top of page
  • Writer's picturegajeravidyabhavanguj

પ્રકાશનું ઝળહળતું પર્વ -દિવાળી

“દીપ જલાવો, પ્રીત જગાવો,

અંતરનો અંધકાર ભગાવો”

'જીવનને જ્યોર્તિમય બનાવતું, ઝળહળતું પર્વ એટલે દિપાવલી.'

દિવાળી એટલે લક્ષ્મી અને સરસ્વતી, રોશની અને રંગોળી, આતશબાજી અને ખાણીપીણીનો તહેવાર, આનંદ પ્રમોદથી આધ્યાત્મિકતા અને સબંધોથી લઈને શ્રધ્ધા સુધીના અનેક રંગો આ તહેવારમાં છલકાય છે.

ભારત વર્ષ નામક એશિયાના ઉપખંડની આર્ય સંસ્કૃતિનો મહાન તહેવાર એટલે દિવાળી..! હિન્દુ સંસ્કૃતિમાં તહેવારો તો ઘણાં જ છે પરંતુ દિવાળી એ તો ખરેખરો ‘મહાન તહેવાર’ છે. દિવાળીએ ભારતીય પ્રજા માટે માત્ર ઉત્સવ નથી વર્ષના ૩૬૫ દિવસનું સરવૈયું છે અને આવતા ૩૬૫ દિવસ માટેની અદમ્ય ઉત્સાહભરી તૈયારી છે.

દિપાવલી શબ્દનો આધાર દિપ પર રહેલો છે. દિપ એટલે ‘દિપક’ અને આવલી એટલે ‘હારમાળા’

આમ, દીવાઓની હારમાળા એટલે દિપાવલી. વળી, દિપાવલી એટલે અંધારી રાતને પ્રકાશમય બનાવવાનો દિવસ..!દિપ પ્રગટાવી બાહ્યજગતની સાથે આંતર મન પણ એવા અજર-અમર તત્વ-આત્માને ઉજાગર કરી એની જાગૃતિનો પણ પ્રયાસ કરાય છે.

દિવાળીના દિવસે જ પ્રભુ રામ લંકા વિજય કરીને અયોધ્યા પધાર્યા હતા. અયોધ્યાના લોકોએ ૧૪ વર્ષના વિરહ પછીના આ ખુશીના અવસરમાં નગરના પ્રત્યેક ઘરને દિવડા પેટાવી શણગારવામાં આવ્યા હતા. સર્વત્ર દિપ પ્રાગટ્યનો ઉત્સવ થયો હતો આવી અનેક લોકવાયકાઓ આ પર્વ સાથે સંકળાયેલી છે.

દિવાળીની પરંપરાગત રૂપે થતી ઉજવણીથી બાળકો પરિચિત થાય એ હેતુથી અમારા બાલભવનમાં દિવાળીની ભવ્ય ઉજવણી ઓનલાઈન વર્ગમાં કરવામાં આવી હતી. જેમાં બાળકોને દિવાળીમાં ઘરોમાં થતી સજાવટ, નાસ્તા, રંગોળીની સમજ આપવામાં આવી હતી.

એકટીવીટી દ્વારા બાળકોને દિવા ડેકોરેશન, આસોપાલવના તોરણ બનાવતા શિખવાડયું હતું. તેમજ રામના અયોધ્યા પુન:આગમનની સમજુતી અને દિવાળીમાં ફટાકડાના ઘોંઘાટ અને ધુમાડાથી મૂંગા પશું-પક્ષીને થતી હેરાનગતિ અને પર્યાવરણને થતાં નુકસાનની સમજ બાળકો દ્વારા જ નાટયરૂપે આપવામાં આવી હતી.

બાળકોએ ડાન્સ અને દિવાળી ગીતની મજા માણી. તેની સાથે બાળકો ઘરનો જ નાસ્તો ખાતા શીખે એ માટે વર્ચ્ચુઅલ ડબ્બા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દિવાળી પર જ્ઞાન, શ્રદ્ધા, સેવા, સહિષ્ણુતા, ગુણાનુરાગ, સ્મિત અને આત્મનિરીક્ષણના દિપ પ્રગટાવીને ચાલો થોડા નવતર ભાવ સાથે દિવાળી માણીએ.

અમારા આચાર્યશ્રી એ તેમજ સમગ્ર ગજેરા પરિવાર તરફથી આપ સૌને દિવાળી તેમજ નવાવર્ષની હાર્દિક શુભકામના..

‘હેપ્પી દિવાળી, ગ્રીન દિવાળી, ક્લીન દિવાળી.’

"દીપાવલીના દીપ આપણા અંતરને ઝગમગાવી,

ઉત્સાહ અને આનંદ સાથે પરસ્પર સ્નેહના સબંધો વિકસાવી,

પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ દિવાળીની શુભેચ્છાઓ..”



197 views0 comments
bottom of page