gajeravidyabhavanguj
મને ગર્વ છે મારી માતૃભાષા પર
"માં સમાન સાવ પોતીકી,
હૂંફાળી અને તારણહાર,
મારી માતૃભાષા"

ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. વ્યક્તિની વિચારવાની ટેવ, વિષયો, કલ્પનાઓ વગેરેમાં માતૃભાષાનું સ્થાન અત્યંત મહત્વનું છે.

માતૃભાષાનો શાબ્દિક અર્થ મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા એવું કહી શકાય. માતૃભાષા એટલે માતા સમાન ભાષા. પરિવારમાં બોલાતી ભાષા એટલે ‘માતૃભાષા’ જે ભાષામાં માતૃભાષાએ બાળકના હૃદયના ધબકાર સાથે ગૂંથાતી હોય છે. બાળકનું હસવું, રડવું જે ભાષાનો શબ્દ બાળકે સૌ પ્રથમ સાંભળ્યો. કાલુ-ઘેલું બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. જે ભાષાએ બાળકમાં સંસ્કારોનું સિંચન કર્યુ તેમજ સંસ્કૃતિ આપી તેને સંસ્કારની ભાષા પણ કહી શકાય છે.
"ભાષા અભિમાન વિનાનું, દેશાઅભિમાન વ્યર્થ છે"
આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. અહીં જુદા જુદા ધર્મના જુદા જુદા પ્રાંતના લોકો વસે છે જે પોત પોતાની ભાષા બોલે છે. જેમ કે ગુજરાત તો ગુજરાતી, મહારાષ્ટ્ર તો મરાઠી, પંજાબ તો પંજાબી વગેરે... ભાષા એ સંસ્કારો અને સંસ્કૃતિની જનની છે. સંસ્કૃત ભાષા એ દરેક ભાષાનું મૂળ છે અને આપના દેશમાં તો બાર ગામે બોલી બદલાય છે.
"વિવિધતામાં એકતાનો પાઠ સૌને પઢાવે છે,
માતૃભાષા એવી ચાર દિશાને એક સંગ બાંધે છે"

આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. તેની સાથે સાથે જ્ઞાનની ગંગામાં પણ ભરતી આવી છે. દિવસે ને દિવસે અંગ્રેજી ભાષાના શિક્ષણ પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે અને માતૃભાષા પ્રત્યે દુલક્ષ સેવાતું ગયું છે અને તેથી જ લોકો માતૃભાષા પ્રત્યે જાગૃત થાય અને પોતાની માતૃભાષા માટે શહીદ થયેલા બંગાળવાસીઓની યાદમાં ૨૦૦૦ની સાલ થી ૨૧ મી ફેબ્રુઆરી ના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
બાળકો જુદા જુદા રાજ્યોની જુદી જુદી ભાષાઓથી પરીચિત થાય અને માતૃભાષાનું મહત્વ સમજે એ હેતુથી આજરોજ અમારા બાલભવનમાં વિશ્વ માતૃભાષાનું દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ અને બાળકોએ વિવિધ રાજ્યો પ્રમાણે પહેરવેશ પહેરી બાળકોને વિવિધ સંસ્કૃતિઓની ભાષા વિશેની સમજ આપી હતી તેમજ ડ્રામા દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું.
