top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ

“પૃથ્વી એ આપણું એકમાત્ર ઘર છે, તેથી કરીએ જતન પ્રકૃતિનું”

સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણમાંથી જ થયું છે આપણે સૌ પર્યાવરણનો જ એક ભાગ છીએ. તેથી પર્યાવરણ છે તો આપણે છીએ એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. કારણકે મનુષ્ય જન્મે ત્યારથી પર્યાવરણ સાથે તેનો નાતો રહેલો છે. મનુષ્ય દેહ જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ એમ પાંચ તત્વોની બનેલી છે. આપણા ઋષિમુનિઓ અને ધર્મ સ્થાપકો એ પણ પર્યાવરણના દાયરામાં રહીને લાંબું આયુષ્ય ભોગવ્યું હોવાના અનેક દાખલા જોવા મળે છે. આજે માણસ પર્યાવરણથી વિમુખ થવાથી અનેક રોગોનો ભોગ બની ગયો છે. આથી કહી શકાય કે “પર્યાવરણ છે તો જીવન છે.”

જીવસૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ માનવીએ માનવ જીવનના દરેક તબક્કે પોતાના નિભાવ માટે અને એશોઆરામ માટે કોઈકને કોઈક રીતે પ્રકૃતિના તત્વોનો ઉપભોગ કર્યો છે. ધીમે ધીમે માનવીએ પ્રકૃતિના તત્વોનો એટલોતો ઉપભોગ કર્યો છે કે આજનો માનવી ઝાડપાન જંગલોમાંથી સિધો સિમેન્ટ કોંક્રિટના જંગલોમાં આવીને ફસાઈ ગયો છે.

વૃક્ષો આપણને પ્રાણવાયુ આપે છે ફળ, ફૂલ અને વિવિધ ઔષધિઓ આપે છે. પરંતુ આજે આપણે ઔધૌગિકરણ અને શહેરીકરણના મોહમાં પ્રકૃતિના મહત્વના તત્વ એવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે. વૃક્ષોની અછતને લઈને આજે વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહેલું છે જણાય છે.

લોકો પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરીને તેનો કચરો ગમે ત્યાં ફેંકી દે છે તેનું પરિણામ એ આવે છે કે આ કચરો જમીનમાં દટાઈ જાય છે અને કેટલી જમીન મૃત બની જાય છે. પ્લાસ્ટિકનો ઉપયોગ પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.

નદી, સમુદ્ર, ઝરણાં અને તળાવો આપણા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રાચીન માનવ સંસ્કૃતિઓના વિકાસ આ નદીઓ અને જળાશયો ને લીધે જ થયેલો હતો. પાણી વિના જીવન શક્ય જ નથી. માનવીની સ્વાર્થ વૃત્તિને કારણે આજે અનેક દેશો જળસંકટના ભોગ બન્યા છે. પ્રાણીઓ પણ પર્યાવરણનો એક ભાગ છે જંગલોની ઘટતી સંખ્યા અને પ્રદૂષણને કારણે આજે અનેક પ્રાણીઓની જાતિ લુપ્ત થવાને આરે છે.

આજે આપણે જળ-જમીન. પેટ્રોલિયમ પદાર્થો, ઉર્જા, ખનીજ તેલ વગેરેનો વપરાશ જરૂર કરતાં વધારે કરતા થયા છીએ. તેથી પર્યાવરણ ના તત્વો વચ્ચે સમતુલા ખોરવાઈ છે અને આપણી ધરતીકંપ, સુનામી જેવી કુદરતી આપત્તિઓનો સામનો કરવો પડે છે.

આમ આપણી પાયાની જરૂરિયાતો હવા, પાણી અને ખોરાક એ ત્રણેય પુર્તી પર્યાવરણ જ કરે છે અને આથી જ માનવી પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીઓથી જાગૃત થાય તે હેતુથી દર વર્ષે ૨૮મી જુલાઈએ ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

સમગ્ર જીવસૃષ્ટિ માટે પર્યાવરણનું માતા જેટલું મહત્વ છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી અને આપણે કુદરતના નિયમોને આધીન રહીએ તો પર્યાવરણ સમતુલા જળવાશે અને તે આવનાર ભવિષ્યની પેઢી માટે શાણપણનું ભાથું છે.

બાળકો અત્યારથી પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય એ માટે આજ રોજ અમારી શાળામાં ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શિક્ષકોએ બાળકોને પર્યાવરણની જાળવણી અને તેની ઉપયોગીતા વિશે સમજ આપી હતી તેમજ બાળકોએ પણ એક પાત્રીય અભિનય દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે ખૂબ જ સુંદર સંદેશ આપ્યો.


170 views0 comments
bottom of page