gajeravidyabhavanguj
ભાર વગરનું ભણતર એટલે પ્રવૃત્તિમય શિક્ષણ

બાળકોમાં રહેલી ઉત્સુકતા જ તેમનામાં રહેલી વિદ્યાની તરસને તૃપ્ત કરે છે. કહેવાય છે કે વિદ્યા કામધેનુની જગ્યા પણ લઈ શકે છે. જે રીતે કામધેનુ મનુષ્યની બધી ઈચ્છા પૂર્ણ કરે એ રીતે વિદ્યા પણ મનુષ્યના બધા જ સપના સાકાર કરવામાં મદદ કરે છે. વિદ્યા એ ગુપ્તધન છે. જે મુશ્કેલીના સમયમાં મદદ કરે છે. વિદ્યા બાળકના જીવનમાં પરિવર્તન લાવી એને ધૂપસળીની જેમ મહેકાવે છે.

વિદ્યા માણસને સુસંસ્કૃત બનાવે છે. શિક્ષણ એ મનુષ્યની એક અનન્ય ગુણવત્તા છે. શિક્ષણ થકી જ પ્રગતિના શિખરે પહોંચે છે.
શિક્ષણના ક્ષેત્રે પરીક્ષણ અને મૂલ્યાંકનનું સ્થાન મહત્વનું રહ્યું છે કારણકે માતા-પિતા અને શિક્ષકોએ વિદ્યાર્થીઓની પ્રગતિ કેવી છે અને શિક્ષણના કોઇપણ વ્યક્તિગત તબક્કે તેની સિદ્ધિ કેવી રહી છે તે અમુક અમુક સમયે જાણવું જરૂરી છે. બાળકને સંતોષકારક અને સાચા પ્રકારનું શિક્ષણ મળી રહ્યું છે કે નહિ તે વિશે ખાતરી કરવી જરૂરી છે.
મૂલ્યાંકન દ્વારા જ બાળકની પ્રગતિમાં કેટલો વધારો છે તે જોવા મળે છે અને શિક્ષકો દ્વારા નિત નવી પધ્ધતિ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે તો બાળકમાં પરીક્ષાનો ભય રહેતો નથી.
બાળકોનું સર્વાગી વિકાસ પ્રત્યક્ષીકરણ, જીજ્ઞાસાવૃત્તિ તથા સર્જનશકિતના વિકાસમાં સમાયેલી છે. જીવનલક્ષી કેળવણી અને વ્યવહારએ બાલકેન્દ્રી શિક્ષણનો મુખ્ય હેતુ છે.
બાળકમાં અભ્યાસ પ્રત્યે પ્રેમ, રસ અને ઉત્સુકતા જાગૃત થાય એ હેતુથી અમારા બાલભવનમાં ભાર વગરના ભણતર પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. જે માટે બાળકોને દરેક વિષયમાં ક્રિએટીવ અસેસ્મેન્ટ લેવામાં આવ્યું. જેમાં વિવિધ રમતો અને એક્ટીવીટી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે.