gajeravidyabhavanguj
યોગ કર્મશુ કૌશલમ

"યોગ કરો,રહો નિરોગી"
આજના ઝડપી જીવનમાં એવી ઘણી ક્ષણો છે જેણે આપણી ગતિને બ્રેક મારી દીધી છે. આપણી આસપાસ ઘણા કારણો છે જે તણાવ, થાક અને ચીડિયાપણું આપે છે. જેના કારણે આપણું જીવન પરેશાન થાય છે આવી પરિસ્થિતિમાં જીવનને સ્વસ્થ રાખવા યોગ એ રામબાણ ઈલાજ છે. જે મનને શાંત અને ઠંડુ રાખે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે.
આપણું મન ખૂબ જ ચંચળ અને અસ્થિર હોય છે. યોગ મનને સ્થિર રાખવા માટેનું ઉત્તમ સાધન છે. યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે "જોડ" અને બીજો છે "સમાધિ" જ્યાં સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે.
યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી ઉત્તમ ભેટ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ યોગનો અર્થ સમજાવતા અર્જુનને કહ્યું છે "યોગ કર્મશુ કૌશલમ" અર્થાત કુશળતા પ્રાપ્ત કરવી એનું નામ યોગ. યોગ માન્યતા અનુસાર શિવની પ્રથમ યોગી અથવા પ્રથમ ગુરુ તરીકે જોવામાં આવે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ યોગના મૂળ આઠ અંગો છે જેને અષ્ટાંગ યોગ પણ કહે છે.
"યોગ માનવ ના શરીર, મન અને આત્માને. ઉર્જા, શક્તિ અને સુંદરતા પ્રદાન કરે છે."

યોગ એ મનોવિજ્ઞાન છે. જીતની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકામા વિચારો દૂર કરી સ્વયમ્ ના વિકાસ માં ઉપયોગી થાય એવા વિચારોને સ્થિર કરવા એ યોગનું લક્ષ્ય છે.
૨૧ મી જૂનનો દિવસ એક ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે. જેને ગ્રીષ્મ સક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણાયન થાય છે અને જ્યારે સૂર્ય દક્ષિણાયન થાય તે સમયે આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવી લાભકારી છે તેથી ૨૧ જૂનને "વિશ્વ યોગ દિવસ" તરીકે પસંદ કરવામાં આવ્યો છે. યોગ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે અને તેથી જ આપણી યોગવિદ્યા દેશ-વિદેશમાં પણ પ્રચલિત બની છે.
"જીવન જીવવાની શ્રેષ્ઠ કળા એટલે યોગ"
બાળકોને યોગ અને કસરતનું મહત્વ સમજાય તે હેતુથી અમારા બાલભવનમાં "વિશ્વ યોગ દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં શિક્ષકો દ્વારા બાળકોને એરોબિક, એનિમલ યોગા, લાફટર યોગા, આલ્ફાબેટ યોગા કરાવવામાં આવ્યા હતા તેમજ યોગ ટ્રેનર ફેનિલ બારડોલીવાલાએ શિક્ષકોને ઓમકાર, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર અને જુદા જુદા આસનો કરાવ્કા હતા અને યોગનું આપણા જીવનમાં શું મહત્વ છે તેની સમજ આપી હતી.