gajeravidyabhavanguj
વાલી, બાળક અને શિક્ષક વચ્ચેનો સબંધસેતુ- વર્ચ્ચુઅલ વાલીમિટીંગ
"વાલીશ્રી સંતાનોના ભણતર માં સહભાગી બનો."

દરેક માતાપિતા એવું ઈચ્છતા હોય કે પોતાના બાળકનો શાળામાં સર્વાગી વિકાસ થાય અને પોતાનું હોમવર્ક જાતે કરે તથા તમામ સામાન્ય જાણકારી થી વાકેફ રહે તે માટે વાલીશ્રીએ પણ શાળાની દરેક પ્રવૃત્તિ પ્રત્યે જાગૃત રહેવું પડશે. તે માટે શાળા,માતા-પિતા અને બાળકનો સહિયારો પ્રયાસ મહત્વનો ભાગ ભજવે છે.
અત્યારની વિપરીત પરીસ્થિતિમાં સમય બદલાયો છે. વ્યવસ્થા બદલાઈ અને લોકોની આર્થિક-સામાજીક વિચારસરણીમાં પણ પરિવર્તન આવ્યું તેની સાથે શિક્ષણ જગતમાં પણ ઘણાં ફેરફારો સ્વીકૃત બનવા લાગ્યા.

હવે શિક્ષણ માત્ર સંતાનનું નહિ પરંતુ કુટુંબનું કાર્યક્ષેત્ર બન્યું છે અને તે માટે શિક્ષક અને વાલી વચ્ચેનો સંપર્ક અને સંવાદ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. વાલી સાથેના નિયમિત સંપર્કથી શિક્ષક બાળકોની જરૂરિયાતો અને ટેવો બાબતે જાણી શકે છે. જે બાળકના શિક્ષણના પ્રશ્નોને ઉકેલવામાં મદદરૂપ બને છે.
શિક્ષક અને વાલી બનેના કેન્દ્રમાં વિદ્યાર્થી (બાળક) છે. જેના સર્વાગી વિકાસની જવાબદારી આ બન્ને પર રહેલી છે. શાળા અને કુટુંબ ભલે એકબીજાથી ભૌગોલિક અંતર ધરાવે પણ ઉત્તમ નાગરિકોના નિર્માણમાં બંનેના વિચારો, પ્રવૃત્તિઓ વચ્ચેનું અંતર ન્યુનતમ રહે એ જ આદર્શ સ્થિતિ છે.

બાળકના અભ્યાસને લગતી યોગ્ય માહિતી અને આવનારા માસનું આયોજન વાલીશ્રીને મળે તે હેતુથી આજ રોજ અમારી શાળામાં ઓનલાઇન વાલીમિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકના ભવિષ્યને નવી દિશા મળે એ હેતુથી “સુનિતા મેકરસ્પેસ” દ્વારા અલગ-અલગ પ્રકારના એક્ટિવિટી ક્લબ અંગેનું વાલીશ્રીઓને સંપૂર્ણ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું. વાલીમિટિંગમાં દરેક વાલીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાય બાળક ને લગતી શૈક્ષણિક બાબતોને લગતી સમસ્યાનું યોગ્ય માર્ગદર્શન મેળવ્યું.