gajeravidyabhavanguj
માતૃભાષા નું મહત્વ
લાગણીના જળ વડે વંદન કરું છું,
શબ્દોને કાગળ પર ઘસી ચંદન કરું છું.
બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી ,
માતૃભાષાને પ્રથમ વંદન કરું છું.

“કોઈ દર્દ થાય ને ચીસ પડે” ઓ માં ‘ઓ માં......’ એ ‘માં ‘ એટલે માતૃભાષા.”
વ્યક્તિના જીવનમાં માતૃભાષા નું સ્થાન અત્યંત મહત્વનું છે. વ્યક્તિની વિચારવાની ટેવ, વિષયો, કલ્પનાઓ વગેરેમાં માતૃભાષા મહત્વનું યોગદાન આપે છે. આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. તેની સાથે જ્ઞાનની ગંગામાં પણ ભરતી આવી છે. દિવસે ને દિવસે શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે. તેમાં ઉતરોત્તર નવા નવા અભ્યાસક્રમોનો ઉમેરો થઈ રહ્યો છે. તેમાંય ખાસ કરીને અંગ્રેજી ભાષાના શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. દિવસેને દિવસે અંગ્રેજી ભાષા પર વધુ ભાર મુકતાની સાથે સાથે માતૃભાષા પ્રત્યે દુર્લક્ષ સેવાતુ ગયું છે.
બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડયું જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો , કલુઘેલું બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.
માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે. કલા, સાહિત્ય, સંગીત માતૃભાષા દ્વારા જ વિકાસ પામે છે. બાળકની સર્જન શીલતા પણ માતૃભાષામાં જ ગતિશીલ હોય છે. જે બાળક બીજી ભાષાના માધ્યમથી ભણે છે તેનો મૌલિકતાનો આંક ઘણો નીચો હોય છે. તે ગોખેલી માહિતીના આધારે જ અધ્યયન કરતો હોવાથી પોપટિયું જ્ઞાન મેળવે છે. તેની અન્ય સાથે પ્રત્યાયન ક્ષમતા વાતચીત કરવાની ગતિ પણ માતૃભાષા જેવી સ્વાભાવિક હોતી નથી.
ભાષા એ સંવાદનું માધ્યમ છે. આપણે આપણા વિચારો, ઊર્મિઓ ભાવનાઓની અભિવ્યક્તિ ભાષાના માધ્યમથી કરીએ છીએ. પરિણામે આપણો સઘળો વ્યવહાર, શિક્ષણ વ્યવસ્થા માતૃભાષા આધારિત છે. આપણા દેશના ઘણા રાજ્યોની રચના પણ ભાષા આધારિત થયેલ છે. જેમ કે ગુજરાત તો ગુજરાતી, મહારાષ્ટ્ર તો મરાઠી, પંજાબ તો પંજાબી, તામિલનાડુ તો તમિલ.
માતૃભાષા નું મહત્વ સમજાવવા માટે જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે ખુબ જ સાચુ કહ્યું છે કે, “માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે.”
બાળક માના ખોળામાં જેટલું ખીલે એટલું આયા ના ખોળામાં ન જ ખીલે એ સીધી સરળ વાત આજે અચાનક કેમ વિસરાઈ ગઈ હશે?
“અંગ્રેજી ગેસ્ટ ભાષા છે માતૃભાષા બેસ્ટ ભાષા છે.”
માતૃભાષા દિન નિમિત્તે ગજેરા વિદ્યાભવન કતારગામ પ્રાથમિક વિભાગમાં ધોરણ ૫ થી ૭ ના વિદ્યાર્થીઓએ અલગ અલગ રાજ્યમાં બોલાતી ભાષામાં પોતાનો પરિચય આપ્યો હતો.. તેમજ જુદા જુદા રાજ્યો વિશેની માહિતી, જે તે રાજ્યનો પહેરવેશ અને ખોરાક વિશે પણ સરસ માહિતી આપી હતી.