gajeravidyabhavanguj
પ્રવૃત્તિમય શિક્ષણ તરફ એક કદમ...
“શિક્ષક એટલે જ્ઞાન-કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ”

આજે શિક્ષણ વર્ગખંડની ચાર દિવાલો માંથી બહાર આવીને ઘર સમાજ અને વિશ્વમાં વિસ્તરી ચુક્યું છે. આજના સમયમાં શિક્ષણ પડકારરૂપ છે. કારણકે રાષ્ટ્રની સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક વ્યવસ્થાની જવાબદારી તેના શિરે છે. શિક્ષક જ બાળકના જ્ઞાનરૂપી મૂળિયા મજબુત કરે છે.

બાળકોના રસ, રુચિ, વલણો આધારીત વર્ગખંડમાં શિક્ષકમાં શક્તિ, પવિત્રતા, પ્રેમ, જ્ઞાન, શાંતિ અને આનંદ જેવા ગુણો હશે તો જ તે બાળકોનો પ્રિય અને માર્ગદર્શક બની શકશે. શિક્ષક એ બાળકોનો પ્રેરણાસ્ત્રોત હોવો જરૂરી છે.
નવી ટેકનોલોજીમાં આજનો શિક્ષક ક્રિએટીવીટી, આધ્યાત્મિક સાથે ઈમોશનલી અને જ્ઞાની હોવો જોઈએ. દ્રશ્ય, શ્રાવ્ય કે ઈન્ફર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી છાત્રોને જ્ઞાન સભર કરી શકે છે.
"શિક્ષક સમાજ ઘડતરમાં શિલ્પકાર છે."
કહેવાય છે કે એક માતા સૌ શિક્ષકની ગરજ સારે છે. પરંતુ એક સાચો શિક્ષક જ માં ના સ્તર સુધી જઈને ભણાવે છે. જેને માસ્તર કહેવાય છે અને આવા જ એક કર્મનિષ્ઠ શિક્ષક છે. રાઘવભાઈ કટકીયા જેઓ અમરેલીના સાજીયાવાદરના વતની છે. રાઘવ કટકિયાનો ભણાવવાનો અંદાજ અને શિક્ષણ પ્રત્યેનો દ્રષ્ટિકોણ તેમને અલગ તારવે છે.

બાળમાનસને બરાબર સમજતા આ શિક્ષક જટિલ લાગતા ભણતરને સરળ બનાવવા પોતે રમકડું બની જાય છે. વેસ્ટ વસ્તુઓ માંથી અવનવી કૃતિઓ અને શૈક્ષણિક સાધનો બનાવી બાળકોને ભાર વગરનું ભણતર આપે છે. ક્યારેક ગીતો ગાઈને, નૃત્ય તો ક્યારેક અભિનય કરીને વિદ્યાર્થીને સમજાય એ રીતે ભણાવે છે. એમાં પણ બાળકોની પ્રતિભા પણ નિખરે તેવો રઘુભાઈનો પ્રયાસ છે અને તેથી જ સમગ્ર અમરેલી પંથકમાં તેઓ 'રઘુ રમકડું' ના નામથી પ્રચલિત બન્યા છે.
"રંગ છે રૂપાળો, હસતો ચહેરો સદાયે,
નાનકડો લાગે, પણ બહુ મોટા છે કામ,
શિક્ષક ખરો ને બાળ દોસ્તો એ ઝાંઝેરા,
બાળકો સંગાથેનું ગમતીલું એનું કામ,
ચેતનવેતો, ઉત્સાહી, સ્કુર્તિલો રહે હર હંમેશ,
જેનું મીઠડું ‘રઘુ રમકડું’ એવું છે નામ"

અમારા બાલભવનમાં શિક્ષકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રાઘવ કટકીયા મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે શિક્ષકોને વાર્તા, જોડકણાં, અભિનય ગીત અને રમતો દ્વારા બાળકોને ભાર વગરનું ભણતર કેવી રીતે આપી શકાય એ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.