gajeravidyabhavanguj
નિસર્ગ રંગોત્સવ એટલે હોળી

પાનખરે વિદાય લીધી હોય, વૃક્ષોની ડાળીઓ પર નવી કુંપળો ફૂટી હોય, રંગબેરંગી ફૂલોના ઝુમખા, વનદેવીનો શ્રુંગાર બનીને મહેકતા જે સમગ્ર વાતાવરણને રંગીન અને સુગંધિત બનાવી નાખે છે. સમગ્ર પ્રકૃતિ જાણે રંગોત્સવ મનાવી રહી હોય.
"વસંત ના તો વાયુ વાયા,
ઉડે રે અબીલ ગુલાલ ને આવી હોળી"

ઈશ્વર માનવીને માત્ર એક જ રંગ નહી, પણ નિસર્ગના અનેક રંગોથી જીવનની ધૂળેટી ખેલાવી રહ્યાં છે. આદિકાળ થી આજ સુધી ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં લોક્પર્યાનું ખુબ જ મહત્વ તેમજ અનેરું મુલ્ય રહ્યું છે. તે સમયમાં આનંદ-પ્રમોદ અને મનોરંજનની ખાસ કોઈ સામગ્રી કે સુવિધા નહોતી એવા કાળે પ્રકૃતિ તથા કૃષિ જીવન-સમાજ સાથે સંકળાયેલા આપણા લોકપર્વો જીવન અમૃત સંજીવની આપનારા, સુકા વેરાન રણમાં મીઠી વીરડી સમાન બની રહ્યાં છે. જીવનને આનંદ ઉલ્લાસ તથા શ્રધ્ધા ભક્તિથી ભરી દેનારા જીવનને વૈવિધ્યસભર બનાવનારા આ તહેવારો ન મળ્યા હોત તો માનવજીવન કેવું કુત્રિમ-નીરસ અને રંગવિહીન બની જાત.

આપણી સમાજ વ્યવસ્થામાં રહેણી કરણી, રીત-રીવાજો, કૃષિ, ધર્મ, પ્રકૃતિ વગેરેથી સંકળાયેલા લોક જીવનના પ્રત્યેક પર્વ પાછળ કંઈક ને કંઈક ઈતિહાસ, દંતકથા, સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક દ્રષ્ટિકોણ છુપાયેલા છે. જેમાંથી આવનારી પેઢીને જીવન સંદેશ સાંપડે છે.

આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું પર્વ એટલે હોળી. આ પર્વ ફાગણ માસમાં આવતું હોવાથી તેને ફાલ્ગુનીક નામથી પણ ઓળખવામાં આવે છે.
હોળીના દિવસે ‘પ્રહલાદ અને હોલિકા' સાથે જોડાયેલી અસત્ય પર સત્યના વિજયની કથાને અનુલક્ષીને સાંજે લાકડા, છાણાનો ઢગલો ચારરસ્તા કે ચોક પર કરી અને હોળી પ્રગટાવવામાં આવે છે. અગ્નિને ચણા, ધણી, ખજૂર, નારિયેળ હોમી, પાણી રેડી પ્રદક્ષિણા કરવામાં આવે છે. પરિવારોમાં જન્મેલા નાના બાળકોની પ્રથમ હોળી હોય, તેઓને હોળીના દર્શન કરાવાય છે. હોળીની પ્રદક્ષિણા દરમ્યાન અગ્નિના તાપની અસરથી શરીરમાં ખાસ કરીને ફેફસાં, સાયનસમાં જમા થયેલો કફ પીગળી અને સહેલાઈથી બહાર આવી શકે છે.
“કેસૂડાની કળીએ કળીએ,
ફાગણયો લહેરાય, આવ્યો ફાગણીયો...,
રંગભરી પીચકારી ઉડે સરરર....,
ઉડે અબીલ ગુલાલ, આવ્યો ફાગણીયો...”

બાળકો ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓથી તેમજ તેની સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓથી પરિચિત થાય એ હેતુથી અમારા બાલભવનમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હોળી સાથે સંકળાયેલી ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા બાળકોએ નાટકરૂપે ખુબ જ સુંદર રીતે રજુ કરી તેની સાથે બાળકોને હોળીમાતાનું પરંપરાગત રીતે થતુ પુજન પ્રત્યક્ષ બતાવ્યું હતું. બાળકોને ઓર્ગેનિક કલર વડે હોળી રમવા અને પાણીનો બગાડ નહિવત કરવા સમજાવ્યું હતું. બાળકોએ પોતાના શિક્ષકો અને સહઅધ્યાયી સાથે ડાન્સ કરી હોળીની ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી અને પોતાના મિત્રો સાથે નાસ્તાની મજા માણી.

હોળી-ધૂળેટીનો ઉત્સવ કેવળ હોળી દહન કે રંગ છાંટવાની પ્રક્રિયાનો ઉત્સવ ન બની રહેતા, દુર્વિકારો-દુરાચારોનું દહન કરી, માનવ પ્રેમ અને માનવ મૂલ્યોના રંગે રંગાઈ જવાનું જીવન ઉત્કર્ષ પર્વ પણ બની રહે અપેક્ષા સહ આ પ્રેરક પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છા...