top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વિજ્ઞાન એક અમુલ્ય વરદાન


ઈશ્વરે માનવીને બુદ્ધિ આપીને તેને બધા પ્રાણીઓમાં સર્વોપરી બનાવ્યો છે. આદિકાળથી માનવીએ પોતાની બુદ્ધિ દ્વારા તર્કશક્તિનો ઉપયોગ કરી અવનવી શોધો કરી. આજના સમયમાં એવું એકપણ ક્ષેત્ર નથી જ્યાં વિજ્ઞાન ના પહોંચ્યું હોય. જળ, સ્થળ, વાયુ અને અવકાશ દરેક ક્ષેત્રમાં વિજ્ઞાન પ્રગતિ કરી ચુક્યું છે અને અવિરત કાર્યરત છે. ૨૧મી સદી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી. આજના સમયમાં વિશ્વ આખું વિજ્ઞાન ક્ષેત્રે સતત હરણફાળ ભરી રહ્યું છે. આધુનિક માનવજીવન વિજ્ઞાન વગર જાણે પાંગળું બની ગયું છે. વિજ્ઞાને આપણા જીવનમાં અપૂર્વ ક્રાંતિ સર્જી છે.

કાળા માથાના માનવીએ વિજ્ઞાનના સહારે શું શું નથી કર્યુ? ચંદ્ર પર માનવીની અવકાશ યાત્રાથી માંડીને અવનવા ઉપગ્રહો દ્વારા અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. સાગરના પેટાળમાં, જ્વાળામુખીના પેટમાં ઉત્તર ધ્રુવના નિર્જન-બરફ-રણમાં અરે! જ્યાં સૂર્યના કિરણ પણ નથી પહોંચી શકતા ત્યાં વિજ્ઞાનના સાધનોની મદદથી પહોંચીને માનવીએ કેટ-કેટલા અણખુબીયા રહસ્યો ઉઘાડી નાખ્યા છે. વળી અનેક જીવલેણ રોગો સાધ્ય બનાવ્યા તેમજ અત્યંત ઝડપી વાહનોની શોધો કરી. જે માનવજાત માટે એ ઈશ્વરીય વરદાન છે. અગ્નિ અને ચક્રની શોધથી આદિમાનવના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. જેથી આ બંને શોધને પાયાની શોધ માનવામાં આવે છે.

વિજ્ઞાનના તત્વો અને સિદ્ધાંતો દ્વારા આપણી કલ્પનાઓને પાંખો આપવાનો શ્રેય આપણા દેશના મહાન વૈજ્ઞાનિકોના ફાળે જાય છે. ભારતની ધરતી પર કેટલાય મહાન વૈજ્ઞાનિકોએ જન્મ લીધો છે જેમની અવનવી શોધે વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો છે તેમના જ એક મહાન વૈજ્ઞાનિક એટલે ડો. સી. વી.રામન જેમણે ૧૯૨૮ માં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રકાશના કિરણોની અલગ અલગ તરંગ લંબાઈ પર વિખેરાઈ જવાની પ્રક્રિયાનું ખૂબ જ બારીકાઈથી અવલોકન કરી તેને લોકો સમક્ષ મૂકી હતી. આ શોધને"રમન ઈફેક્ટ" તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની આ શોધને યાદગાર બનાવવા માટે દર વર્ષે ૨૮ મી ફેબ્રુઆરીને ‘વિજ્ઞાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

પરિવર્તન ક્ષેત્રે શિક્ષણ સાથે વિજ્ઞાન ક્રાંતિના બીજાંકુરણ થાય એ હેતુથી અમારા બાલભવનમાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને વિજ્ઞાનનું મહત્વ સમજાવી તેના લાભ અને ગેરલાભની સમજ આપી. બાળકોએ શિક્ષકોની સાથે મળી ખૂબ જ સરસ વિવિધ પ્રયોગો કર્યા હતા અને બધા જ પ્રયોગો ખૂબ જ ઉત્સાહથી નિહાળ્યા હતા.

“વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન,વિશેષ જ્ઞાન,

એનું મહત્વ સમજવું જરૂરી છે”

210 views0 comments
bottom of page