top of page
  • Writer's picturegajeravidyabhavanguj

“પરિવારનો પ્રાણ, વાયુ અને પ્રકાશ એટલે પિતા.”

“ક્યારેક સ્વાભિમાન તો ક્યારેક અભિમાન છે પિતા,

ક્યારેક ધરતી તો ક્યારેક આસમાન છે પિતા,

ખભા પર બેસાડી મેળો દેખાડે છે પિતા,

બની ઘોડો ઘર આખું ફેરવે છે પિતા,

તો પોતાના પગે ઉભા રહેતા શીખવાડે છે પિતા”

સર્વજન માટે સ્વની આહુતિ એ પિતા પદનું પ્રથમ ચરણ છે અને સંતાનોનું સર્વથા કલ્યાણ પિતા પદનું અંતિમ સોપાન છે.

પિતાની ભૂમિકા સૂર્ય જેવી હોય છે, સૂર્ય તપે ખરો પણ તેના વગર ચાલે નહીં. જો સૂર્યના કિરણો પૃથ્વી પર પડે નહિ તો પૃથ્વી સાવ વેરાન બની જાય. ‘પિતા’ એટલે પરિવારનું એવું છત્ર છે જ્યાં પ્રેમ અને લાગણીની હુંફ છે, જ્યાં ધર્મ અને શ્રદ્ધાનાં આસ્થારૂપી તોરણ બંધાયેલા છે, જ્યા ત્યાગ, બલિદાન અને કર્તવ્યની પ્રેરણા છે. કસોટી ભર્યા જીવન સામે હિંમત અને ધૈર્યથી ઊભા રહેવાની અડગતા છે અને તેના થકી જ સૌ ની રક્ષા કરવાની તત્પરતા છે. પિતા એક એવું પાત્ર છે, જે પોતે બળે છે પરંતુ આપણને છાયા આપે છે.

પિતા એ ‘પદમ’ ના એવા પુષ્પ રૂપે છે જે દલદલ ભર્યા વિષમ જીવનમાં ગરજતી વિજળી અને વરસતા વાદળ સામે હસતે મુખે અડીખમ ઉભું છે.

“પિતા એટલે પરિવારનો પ્રાણમય.”

સંતાનના જન્મનાં સમાચાર સાથે જ માતા-પિતા નો જન્મ થાય છે. અનેક ગણા સપના સેવાય છે. અનેક જવાબદારીઓ ના બીજ રોપાય છે અને પિતાના દિલમાં પોતાના સંતાનના ભવિષ્યની, તેના ભણતરની, તેના પરિવારની કેટલીય વ્યવસ્થા નક્કી થઈ જાય છે.

પિતા નું જીવન એક પાઠશાળા રૂપે છે. જેમના અનુભવ દ્વારા જીવનમાં દરેક તબક્કાનો નવો પાઠ શીખવા મળે છે. ઘણી વખત પિતાનો સ્વભાવ કઠોળ, કઠીન કે આકરો દેખાય છે, પરંતુ શ્રીફળ રૂપ પિતા અંદરથી નરમ અને બહારથી કઠોર જણાતા પિતાના આ વલણ પાછળનું કારણ કે તેનો ધ્યેય નજર અંદાજ થાય છે.

“પિતા એટલે કાળજી ભરેલું કાળજું, કડકાઈ તેમજ કરુણાનું મિશ્રણ, સંસ્કારોનું સુરક્ષા કવચ અને નિષ્ઠાની નિશાળ...”

દેવકી-યશોદાના કાર્યની પ્રશંસા અવશ્ય કરીએ પણ નદીના પૂરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે. પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે દશરથ હતા.

માતાને પૂજનીય પદથી અલંકૃત કરાયું છે તો એક પિતાની ભક્તિ,તેમનો પ્રેમ, તેની લાગણી, ત્યાગ અને બલિદાનની ભાવના અને કુટુંબ માટે આજીવિકાની વ્યવસ્થા કરનાર પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ?

એક પિતા જ આખા દિવસની મહેનતના થાક્યા હોવા છતાં પોતાના બાળકનો ચહેરો જોઈને ખુશીથી ઝૂમી ઉઠે છે. પિતા પોતાના બાળક માટે ક્યારેય સુપરમેન બની જાય છે, તો મુશ્કેલીઓના સમયમાં ઢાલબને છે.

પોતાના સંતાનોના સુખ, શોખ અને સુવિધા માટે પોતાની ઈચ્છાઓનું હંમેશા બલિદાન આપતા પિતાનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી.

“પિતાના આ જ પ્રેમને દર્શાવે છે આજનો દિવસ એટલે ફાધર્સ ડે”.


પિતાના આ ઋણને અદા કરવા માટે ભારતમાં જુન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે મનાવવામાં આવે છે. અમારા ગજેરા બાલભવનમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ નાટ્યકૃતિ દ્વારા પિતાના મહત્વની સમજ આપી હતી તેમજ બાળકોએ પોતાના પિતાને સ્મૃતિભેટ તરીકે ફાધર્સ ડે કાર્ડ ભેટમાં આપી તેમના આશીર્વાદ મેળવ્યા.

અંતમાં કદી પિતા સ્વરૂપે તો કદી મિત્ર સ્વરૂપે, રહે તમારો હાથ હંમેશા અમારી ઉપર, તમને ભેટ સ્વરૂપે શું આપીએ? બસ! પ્રભુને એટલી જ પ્રાર્થના કે હર જન્મમાં મળજો તમે જ પિતા સ્વરૂપે....!!

391 views0 comments

Recent Posts

See All
bottom of page