top of page
  • Writer's picturegajeravidyabhavanguj

નીતિમુલ્યો થકી બાળકોની કેળવણી


“નીતિમુલ્યો બાળકમાં રોપી શકાય નહીં,

આપણા ચારિત્ર્ય થકી તે બાળકમાં ઊગી આવે છે.”

જીવનના કેટલાય સિદ્ધાંતો એવા છે, જેની ઉપરવટ જઈને માણસ ક્યારેય કશું મેળવતો નથી. સત્ય, પ્રમાણિકતા, વિવેક, નમ્રતા, પરિશ્રમ જેવા સદગુણોના આધારે જ માણસ પોતાના જીવનની શિસ્ત જાળવી પોતાના તથા અન્ય માટે સુખ ઉત્પન્ન કરી શકે છે. આ સદગુણો વગર વ્યક્તિ શૈક્ષણિક સફળતા મેળવી શકે, પરંતુ લાંબા ગાળાની અને કાયમી સફળતા મેળવી શકે નહીં.

શ્રેષ્ઠતમ નીતિમૂલ્યોનું શિક્ષણ બાળકના જીવન ઘડતરનું અતિ મહત્વનું પાસું છે અને આ મૂલ્યો થકી જ બાળકમાં સત્ય, પ્રામાણિકતા, વિવેક, નમ્રતા અને પરિશ્રમ જેવા સદગુણોનો વિકાસ થતો હોય છે. વ્યક્તિની પોતાની સલામતીની ભાવના પણ નીતિમુલ્યો આધારિત જીવનમાંથી જ ઉદભવતી હોય છે તેથી જ દરેક માતા-પિતા એવું ઈચ્છે છે કે પોતાના સંતાનો એક આદર્શયુક્ત અને નીતિમય જીવન જીવવાની ક્ષમતા તથા આવડત ધરાવતા હોય, જેથી તેઓ જીવનમાં પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરી શકે.

“નીતિમુલ્યોની કેળવણી ખરેખર તો સમગ્ર કેળવણીનું હાર્દ છે. આ કેળવણી પોતાના બાળકોને આપી માતા-પિતા ખરેખર તો સમાજ કે રાષ્ટ્રને કેળવે છે.”

બાળકના જીવનમાં નીતિમુલ્યોનું શિક્ષણ વિવિધ સ્થળે થવું જોઈએ જીવનની જે-તે ભૂમિકા બાળકે સ્વીકારવાની છે. તે બધી જ ભૂમિકાના સાચા મૂલ્યો તેના હૃદયમાં સ્થાપિત થવા જોઈએ. આ ઉપરાંત બાળકોને ઉચ્ચ નૈતિકમુલ્યોની વાર્તા કરવાથી અને છેવટે નૈતિકતાનો કેવી રીતે વિજય થાય છે તેના ઉદાહરણો હંમેશા આપવા જોઈએ કારણ કે આ થકી બાળક આવા જીવનને સ્વીકારતો થાય છે અને આવા સિદ્ધાંતો તેના જીવનમાં અદ્રશ્ય રૂપે વણાતા જાય છે.

જેમ કે મહાત્માગાંધી આદર્શો તથા નીતિપૂર્ણ જીવનની મહાપુંજી છે. તેમણે સત્ય અને અહિંસા જેવા નીતિમુલ્યોને પોતાના જીવનમાં ઉતાર્યા અને તેના આધારે તેમણે સમગ્ર દેશને આઝાદી અપાવી. તો આવા આદર્શયુક્ત મહામાનવોના જીવનચરિત્રની વાતો બાળકો સાથે કરવાથી બાળકની મનોછબીમાં તેમના પ્રત્યે આદર્શ અને સન્માન જન્મે છે બાળકના જીવનમાં તેમના આદર્શોનો અકલ્પનીય પરિવહન થાય છે અને મહાપુરુષોમાં રહેલા અને નીતિમુલ્યો ને પોતાના જીવનમાં સ્થાપિત કરવા કટિબદ્ધ થાય છે અને પોતાના જીવનને એક સુંદર આકાર આપે છે. આ નીતિમુલ્યો બાળકમાં એટલી હદે અસરકારક હોય છે કે તેનું જીવન વિશ્વ ચેતના સાથે જોડાઈ જાય અને પોતાની જાતને મહામાનવોની હારમાળામાં લગાવી દે!!!

“જ્યારે માતા-પિતા પોતાના બાળકમાં મુલ્યો રોપવાનો પુરુષાર્થ કરે છે, ત્યારે તે મૂલ્યનિષ્ઠ સમાજ રચનાનો એક મહાન કાર્ય કરે છે.”

બાળક મોટું થશે પછી પોતાના આદર્શોને લઈને મહાન કાર્યો ભલે ના કરી શકે પરંતુ આવા નાના-નાના કાર્યો પણ તેને આખું જીવન શાંતિ આપશે. તેનામાં આત્મસંતોષ તથા પ્રેમ, કરુણા ભારોભાર છલકાતા હશે. જેના થકી એ પોતાના જીવનને તો ઉન્નત બનાવી શકશે સાથે સાથે અન્યોના જીવનમાં પણ ઉન્નતિ લાવશે.

તો બાળકો ભવિષ્યમાં આવું અર્થપૂર્ણ જીવન જીવી શકવાની ક્ષમતા ધરાવતા થાય તે માટે તેમનામાં શ્રેષ્ઠ નીતિમૂલ્યોનું નિર્માણ કરવું તે આપણા સૌની જવાબદારી છે.


120 views0 comments
bottom of page