gajeravidyabhavanguj
વર્ષાની પ્રથમ હેલી એટલે પૃથ્વીની પ્રેમાળ સહેલી- Rainy Day
“ફૂલો કહી રહ્યાં હતા ઊડતાં વિહંગને,
વર્ષા સાથે માણીએ ટહેલી સુગંધને”

પ્રત્યેક ઋતુને તેના આગવા રંગ-રૂપ અને સૌંદર્ય હોય છે એમાં વર્ષાઋતુના સૌંદર્યની તો વાત જ નિરાળી છે! ગ્રીષ્મની કાળઝાળ ગરમીથી પશુ પંખીઓ અને માનવીઓ આકાશ તરફ મીટ માંડીને વર્ષના આગમનની રાહ જુએ છે.

આબોહવા પ્રમાણે ભારતમાં વર્ષની ઋણ ઋતુઓનો અનુભવ થાય છે. ભારતમાં શિયાળો સ્ફૂર્તિદાયક અને આરોગ્ય વર્ધક ઋતુ છે. જયારે ઉનાળો ગરમ,સુકી અને અકળાવનારી ઋતુ છે અને આપણો દેશ ખેતીપ્રધાન હોવાથી ચોમાસું એ સૌથી અગત્યની ઋતુ છે.
“આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ,
ઊની ઊની રોટલીને કારેલાનું શાક”

પાણી વગરના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે અને એટલે જ દયાળુ પ્રકૃતિ એ પૃથ્વીવાસીઓને પાણીના અનેક સ્ત્રોત આપ્યા છે. પાણીનો સૌથી મોટો સ્ત્રોત વરસાદ છે અને બીજા બધા સ્ત્રોત પણ વરસાદ પર જ નિર્ભર છે.

ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતીનો મુખ્ય આધાર વરસાદ પર રહેલો છે. વર્ષાની પ્રથમ હેલી માનવહૈયાને આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે. વાતાવરણમાં માટીની ભીની સોડમ પ્રસરી જાય છે. વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાની પધરામણી થાય છે. ધરતી નવલું રૂપ ધારણ કરે છે.

ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું મનોહર દ્રશ્ય આંખને ઠારે છે. નવા પાણીથી છલકાતા જળાશયો જીવંત લાગે છે. આ ઋતુમાં અવાર નવાર દેખાતું સપ્તરંગી મેઘધનુષ્ય નીલગગનમાં શોભી ઉઠે છે. ચારે તરફ આનંદનું વાતાવરણ છવાઈ જાય છે. વર્ષાઋતુનું આગવું સૌંદર્ય છે. તો તેની કેટલીક મુશ્કેલીઓ પણ છે. હવા પાણી અને ખોરાક એ

માનવજીવનની ત્રણ મુખ્ય જરૂરિયાતો છે. હવા તો કુદરતે આપણને વિપુલ પ્રમાણમાં આપી છે. પરંતુ પાણી અને અનાજની વિપુલતાનો આધાર વરસાદ પર છે.
“જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી”
પ્રકૃતિનું એક સ્વરૂપ રમ્ય છે, તો બીજું સ્વરૂપ રુદ્ર પણ છે.

વર્ષાઋતુમાં ક્યારેક અતિવૃષ્ટિ થાય છે અને જાનમાલનું ભારે નુકશાન થાય છે. કુદરત તેના રમ્ય અને રોદ્ર એમ બંને સ્વરૂપના દર્શન કરાવી આપણને તેની અથાગ શક્તિનું અને આપણી પામરતાનું ભાન કરાવે છે.

આમ, વર્ષાઋતુમાં સૌના જીવન માટેનો મુખ્ય આધાર છે. સાચે જ વર્ષાઋતુ અન્નપુર્ણા છે. તેનું પ્રાકૃતિક સૌંદર્ય અને તેની મહતાને ધ્યાનમાં લઈને જ કવિઓએ તેને ‘ઋતુઓની રાણી’ કહીને બોલાવે છે. કવિશ્રી બાલમુકુંદ દવે એ વરસાદના સૌમ્ય રૂપને કાવ્યમાં ઉતાર્યું છે.
“આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલોજી પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલોજી.”
બાળકોને વરસાદનું મહત્વ સમજાય એ હેતુથી અમારા બાલભવનમાં ‘રેની ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં બાળકોને ઋતુચક્રની સમજ આપી બાળકોને વરસાદ ઋતુમાં ઉપયોગમાં લેવાતા વસ્ત્રો, ફળો, ખોરાક અને તહેવારો વિશે માહિતી આપી. શિક્ષકોએ બાળકોને ‘પરોપકારી વાદળી’ નાટ્યકૃતિ દ્વારા વરસાદનું મહત્વ સમજાવ્યું અને હસ્તકામમાં માર્બલ પેપરમાંથી હોડી બનાવી તેનું ચિટકકામ કરાવ્યું અને છત્રીના ચિત્રોમાં રંગપુર્ણી કરાવી.સાથે જ બાળકોએ છત્રી અને રેઇનકોટ પહેરીની વર્ષાગીત પર ડાન્સની મજા માણી.