gajeravidyabhavanguj
બાળવાર્તા નો ખજાનો

જીવનના મુલ્યો શીખવાડવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ એટલે વાર્તા
વાર્તાએ માનવજીવનનો અજરઅમર વરસો છે. વાર્તા અબાલ-વૃદ્ધ બધાને ગમે છે. બાળકોને તો વાર્તા અત્યંત પ્રિય હોય છે. વાર્તા અને બાળકો બંને વચ્ચે એક અનોખો સબંધ હોય છે. બાળકોના મન પર વાર્તાઓ ઝડપથી કાબુ મેળવી લે છે. વાર્તા એ એક એવી દુનિયા છે જ્યાં ઘણા સંજોગોનો સમન્વ્ય આપોઆપ જ થઈ જાય છે એ પછી શિખામણ હોય કે બોધપાઠ. વાર્તા એક એવી સાંકળ છે જે સંબંધોને તો બાંધે જ છે પણ જ્ઞાનમાં પણ વધારો કરે છે. વાર્તા સાંભળવાની ટેવ માંથી જ વાંચનની આદત પડે છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.
બાળકોનું મન પણ એકાગ્ર થાય છે જે તેમને વખત જતા ભણતરમાં મદદરૂપ થાય છે. બાળકો અને માતા-પિતા વચ્ચે આ જ વાર્તાઓ વિચારોના આપ-લે નું માધ્યમ બને છે. બાળવાર્તાઓ એક નવું વિશ્વ બાળક સામે મૂકી શકે છે. વાર્તાથી બાળકની સર્જન શક્તિ અને કલ્પના શક્તિ વધે છે.
વાર્તા એ ભાષા આપવાનું સરળ માધ્યમ છે. વાર્તા એ બાળ જીવનનું અભિન્ન અંગ છે. વાર્તામાં નવા નવા શબ્દો આવતા હોવાથી બાળકનો શબ્દભંડોળ સરળતાથી વધી શકે છે અને જ્ઞાનનો પણ પુરતો વિકાસ થાય છે. બાળકને જેવું સંભળાવીએ એવું એનું ભવિષ્યનું જીવન ઘડાય.
બાળક પોતાની જાતે જ સારગ્રાહી છે. સારું અથવા ખરાબ ગ્રહણ કરવાની શક્તિ બાળકમાં પહેલેથી જ હોય છે. વાર્તા દ્વારા બાળકની કલ્પનાશક્તિ, સ્મરણશક્તિ અને શ્રવણશક્તિ વધુ સતેજ બને છે વાર્તામાં આવતી સમસ્યાઓમાંથી બાળક જીવનની સમસ્યાઓનો ઉપાય શોધે છે. જો વાર્તા યોગ્ય આરોહ-અવરોહ સાથે કહેવાય તો એક આખું ચિત્ર બાળકની આંખ સામે બને છે. આમ વાર્તાનો મુખ્ય ઉદ્દેશ બાળકને કંઈક ને કંઈક નવું શીખવાડવાનો છે. જીવનના મૂલ્યો શીખવાડવા માટે વાર્તા એક શ્રેષ્ઠ માધ્યમ છે.
બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવા અને બાળકમાં આત્મવિશ્વાસનો વધારો થાય એ હેતુથી અમારા બાલભવનમાં વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બાળકોએ ભાગ લીધો હતો અને ખૂબ જ સુંદર રીતે વિવિધ પપેટ્સનો ઉપયોગ કરી પોતાની વાર્તા રજૂ કરી હતી.
"વાર્તા રે વાર્તા, ભાભા ઢોર ચારતા,
ચપટી બોર લાવતા, છોકરા સમજાવતા"