top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ફાસ્ટફૂડ જનરેશન અને શિક્ષણમાં સફળતા.



ફાસ્ટફૂડ જનરેશન અને શિક્ષણમાં સફળતા


કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓનું શાળામાં ભણતર જાન્યુઆરી મહિનાથી શરુ થયેલ છે. ઓનલાઇન શિક્ષણમાં શિક્ષકો માટે વ્યક્તિગત ધ્યાન આપવું શક્ય બન્યું નથી. તેથી ઘણા વિદ્યાર્થીઓ બેદરકાર પણ બન્યા છે. પરંતુ જ્ઞાનપ્રાપ્તિ ફાસ્ટફૂડની જેમ તાત્કાલિક મેળવી શકાતી નથી. એના માટે લાંબો સમય તપસ્યા કરવી પડે છે. તાત્કાલિક તૈયારી કરીને કોઈ પણ પ્રકારની સફળતા શિક્ષણક્ષેત્રમાં મળતી નથી. આ વાત સમજવા માટે એક સત્ય ઘટના દર્શાવું છું.

એક વિદ્યાર્થી જ્યારે નાનો હતો અને સ્કૂલમાં ભણતો હતો ત્યારની આ વાત છે. એકવાર એની સ્કૂલમાં વાર્તા હરીફાઇ યોજાઇ. વાર્તા મોકલવા માટે પૂરા એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. હરીફાઇમાં પ્રથમ આવનાર માટે સોનાનો પ્યાલો આપવાનું પારિતોષિક નક્કી થયું હતું. એની સ્કૂલમાં એની ગણતરી અસામાન્ય બુદ્ધિશાળી તરીકે થતી હતી એટલે સૌનો એવો વિશ્વાસ હતો કે પહેલું ઇનામ તો એ જ જીતી જવાનો, અને એના પોતાના મનમાં પણ આ જ વાત ઘર કરીને બેઠી હતી કે એના સિવાય બીજું કોઇ આ ઇનામ મેળવી શકે તેમ નથી.

વાર્તા લખવા માટે હરીહાઇના આયોજકે એક મહિનાની મુદત આપેલી એ એને ખૂબ જ લાંબી લાગી. એક મહિનામાં તો નહિ-નહિ તોય પંદર વાર્તા લખાઇ જાય એના માટે તો આ કામ ફક્ત બે દિવસનું હતું. એની આ માન્યતાને પંપાળીને એણે અઠ્યાવીસ દિવસ બીજા કામોમા જ કાઢી નાખ્યા. હરીફાઇ આવવાના જ્યારે બે દિવસ બાકી રહ્યા ત્યારે એ વાર્તા લખવા બેઠો. વાર્તા જેમ તેમ કાગળ પર ઘસડી નાખી અને વાર્તા હરીફાઇ વિભાગ પર ઝટપટ મોકલી આપી.

વાર્તા-હરીફાઇનું પરિણામ બહાર પાડવાનો દિવસ આવી પહોંચ્યો. પારિતોષિક પ્રાપ્ત કરવાનાં ઉત્સાહ-ઉમંગ સાથે એ દિવસે એ સ્કૂલે પહોંચ્યો. પણ જ્યારે પરિણામ સંભળાવવામાં આવ્યું ત્યારે એના ઉત્સાહ-ઉમંગ પર ઠંડુ પાણી ફરી વળ્યું. વિશ્વાસની ઇમારત કકડભૂસ કરતી તૂટી ગઇ. પારિતોષિક બીજા વિદ્યાર્થીએ પ્રાપ્ત ર્ક્યું હતું.

હવે ત્યાં રોકાવવું એ એની પોતાની મજાકસમું લાગ્યું. એની આંખમાં આંસુ ધસી આવ્યા. આંસુ કોઇની નજરે ન ચડી જાય એમ એ મોઢું છુપાવતો, દોડતો ઘરે પાછો ર્ફ્યોં. પોતાના રૂમમાં દાખલ થતાંવેંત ત્યાં પડેલી ખુરશી પર જ એ ફસડાઇ પડ્યો. આંસુ આડે બાંધેલો બંધ તૂટી પડ્યો.

એનું રુદન સાંભળી એની મોટી બહેન એની પાસે આવીને ઊભી રહી. જ્યારે એ રૂમમાં દાખલ થયો ત્યારે જ મોટી બહેને ભાઇસાહેબના પગલા પારખી લીધા હતા. એના વાંસે પોતાનો સ્નેહાળ હાથ પસવારતાં એ બોલી, ઇનામ તને ન મળ્યું એટલે રડે છે ને ગાંડા તને ઇનામ મળવાનું નથી એની મને પહેલેથી જ ખબર હતી. એક મહિનાનું કામ તું બે દિવસમાં કરી નાખે એમાં શો ભલીવાર હોય? રડવાથી શું વળવાનું છે ? આ પરાજ્ય જ તારી પ્રગતિનું પહેલું પગથિયું બની રહેશે.

બહેનની એ દિવસની આ પ્રેરક વાત એણે હૈયામાં બાંધી લીધી.જ્યારે જ્યારે આવા પ્રસંગો ઊભા થાય ત્યારે બોધનું આ ભાથું એને યાદ આવતું. આ ભાથું એને જિંદગીમાં ખૂબ જ કામમાં આવ્યું. પરાજયમાંથી પ્રેરણા મેળવનાર આ બાળક એટલે વિધ્વાન લેખક અર્નેસ્ટ હેમિંગ્વે. તેમણે ઉત્તમ સર્જન ર્ક્યું. અને તેઓ નોબેલ પારિતોષિક વિજેતા બન્યા.

- અલ્પેશભાઈ પટેલ

80 views0 comments
bottom of page