gajeravidyabhavanguj
"દાદા-દાદી એટલે સંસ્કારો અને સંસ્કૃતિનું સિંચન કરનાર એક અનમોલ રત્ન"

“જૂની રીત ને નવો માર્ગ,
સંસ્કારોનું સિંચન ને અઢળક વ્હાલ,
જેની ધૂંધળી આંખોમાં છલકાતો પ્રેમ,
કરચલી યુક્ત હાથોની મનમોહકવાનગી,
વધતી વયે પણ અડગ આત્મવિશ્વાસ
પરિવારને જોડી રાખતું વ્યક્તિત્વ એટલે દાદા-દાદી”

સફેદ વાળ, બોખું મોઢું, જાડા કાચના ચશ્માં અને વાંકી વળી ગયેલી કમ્મરમાં પણ જે જાજરમાન લાગેને એ આપણા દાદા અને જે સ્વરૂપવાન લાગેને તે છે આપણા દાદી.
કહેવાય છે કે વીતેલા દિવસો ક્યારેય પાછા નથી આવતા! પરંતુ આવે છે ચોક્કસ આવે છે. દાદા-દાદી પાસે અનુભવોથી ભરેલું જીવન હોય છે. સંસ્કારોથી વિકસીત હૃદય હોય છે અને તેથી બાળકોને સંસ્કારોની સાથે જીવનલક્ષી જ્ઞાન પણ મળે છે. દાદા-દાદી સાથે વિતાયેલો સમય આપણા જીવનમાં સૌથી યાદગાર પળ માંથી એક છે. બાળપણને સુખદ બનાવવા માટે દાદા-દાદી અથવા નાના-નાની ની ભૂમિકા ખુબ જ મહત્વની હોય છે.
જે બાળકો પોતાના દાદા-દાદી સાથે રહે છે. તેમની એક અલગ જ સમજ અને એક વિશેષ પ્રકારની સંવેદના હોય છે. એ બાળકો હંમેશા ખુશ, મિલનસાર અને વસ્તુઓને શેર કરનાર હોય છે. પરિવારમાં રહેવાથી તેમનામાં દરેકની ભાવનાઓનું સન્માન કરવાની એક વિશેષ કળા હોય છે.
દાદા-દાદી વિશ્વાસ, પ્રેમ અને પ્રાથમિક શાળા ના સ્તંભના રૂપે કાર્ય કરે છે. ધીરજ, શાંતિ, સમાધાન, મૌન, નમ્રતા, જતું કરવું, વડીલોને આદર આપવો જેવા ગુણો બાળકોને પાઠશાળા સાથે તેમના દાદા-દાદી પાસેથી મળે છે. દાદા-દાદી પાસે તેમના જીવનના સુખ-દુઃખ તેમજ અનુભવોનું ભાથું હોય છે.
દરેક કુટુંબના વડીલોની જવાબદારી પરિવાર માટે નૈતિકતા અને આપણા રાષ્ટ્રના પરંપરાગત મુલ્યોને તેમના બાળકોને આપવાના હોય છે. તેમને આપેલા યોગદાન અને બલિદાનોને કારણે જ આજે આપણે પ્રગતિનો આનંદ માણી શકીએ છીએ. તેથી જ તેમના પ્રત્યે સન્માન અને આભાર વ્યક્ત કરવા માટે દર વર્ષે સપ્ટેમ્બરના બીજા રવિવારને દાદા-દાદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દાદા-દાદી અને બાળકો વચ્ચેનો પ્રેમનો સબંધ વધુ મજબુત બને એ માટે આજરોજ અમારા બાલભવનમાં દાદા-દાદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો પોતાના દાદા-દાદીની સાથે શાળામાં આવ્યા હતા. દાદા-દાદી માટે ખુબ જ સુંદર ડાન્સ કર્યો. દાદા-દાદીએ પોતાના બાળકો સાથે રમતો રમી પોતાના બાળપણને યાદ કર્યુ હતું અને પોતાના જીવનના અનુભવ બીજા સાથે શેર કરી પોતાના અનુભવોનું ભાથું બાળકોને આપ્યું હતું.
“કોઈક વાર વ્હાલ બનીને, તો કોઈકવાર ઢાલ બનીને,
તો કદી જીવનની રાહ બનીને, તો કદી મીઠી યાદ બનીને...”
આપનો પ્રેમાળ સાથ સદાય અમારી સાથે રહે એવી જ પ્રભુને પ્રાર્થના...
