top of page
  • Writer's picturegajeravidyabhavanguj

“મારું જીવન એ જ મારો સંદેશ છે- મહાત્મા ગાંધી”


“સત્ય અહિંસાના તાંતણે સૌને રાખ્યા બાંધી

બીજું કોઈ નહીં, હતા એ સૌના મહાત્મા ગાંધી”

ભારતીય સ્વતંત્રતા ચળવળ એ ભારતમાં બ્રિટિશ શાસનનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ચળવળ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી ચાલી હતી.

ભારતની આઝાદીનો ઈતિહાસ અતિભવ્ય છે. ભારત પરંપરાગત સંસ્કૃતિ અને અવતારી પુરુષોનો દેશ છે. દેશને અંગ્રેજોની ગુલામી માંથી આઝાદી અપાવવા અનેક દેશ બાંધવો એ તન-મન અને ધનનું બલિદાન આપીને ગુલામી માથી મુક્તિ અપાવી. જેમાં મહાત્મા ગાંધીનો મુખ્ય ફાળો રહેલો છે. તેમના નેતૃત્વ હેઠળ સત્ય અને અહિંસાથી આઝાદી મેળવી ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી દીધી.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક "મોહનદાસ કરમચંદ ગાંધી" વિશ્વ માનવ હતા. તેઓ મહાત્મા ગાંધીના નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું બહુમાન પામ્યા છે.

બીજી ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ પોરબંદરમાં જન્મેલા મહાત્મા ગાંધી ભારતમાતાના પનોતા પુત્ર હતા. તેઓ સત્ય, અહિંસા અને સદાચાર જેવા સદગુણોના પ્રખર હિમાયતી હતા.

ગાંધીજી રાજકીય અને સામાજિક પ્રગતિ હાંસલ કરવા માટે તેમના અહિંસક સત્યાગ્રહના સિદ્ધાંત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આદરણીય છે. ગાંધીજીનું પૂરુંનામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. તેમના પિતા રાજકોટના દિવાન હતા તેમની માતાનું નામ પૂતળીબાઈ હતું.

ગાંધીજીએ પોરબંદરમાં જ માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા વિલાયત ગયા અને કાયદાનું શિક્ષણ મેળવ્યું. દક્ષિણ આફ્રિકામાં કાળા, ગોરા નો ભેદભાવ જોઈ તેમને સત્યાગ્રહ કરવાની પ્રેરણા આપી.

"સાદગી, સદાચાર અને સહિષ્ણુતાની જીવતી જાગતી મૂર્તિ એટલે મહાત્મા ગાંધી"

આફ્રિકાથી ભારત પાછા ફર્યા બાદ તેમણે સ્વરાજ્ય માટે અંગ્રેજોની સામે અહિંસક લડત શરૂઆત કરી. તે માટે તેમણે અમદાવાદમાં કોચરખની પાસે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી અને ત્યાર પછી સાબરમતી આશ્રમની સ્થાપના કરી દેશને આઝાદ કરાવવા માટે તેમણે સત્ય અને અહિંસાના માર્ગે દેશવ્યાપી આંદોલનો કર્યા. અંગ્રેજોએ જ્યારે મીઠા ઉપર કર નાખ્યો ત્યારે ગાંધીજીએ આ કાયદાનો ભંગ કરવા સાબરમતીના આશ્રમથી દાંડીકૂચ કરી અને પ્રતિજ્ઞા લીધી કે “સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું” આપણા દેશની ગરીબાઈ જોઈ તેમને પોતડી પહેરી, સ્વાવલંબનને ઉત્તેજન આપવા તેઓ જાતે રેટિયો કાપતા અને સ્વદેશી માલના વપરાશ માટે તેમણે ખાદી અપનાવી.

ગાંધીજીના લગ્ન માત્ર ૧૩ વર્ષની ઉંમરે કસ્તુરબા સાથે થયા હતા. કસ્તુરભાઈએ ગાંધીજીને દરેક આંદોલનોમાં ખૂબ જ સારો સાથ આપ્યો હતો.

ગાંધીજીએ હિન્દુ-મુસ્લિમની એકતા માટે, અસ્પૃશ્ય નિવારણ માટે તથા હરિજનોની સ્થિતિ માટે ઘણા પ્રયત્નો કર્યા જેથી તેઓ રાષ્ટ્રપિતા કહેવાયા. ગાંધીજીએ લખેલી આત્મકથા "સત્યના પ્રયોગો" આજે પણ લોકો માટે માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડે છે.

ઈ.સ.૧૯૪૮ ના જાન્યુઆરી માસની ૩૦ મી તારીખે ગાંધીજી સાંજની પ્રાર્થના સભા માટે જઈ રહ્યા હતા ત્યારે નાથુરામ ગોડસે નામના હત્યારા એ તેમને ગોળીઓથી વીંધી નાખ્યા. ગાંધીબાપુની સમાધિ દિલ્હીમાં આવેલી છે આપણે જેને રાજઘાટ તરીકે ઓળખીએ છીએ.

અમારા બાલભવનમાં પણ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને નાટક દ્વારા ગાંધીજીના જીવનચરિત્ર તેમજ તેના મૂલ્યોનો પરિચય કરાવ્યો હતો.

"પોતડી, ચશ્મા અને એક લાકડી,

જે હજારો તોપને ભારે પડી,

સત્યને સહેવો પડ્યો તો રંગભેદ,

લાલ પીળી થઈ ઉઠી તી એ ઘડી"

574 views0 comments
bottom of page