gajeravidyabhavanguj
ફાગણીયો ફોરમતો આવ્યો, હોળી સાથે અબીલ-ગુલાલ લાવ્યો...

"ફાગણ આવ્યો, હોળી લાવ્યો ખજુર, હારડા, ધાણી લાવ્યો,
ઘૈરયા ની ટોળી આવી, રંગભરી પિચકારી લાવ્યા"

આપણી સમાજ વ્યવસ્થામાં રહેણી-કરણી, રીત-રિવાજો, કૃષિ, ધર્મ, પ્રકૃતિ વગેરેથી સંકળાયેલા લોકજીવનના પ્રત્યેક પર્વ પાછળ કાંઈક ને કાંઈક ઈતિહાસ દંતકથા, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક દ્રષ્ટિકોણ છુપાયેલા છે.
ઈશ્વરે માનવીને માત્ર એક જ રંગ નહીં પણ નિસર્ગના અનેક રંગોથી જીવનને સપ્તરંગી બનાવી દીધું છે. પાનખરે વિદાય લીધી હોય, વૃક્ષોની ડાળીઓ પર નવી કુંપળો ફૂટી હોય, રંગબેરંગી ફૂલોના ઝુમખા વનદેવીનો શૃંગાર બનીને મહેકે છે. જે સમગ્ર વાતાવરણને રંગીની અને સુગંધિત બનાવી નાખે છે. સમગ્ર પ્રકૃતિ જાણે કે રંગોત્સવ મનાવી રહ્યો હોય.
"કેસુડા ની કળીએ બેસી, ફાગણીયો લહેરાયો, આવ્યો ફાગણીયો...
રંગ ભરી પિચકારી ઉડે સરરર..., ઉડે અબીલ ગુલાલ, આવ્યો ફાગણીયો..."

ફાલ્ગુન માસની પૂનમે ઉજવવામાં આવતો હોળી-ધુળેટીનો તહેવાર ગુજરાત, રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાય છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર અને વ્રજના વૃંદાવન મથુરામાં હોળી-ધુળેટીનો મોટો મહિમા છે. વ્રજમાં ભગવાન શ્રીકૃષ્ણએ રાધા-ગોપીઓ સાથે હોળી-ધુળેટીના ઉત્સવને આનંદપૂર્વક મનાવેલો. રાજસ્થાનમાં તો કહેવાય છે કે “દિવાળી તો અઠેકઠે, કિન્તુ હોલી તો ઘર ઘર...”

ફાગણ સુદ પૂનમના સંધ્યાકાળે ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના બાળભક્ત પ્રહલાદની અટલ ભક્તિ શ્રદ્ધાના પોકારને વશ થઈ, નરસિંહ નો અવતાર ધારણ કરીને આસુર હિરણ્યકશ્યપનો વધ કરીને પુનઃ સત્યભક્તિની સ્થાપના કરી, ભક્ત પ્રહલાદની આસ્થાની જીત થઈ. આમ અસત્ય પર સત્યનો ,અધર્મ પર ધર્મનો વિજય થયો. આવા મહાવિજયની ઉજવણી લોકોએ અરસ-પરસ રંગ ગુલાલ ઉડાવીને આનંદ ઉલ્લાસથી કરી.
"હોલી કે દિન, દિલ ખીલ જાતે હૈ, રંગો સે રંગ મિલ જાતે હૈ
ગીલે-શીકવે ભૂલકર, દુશ્મન ભી ગલે મિલ જાતે હૈ"
બાળકો ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓથી તેમજ તેની સાથે સંકળાયેલ પૌરાણિક કથાઓથી પરિચિત થાય એ હેતુથી આજરોજ અમારા બાલભવનમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હોળી સાથે સંકળાયેલી ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા નાટ્યકૃતિ દ્વારા શિક્ષકોએ રજુ કરી. તેની સાથે જ હોલી માતાનું પરંપરાગત રીતે થતું પૂજન પ્રત્યક્ષ બતાવ્યું, બાળકોને ઓર્ગેનિક કલર વડે હોળી રમવા અને પાણીનો બગાડ નહીં કરવાની સમજ આપી. બાળકોએ ખૂબ જ સરસ હોળીનો ડાન્સ કર્યો. સમગ્ર ગજેરા ફાર્મ હોળીના રંગે રંગાઈ ગયું હતું.
રંગોનું સર્જન પ્રકૃતિનું વરદાન છે. રંગોના સંગે ઉમંગનો અહેસાસ સ્વભાવિક છે. આવા ઉલ્લાસના પ્રસંગે આવો સૌ સાથે મળી જીવનપર્વને રંગીન કરીએ એવી શુભેચ્છા સહ આપ સૌને રંગોના આ પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ...