top of page
  • Writer's picturegajeravidyabhavanguj

દિપોનો પાવન પર્વ દિપોત્સવ

Updated: Oct 19, 2022


'ઉત્સવ એટલે ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ'

ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે "જીવન એક ઉત્સવ છે"

ભારત સંસારની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. આપણે ત્યાં ઉત્સવોની ઉણપ નથી. ભારત અને ઉત્સવોનો ગાઢ નાતો છે. પર્વ-તહેવાર આપણા જીવનને ઉમંગથી ભરી દે છે. જીવનની જડતા ઉત્સાહમાં બદલાય છે. આપણા પૂર્વજોએ ઉત્સવનું જીવન દર્શન આપીને આપણા ઉપર કર્યો છે. જીવનમાં ઉત્સવનો અર્થ છે-આનંદનો જીવનમાં પ્રવેશ અને આવો જ આનંદ ઉત્સાહ, ઉમંગ અને ઉજાસનો તહેવાર એટલે દિવાળી

દિવાળી કે જેને ‘દિપાવલી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિપાવલીનો અર્થ થાય છે દિવાઓની હારમાળા. હિન્દુ માન્યતાઓ અનુસાર દિવાળીના દિવસે ભગવાન રામ ૧૪ વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા હતા. ત્યારથી આજદિન સુધી દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશના વિજય તરીકે ઉજવવામાં આવે છે.

દિવાળીનો તહેવાર સાંસ્કૃતિક અને સામાજિક સમરસતાનું પ્રતિક છે. આપણા અંદરના અંધકારને દુર કરીને સમગ્ર વિશ્વને પ્રકાશમય બનાવાનો આ તહેવાર દીપ, પ્રેમ અને સુખ-સમૃદ્ધિ દર્શાવે છે. દિવાળીનો ઉત્સવ, અગિયારસ, વાકબારસ, ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ એમ સાત દિવસ ઉજવાય છે.

“દિવાળી રે દિવાળી...શું શું લાવી દિવાળી,

ઝગમગતા દિવાઓ લાવી, સુરજનું અજવાળું લાવી,

ભાતીગળ રંગોળી લાવી, રસઝરતી મીઠાઈઓ લાવી,

ખજાનો ખુશીઓનો લાવી, ઉમંગનો અવસર લઈ આવી...”

દિવાળી એટલે લક્ષ્મી અને સરસ્વતી, રોશની અને રંગોળી, આતશબાજી અને ખાણીપીણીનો તહેવાર, આનંદ પ્રમોદથી આધ્યાત્મિકતા અને સબંધો થી લઈને શ્રધ્ધા સુધીના અનેક રંગો આ તહેવારમાં છલકાય છે.

દિવાળીની પરંપરાગત રૂપે થતી ઉજવણીથી બાળકો પરીચિત થાય એ હેતુથી અમારી શાળામાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના પર્વ નિમિત્તે જુ.કેજી ના બાળકો માટે દીવા ડેકોરેશન સ્પર્ધા અને સિ.કેજી ના બાળકો માટે રંગોળી સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો તેમજ બાળકો દિવાળી કાર્ડ, તોરણ અને દિવા ડેકોરેશન, પ્રોજેક્ટ કાર્ય ઘરેથી જ કરીને આવ્યા હતા. એસેમ્બલી દ્વારા બાળકોને દિવાળીની ઉજવણીની સમજ આપવામાં આવી હતી.

દિવાળીમાં ફટાકડાના ઘોંઘાટ અને ધુમાડાથી પશુ-પક્ષી ને થતી હેરાનગતિ અને પર્યાવરણને થતા નુકશાનની સમજ બાળકો દ્વારા જ નાટ્યરૂપે આપવામાં આવી હતી. બાળકો ઘરનો જ પરંપરાગત બનાવેલો નાસ્તો ખાતા શીખે તે માટે ડબ્બા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો પોતાના ઘરે જ બનાવેલો નાસ્તો લઈને આવ્યા અને પોતાના સહઅધ્યાય સાથે ડબ્બા પાર્ટીની મજા માણી હતી.

“રંગભરી રંગોળી પૂરી, ભરીયો આંગણ ચોક,

સાલમુબારક કહું છું તમને, ગામતણા સહુ લોક”

આ દિવાળી રાગદ્રેષ, વેરઝેરને જીવનમાંથી દુર કરીએ અને પ્રેમ, શ્રધ્ધા, ઉત્સાહ,જ્ઞાન અને સેવા રૂપી દિવડાઓથી જીવનને ઉજાસીત કરીએ. અમારા આચાર્યાશ્રી તેમજ સમગ્ર ગજેરા પરિવાર તરફથી આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ.


472 views0 comments
bottom of page