gajeravidyabhavanguj
નૈતિકશિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ વાર્તા
“તત્વનું સંવહન કરીને તેને સંવર્ધિત અને જનઉપયોગી બનાવે તે શિક્ષક...”

શિક્ષક એ વ્યક્તિ છે. જે એક બગીચાને જુદા-જુદા રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ બાળકની અંદર રહેલી શક્તિઓને વિકાસ કરવાની આંતરિક શક્તિનો વિકાસ કરે છે. તે પ્રેરણાના ફુવારાથી બાળક રૂપી મનને સીંચીને તેના પાયાને મજબુત કરે છે અને તેના સર્વાગીણ વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે છે.

પુસ્તકી જ્ઞાનની સાથે નૈતિક મુલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરૂ જ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરી શકે છે.
“સાચો શિક્ષક વર્ગખંડની દીવાલોને ઓગાળી આપવા જગતને વર્ગખંડમાં લઈ આવતો હોય છે.”
એક શિક્ષક ક્યારેય સંપૂર્ણ નથી હોતો, અભ્યાસમાં થતાં પરિવર્તન સાથે તાલમેળ સાધવા તેણે કંઈક ને કંઈક નવું શિખતા જ રહેવું પડે છે. પ્રવર્તમાન સમયમાં શિક્ષકની ભૂમિકા બદલાઈ રહી છે.

શિક્ષકે માત્ર ભાષણ સ્વરૂપે માહિતી જ આપવાની નથી પરંતુ બાળકોને સમૃદ્ધ અને અસાધારણ શૈક્ષણિક અનુભવો પુરા પાડવાના છે. વિદ્યાર્થીઓ વિવિધ પ્રશ્નો, મુંજવણ અને શીખવાના ઉત્સાહ સાથે શાળાએ આવે છે. આવા સંજોગોમાં શિક્ષકે વર્ગખંડમાં એવું વાતાવરણ ઉભું કરવાનું છે. જેમાં બાળક જાતે શીખતો થાય.
“નવીનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃદ્ધિમાં પલટાવી શકાય છે.”
શિક્ષણ એટલે જાણવું, સમજવું અને આચરવું. બાળક વર્ગના વાતાવરણની સાથે ત્યારે જ એકરૂપ થઈ શકે જયારે તે પોતાના વિચારો શિક્ષકો સમક્ષ રજુ કરી શકે અને વિચારો રજુ કરવાનું શ્રેષ્ઠ માધ્યમ એટલે ભાષા અને

બાળકને ભાષા આપવાનું શ્રેષ્ઠ માધ્યમ એટલે વાર્તા. વાર્તા એ બાળજીવનનું અભિન્ન અંગ છે. વાર્તા દ્વારા બાળકની કલ્પના શક્તિ, સ્મરણ શક્તિ અને શ્રાવણ શક્તિ વધુ સતેજ બને છે. વાર્તામાં આવતી સમસ્યાઓ માંથી જ એને જીવનની સમસ્યાઓના રસ્તા મળી જાય છે અને એ વાર્તા જો વિવિધ પ્રોપ્સ અને અભિનય દ્વારા દર્શાવવામાં આવે તો બાળક વાર્તા એકાગ્રતાથી અને શાંતચિતે સાંભળે છે તેમજ બાળકને વાર્તામાં આવતા વિવિધ પાત્રોની ઓળખ થાય છે અને બાળકમાં વાર્તા દ્વારા નૈતિકમૂલ્યોનું સિંચન થાય છે. અમારા બાલભવનમાં શિક્ષકો માટે ‘વાર્તા સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકોએ પોતાની વાર્તાને અનુરૂપ વિવિધ પ્રોપ્સ અને અભિનય દ્વારા વાર્તા રજુ કરી હતી.