gajeravidyabhavanguj
મુલ્યશિક્ષણ :- આજના સમાજની આવશ્યકતા
"નીતિમુલ્યો બાળકમાં રોપી શકાય નહિ,
આપણા ચારિત્ર્ય થકી તે બાળકમાં ઉપસી આવે છે"

જીવનના કેટલાય સિદ્ધાંતો એવા છે. જેની ઉપરવટ જઈને માણસ ક્યારેય કશું મેળવતો નથી. માનવીને જીવનના વિકાસમાં શિક્ષણનું અત્યંત મહત્વ રહેલું છે. માણસની આર્થિક, સામાજીક, માનસિક પરિસ્થિતિ તેના શિક્ષણ પર આધાર રાખે છે. ખરેખર તો શિક્ષણનો અને માનવજીવનનો મુખ્ય હેતુ શ્રેષ્ઠતમ ચારિત્ર્યમૂર્તિમાં પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે.
શ્રેષ્ઠતમ નીતિમૂલ્યોનું શિક્ષણ બાળકના જીવન ઘડતરનું અતિમહત્વનું પાસું છે અને આ મુલ્યો થકી જ બાળકમાં સત્ય, પ્રમાણિકતા, વિવેક, નમ્રતા, પરિશ્રમ જેવા સદગુણોનો વિકાસ થતો હોય છે. તેથી જ દરેક માતા-પિતા એવું ઈચ્છે છે કે પોતાના સંતાનો એક આદર્શયુક્ત અથવા નીતિમય જીવન જીવવાની ક્ષમતા તથા આવડત ધરાવતા હોય જેથી તેઓ જીવનમાં પોતાનો લક્ષ પ્રાપ્ત કરી શકે.
"નીતિમુલ્યોની કેળવણી ખરેખર તો સમગ્ર કેળવણીનો હાર્દ છે. આ કેળવણી પોતાના બાળકોને આપી માતા-પિતા ખરેખર તો સમાજ કે રાષ્ટ્રને કેળવે છે." અને આવા જ નીતિમુલ્યોના આગ્રહી, જીવદયા અને માનવ સેવાના કાર્યો થકી પુણ્યનું ભાથું ભેગું કરી લોક હૃદયમાં અનેરું સ્થાન બનાવી અમર થનારા અમારા હરીદાદા.
મૂળ અમરેલીના અને ગજેરા સ્કુલના આદ્યસ્થાપક અને પ્રેરણાસ્ત્રોત એટલે શ્રી હરીભાઈ જીવરાજભાઈ ગજેરા. જેઓ વ્યવસાયે ખેડૂત હતા પરંતુ શિક્ષા અને સમાજસેવા તેના રંગેરંગમાં વણાયેલા હતા.
“જનસેવા એ જ પ્રભુ સેવા” ના ભાવને જીવનમાં સાચા અર્થમાં ચરિતાર્થ કરી સમાજમાં માનવતાની મહેક અને સેવાની સુવાસ પ્રસરાવી ગયા. પૂજ્યશ્રી હરીદાદા એ રોપેલા શૈક્ષણિક બીજ આજે ‘ગજેરા વિદ્યાભવન’ રૂપે વટવૃક્ષ બનીને અડીખમ ઊભું છે. જેના સાનિધ્યમાં અનેક બાળપુષ્પો ખીલી રહ્યાં છે. તેમનું ઋણ ક્યારેય ચુકવી શકાશે નહી. સેવા, શ્રમ, તપસ્યા, સાદગી, વિનમ્રતા જેવા ગુણોના સાક્ષાત પ્રતિમા સમાન પૂજ્ય શ્રી હરીદાદાની પુણ્યતિથી નિમિત્તે અમારા નાના નાના બાળપુષ્પો તેમને પ્રેમથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યાં છે.
આજે હરીદાદાની પુણ્યતિથી નિમિત્તે “ફાઉન્ડર્સ ડે” અંતર્ગત બેચ સેરેમની રાખવામાં આવી હતી.

જેમાં સૌપ્રથમ વડીલોનું પૂજન કર્યુ ત્યારબાદ વર્ગના પ્રતિનિધિઓને બેચ પહેરાવી સન્માનિત કર્યા જેથી તેઓ (બાળકો) હરીદાદાના જીવનમાંથી પ્રેરણા લઈ સફળતાના ઉચ્ચત્તમ શિખરો સર કરી પોતાનું લક્ષ પ્રાપ્ત કરે. ત્યારબાદ દરેક પ્રતિનિધિએ પોતાનું કાર્ય નિષ્ઠા અને પ્રામાણિકતાથી કરવાના શપથ લીધા.
પૂજ્ય હરીદાદાને કોટી કોટી વંદન...
