gajeravidyabhavanguj
વસંત પંચમી : દેવી સરસ્વતીની આરાધનાનો અનેરો અવસર

"દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના?
આ ડાળ-ડાળ જાણે કે રસ્તા વસંત ના,
ફૂલો એ બીજું કૈ નથી પગલાં વસંતના,
રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો,
મુકામ તેણે વનમાં જમાવ્યો”
કુદરતે ભારતને ઋતુઓની વિવિધતા આપી છે. પ્રત્યેક ઋતુઓમાં ધરતીમાતા પણ વૈવિધ્યપૂર્ણ રીતે મનોહર, નયનરમ્ય પોતાનું આગવું સૌંદર્ય ખીલવે છે. પ્રત્યેક ઋતુને તેના આગવા રંગ-રૂપ અને સૌંદર્ય હોય છે. વસંતઋતુના સૌંદર્ય ની તો વાત જ નિરાળી છે. વસંત એ નવસર્જનની ઋતુ છે.
"અલબેલી વસંત એટલે સૃષ્ટિ નો શણગાર"
વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની પૂજા થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર વસંત પંચમીના દિવસે જ જ્ઞાન, વાણી, કળા તેમજ સંગીતની દેવી મા સરસ્વતી ની ઉત્પત્તિ થઈ હતી. બ્રહ્મદેવે જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે ચારે તરફ સન્નાટો હતો. ત્યારે તેમને વાણી તેમજ કળા ની દેવીની ઉણપ અનુભવી પછી તેમણે માતા સરસ્વતીનું આવાહન કર્યુ. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી કમળ પર બિરાજમાન થઇને હાથમાં વીણા પુસ્તક ધારણ કરીને પ્રગટ થયા હતા.

વસંતપંચમીએ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો તહેવાર મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. દક્ષિણમાં એને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. આ દિવસે જ્ઞાન અને સ્વર ની દેવી માતા સરસ્વતીની પૂજા કરવાનું માહાત્મય છે.
"ખુશનુમા સવાર, વાસંતી વાયરાની સાંજ,
વૃક્ષની ડાળીએ ખીલેલી લીલી કુંપળ,
રંગબેરંગી ફૂલોની ફોરમ,
વૃક્ષો પર ખીલી ઉઠતી મહોર,
પંખીડાનો કલરવ, ભમરાનું ગુંજન,
લઈને આવી વસંત.....”

ભગવાન શ્રીકૃષ્ણ એ વસંત પંચમીના શુભદિને માતા સરસ્વતીની પૂજા કરી વિદ્યા અભ્યાસની શરૂઆત કરી હતી જેથી વિદ્યા અભ્યાસના આરંભ માટે આ દિવસ શુભ માનવામાં આવે છે.
અમારા બાલભવનમાં વસંત પંચમીની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વસંત પંચમી ની એક્ટિવિટી રૂપે બાળકને પીળા રંગનું મહત્વ સમજાવવા માટે કાંટા ચમચીથી ભીંડાનું છાપકામ, કરોઠી થી કમળમાં રંગ પુરણી કરાવી હતી. અમારા નાના બાળકોએ ભારતનાટ્યમ દ્વારા સરસ્વતી વંદના કરી હતી.

માતા સરસ્વતી સાહિત્ય, સંગીત અને કલાનું સર્જન કરનારી છે તેથી સંગીતના વાદ્ય (સાધન) અને પુસ્તકોની પૂજા કરી બાળકોને વિદ્યાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
"હે માં સરસ્વતી મારી કલમને તું સત્ય માટે ચલાવ..., મારા શબ્દોને મારું આચરણ બનાવ, મારી કલમ એ સ્વાર્થ થી ઘણી દૂર રહે અને નિ:સ્વાર્થ ભાવે લગતી રહે..."
આપ સૌને વસંત પંચમી ની શુભકામના.
'નિસર્ગનું યૌવન એટલે વસંત પંચમી'