણે સ્મિત રેલાઈ ગયું હોય તેવું લાગે છે. આકાશમાં મેઘધનુષ્યની રંગોળી રચાય છે. વાતાવરણમાં ઉષ્માનો સંચાર થાય છે.

શિયાળોએ તંદુરસ્તી, તાજગી અને સ્ફૂર્તિ આપનારી ઋતુ છે. બાળકોને શિયાળાની ઋતુનું મહત્વ સમજાય એ હેતુથી આજરોજ અમારી શાળામાં ઓનલાઈન શિયાળું ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને કાશ્મીરની પ્રતિકૃતિ બનાવી બાળકોને તેની મુલાકાત કરાવી
ત્યાની રહેણીકરણીની સમજ આપવામાં આવી તેમજ શિયાળાની ઋતુમાં આવતા ફળ, શાકભાજી શિયાળામાં ખવાતા પાક, ખોરાક, શિયાળામાં પહેરતા વસ્ત્રો અને કોસ્મેટીક તેમજ ઔષધિઓ વિષે માહિતી આપવામાં આવી હતી તેમજ બાળકો ક્રાફ્ટ એકટીવીટી દ્વારા બાળકોને ‘પેગ્વિન’ બનાવતા શીખવાડીયું હતું.
"ઉત્સાહ ઉમંગથી ભર્યો શિયાળી,
જોતજોતામાં ફરી આવ્યો શિયાળો,
ઠંડી લહેરકીઓને લાવ્યો શિયાળો,
અડદિયા, ચીકી ને લાવ્યો શિયાળો,
એવો તે મન દઈ જામ્યો શિયાળો,
આ ધરાને સ્વર્ગ બનાવતો શિયાળો"