gajeravidyabhavanguj
વાલી મિટિંગ - વાલી,બાળક અને શિક્ષક વચ્ચેનો સબંધસેતુ

શિક્ષણ પ્રણાલી ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે. ૧.વાલી ૨. વિદ્યાર્થી ૩. શિક્ષક. આ ત્રણેય શિક્ષણના આધારો છે. બાળકનો સર્વાંગી વિકાસ તેના ઘરના વાતાવરણમાંથી મળે છે પણ બાળકને જ્ઞાન અને જરૂરી માર્ગદર્શન શાળામાંથી જ મળે છે.
સમય બદલાયો,વ્યવસ્થા બદલાઈ અને લોકોની આર્થિક,સામાજિક વિચારસરણીમાં પરિવર્તન આવ્યું તેની સાથે શિક્ષણ જગતમાં પણ ઘણા ફેરફારો સ્વીકૃતિ બનવા લાગ્યા. હવે શિક્ષણ માત્ર સંતાનનું નહી પણ કુટુંબનું કાર્યક્ષેત્ર બન્યું છે. શાળાઓ સાથે કુટુંબ(સમાજ) નું જોડાણ આજના સમયનો નવો વિચારછે. બાળકોના વિકાસ અને વિચાર પ્રક્રિયાને કેળવવામાં બંને સાથે મળીને નિર્ણયો લે તે ખુબ જરૂરી છે. શિક્ષક અને વાલી વચ્ચેનો સંપર્ક અને સંવાદ ખુબ જ અગત્યનો હોય છે. જે બંને વચ્ચે પરસ્પર સહકાર અને વિશ્વાસનો પાયો નાખે છે. આ માટે ફોન કે ચિઠ્ઠીના સંવાદ કરતા પણ પ્રત્યક્ષ મુલાકાત સૌથી મહત્વની ગણાય છે.

વાલીના પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાતનો મુખ્ય હેતુ પોતાનું સંતાન સારું શિક્ષણ મેળવે તેજ હોવી જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે સંવાદ કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે.
જે તે વિદ્યાર્થીની નબળાઈ અને ક્ષમતાથી વાકેફ થઈને ચર્ચા થાય તો વિદ્યાર્થીના વિકાસમાં નક્કર કામ થઈ શકે છે.

એ વાલી-શિક્ષકો વચ્ચેનો સંબધ બાળકોની વિચારશક્તિને ખીલવવામાં ખુબ મહત્વનો ગણવામાં આવે છે. જયારે શાળા અમુક ખાસ પ્રવૃત્તિ કે અભ્યાસલક્ષી નિર્ણયોમાં વાલીઓને સામેલ કરે છે.ત્યારે બાળકના વિકાસમાં તેની હકારાત્મક અસર પડે છે.
વાલીશ્રીઓને બાળકના અભ્યાસની યોગ્ય માહિતી મળી રહે તે માટે આજરોજ અમારા બાલભવનમાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં બાળક ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરે છે અને શિક્ષકોની સાથે વાલીશ્રીની જવાબદારી પણ વધી ગઈ છે. તેથી વાલીશ્રીઓ બાળકોને શૈક્ષણિક સાધનો દ્વારા સહેલાઇથી ભણાવી શકે તે માટે આજ રોજ
“શૈક્ષણિક સાધન” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા વાલીશ્રીઓએ ભાગ લીધો હતો અને સુંદર પ્રતિભાવ આપ્યો હતો.