gajeravidyabhavanguj
દ્રશ્યકલા દ્વારા શિક્ષણ
જે કલા દૃષ્ટિ વડે જોઈ શકાય તે તમામ કલાઓને દ્રશ્ય કલા તરીકે ઓળખવામાં આવે છે. દ્રશ્ય કલાએ દૃષ્ટિગોચર થઈ શકે તેવી કલાઓનો સમૂહ છે. કે જેમાં ચિત્ર, રંગચિત્ર, શિલ્પ, ચલચિત્ર, રંગોળી, ભરતકામ ફોટોગ્રાફી નો સમાવેશ કરી શકાય. દ્રશ્યકલાઓ એક કરતાં વધુ કલાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
દ્રશ્ય કલાઓ સ્થાયી છે, અને તે લાંબા સમય સુધી લોકોને મનોરંજન આપતી રહે છે. દ્રશ્યકલાઓમાં સૌંદર્ય, રંગ, આકાર અને સ્વરૂપની વિશેષતાઓ જોવા મળે છે. દ્રશ્યકલાએ અભિવ્યક્તિનું માધ્યમ છે અને જે બાબત અનેક શબ્દો દ્વારા વર્ણવવી અસંભવ હોય તેવી બાબતોને પણ ખૂબ જ સહજતાથી અભિવ્યક્ત કરી શકે છે.
શાળા શિક્ષણમાં દ્રશ્યકલા ખૂબજ મહત્વની ભૂમિકા ભજવે છે વિદ્યાર્થીઓ દ્રશ્યકલાના માધ્યમથી શિક્ષણ પ્રાપ્ત કરે છે ત્યારે તેઓ અત્યંત અસરકારક રીતે શીખવા સમર્થ બને છે.
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે તો દ્રશ્યકલાને શિક્ષણનું મૂળભૂત સોપાન ગણાવીને તેમની શિક્ષણ પ્રક્રિયામાં શિલ્પ અને ચિત્ર જેવી દ્રશ્યકલાને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે.
દ્રશ્યકલાના કારણે બાળકો અત્યંત આનંદપૂર્વક અધ્યયન પ્રવૃત્તિમાં સક્રિય બને છે. અને પોતાના શિક્ષણ ને વધુ ઊંડાણપૂર્વક પ્રાપ્ત કરવા સમર્થ બને છે. આ પ્રકારની કલાઓ દ્વારા જયારે શિક્ષણ આપવામાં આવે છે ત્યારે ભાષા દ્વારા આપવામાં આવતી સમજમાં રહી જતી કચાસ આપોઆપ દૂર થાય છે.
બાળકો જાતે શીખવાનો પ્રયાસ કરે છે. આ રીતે વિદ્યાર્થીઓની સર્જન શક્તિનો વિકાસ થાય છે દ્રશ્યકલા દ્વારા શિક્ષણની સંકલ્પનાને ખરા અર્થમાં લાગુ પાડવામાં આવે તો બાળકોને સર્જનાત્મક કામગીરી મળી રહે છે અને શિક્ષણમાં હળવાશ બને છે.