top of page
  • Writer's picturegajeravidyabhavanguj

બાળક સારો વક્તા કંઈ રીતે બને?


જે કંઈ વિચારો આવે એને અકળાયા, મૂંઝાયા કે ગભરાયા વિના સામી વ્યક્તિને સમજ પડે એટલું જ નહી, સામેની વ્યક્તિ એ માટે સંમત થાય એ રીતે બોલવાની આવડતને કેળવવી જોઈએ. એ વાત સાચી છે કે ઘણાં લોકો પોતાની વાત બેધડક સ્પષ્ટ રીતે કહી શકતા નથી. કુશળ વક્તા બનવા માટે તાલીમ લેવી પડે. પોતાના વિચારોને ક્રમબદ્ધ લખવા હોય અથવા એ વિશે બોલવું હોય તો એ માટે તૈયારી કરવી પડે.

કોઈપણ ક્ષેત્રમાં કાયમ અગ્રેસર રહેવું હોય તો સંભાષણ કલા વિકસાવવી જોઈએ. બોલવામાં આપણે ક્યાં ક્યાં કાંચા પડીએ છીએ, ક્યાં-ક્યાં વિચાર્યા વિના બોલીએ છીએ, ક્યાં ક્યાં વિચારીને બોલ્યા હોવા છતાં આપણી વાત સામેની વ્યક્તિઓને પહોંચાડી શકતા નથી, એનો મનોમન સર્વે કરવા જેવો છે, આપણે આપણા સંતાનોને નાનપણથી જ આદર્શ વક્તા બનવાની કેળવણી આપવી જોઈએ. બોલતા શીખ્યા પછી બાળક કઈ રીતે બોલે છે? એનો અભ્યાસ કરવા જેવો છે.

બાળક ઝડપથી બોલતું હોય અને તેને લીધે શબ્દો એક મેકમાં ભેળસેળ થઈને ઓવરલેપ થતાં હોય. સાચા, સ્પષ્ટ શબ્દો આપણને સાંભળતા ના હોય તો બાળકને વ્હાલ પૂર્વક વારંવાર કહીને બોલવાની ગતી ધીમી કરાવવાની જરૂર છે. એને માટે બાળક જયારે વાત કરતું હોય, કશુંક બોલતું હોય તો એનો અવાજ ટેપ કરીને પછી એને સંભળાવવો જોઈએ અને બોલવામાં ક્યાં ક્યાં ઉતાવળ કરે છે. એ પણ એને સમજાવવું પડે.

બાળક જયારે બોલતું હોય ત્યારે એની વાતની રજૂઆત સારી રીતે કરી શકે એનું ધ્યાન રાખવું જોઈએ. બાળક જયારે વાત કરતું હોય ત્યારે મુદ્દાઓ ઉલટ-સુલટ થઈ જાય, ક્યારેક કશુંક ભૂલી જવું. વગેરે કારણોસર વાત જયારે આપણા સુધી પહોંચાડે નહી ત્યારે બાળક પોતે મુદ્દાને યોગ્ય રીતે સમજી શકતું નથી. એવું વિચારીને લઘુતાગ્રંથિમાં સરી પડે છે. બાળક સાથે એને ખ્યાલ પણ ન આવે એ રીતે અવાર નવાર પ્રસંગોનું આયોજન કરીને બાળકને વધુ બોલવા દેવું જોઈ ક્યારેક બાળકને વાર્તા કરવી જોઈએ અને પછી બાળકને “ચાલ, આજ વાર્તા ફરી કહે” એમ કહીને બાળકની ભાષાશુદ્ધિ કરવી જોઈએ. શાળામાં બાળક શું ભણ્યો? શું કરાવ્યું?

આજે આખા દિવસમાં શું કર્યુ? જેવા પ્રશ્નો પૂછીને બાળક ક્રમબદ્ધ રીતે બોલે એની તાલીમ આપવી જોઈએ.

બાળક જયારે વાત કરતું હોય ત્યારે નીરસ રીતે બોલે તો કોઈને નહિ ગમે. બાળકની ભાષામાં હાવભાવ સાથે આરોહ-અવરોહનું ધ્યાન રાખવું જોઈએ. આદર્શ વક્તા બનવા માટેની ટેકનિક બાળકોને શીખવવી જોઈએ. એ માટે બાળક શાળામાં નાટકમાં ભાગ લે, વકૃત્વ સ્પર્ધામાં ભાગ લે, વારંવાર બોલતું રહે આ રીતે જાત અનુભવો દ્વારા શબ્દોને સમજવાની અને ઓળખવાની તાલીમ આપવી ખુબ જ જરૂરી છે.

એકવીસમી સદીમાં જે ઉત્તમ વક્તા હશે તે જ સફળતાના સર્વોત્તમ શિખરે બિરાજશે. બાળકને સારો વક્તા બનાવવા માટે તર્કબદ્ધ વિચારવાનું અને તે માટે પુસ્તકોનું વાંચન કરતાં પણ શીખવાડીએ.

167 views0 comments
bottom of page