gajeravidyabhavanguj
બાળમાનસ પર સજાની વિપરીત અસર

" બાળકના મનમાં આપણો થોડો ડર તો હોવો જ જોઈએ. નહિ તો બાળક આપણી વાત નહીં માને થોડું કડક તો થવું જ પડે અને જરૂર પડે તો એક ધોલ ધપાટ પણ મારવી પડે" આ બધા શબ્દો આજે દરેક માતાપિતા પાસેથી સાંભળવા મળતા હોય છે.
તો શું ગુસ્સો કરવો, કડક વર્તન કરવું, સજા આપવી એ જ બાળકને સુધારવાનો સાચો માર્ગ છે?
બાળકને અનુશાસનમાં લાવવા માટે આપણે તેની પર દબાણ કરીએ છીએ જેની અસર બાળક પર થોડીક વાર સુધી કે થોડાક કલાક સુધી રહે છે. પાછું બાળક હતું તેવું ને તેવું.
દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક શાલીન, સંસ્કારી, આજ્ઞાકારી હોય, પરંતુ સારો વ્યવહાર શીખવાડવા માટે જરૂરી નથી કે આપણે દરેક વખતે તેમની ભૂલો શોધી બાળકને ધમકાવીએ.

જો બાળક સાથે હંમેશા કડક વ્યવહાર કરવામાં આવે તો તેની અસર બાળક પર થોડીક વાર સુધી કે થોડાક કલાક સુધી જ રહે છે પાછું બાળક હતું તેવું ને તેવું. બાળકને સુધારવા માટે લડવું કે ફટકારવું તે યોગ્ય રસ્તો નથી બાળમાનસ બદલાઈ રહ્યું છે આપણે બદલાવવું પડશે.
હવે નું બાળક બહાર રમવા - કુદવા ઓછું જાય છે. ગિલ્લી દંડા, લખોટી જેવી રમતો હવે લુપ્ત પ્રાપ્યઃ જેવી થઈ ગઈ છે. તેના સ્થાને બાળક ઘરમાં બેસીને ટીવી કે મોબાઈલમાં કાર્ટુન કે વિડીયો ગેમ રમવી વધુ પસંદ કરે છે. જેથી બાળક એકાંકી અને ચીડીયું બની જાય છે. બાળકની સહનશક્તિ ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં બાળકની પરવરીશ કરવી એ પેરેન્ટ્સ માટે એક મોટી કસોટી છે. ક્રોધ કરીને, ડરાવીને, ધમકાવીને બાળકને સુધારી શકાતું નથી.
જો જો તમારી સજાની બાળમાનસ પર વિપરિત અસરો તો નથી થતી ને?

જો શાંતિથી બાળકને તેના વ્યવહાર બદલ શું નુકસાન થાય છે તે સમજાવી દો તો બાળક સમજે અને ફરીથી આવું વર્તન ન કરે.
જો ઘરમાં ખુશીનો માહોલ હોય , બાળકને પોતાની વાત અને વિચારો કહેવામાં છૂટ હોય, તમારો વ્યવહાર બાળક સાથે પ્રેમપૂર્ણ હોય, તમે જો બાળકના નાના મોટા કાર્યોમાં સહભાગી બનો તો બાળકના ગુણોનો વિકાસ થાય છે. જેમકે આત્મવિશ્વાસમાં વધારો, આનંદી સ્વભાવ, નીડરતા પોતાના નિર્ણયો જાતે લેવા, બીજાને મદદરૂપ થવું વગેરે વગેરે.....
છેવટે તમે ખીલવેલા માસુમ પુષ્પના માળી તમે જ છો તે વાત કદાપિ ન વીસરવી જોઈએ.
"વીણવા છે બાગમાં ફૂલડાં અમાપ, સુગંધિત લહેર થઈ ભમવું વનરાઈ, પહોંચવું છે એણે ક્ષિતિજની પાર. નાના બાળકોનું માનસ સપનાઓની ખાણ હોય છે."
બાળપણ એ જીવનનો સુવર્ણકાળ હોય છે.