top of page
  • Writer's picturegajeravidyabhavanguj

"નારી તુ ના હારી, તું જ છે સૌની તારણહારી"



"વિધાતાના નવનિર્માણની કલાકૃતિ તું,

એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી કર તું"

નારીનું સર્જન સર્જનહારે અનોખું અને અલૌકિક રીતે કરેલ છે. જગતના સર્જનહારે ચંદ્રનું બિંબ લીધું, બાળકની નાજુકતા અને પુષ્પોનો પરાગ લીધો, સૂર્યની ઉષ્ણતા લીધી, મેઘનું રુદન લીધું, વાયુની અસ્થિરતા લીધી, વ્રજની કઠોરતા લીધી અને મધની મીઠાશ લીધી. આ સર્વેનો સમન્વય કરીને આ સૃષ્ટિના સર્જન હારે આ જગતમાં સ્ત્રીનું સર્જન કર્યુ.

એનામાં અખૂટ શક્તિ ભરી દીધી છે, તો બીજી બાજુ સ્નેહનો સાગર એની રંગેરંગમાં હિલોળા લે છે. પૃથ્વી પર માનવ જીવનનો આરંભ થયો ત્યારથી સ્ત્રી અને પુરુષ અસ્તિત્વમાં આવ્યા. સતીઓ, સન્નારીઓ અને વિરાંગનાઓનો એક જલવંત ઈતિહાસ ભારતે વિશ્વને પૂરો પાડ્યો છે. વેદ ઉપનિષદ કાળમાં સ્ત્રી-પુરુષનો સમાન દરજ્જો હતો એટલું જ નહીં ગાર્ગી અને લોપામુદ્રા જેવી વિદુષીઓએ સ્ત્રી શક્તિના પ્રભાવને ખીલવ્યો હતો.

બ્રહ્માનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે ‘નારી’

નારીના જીવનમાં ભગવાને સદગુણોનો સંચય કર્યો છે તે અદભુત છે. પ્રકૃતિગત સુંદરતા અને નાજુકતા તો એનામાં છે જ તે સાથે તેનામાં ધરતી જેટલી અપાર સહનશીલતા પણ છે. સ્નેહ અને સમર્પણની તે મૂર્તિ છે. માતા, બહેન, પત્ની અને પુત્રી તરીકે એ પુરુષના જીવનને સિંચે છે. આમ નારી અનેક રૂપે અને ગુણે પુરુષને મદદરૂપ નીવડે છે. દુનિયાનું ઘડતર એક સ્ત્રી વગર અધૂરું છે. કારણ કે ભગવાનને પણ દુનિયામાં જન્મ લેવા માટે એક મા ની જરૂર પડે છે.

"તારી ઉતંગ ઉડાન આગળ, ગગન પણ ઢીંગણું ભાસે,

તારી વિશાળ પાંખો હેઠળ, આખું વિશ્વ તું વસાવે"

આજની સ્ત્રીઓ ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળીને કોર્પોરેટ જગતમાં, સરકારી કચેરીમાં, દવાખાનાઓમાં, વિમાનોમાં નિર્ભયતાથી કામ કરી રહી છે. સમાજનું કોઈપણ ક્ષેત્ર એવું નથી જ્યાં નારીએ પોતાના ઓજસના અજવાળા પાથર્યા ના હોય, રમતગમતના ક્ષેત્રે પી.ટી.ઉષા અને સાનિયા મિર્ઝા, અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા, સૌથી વધારે સ્પેસવોક કરનાર સુનિતા વિલિયમ્સ, રાજકારણમાં ઈન્દિરા ગાંધી અને પ્રતિભા પાટીલ, કલાક્ષેત્રે મલ્લિકા સારાભાઈ, સંગીત ક્ષેત્રે લતા મંગેશકર સેવા કાર્યમાં મધર ટેરેસા. માત્ર આપણા દેશમાં જ નજર કરીએ તો નારીની સફળતાઓ સમાજના તમામ ક્ષેત્રોમાં આકાશને આંબી ગઈ છે.

ત્યાગ, સમર્પણ, સહનશીલતા, બુદ્ધિ, જ્ઞાન, મમતા અને સુંદરતા આ બધાનો સંગમ એટલે નારી. સમાજને સંસ્કારબદ્ધ અને શિસ્તબદ્ધ કરવામાં કોઈનો સૌથી મોટો ફાળો હોય તો તે નારી છે. ભારતીય નારી સાચા અર્થમાં નારાયણી બને, પુરુષ સાથે કદમ મિલાવીને ચાલવામાં જ આખા જગત અને સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ સમાયેલું છે.

"સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે માંગલ્ય,

સ્ત્રી એટલે માતૃત્વ, સ્ત્રી એટલે કર્તવ્ય”

ભારતીય નારીની ગઈકાલ ઉજવળ હતી, આજ ભવ્ય છે અને આવતીકાલ સ્વર્ણિમ બનશે. જીવનભર આટલા બધા સંઘર્ષ વેઠતા વેઠતા અગ્નિમાં તપી અને સુવર્ણ બનેલી નારી માટે એટલું જ કહેવાનું કે

નારી શક્તિ અને સ્ત્રીની ગૌરવગાથાને બિરદાવવા માટે અમારા બાલભવનમાં “QUEEN FEST” શીર્ષક હેઠળ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે PSI Hetal Kadachha ઉપસ્થિત રહ્યાં હતા. તેઓ ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટમાં PSI તરીકે કાર્યરત છે અને હાલ તેઓ સુરત ઉત્રાણ બ્રાન્ચમાં ફરજ બજાવે છે. તેઓએ મોટીવેશન સ્પીચ દ્વારા વાલીશ્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા. QUEEN FEST માં વાલીશ્રી માટે ફૂડ કોર્નર, બિઝનેસ કોર્નર, લાઈવ મ્યુઝિક, ડાન્સ તેમજ સેલ્ફી કોર્નરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલીશ્રીઓએ હાજરી આપી હતી.


"અડગ મનની મહિલાઓને હિમાલય પણ નડતો નથી"


182 views0 comments
bottom of page