gajeravidyabhavanguj
વિશ્વ સંસ્કૃત દિવસ

વિશ્વની સૌથી પ્રાચીન અને દરેક ભાષાની જનની એવી સંસ્કૃત ભાષાની ઉત્પત્તિ આશરે ૩૫૦૦ વર્ષ પહેલા થઈ હોવાનું મનાય છે. રામાયણ, મહાભારત, વેદો, ઉપનિષદો અને અન્ય ધાર્મિક ગ્રંથો આજ ભાષામાં લખાયેલા છે.
સંસ્કૃત એ દેવભૂમિ તરીકે ઓળખાતા ઉત્તરાખંડની મુખ્ય રાજ્ય ભાષા છે. દુનિયાનું સૌથી મોટું શબ્દભંડોળ સંસ્કૃત ભાષામાં છે. ૧૦૨ અબજ ૭૮ કરોડ ૫૦ લાખ શબ્દોનો ઉપયોગ અત્યાર સુધીમાં આ ભાષામાં થઈ ગયો છે. સંસ્કૃત ભારતની એક શાસ્ત્રીય ભાષા છે. જે દુનિયાની સૌથી જૂની ભષાઓ માંથી એક છે. સંસ્કૃત ભાષાએ દરેક ભાષાની જનની છે. આધુનિક ભારતીય ભાષાઓ જેમકે ગુજરાતી, હિન્દી, ઉર્દુ, કાશ્મીરી, ઉડિયા, બંગાળી વગેરે ભાષાઓ સંસ્કૃત માંથી ઉત્પન્ન થઈ છે.
આવી મહાન સંસ્કૃત ભાષા માટે ઋગ્વેદમાં કહેવાયું છે કે “હું સંસ્કૃતવાણી સમગ્ર રાષ્ટ્રની છું, રાષ્ટ્રને સમૃદ્ધ કરી શકું છું, હું વિદ્યાનો ભંડાર છું અને જેનું સન્માન કરવામાં આવે છે તેમાં હું પ્રથમ સ્થાને છું” સંસ્કૃત ભાષા પ્રાચીન ભાષા હોવાને કારણે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે લોકોને સંસ્કૃત દિવસનું મહત્વ સમજાય એ હેતુથી દર વર્ષે શ્રાવણની પૂર્ણિમાને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ.
“भारतस्य प्रतिष्ठे द्वे संस्कृत संस्कृतिस्तथा”
સંસ્કૃત અને સંસ્કૃતિ એ ભારતીય પ્રતિષ્ઠાના આધાર સ્તંભ છે. સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ આપણા હૃદયમાં અનન્ય સ્થાન ધરાવે છે. સંસ્કૃત આર્યા ભાષા, દેવ ભાષા ગિર્વાણ ભાષા તરીકે પણ ઓળખાય છે. ભારતની સમગ્ર સંસ્કૃતિ સંસ્કૃત મોજ પોષાઈ છે અને પ્રસરી છે. આજના જમાનામાં વિદેશી ભાષાઓના વધતા ઉપયોગમાં સંસ્કૃત ભાષા ભુલાતી જાય છે.
બાળકો આપણી સંસ્કૃતિ આપણા મહાન ગ્રંથો અને સંસ્કૃત ભાષાના મહત્વને સમજે એ હેતુથી અમારા બાલભવનમાં'સંસ્કૃત દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ વિવિધ શ્લોકોનું સંસ્કૃતમાં પઠન કર્યુ. બાળકોને પૌરાણિક ગ્રંથો વિશે માહિતી આપી. હવાન ઈત્યાદિમાં વપરાતા સંસ્કૃત શ્લોકોનો પરિચય આપ્યો. બાળકોએ પણ સંસ્કૃત ભાષાનો વાક્ય પ્રયોગ કરી તેનું સન્માન કર્યુ હતું.
