top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વાલીએ પુરા વિશ્વાસ સાથે બાળકોને શાળાએ મોકલવા જોઈએ.



વાલીએ પુરા વિશ્વાસ સાથે બાળકોને શાળાએ મોકલવા જોઈએ.


કોવિડ-19 ની લોકડાઉનની પ્રક્રિયા પછી જયારે અનલોકની પ્રક્રિયા શરૂ થઇ જેમાં આજે મોટાભાગના ધંધા-રોજગાર શરૂ થઇ ચુક્યાં છે સાથે સાથે અનેક છુટછાટો પણ નીતિ-નિયમોને અનુરૂપ મળી છે અને હવે જનજીવન ધીમે-ધીમે પાટા પર ચડયું છે પરંતુ હજુ શાળામાં બાળકો મોકલવા અંગેની કેટલીક મથામણો ચાલી રહી હતી જેનો હવે અંત આવતો જોવા મળી રહ્યો છે. ઘણાં લાંબા સમય બાદ શાળા-કોલેજો ચોક્કસ નીતિ સાથે શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો અને સોમવારથી ધો-10 અને 12 ની શાળાઓ શરૂ થઇ ગઈ. આ બોર્ડના વિદ્યાર્થીઓમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો અને તેમને સ્વહર્ષ શાળામાં આવવાનું સ્વીકાર્યું. પ્રથમ દિવસે શાળામાં કતારગામ વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી વિનુભાઈ મોરડીયા ઉપસ્થિત રહીને ધો-10 અને 12 ના વિદ્યાર્થીઓને આવકાર્યા હતાં તથા તેમને કોઈ મુશ્કેલી તો નથી ને તે અંગે પણ વિદ્યાર્થીઓ પાસેથી અભિપ્રાય પણ માંગ્યા હતાં જેમાં ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.

શાળામાં જયારે પ્રત્યક્ષ બાળકો આવતાં થયા ત્યારે શરૂઆતમાં થોડી હાજરી ઓછી જોવા મળી પરંતુ મકરસંક્રાંતિની રજા પછી પૂરતી હાજરી જોવા મળી હતી અને વાલીઓનું પણ હકારાત્મક વલણ જોવા મળ્યું હતું. આપણી શાળામાં વિદ્યાર્થીઓનાં આરોગ્યની પૂરતી કાળજી રાખવામાં આવે છે બાળકો જયારે આવે ત્યારે ગન ધ્વારા તાપમાન માપવામાં આવે છે ત્યારબાદ વર્ગખંડમાં જઇને ફરીથી તાપમાન નોંધવામાં આવે છે. હાથ સેનિટાઈઝ કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરાવવામાં આવે છે અને કોવિડ-19 નાં તમામ નીતિ-નિયમોનું પાલન બાળકો કરે તે માટેનું યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને વાલીઓએ બાળકોને પૂર્ણ વિશ્વાસ સાથે શાળામાં મોકલ્યા છે. શાળામાં શિક્ષણ સારામાં સારી રીતે આપી શકાય તે માટે સરકાર અને શિક્ષકો ધ્વારા પ્રયત્નો શરૂ થઇ ગયા છે ત્યારે તેમનો ઉત્સાહ વધે, તેઓ હજુ વધુ સારી રીતે કામ કરી શકે તે માટે વાલીના સાથ-સહકારની જરૂર છે.

અહીં વાલીઓને એવો એક વિશ્વાસ આપી શકાય કે, તમે તમારા ઘરમાં તમારા બાળકને જેટલું અને જે રીતે સાચવો છો, તેનાં કરતાં વધુ સારી રીતે તમારું બાળક શાળામાં સચવાશે જ. આજે તમે વિચારો કે, તમારા ઘરમાં તમારું બાળક કેટલી વાર સાબુ વડે હાથ ઘુએ છે? સેનિટાઈઝરનો કેટલો ઉપયોગ કરે છે? સોશિયલ ડિસ્ટન્સીગનું પાલન કરે છે? તમે બહાર જાવ છો ત્યારે તમારા બાળકને સાથે લઇ જાવ છો જ. આજે બધા બાળકો સોસાયટી કે , મહોલ્લામાં બીજા ઘણાં બાળકો સાથે રમતો રમે જ છે. રેસ્ટોરન્ટમાં તમે તેને જમવા પણ લઇ જાવ છો. ત્યારે ત્યાં તમે સુરક્ષિત માનો છો અને શાળા-કોલેજમાં અસુરક્ષિત માનો છો તે માન્યતા બદલવાની જરૂર નથી લાગતી? હકીકતમાં તમારું બાળક શાળામાં વધુ સુરક્ષિત હશે. શાળામાં શિક્ષકો સુરક્ષા માટેના પ્રયત્નો કરવાનો જ છે, જે તમે અત્યારે નથી કરતાં, ઘરમાં તમે કશું કહેશો તો તમારું બાળક કદાચ નહીં માને, પણ શાળામાં શિક્ષકનું કહેવું માનશે જ. એટલું જ નહી ઘેર આવીને તમને પણ સુરક્ષાના પાઠ શીખવશે. માટે જ દરેક વાલીએ હકારાત્મક વિચારીને પોતાના બાળકને શાળામાં મોકલવું જોઈએ.

ઘણાં સમયથી જયારે શાળા બંધ છે ત્યારે તમારા બાળકને શૈક્ષણિક ઘણું નુકશાન થયું છે. હવે વધુ નુકશાન ન થવા દો. અત્યારે ધો-10 અને 12 શરૂ કરી દીધા. હવે સરકાર દ્વારા પરિસ્થિતિનું તાત્કાલિક સતત મૂલ્યાંકન કરતાં રહી પ્રાથમિક શાળા અને ધો-9 અને 11 ના વર્ગો પણ શરૂ કરવાનું વિચારવું જોઈએ.

73 views0 comments

Recent Posts

See All
bottom of page